યુવાન સંન્યાસી અને સ્ત્રી
યુવાન સંન્યાસી અને સ્ત્રી
બે બ્રહ્મચારી સાધુઓ પગપાળા એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં એક નદી આવી. નદીના કિનારે એક યુવાન સ્ત્રી ઊભી હતી. સ્ત્રીએ સાધુઓને વિનંતી કરી કે નદી પાર કરવા માટે કોઈ નાવ નથી એટલે તેને સામે પાર જવા માટે મદદ કરો. બન્ને સાધુઓમાંથી જે યુવાન સંન્યાસી હતો તેણે પેલી મહિલાને ખભે ઊંચકીને નદી પાર કરાવી દીધી. બન્ને સાધુઓ આગળ ચાલ્યા.
થોડો સમય થયો એટલે વૃદ્ધ સાધુથી રહેવાયું નહીં. તેણે પેલા યુવાન સંન્યાસીને ટોણો મારતાં કહ્યું કે 'તેં સ્ત્રીને ખભે ઊંચકી એટલે તારું બ્રહ્મચર્ય વ્રત તૂટી ગયું હતું. ધર્મ ભ્રષ્ટ થઈ ગયો.'
યુવાન સંન્યાસીએ જવાબ આપ્યો કે 'મેં તો એ સ્ત્રીને કિનારે જ ઉતારી દીધી હતી, તમે હજી તેને મનમાં ઊંચકીને ચાલી રહ્યા છો.'
અદ્ભુત વાર્તા છે. આ વૃદ્ધ સાધુએ હજી એ ભાર ઊંચકેલો હતો. તેના ખભા પર હતી એ સ્ત્રી. તેનું મન એ જ વિચાર કરતું હતું. પેલો યુવાન સાધુ તો ક્ષણમાં જીવતો હતો. સ્ત્રી જ્યારે તેના ખભા પર હતી ત્યારે જ હતી, કિનારે મૂકી અને મુક્ત. ન તેને સ્ત્રીને ઉઠાવવાનો આનંદ હતો, ન છોડવાનું દુ:ખ. કેટકેટલું ઠાંસી રાખીએ છીએ આપણે મનની અંદર. એમાં ને એમાં જ ભટકતા રહીએ છીએ આપણે.
