દિકરી
દિકરી
પૂનાની એક હોસ્પિટલ પાસેની સાઈટ પર કામ કરતો એક મજૂર ઇમરજન્સીમાં એની ગર્ભવતી પત્નીને લઈને હોસ્પિટલ આવ્યો. ડો. ગણેશ રાખે એ સ્ત્રીને તપાસીને કહ્યું, "મા અને બાળકને બચાવવા તાત્કાલિક સીજેરીયન કરવું પડશે." પેલા મજુરને એક ક્ષણ માટે એમ થયું કે હું બહુ મોટા ખર્ચના ખાડામાં ઉતરી જઈશ પરંતુ બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે એમણે ડોક્ટરને ઓપરેશન કરવા માટે અનુમતિ આપી.
ઓપરેશન સફળ રહ્યું અને એક ફૂલ જેવી કોમળ દીકરીનો જન્મ થયો. મજૂર માટે સૌથી મોટો પ્રશ્ન બિલ ચૂકવવાનો હતો. જ્યારે એ ડોક્ટર ગણેશને મળ્યો અને કેટલું બીલ થશે તે અંગે પૃચ્છા કરી ત્યારે ડોક્ટર ગણેશે હસતા હસતા કહ્યું, 'જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે હું કોઈ ફી લેતો નથી' વાત સાંભળીને મજુરને આશ્ચર્ય થયું.
ડોક્ટરે સ્પષ્ટતા કરતા કહ્યું 'દરેક દીકરી લક્ષ્મીનો અવતાર છે, લક્ષ્મીજીના અવતરણ વખતે રૂપિયા કેવી રીતે લેવાય ? હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે મારી માતાએ મને કહ્યું હતું કે ભગવાન જ્યારે દીકરીને આ જગતમાં મોકલે ત્યારે તેને અને તેના પરિવારને તારાથી જે મદદ થાય તે મદદ કરજે. મારી માતાની આજ્ઞાને શિરોમાન્ય કરીને હું દીકરીના જન્મ વખતે કોઈ રકમ લેતો નથી.'
મજૂર તો સીધો ડોક્ટર ગણેશના પગમાં જ પડી ગયો અને કહ્યું 'આપ સાચા અર્થમાં ભગવાનનું સ્વરૂપ છો.' ડોક્ટર ગણેશે પોતાની હોસ્પિટલ શરૂ કરી તેને એક દાયકો થઈ ગયો. દસ વર્ષમાં એમની હોસ્પિટલમાં લગભગ 1000 જેટલી દીકરીઓનો જન્મ થયો છે અને કોઈ દીકરીના માતા-પિતા પાસેથી એક પૈસો પણ હોસ્પિટલ ચાર્જ પેટે લેવામાં આવ્યો નથી.
ડોક્ટર ગણેશ રાખ ખરા અર્થમાં ગણેશજીનું જ સ્વરૂપ છે. સમગ્ર વિશ્વમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણેશજીના સ્વરૂપ સમાન આ ડોક્ટરને શત શત નમન.
ગાફેલ
