શ્રી શંકરલાલ બેંકર અને ગાંધીજી
શ્રી શંકરલાલ બેંકર અને ગાંધીજી
ગાંધીજી આફ્રિકાથી હિન્દ આવ્યા પછી પહેલી વાર જેલમાં ગયા ત્યારે આપણા દેશના ખેડૂતની જેમ સવારે વહેલા ચાર વાગ્યે ઊઠતા અને આખો દિવસ કામ કરતા. આમજનતા પરિશ્રમ કરીને પરસેવાનો રોટલો ખાય છે એની સાથે પોતાનું તાદાત્મ્ય સાધવા ચાર કલાક રેંટિયો કાંતવાનું અને બે કલાક પીંજવાનું એમ રોજ છ કલાક શ્રમકાર્ય કરતા.એમની સાથે જેલમાં શ્રી શંકરલાલ બેંકરને મૂકવામાં આવ્યા ત્યારે એમને માટે ગાંધીજીએ તરત સમયપત્રક ગોઠવી આપ્યું. શંકરલાલભાઈ પણ બે કલાક કાંતતા. શંકરલાલભાઈને છૂટવાનો સમય આવ્યો. બાપુએ એમને જેલના સહવાસમાં એક રીતે નવું જીવન જ આપ્યું હતું. ગદ્ગદભાવે તેઓ એ વિશે બોલી રહ્યા હતા.સાંભળીને બાપુ કહે: અહીંના મારી સાથેના જીવનથી તમને લાભ થયો છે એમ લાગે તો બહાર જાઓ ત્યારે અહીંના આ જીવન વિશે લોકોને વાત કરજો. "જરૂર, એ વિશે સૌને વાત કરીશ જ. એથી એમને લાભ પણ થશે એમ માનું છું.”ત્યાં ગાંધીજીએ તરત પ્રશ્ન કર્યો : એ વાત સાંભળી લોકો શું કહેશે તે જાણોછો ને?"“એનો વિચાર મેં કર્યો નથી.”મનુષ્ય-સ્વભાવને, મનુષ્યની કમજોરીઓને બાપુ બરોબર ઓળખે. મહાજનોને અનુસરવા કરતાં માન આપીને અભરાઈએ ચઢાવી દેવામાં મનુષ્ય પાવરધો છે. બાપુએ કહ્યું: જુઓ હું કહું. લોક તો કહેશે કે, એ તો મહાત્મા રહ્યા. એવું જીવન તેઓ જ જીવી શકે. અમારાથી થોડું એવું કંઈ થઈ શકે? શંકરલાલભાઈના મનમાં એ વાત ઊતરી: ખરું છે. લોકોને એમ લાગે ને એમ જ કહે.બાપુ: તો તમે એ વિશે એમને શું કહેશો?શંકરલાલભાઈ : એ બાબતનો મેં કશો વિચાર કર્યો નથી, એટલે હું શું કહું?બાપુએ એમને કહ્યું : કોઈ તમને એમ કહે તો કહેજો કે હું કાંઈ પહેલેથી મહાત્મા જન્મ્યો નહોતો. મારામાં પણ અનેક દોષો હતા અને તે દૂર કરવા કાળજીપૂર્વક સતત પ્રયત્ન કરતો રહ્યો. વાણિયો જેમ અડધી અડધી એકઠી કરી શાહુકાર બને તેમ સદ્- ગુણો કેળવતો ગયો અને આજે સ્થિતિ એવી થઈ છે કે લોકો મને મહાત્મા કહે છે. જો કે એનાથી હું હજીયે ઘણો દૂર છું. એટલે સર્વે માણસો માટે એ ધોરી માર્ગ છે ને દરેક જણ વિચાર કરીને શ્રદ્ધાપૂર્વક દૃઢતાથી એ દિશામાં પ્રયત્ન કરે તો જરૂર આગળ વધી શકે.
ગાફેલ
