યતો ધર્મ તતો જય
યતો ધર્મ તતો જય


એ સમયની વાત છે જયારે મહાભારતના ભીષણ યુદ્ધનો અંત આવ્યો હતો, અને પાંડવ પત્ની દ્રૌપદી, પોતાના બગીચામાં બેસીને જૂની યાદો અને વિચારોનું સ્મરણ કરતા હતા.
બરાબર એ જ સમયે દ્રૌપદીજીને બચાવનાર, તેમના રક્ષક એવા શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા.
ભગવાન કૃષ્ણ: સખી ! તમે આટલા બધા દુઃખી કમ દેખાઈ રહ્યા છો? તમને કોઈ ચિંતા સતાવી રહી છે? તમારે તો ઉલટાનું ખુશ થવું જોઈએ કે આખરે તમે તમારા અપમાનનો બદલો લઇ લીધો !
દ્રૌપદી: હે ગોવિંદ, તમે જાણતા હોવા છતાં પણ અજાણ થઇ રહ્યા છો? હા, મારો બદલો લેવાઈ ગયો છે અને બધી પ્રતિજ્ઞાઓ પણ પૂર્ણ થઇ ગઈ છે. પણ છતાં, હું ખુશ નથી. મારા મનમાં એક પ્રશ્ન છે. અને હું તમને એ પ્રશ્ન પૂછવા માંગુ છું. પણ એ શરતે કે તે પ્રશ્નનો તમારે એકદમ પ્રામાણિક અને સત્ય જવાબ આપવો પડશે.
ભગવાન કૃષ્ણ: હા, સખી એકદમ નિશ્ચિંન્ત થઈને પૂછો.
દ્રૌપદી: હે, દ્વારકાધીશ. તમે મહાભારતના આ યુધ્ધમાં સેનાની આગેવાની કરી. દરેક યુક્તિનો પ્રયોગ કરીને પાંડવોનો વિજય કરાવ્યો. અને એ પણ સાબિત કરી બતાવ્યું કે, હંમેશા ધર્મનો જ વિજય થાય છે. પણ, જયારે પુરી સભામાં દુ:શાસને મારુ હરણ કર્યું, ત્યારે અંત ઘડીએ જ તમે કેમ મારો બચાવ કરવા આવ્યા? જયારે દુ:શાસન મારી પાસે આવી રહ્યો હતો, ત્યારે અગાઉથી જ તમે કેમ દુ:શાસન ને રોક્યો નહિ ? જો તમે આવું કર્યું હોત, તો આ મહાન યુદ્ધની શરૂઆત જ ન થાત. અને આ બધી જાનહાની ને રોકી શકાઈ હોત. તો તમે શા માટે જાણીને જોઈને પણ આ કદમ ન ઉઠાવ્યું ?
ભગવાને ચહેરા પર સ્મિત વાળ્યું અને ઉત્તર આપતા કહેવા લાગ્યા.
ભગવાન કૃષ્ણ: મેં ભૂલ નથી કરી. જયારે દુ:શાસન તમારી તરફ આવી રહ્યો હતો, ત્યારે પહેલેથી જ તમારે મારુ સ્મરણ કરવું જોઈએ હતું. પણ એવું ના કરતા, તમે તમારી પોતાની શક્તિમાં વિશ્વાસ મુક્યો અને સામી લડત આપવાની કોશિશ કરી. તેમ છતાં પણ દુ:શાસન જ્યારે તમને સભાની વચ્ચે ખેંચીને લાવ્યો, ત્યારે તમે મારા સિવાય બીજા બધાને મદદ કરવા માટે વિનંતી કરી. અને અંતે જયારે તમને લાગ્યું કે ત્યાં ઉપસ્થિત કોઈ પણ વ્યક્તિ મદદ કરવાને સક્ષમ નથી ત્યારે તમે મને યાદ કર્યો. અને એટલે જ હું ત્યારે મદદ કરવા માટે પહોંચ્યો હતો. યાદ રાખજો કે હું વૈકુંઠમાં કે પછી દ્વારકામાં નથી બિરાજતો, પણ એક સાચા ભક્તના હૃદયમાં બિરાજું છું. જો તમે પહેલેથી જ સાચા હૃદયથી મને પ્રાર્થના કરી હોત, તો મેં ત્યારે જ તમને બચાવી લીધા હોત.
આ સાંભળ્યા પછી દ્રૌપદીજી પરમાત્મા એવા શ્રી કૃષ્ણના ચરણોમાં પડી ગયા.
- હંમેશા ભગવાનને તમારા હૃદયથી યાદ કરો, નહિ કે તમારી જરૂરિયાતને તમારા મિજાજથી.