શાપિત હીરો: હોપ ડાયમંડ (ભાગ 2)
શાપિત હીરો: હોપ ડાયમંડ (ભાગ 2)
દેશમાં કાવતરા કરી રહેલા યુવાન વર્ગે હમીદ ને ૨૭ એપ્રિલ, ૧૯૦૯ ના રોજ ગાદી પરથી પદભ્રષ્ટ કર્યો. અને મર્યો ત્યાં સુધી સમુદ્રધુનીના કિનારે એક મકાનમાં નજરકેદ રાખ્યો. અને તેની સાથે જ ૫૦૦ વર્ષ જુના ઓટોમાન સામ્રાજ્યનો દુઃખદ અંત આવ્યો. સત્તા પલટો થતા, સુલતાનનો નિજી ખજાનો વેચી દેવામાં આવ્યો. તેમાં જ રહેલો હોપ ડાયમંડ, પિયર કાર્ટીએ નામના એક ફ્રેન્ચ ઝવેરીએ ખરીદ્યો. પિયર પણ હીરાની અપશુકનિયાળ હોવાની ખબરથી વાકેફ હતો. આથી પૈસા કમાવવાની લાલચે ખરીદેલા હીરાને તે વહેલામાં વહેલી તકે વહેંચી દેવા માંગતો હતો. આ ખરીદદાર તેને ૧૯૧૧ માં, અમેરિકાના એક પ્રખ્યાત અખબાર "ધ વોશિંગ્ટન પોસ્ટ", ના માલિકના સ્વરૂપમાં મળ્યો. તેનું નામ હતું, એડવર્ડ મેક્લીન.
હીરાની વહેંચણી માટે અમેરિકાની એક હોટેલ પસંદ કરાઈ. વહેંચાણ પક્ષમાંથી કાર્ટીએ અને ખરીદ પક્ષમાંથી એડવર્ડ મેક્લીન અને તેની પત્ની ઈવાલીન આવ્યા હતાં. કાર્ટીએ એ હીરાજડિત નેકલેસ એડવર્ડ ની સામે મુક્યો. હીરો સારો હતો પણ એ નેકલેસ પહેલા ઘણી સ્ત્રીઓએ પહેરી લીધો હતો. આથી ઈવાલીન પોતે એ નેકલેસ થી થોડી નાખુશ હતી. ઈવાલીન ના કહેવા પહેલા જ કાર્ટીએ તેણીના આ વિચારોને પામી ગયો. અને કઈ પણ કહ્યા વગર એ મિટિંગને ત્યાં જ અટકાવીને પોતે ફ્રાન્સ પરત ફર્યો. પોતાને હીરાની જંગી કિંમત જોઈતી હતી. અને એ માટે જ તેણે આટલું બધું જોખમ ઉઠાવ્યું હતું. પોતાને જોઈતી કિંમત, લખપતિ એવા એડવર્ડ સિવાય કોઈ આપે શકે તેમ નહતું, એ વાત પણ તે બરોબર જાણતો હતો. આથી પોતાની ઓળખાણવાળા એક કારીગર પાસે તે નેકલેસ ને લઈ ગયો. મૂળ રૂપ ના એ નૅકલેસને તોડી, ત્રણ-ત્રણ હીરાની હારમાળા સાથે એક નવો હાર બનાવ્યો. અને વચ્ચે નીચે પેન્ડન્ટ તરીકે ડાયમંડ રહે તેવી ગોઠવણી કરી. હવે તેને ભરોસો હતો કે, ઈવાલીનને આ નેકલેસ જરૂર ગમશે. તેથી પોતાની કિસ્મત આજમાવવા માટે થોડા મહિનાઓ પછી ફરી પાછો તે અમેરિકા પહોંચ્યો. વળી પછી એક મિટિંગ ગોઠવાઈ. પણ આ વખતે નવો નેકલેસ જોઈને ઈવાલીન ના ચહેરા પર કંઈક અલગ ભાવ જ દેખાતા હતાં. અને કાર્ટીએના સમજવા મુજબ એ ખુશી અને રોચકતાના ભાવો હતાં. આથી કાર્ટીએ ખુશ થઈ ગયો અને પોતાની જીત પાક્કી કરવા માટે, તેણે વધુ એક વ્યૂહાત્મક પગલું ત્યારે જ ભરી લીધું. તેણે ઈવાલીનને એ નેકલેસ કઈ પણ કહ્યા વગર થોડા સમય માટે એમનેમ પહેરવા આપ્યો, અને જણાવ્યું કે જો તેણીને નેકલેસ ગમે તો જ આ સોદો નક્કી થશે. પોતની ચાલ ચાલીને તેણે અમેરિકા થી વિદાઈ લીધી. કાર્ટીએ ની ચાલ તો મજબૂત હતી જ સાથે તેનું પરિણામ પણ ધાર્યા પ્રમાણે સચોટ આવ્યું. ઈવાલીન ને એ નેકલેસ ખુબ જ ગમી ગયો અને ખરીદી માટે પોતાની મંજૂરી આપી દીધી. ઘણાં વર્ષો પછી લખેલી પોતાની આત્મકથા માં તેણીએ લખ્યું કે, "રાત્રે વારંવાર જાગીને મેં હોપ ડાયમંડ ને હાથમાં લીધો. આ હીરો શુભ છે કે અશુભ તેની પરવા કર્યા વગર છેવટે તેને પહેરીને મારા ભાગ્ય ને તેના હવાલે કરી દીધું."
આમ છેવટે હોપ ડાયમંડ નો સોદો પુરા ૧,૮૦,૦૦૦ ડોલરમાં નક્કી થયો. કાર્ટીએ આ જંગી રકમ લઈને પોતાના ઘરે જતો રહ્યો જયારે મેકલિન દંપતી પોતાના ઘરે. મેક્લીન દંપતી, પોતે ઈચ્છત તો બીજા ઘણા મોંઘા હીરાઓ ખરીદી શકત. કારણ કે કોહિનૂરની સરખામણીમાં આ હીરો નાનો હતો. છતાં પણ એનો રંગ ખુબ જ અલગ હતો. ભૂરા રંગનો આવો નીલમણિ એ સમયે મળવો એ લગભગ અશક્ય જેવું હતું. અને વળી આટલી મોટી કિંમત નો હીરો હોવાથી પોતે ખુબ જ મોંઘો હીરો ખરીદ્યો છે એ અહમ ની લાગણીથી જ તેઓ ખુશ હતાં, અને એટલે જ આ સોદો નક્કી કર્યો હતો.
તો હવે પરંપરા મુજબ હીરાના મલિક મેક્લીન દંપતી હતાં આથી હોપ નો જાદુ તેમના પર ચાલવાનો હતો. આ જ પગલે તેમના પર પ્રથમ આફત આવી ૧૯૧૮ માં. એડવર્ડ અને ઈવાલીન ત્યારે એક ડર્બી રેસ જોવા ગયા હતાં અને એમની સાથે એમનો નવ વરસ નો પુત્ર વિન્સન પણ હતો. બંને રેસ જોવામાં મશગુલ હતાં, ત્યારે અચાનક વિન્સન અંગરક્ષકોનું ધ્યાન ચૂકવીને સામે રહેલા ટ્રાફિક વાળા રસ્તા પર ચાલ્યો ગયો. અને પુરપાટ ઝડપે આવતી એક કારે તેને કચડી નાખ્યો. વિન્સન પછી હીરાનો શિકાર બન્યા તેના પિતા, એડવર્ડ મેક્લીન. એડવર્ડ નું અખબાર "ધ વોશિંગ્ટન પોસ્ટ" સરકાર તરફી હતું. આથી લોકો માં તે તિરસ્કાર ને પાત્ર બન્યું. તિરસ્કાર એટલી હદે વધ્યો કે અખબાર બંધ થવાની અણી પર હતું, આથી નાણાકીય સ્થિતિ પણ ખુબ જ કથળી. લગભગ ૧૯૩૦ સુધીમાં તો દેવાનું ભારણ એટલી હદે વધ્યું કે અદાલતે કંપની ની ફડચાની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. ફડચાની કાર્યવાહી, જેને અંગ્રેજી માં "લિક્વિડેશન" કહેવાય છે. એ પ્રમાણે કંપનીનો હોદ્દેદાર, કંપની બંધ થયા પહેલા જ દેવું ચૂકવવા માટે તેને વહેંચી શકે છે. આમ દેવું ચૂકતે કરવાના ચક્કરમાં એડવર્ડ અખબારની માલિકી ખોઈ બેઠો. કંગાળ અને જિંદગીથી હતાશ થઈને તેણે પત્ની ઈવાલીન ને છોડી દીધી. દારૂ ની લતે ચડ્યો અને છેવટે એક ધર્માદા ના સેનેટોરિયમ માં રહ્યો ને ત્યાંજ નિર્ધન દશાએ મરી ગયો. પુત્ર અને પતિ બંને ગુમાવ્યા બાદ હવે વારો હતો ઈવાલીનનો.
ઈવાલીનની પોતાની પાસે કોઈ આવક નું સાધન ન હતું, છતાં પણ પોતાની સુખી અને ખર્ચાળ રહેણીકરણી ને તે વળગી રહી. મોજ શોખ માટે જમીન અને આભૂષણો ને ગીરવી મૂકીને લાખો ડોલરોનું દેવું માથે કર્યું. બરાબર ત્યારે જ ઈ.સ. ૧૯૪૬ માં તેની પચ્ચીસ વર્ષની દીકરીનું સ્લીપિંગ પીલ્સ એટલે કે ઊંઘની દવાના ઓવરડોઝ ના કારણે મૃત્યુ નીપજ્યું. વહાલી દીકરીના મોત નો તેને વસ્મો આઘાત લાગ્યો, અને તેના બીજે જ વર્ષે તેનું પણ અવસાન થયું. આશરે ૨૦ વરસ સુધીમાં તેણે લીધેલી તમામ ઉધારી ને ચૂકતે કરવા માટે, તેના આભૂષણો અને હીરાઓને હરાજીમાં મુકાયા, જેમાં કુખ્યાત હોપ ડાયમંડ નો પણ સમાવેશ થતો હતો. હોપ પછી ઈવાલીન નો બીજા નંબર નો મોંઘો હીરો હતો ૯૪.૮ કેરેટ નો "સ્ટાર ઓફ ધ ઈસ્ટ", ત્રીજો ૩૧ કેરેટ નો "મેક્લીન ડાયમંડ" અને ચોથો હતો ૧૫ કેરેટ નો "સ્ટાર ઓફ ધ સાઉથ". જયારે ૧૦ કેરેટ થી ઓછી કિંમતના તો ડઝન જેટલા હીરાઓ હતાં.
હોપ નો લગભગ ૩૦૦ વર્ષ જૂનો ભૂતકાળ અને વર્તમાન પ્રભાવ જોતા, તેનો કોઈ યોગ્ય ખરીદદાર મળી રહે તે મુશ્કેલ હતું. છતાં પણ અંધકારમાં રોશનીની કિરણ જેવો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના ધરાવતો ડાયમંડ કિંગ હેરી વિન્સ્ટન, હોપ સહીત આ બધા હીરાઓ ને પુરા ૧૧,૦૦,૦૦૦ ડોલર માં ખરીદી ગયો.
હેરી પોતે શુકન-અપશુકન માં માનતો ન હતો છતાં પણ, તેણે હોપ ને પોતાની નિકટ ક્યારેય ન આવવા દીધો! હોપ સિવાયના બીજા બધા હીરાઓ ને છૂટક રીતે વહેંચી ને ૨૦,૦૦,૦૦૦ લાખ ડોલર ઉપજાવ્યા. અને છેલ્લે બાકી રહેલા હોપ વિષે તેણે વિચાર કર્યો અને સમાજ સેવા ના કાર્ય માટે નાણાં ઉઘરાવવાના બહાને તેણે હોપ નું પ્રદર્શન યોજવાનું નક્કી કર્યું. અમેરિકામાં આવેલા દરેક મુખ્ય શહેર માં તે હીરાને ફેરવવાનો હતો અને પૈસા એકઠા કરવાનો હતો. આ યોજનાના પગલે પ્રથમ પ્રદર્શન તેણે ન્યૂ યોર્ક માં ગોઠવ્યું. પહેલા જ દિવસે અધધ એવી ૧૦,૦૦૦ લોકોની ભીડ જામી. હીરાનો આકાર તથા દેખાવ તો સુંદર હતો જ પણ લોકોને સૌથી વધારે રસ હતો તેની સાથે જોડાયેલી સસ્પેન્સ અને ગૂઢ વાયકાઓમાં. લોકોને શાપિત કરી દેતો અને અકાળે મૃત્યુ ને હવાલે કરતા એ હોપ ડાયમંડ ને જોવા આવતી પબ્લિક સાથે ત્યાંના અખબાર અને ન્યૂઝ ચેનલોએ પણ તેને અપશુકનિયાળ અને કુખ્યાત ની નામના આપી દીધી.
બધા અગ્રગણ્ય શહેરોનો વારો આવતા અને પ્રદર્શનમાંથી કમાણી કરતા, હેરી ને પુરા નવ વરસ લાગી ગયા અને આ દરમિયાન આપણા હોપ ડાયમંડે પુરા ૬.૫ લાખ કિલોમીટર નો પ્રવાસ ખેડ્યો. હેરી વિન્સ્ટને આ પુરી યાત્રા દરમિયાન ૧૦,૦૦,૦૦૦ લાખ ડોલર નું ભંડોળ એકઠું કર્યું, અને ઈવાલીન ના આભુષણોમાંથી પુરા ૧૯,૦૦,૦૦૦ ડોલર નો નફો કર્યો ! આ સાથે જ હોપ ને દેશમાં અને પુરી દુનિયાભરમાં અસાધારણ નામના મળી.
એ સાચું કે વિન્સ્ટન ના કારણે હોપ ને દુનિયામાં નામના મળી, પણ તે નકારાત્મક હતી. લોકો હીરાની સુંદરતા જોઈને અચંબિત તો થતા પણ સાથે જ તેની નજીક આવતા પણ ડરતા. આ વાત હેરી પણ જાણતો હતો, આથી હવે તેનો કોઈ નવો ખરીદદાર મળવો એ પુરેપુરી અશક્ય વાત હતી. અંતે ઈ.સ. ૧૯૫૭ માં તેણે હીરાને વોશિંગ્ટનના પ્રખ્યાત મ્યૂઝિમ એવા, "સમીથોનિયન ઈન્સ્ટિટ્યૂટ" માં ભેટ આપી દેવાનું નક્કી કર્યું. હોપ ડાયમંડ સહીત ૬૨ હીરા જડિત એ નેકલેસ ને તેણે મ્યૂઝિમને એ શરતે આપવાનું નક્કી કર્યું કે, તેમણે એ હીરાને ધ્યાન આકર્ષિત કરે એ રીતે અને એ જગ્યાએ પ્રદર્શિત કરવો.
૧૦ નવેમ્બર, ૧૯૫૮ હોપ નું પાર્સલ ન્યૂયોર્કથી વોશિંગ્ટન, સાદા કપડાં પહેરેલા ચોકીદારોની નિગરાનીમાં વોશિંગ્ટન ડી.સી પહોંચ્યું. ત્યાં હેરી વિન્સ્ટનની પત્ની એ પાર્સલ રિસીવ કર્યું અને સમીથોનિયન ઈન્સ્ટિટ્યૂટ ના સંચાલકોની હાજરીમાં જ હીરા જડિત નેકલેસ સંસ્થાને ભેટ આપ્યો.
છેવટે, સાપ ગયા ને લિસોટા રહી ગયા જેવી સ્થિતિ સર્જાઈ. જે પોસ્ટમેને હોપ ડાયમંડ નું પાર્સલ પહોંચાડયું હતું, તેનું એક્સિડન્ટ થયું. થોડા સમય પછી તેનો પાળીતો કૂતરો અને તેની પત્ની બંને મૃત્યુ ને ભેટ્યા. અને અંતે તેનું ઘર પણ સળગી ગયું !
આશરે પચાસેક વરસ પછી આજે પણ એ હીરો સમીથોનિયન મ્યુઝિયમમાં કડક પહેરા હેઠળ કાચના બોક્સમાં સચવાયેલો છે. અને મુલાકાતીઓ ને પોતાના સૌંદર્યની સાથે સાથે પોતાના સાથે જોડાયેલ સસ્પેન્સ થી મંત્રમુગ્ધ કરી દે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ આ હીરો ગોલકાંડા ની ખાણમાં જન્મેલા એક કાર્બન ના ચળકાટ ભર્યા ટૂકડાથી વિશેષ નથી છતાં પણ દુનિયાની નજરમાં એ સૌથી બેશકિંમતી અને પ્રખ્યાત હીરાઓમાં અજોડ અને અવિસ્મરણીય છે. કારણ કે તે ફક્ત એક હીરો નથી, પણ એક સફર છે, એક દાસ્તાન છે, એક રહસ્યમય પહેલી છે. અને તેથી જ ડાયમંડની જેમ ફોરએવર છે.