દાન, દક્ષિણા અને ભિક્ષા
દાન, દક્ષિણા અને ભિક્ષા
હિંદુ ધર્મમાં કોઇપણ વસ્તુ બીજાને આપવાના ત્રણ રસ્તા છે: દાન, દક્ષિણા અને ભિક્ષા
સામાન્ય રીતે લોકો આ ત્રણેય શબ્દોને સરખા સમજી બેસે છે અને તેમની ભેળસેળ કરી નાંખે છે. પણ હકિકતમાં તેમનાં અર્થ અલગ અલગ છે. સાચા અર્થમાં દાન એ એક પ્રકારનો ધર્માદો છે. તેના બદલામાં આપણે બીજી કોઇ વસ્તુ પરત મેળવવાની આશા રાખતા નથી. ભીક્ષા એ આધ્યાત્મિક દાન છે. જેના બદલામાં આપણે સ્પિરિચ્યુઅલ રીપેયમેંટ્સ એટલેકે સારુ કર્મ, આશીર્વાદ.. મેળવીએ છીએ. અને અંતે દક્ષિણા એ કોઈ સેવાના બદલામાં કરાતી ચુકવણી છે. આ ગુંચવાડો વિસ્તારપુર્વક:-
દાન એટલે ધર્મ માટે આપેલી વસ્તુ. દાનના બદલામાં માણસ કોઇપણ જાતની અપેક્ષા રાખતો નથી. વ્યક્તિ તેની પાસે રહેલી સમૃદ્ધી માંથી ઇચ્છાશક્તિ મુજબ ધન કે સંપત્તિ બીજાને આપે છે. જેનો ઉદ્દેશ્ય સામાન્યતઃ સમાજકલ્યાણ નો હોય છે. દક્ષિણા એટલે કોઇ પણ પ્રકારની સેવાના બદલામાં કરેલી ચુકવણી. જુના સમયમાં રાજા-મહારાજાઓ તેમના દરબારમાં આવતાં કવિઓ, નૃત્યકારો અને કલાકારોને દક્ષિણા આપતા. તેઓ પોતાની કલાથી રાજાનું મનોરંજન કરતાં અને તેની આ સેવાની ચુકવણી રૂપે તેમને રાજાઓ તરફથી દક્ષિણા મળતી. આ સેવાઓ ભૌતિક ન હોવાથી તેમનું મુલ્ય આંકવુ એ અશક્ય થઈ પડતું અને તેથી જ દક્ષિણાની એક સિસ્ટમ વિકસાવવામાં આવી. વૈદિક કાળમાં દક્ષિણા એ ફક્ત બ્રાહ્મણો પુરતી જ સીમીત હતી. તેઓ યજ્ઞ, કર્મ-કાંડ અને મંદિરોની સેવા-પુંજાના બદલામાં સમસ્ત ગામ અને રાજા તરફથી દક્ષિણા મેળવતા જેથી કરીને તેમનો જીવન નિર્વાહ ચાલી શકે. જ્યારે રાજા હરિશ્ચંદ્રએ ગુરૂ વિશ્વામિત્રનો યજ્ઞ ભંગ કર્યો ત્યારે રાજાએ આ ભુલને સુધારવા માટે પોતાનું રાજ્ય ગુરૂને ચરણે મુકવાનું નક્કિ કર્યુ. પોતે કરેલી ભુલને કારણે રાજ્ય આપવાનુ હોવાથી, તે દાન, દક્ષિણા કે ભિક્ષા આમાંથી એકેય શ્રેણીમાં ન આવતુ હતું, માત્ર ભુલના સુધારા રૂપે એક પ્રયત્ન હતો ! આથી વિશ્વામિત્રએ રાજ્ય ઉપરાંત, રાજાને તેની ભૂલની માફી આપવાની ‘સેવા’ બદલ રાજા પાસે વધારાની “દક્ષિણા” માંગેલી.
ભિક્ષા લેનાર હંમેશા, દેનારનો કરજદાર બનીને રહી જાય છે. આથી તે ભિક્ષા દેનારને અભૌતિક વસ્તુઓમાં ચુકવણી કરે છે. જેમ કે – આશીર્વાદ. ભિક્ષાનો ખ્યાલ જૈન ને બૌધ્ધ ધર્મનાં સમયે વધુ પ્રચલિત બન્યો હતો. અને તેની અસર આજે પણ જોવા મળે છે. ભિક્ષુઓ ભિક્ષા સ્વિકારીને તેના બદલામાં આશિર્વાદ આપે છે.
ઘણીવાર હિંદુઓ જ્યારે જાત્રા પર જાય છે. ત્યારે સમાન્ય પુજારીઓ અને ભિક્ષુઓને પૈસા આપે છે અને તેને “દાન” કહે છે અને બદલામાં આધ્યાત્મિક સંતોશ અને આશીર્વાદની અપેક્ષા રાખે છે. આથી જ હકિકતમાં તે દાન નહીં પણ ભિક્ષા છે.
દાનમાં, દેનાર હંમેશા તેની આપેલી સં
પત્તિને ભૂલી જાય છે. અને લેનાર તે વ્યક્તિનો કરજદાર પણ નથી રહેતો. આથી જ દાનને ભિક્ષા અને દક્ષિણા કરતા શ્રેષ્ઠ માનવામાં આવે છે.
મહાભારતાનો કર્ણ દાનવીર કહેવાતો. છતાં પણ તેનું જીવન જન્મથી મૃત્યુ સુધી દુઃખ ભર્યુ હતું. શા માટે ? કેમ કે આપણે ભિક્ષા અને દાનને સર્ખા સમજી બેઠા છીએ. દાનમાં કોઇપણ જાતની સેવા કે આશીર્વાદની અપેક્ષાને સ્થાન જ નથી. આથી જ અપાર દાન કરવા છતાં પણ કર્ણને તેનાં બદલામાં કંઇ જ મળ્યુ નહોતું. જ્યારે તેણે પોતાનાં કવચ અને કુંડળ, ઇંદ્રને સોંપ્યા ત્યારે તે અરક્ષિત બની ગયો હતો. અને બદલામાં તેને કોઇપણ જાતની ભૌતિક કે અભૌતિક વસ્તુ મળી જ નહતી. આથી તેના કર્મનાં ચોપડે તેના દાનનું મુલ્ય શુન્ય હતું !
બલી રાજા કે જે ત્રણેય લોક્ના સ્વામી કહેવાતા, તેમણે એક યજ્ઞ રાખ્યો અને વચન લીધુ કે જે પણ તેની પાસે કંઈ માંગશે તેની ઇચ્છા સંતોષવામાં આવશે. આથી, ભગવાન વિષ્ણુ તેની પાસે વામન અવતારમાં આવ્યા અને ફક્ત ત્રણ ડગલાં જમીનની માંગણી કરી. પછી તો ભગવાનનું કદ વધતું ગયું અને બે ડગમાં તો બલી રાજાનું સર્વસ્વ લઈ લીધુ. અને ત્રીજું પગલું તેમણે રાજાના કહેવાથી તેના મસ્તક પર મુક્યુ.
આ પરથી ભગવાને રાજાને એક મહત્ત્વનો પાઠ આપ્યો હતો: આ દુનિયામાં સ્ત્રોતો અને અનાજ એ ખુબ જ સીમીત છે, પણ ભૂખ નહિં. આથી જ દરેક સજીવ પોતાની ભુખને સંતોષવા માટે દોડ લગાવે છે. અને તેમાના કેટલાંક મનુષ્યો, પ્રાણીઓ કે વૃક્ષો તેમને જોઇતા ખોરાક વગર મૃત્યુ પામે છે. કોઇપણ વ્યક્તિ ક્યારેય પણ બધાની ભુખને સંતોષી શકે એ મુર્ખામી ભર્યુ તથ્ય છે. જેમ બલિરાજા ભગવાનના ડગલાને માપી નહોતા શક્યા તેમ માણસની ભુખને માપવી પણ અશક્ય છે. કેમ કે તે અનંત છે. કોઇ વ્યક્તિ બીજા વ્યક્તિની ભુખ ને સંતોષી ન શકે. આથી દેનારને સાવધ રહેવું જોઇએ નહિતર તે, દાન મેળવનારની ભુખનો ભોગ બની શકે છે અથવા તો તેના દ્વારા વિનાશ પણ સર્જી શકે છે.
આજ વાત ભગવાન શંકર વિશેની વાર્તામા પણ કહેવાયેલી છે.: જ્યારે કુબેરને એમ લાગે છે કે ભગવાન શિવ પોતાના પુત્ર ગણેશનું પોષણ કરી શકે તેમ નથી, ત્યારે તે ગણપતિ દાદાને પોતને ઘરે બોલાવે છે અને દિલથી તેમને ભોજન આપે છે. પણ ગણેશજીની ભુખને શાંત કરવી એ થોડું સહેલું છે ? કુબેરજીનું રસોડુ અને બધા કોઠાર ખાલી થઈ જાય છે ત્યારે તેમને એ વાતનો ખ્યાલ આવે છે કે, જીવનનું લક્ષ્ય એ ભુખ સંતોષવામાં નથી, કારણકે જેમ જેમ સ્ત્રોતો વધે છે તેમ તેમ ભુખ પણ ઉઘડે જ છે. ઉલટાંનું જીવનનું લક્ષ્ય તો ભુખને પછાડી દેવાનું છે.
આથી જ ભગવાન શંકરના ધામમાં કોઇપણ ભુખ્યુ નથી- ભગવાન શિવનો સાપ ગણેશજીનાં ઉંદરને નથી ખાતો અને તેવી જ રીતે કાર્તીકેયનો મોર શિવનાં સાપ પર તરાપ નથી મારતો !