Hardik Devmurari

Fantasy Others

4.3  

Hardik Devmurari

Fantasy Others

સિંદબાદની સફર - ૨

સિંદબાદની સફર - ૨

9 mins
313


ભાગ 2: ગહનગુફા


"મહેરબાની કરીને અમને છોડી દો" એક સ્ત્રી થોડા ગુંડાઓને આજીજી કરતી હતી. જેઓ ટીસોન ગામના બંદર પર, સામાન લઈને જતી સ્ત્રીઓને હેરાન કરતા હતાં.

"એય, તમારી પાસે જે પણ સામાન હોય એ આપી દો, નહીંતર બધા પોતાનો જીવ ગુમાવશો" ગુંડાઓના સરદારે હુકમ કર્યો.

"ઊભાં રહો... જ્યાં સુધી હું અહીંયા છું, ત્યાં સુધી અહીંના લોકોને કોઈ હેરાન નહીં કરી શકે." - બાજુમાં એક ઘરના છાપરા પર ઉભેલા એક યુવાને કહ્યું. ગુંડાઓ તેની મજાક ઉડાવે એ પહેલા તે નીચે કૂદી પડ્યો. અને પોતાની સ્ફૂર્તિથી પળવારમાં બધાને મેથીપાક ચખાડી દીધો.

"સિંદબાદ, અમે તારો જેટલો આભાર માનીયે એટલો ઓછો છે."

"અરે એમાં શું, એતો મારી ફરજ છે...."

ગામના બધા પુરુષો યુદ્ધમાં ગયેલા હતાં. એટલે હવે ઘર સ્ત્રીઓ જ સંભાળતી હતી. તેમણે સિંદબાદ ને થોડા કલાકો સુધી તેમના અંગરક્ષક તરીકે કામ કરવા માનવી લીધો. અને બદલામાં સારા એવા પૈસા આપવાનું પણ વચન આપ્યું.

સ્ત્રીઓને મદદ કરવા, સિંદબાદે એક લાકડાનું પીપડું ઉઠાવ્યું. પણ તે ખુબ જ વજનદાર હતું. થોડો વજન ઓછો કરવાના હેતુથી તેણે તેનું ઢાંકણું ખોલ્યું. તે ખોલતાની સાથે જ, અચાનક તેમાંથી એક યુવાન બહાર કૂદી પડ્યો!

"ક.....ક.....કોણ છો..તમે બધા ?.." એ અજાણ્યા યુવાને પ્રશ્ન પૂછ્યો.

"અમે ?..તું કોણ છે એ તો કે પહેલા...." સિંદબાદે વળતો પ્રશ્ન પૂછ્યો.

"ઓહ,..હું ?..હું એક મુસાફર છું. મારુ નામ યુનાન છે."

"તો મુસાફરી કરવાને બદલે આ પીપડામાં શું કરે છે ?"

"અરે એમાં તો હું સૂતો હતો. એ ખુબજ અંધારી, શાંત અને આરામદાયક જગ્યા છે."

બધા શાંત...,યુનાનના આવા જવાબ પછી કોઈએ તેને બીજું કાંઈ પૂછયું નહી. 

સાંજ પડવા આવી હતી એટલે, સિંદબાદે યુનાનને પોતાના ઘરે રાત રોકાવવા માટે આમન્ત્રણ આપ્યું. ઘરે જતા રસ્તામાં તેણે કમાયેલ પૈસામાંથી થોડી ઔષધિઓ ખરીદી. વાતવાતમાં યુનાને એ પણ જોયું કે ગામના લોકો સિંદબાદ પર ખુબ જ ભરોસો કરે છે. 

******

અંધારી રાતમાં એક ઘોડાગાડી ઉબડખાબડ રસ્તા પરથી પસાર થઈ રહી હતી. બે પાર્થેવિયાના સૈનિકો આગળ બેસીને તેને ચલાવી રહ્યા હતાં.

"બધા સુતા છે, ત્યારે શા માટે આપણે આ ગાડી ચલાવી રહ્યા છીએ ?"

"અરે, થોડું ધીમે બોલ. તને ખબર નથી ? ઉપરથી હુકમ આવ્યો છે. પાર્થેવીયા યુદ્ધ હારી રહ્યું છે. એટલે દેશના ગ્રામ્ય વિસ્તારોમાંથી બને તેટલા યુવાનોની ભરતી કરવાની છે. "

"અવાજ નીચે કરો તમારો, બોલવાનું બંધ અને કામ ચાલુ રાખો." ગાડી ની અંદર બેઠેલા કોઈ એક વ્યક્તિએ અંદરથી જોરદાર બૂમ પાડી.

"જી હા...સેનાપતિજી.." એક સૈનિકે ગભરાતા અવાજે કહ્યું. "જો, તને કીધું નહોતું ? ભલે એ દેખાવમાં એક યુવાન સેનાપતિ હોય, પણ એ બીજા બધા સેનાપતિઓ કરતા વધારે ગુસ્સેલ વ્યક્તિ છે."

"શું આ એજ સેનાપતિ છે ?"

"હા...આ જ છે.. સેનાપતિ દ્રગુલ.."

******

દ્રગુલ એ પાર્થેવીયાના પશ્ચિમી પ્રદેશનો સેનાનાયક હતો. સેનાપતિ ની સાથે સાથે તે રાજપરિવારનો એક સભ્ય પણ હતો. સ્વભાવમાં તે ગુસ્સેલ અને અભિમાની હતો.

વહેલી સવારે ઘોડાગાડી ટીસોન પહોંચી. "અહીંયા કોઈને ખબર છે કે સિંદબાદ ક્યાં રહે છે ?"

"સિંદબાદ ?..ત્યાં આગળ કુવા પાસે તેનું ઘર છે." એક સ્ત્રીએ જવાબ આપ્યો.

"આભાર."

નિત્યક્રમ મુજબ સિંદબાદ તલવારબાજીનો અભ્યાસ કરીને ઘરે પહોંચ્યો. નાસ્તો કરી, તૈયાર થઈને તે બહાર જવા નીકળ્યો કે તેની નજર યુનાન પર પડી.

"અરે, યુનાન. તું ઊઠી ગયો. ચાલ નાસ્તો કરવા બેસી જા"

"આભાર સિંદબાદ. શું તું પાછો ત્યાં બંદર પર જાય છે ?"

"હા. ત્યાં સવારમાં ખુબ ભીડ હોય છે. આથી કોઈ સામાન હેરફેરનું કામ મળી જાય છે, તો થોડી કમાણી પણ થઈ જાય છે. ઘર ચલાવવા માટે મહેનત તો કરવી પડે ને."

"બરાબર. અને હા નાસ્તો કરીને હું અહીંથી નીકળી જઈશ. મારે હજી ઘણી મુસાફરી બાકી છે."

"ઠીક છે. પણ જયારે જરૂર પડે ત્યારે અહીં આવી જજે, શરમાતો નહી. અને હા, ફક્ત તારી જાણ ખાતર કહેવાનું કે, ઘરમાં કોઈ કિંમતી વસ્તુઓ નથી. માટે એવી કઈ મહેનત ના કરતો...હા..હા.. "

"હું એવું કઈ પણ નહી કરું....અરે, એ તો સાંભળ્યા વગર જ ચાલ્યો ગયો.."

"ખોટું ના લગાડીશ...તેનો મજાક કરવાનો સ્વભાવ છે.." ઘરમાં પાછળના ઓરડામાંથી એક સ્ત્રીનો અવાજ આવ્યો.

"તમે સિંદબાદ, ની માતા છો ને ? એલ્સા ? બરાબર ?...મને અહીંયા જગ્યા આપવા માટે તમારો આભાર."

"અરે, આભાર ની જરૂર નથી. અતિથિઓની સેવા એ અમારી પરંપરા છે...."

"એલ્સા...એલ્સા...મુસીબત થઈ ગઈ..." - અચાનક એક સ્ત્રી દોડતી દોડતી એલ્સા ના ઘરે આવી પહોંચી,"સિંદબાદ....સૈનિકો....."

બહાર ચોકમાં પેલા બે સૈનિકોએ સિંદબાદ ને પકડી લીધો હતો. અને દ્રગુલ તેના પર પગ રાખીને ઊભો હતો.

ટીસોન માં સિંદબાદ સિવાય બીજો કોઈ યુવાન કે કોઈ પુરુષ હાજર નહોતો. આથી, ફક્ત સિંદબાદ માટે જ તે અહીં સુધી આવ્યો હતો. એક સામાન્ય યુવક માટે આટલી લાંબી મુસાફરી કરવી એ તેના માટે અસહ્ય હતું. ઉપરજતા, સિંદે યુદ્ધ માટે નોંધણી કરાવવાની ચોખ્ખી ના પાડી હતી. આથી તેનો આ હાલ થયો હતો.

લોકોની ભીડ એકઠી થવા લાગી એટલે વધારો તમાશો ના કરતા, દ્રગુલે સિંદને નોંધણી માટે ત્રણ દિવસ નો સમય આપ્યો અને ચાલ્યો ગયો. 

સિંદબાદ જાણતો હતો કે, સેના માટે ગામના લોકો ફક્ત એક લડાઈનું સાધન જ હતાં. અને તેથી જ તે ત્યાં જવા નહોતો માંગતો. અને હાલમાં તો, સૈનિકોને યુદ્ધમાં નહી પણ ફક્ત તે ગહનગુફા માં જ મોકલવામાં આવતા હતાં. દેશના જાદુગરોના મત મુજબ તે ગુફામાં એક એવી શક્તિ છે, જે યુદ્ધની દિશા બદલી શકે તેમ છે. આથી જ બંને દેશો તેને જીતવાની પુરી મહેનત કરી રહ્યા હતાં. અને હવે લોકો તેને "મોતની ગુફા" પણ કહેવા માંડ્યા હતાં.

દ્રગુલ ના ગયા પછી, સિંદબાદે યુનાનને વિસ્તારથી બધી વાત કરી, "જો હું સેનામાં ભરતી થઈશ, તો યુદ્ધમાં મરી જઈશ. જો હું ભરતી નઈ થાવ, તો સેનિકો આવીને મને લટકાવી દેશે...અને હું મરી જઈશ. મૃત્યુ તો પાક્કું જ લાગે છે.."

"તો તું શું કરવા માંગે છે ?"

"હું આ દુનિયાની સફર કરવા માંગુ છું. અવનવા પ્રદેશો ફરવા માંગુ છું. નવા લોકોને, તેમની સંસ્કૃતિને માનવ માંગુ છું. અને જો ભગવાન સાથ આપે તો આ યુદ્ધને ખતમ કરી શાંતિ સ્થાપવા માંગુ છું."

સિંદની વાતની યુનાને ગંભીરતાથી નોંધ લીધી. તે જાણતો હતો કે સિંદ, આ નાનકડા ગામમાં રહેવાને નથી જનમ્યો. તે એનાથી ઘણી જ મોટી સિદ્ધિઓ માટે જન્મ્યો છે. અને જો કોઈ આ યુદ્ધને ખતમ કરીશકે એમ છે તો તે સિંદબાદ જ છે. આબધા વિચારો તેના મનમાં ક્યારનાય દોડધામ કરી રહ્યા હતાં. વધારે વિચાર કર્યા વગર તેણે મોઢા પર એક સ્મિત ફેરવ્યું અને સિંદબાદને શાંત પણ ઊંડા અવાજે કહેવા લાગ્યો,

" સિંદ, તું મારો મિત્ર છે. એક બહાદુર વ્યક્તિ છે. અને સૌથી ઉપર, તું એક સારો માણસ છે. મને લાગે છે કે તારું નસીબ તને ક્યાંક લઈ જવા માંગે છે. પણ તે અહિયા ટીસોનમા નથી. અને જો તું તારા ભાગ્યને અનુસરીશ તો તું જરૂર લક્ષ્યને પાર પાડી શકીશ. વધુમા, તું જે સિદ્ધિ હાંસલ કરવા માંગે છે, એ ફક્ત માનવીય ક્ષમતા ના આધારે શક્ય નથી. આ માટે તારે જાદુઈ શક્તિ, એક ઊંચી શક્તિ ની જરૂર છે. માટે જો તારો નિશ્ચય પાક્કો હોય, જો તારામાં હિમ્મત હોય, તો તું પણ આ શક્તિને મેળવવાની હોડમાં ઉતરી જા."

"યુનાન હું કઈ સમજ્યો નહીં. કઈ શક્તિ ? કેવી સ્પર્ધા ?"

"સિંદ, તું જાણે જ છે કે હમણાં જ રેમ અને પાર્થેવીયાની સરહદ પર એક રહસ્યમય ઈમારત મળી આવી છે. હકીકતમાં, આ ઈમારત એ એક જાદુઈ જીનનું ઘર છે. સદીઓમાં એક વખત એવો સમય આવે છે જયારે જાદુઈ રૂખની દિશા બદલાય છે. અને ત્યારે જ આ જીનની ઈમારતો પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ અચાનક દેખાવા લાગે છે. આ "ગહનગુફા" માં અલગ અલગ પ્રકારના જિનનો વસવાટ હોય છે. જે અલગ અલગ પ્રકારની જાદુઈ શક્તિનાં માલિક છે. જે વ્યક્તિ તે જિન દ્વારા મુકવામાં આવેલ પડકારો, મુસીબતો અને કોયડાઓનો ઉકેલ કરી, તેને હરાવી દે છે, તે વ્યક્તિને આ જીનની બધી શક્તિઓ પ્રાપ્ત થાય છે.

"તો આ જીનની શક્તિ એજ એ ઊંચી શક્તિ છે, જેની તું વાત કરે છે ?"

"હા, આ જાદુઈ તાકાત તને રાજા નહીં બનાવી દે, કે પછી કોઈ ઈચ્છાશક્તિ નહીં પ્રદાન કરે, પણ તે તને તારા લક્ષ્ય સુધી પહોંચવામાં અનેક ગણી સહાયતા જરૂર કરશે. માટે તારા નસીબને અનુસરવાનું શરુ કર. અને તે ગુફા ને જીતવાની હોડમાં ઉતરી પડ."

યુનાને સિંદબાદને જણાવ્યું કે દુનિયા ના પરિવર્તન માટે તેને જે શક્તિ ની જરૂર છે, એ બીજે ક્યાંય નહી પણ તે ગહનગુફા માં જ છે. સિંદબાદે આ ગુફાને પડકારવાની તથા તેને જીતવાની હિમ્મત દેખાડી. આથી યુનાને તેને બંને દેશની સરહદે આવેલી તે ગુફા પાસે ત્રણ દિવસમાં પહોંચવાનું કહ્યું. ઘરે આવીને બધી વાત સિંદે, એલ્સાને કરી. તેણી જાણતી હતી, કે સિંદને નાનપણ થી જ દુનાયાની સફર માં રસ છે. અને બાદલને પણ સિંદબાદ પર પૂરો ભરોસો હતો. આથી તેણીએ તેને જવાની મંજૂરી આપી અને સાથે સાથે એક ભેટ તરીકે બાદલ ની તલવાર પણ તેના હાથમાં આપી.

આ બાજુ, પાર્થેવિયાના રાજા પોતાની સતત હારથી કંટાળી ગયા હતાં. આથી તેણે પણ સેનાપતિ દ્રગુલ ને ૫૦ જાંબાજ સૈનિકો સાથે, ગુફા જીતવા માટે મોકલ્યો.

આ ગહનગુફા, બંને પાડોસી દેશની સરહદે આવેલી એક નદીની મધ્યમાં હતી. તે ગુફા તો ખાલી નામની જ હતી, દેખાવમાં એક ઊંચા મિનારા જેવી હતી, અને લાલ પથ્થરની બનેલી હતી. તેમજ નીચેથી તે એક મોટી ગોળાકાર ટેકરી ઉપર સ્થિત હતી.

એક બાજુ દ્રગુલ તેના સૈનિકો સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. જયારે બીજી બાજુ સિંદ અને યુનાન પણ ત્યાં આવી ગયા હતાં. યુનાને પોતાના જાદુથી સિંદબાદ ને હવામાં ઉછાળ્યો અને સીધો જ તે મિનારાના દરવાજે પાસે પહોંચાડી દીધો. તેણે સિંદબાદને કહ્યું હતું કે તે બહાર જ તેની રાહ જોશે. સિંદબાદ હજુ સુધી યુનાનને પુરી રીતે સમજી નહોતો શક્યો, પણ તેણે તેનો આભાર માન્યો અને સીધો જ ગુફાની અંદર ઘુસી ગયો.

અંદર, દૂરથી એક ચમકદાર પ્રકાશ આવતો હતો. તે તરફ આગળ વધતા, તે એક મોટા ઓરડામાં જઈ પહોંચ્યો. ત્યાંનો નજારો અદભુત હતો. ઓરડો સોના અને હીરામાણેક ના ખજાના થી ભરપૂર હતો. ત્રણ મોટી શિયાળના માથાવાળી મૂર્તિઓ હતી. મૂર્તિઓ પાછળના દરવાજામાંથી આગળ વધતા, પથ્થરો ના ઢગલાઓ અને ભાંગી પડેલા સ્તંભોનો કાટમાળ હતો. એ કાટમાળ નીચે દટાયેલા સૈનિકોના હાડપિંજરો હતાં. અને ઓરડાના છેડે એક જ હારમાં ૫૦ દરવાજાઓ હતાં.

એટલામાં દ્રગુલ અને તેના સૈનિકોનો અવાજ સંભળાયો. આથી સિંદબાદ તે મૂર્તિની પાછળ સંતાઈ ગયો. દ્રગુલે પણ તે ત્રણ મૂર્તિઓની પાછળ ૫૦ દરવાજા જોયા. પણ તેમાંથી સાચો દરવાજો જે જીન સુધી પહોંચાડતો હતો એ શોધવો મુશ્કેલ હતો. આથી તેણે પોતાના સૈનિકોને બધા દરવાજાઓ ખોલવાનો આદેશ આપ્યો. જેવા જ સૈનિકો એ દરવાજાઓને અડક્યા કે તેમના ઉપર અચાનક ઉપરથી મોટામોટા પથ્થરોનો વરસાદ થયો. પળવારમાં જ બધાનું એક લાશોના ઢગલામાં પરિવર્તન થઈ ગયું. 

સિંદ પાછળથી ક્યારનોય આ બધું જોતો હતો. પણ આ અચાનક થયેલા જાદુઈ હુમલાથી તેનો પણ પરસેવો છૂટી ગયો હતો. હવે દ્રગુલ ૫૧ માંથી એકલો બચ્યો હતો. કોઈ ઉપાય ના સુજતા તે પણ દરવાજા તરફ ચાલવા મંડ્યો. અને જેવો તે દરવાજાને અડક્યો કે એક મહાકાય શીલા ઉપરથી આવી પડી,..ધડામ.....થોડી વાર સુધી ધૂળની ડમરીમાં કઈ દેખાયું જ નહીં. પણ જેવી દ્રગુલે આંખો ખોલી કે તેની સામે સિંદબાદ ઊભો હતો.

સૈનિકોનું મૃત્યુ પળવારમાં જ થયું હતું, આથી સિંદબાદ તેમને બચાવવા માટે કઈ કરી શક્યો નહતો. પણ દ્રગુલ તેની આંખ સામે જ મોતના મુખમાં જઈ રહ્યો હતો. આથી એક ક્ષણ નો પણ સમય બગાડ્યા વગર, તેણે દોડીને એક લાંબી છલાંગ લગાવી, અને એ શીલા નીચે પટકાય એ પહેલા દ્રગુલને બચાવી લીધો હતો.

દ્રગુલ ના ચહેરા પર ડર, ખુશી અને પ્રશ્નના ભાવ ઉભરી રહ્યા હતાં. પણ તે કઈ બોલે એ પહેલા જ સિંદે તેને કહ્યું,"અનુબીસ...."

"શું ? અનુબીસ શું ?" દ્રગુલ ના મનમાં હજી બીજા વિચારો જ મંડરાતા હતાં. પણ અચાનક સિંદબાદ ના આ શબ્દએ તેનું ધ્યાન ખેંચ્યું.

"દ્રગુલ, આ ત્રણ મહાકાય મૂર્તિ દેખાય છે, જેનું મસ્તક શિયાળનું અને ધડ મનુષ્યનું છે ?"

"હા..પણ તો શું ? અને આ અનુબીસ શું છે ?"

"આ મૂર્તિ, ભૂમધ્ય સમુદ્ર પાસે આવેલ એક દેશના ભગવાનનું પ્રતીક છે. જેને ત્યાંના લોકો અનુબીસ કહે છે. આ વાત મને નાનપણમાં એક મુસાફરે કરેલી.... અનુબીસ એ મૃત્યુના દેવતા છે."

"મતલબ કે અનુબીસ આ બધા લોકોના મૃત્યુનું કારણ છે ?"

"નહીં. સૈનિકોનું મૃત્યુ જે પથ્થરોએ કર્યું એ જાદુઈ રીતે હવામાંથી જ ઉત્પન્ન થયેલા હતાં. મતલબ કે તે આ ગુફામાં જીન દ્વારા પથરાયેલી એક જાળ હતી. એ અનુબીસ નું કામ નહતું."

"તો પછી આ 'અનુબીસ' નું કામ શું છે ?"

"અનુબીસનું કામ છે આત્માઓને પસાર થવા દેવાનું. અને અત્યારે અનુબીસ આ દરવાજાઓનું રક્ષણ કરે છે. તેનો એક જ અર્થ થાય છે."

"શું ?"

"એનો અર્થ એ થાય છે કે, આ દરવાજાને શોધવાની એક જ ચાવી છે.....મૃત્યુ..."

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Fantasy