Hardik Devmurari

Fantasy

3.4  

Hardik Devmurari

Fantasy

સિંદબાદની સફર - ૩

સિંદબાદની સફર - ૩

8 mins
223


ભાગ 3: જાદુઇ શક્તિ

સિંદબાદ જેટલો તલવારબાજીમાં મહારથી હતો, તેટલો જ તે શાંત અને હોશિયાર પણ હતો. અનુબીસની મૂર્તિ પાછળ છૂપાઈને તે પરિસ્થિતો ખ્યાલ મેળવવા માંગતો હતો. અને જે ઘટનાઓનો તે સાક્ષી બન્યો હતો તે ઉપરથી તેને ખબર પડી ગઈ હતી કે જીનની જાળ તોડવા માટે તેને બળ નહીં પણ કળ ની જરૂર પડવાની હતી.

"મૃત્યુ ? એટલે તું એમ કહેવા માંગે છે કે આમાંથી નીકળવા માટે આપણે મરવું પડશે ?"

"સેનાપતિજી... ધ્યાનથી સાંભળો," કહી સિંદબાદે તેના મગજમાં રહેલી યુક્તિ સંભળાવી,"અનુબીસ, ફક્ત એ વ્યક્તિને જ પસાર થવા દેશે, જે મૃત હોય અથવા કહીએ તો મૃત્યુની નજીક હોય. માટે હું મારા હાથની નસ કાપી નાખીશ, લોહીનો વ્યય થશે એટલે હું ધીરે ધીરે મૃત્યુની નજીક અને જીવનથી દૂર ચાલ્યો જઈશ. એટલે કે હું ન તો પુરેપુરો જીવિત હઈશ કે ના મૃત. બસ એજ સમયે તારે મને આ મૂર્તિની પેલે પાર લઈ જવાનો રહેશે. મને પાક્કો વિશ્વાસ છે, કે આમ કરવાથી જરૂર કંઈક હાથ લાગશે."

"અને મૂર્તિને પસાર કરીને પછી શું કરવાનું ?"

"મારા ખ્યાલ થી કોયડો ફક્ત અનુબીસ ની પરીક્ષા પસાર કરવા પૂરતો જ છે. આથી કંઈક જવાબ જરૂર મળશે અને હા, મૂર્તિની પેલી બાજુ જઈને આ પોટલીમાં રહેલી દવા મારા હાથ પર લગાડી દે જે. એ ખાસ પ્રકારની દવા છે, જે ઘાવ ભરવામાં મદદ કરે છે અને તે સદીઓથી ફક્ત ટીસોનમાં જ બને છે."

દ્રગુલને બધી સૂચના આપી, સિંદે પોતાની કટાર કાઢી, અને માખણ પર ચાકુ ફરે એમ ધીરેથી હાથની નસ પર ફેરવી દીધું. એક પળ મા તો ત્યાં લોહીનું પાટોડું ભરાઈ ગયું. અને બીજી પળમાં સિંદબાદ બેહોશ થઈ નીચે ઢળી પડ્યો. તેની સૂચના મુજબ, દ્રગુલ સિંદના બેહોશ શરીરને ખભાનાં ટેકા પર રાખી ધીમે ધીમે અનુબીસની મૂર્તિની ની પેલી બાજુ ચાલવા લાગ્યો. જેવો સિંદનો પગ ઘસડાતો ઘસડાતો મૂર્તિની વટ્યો, કે એક જોરદાર કર્કશ અવાજ સંભળાયો. ઉપર છતમાં એક વીજળીનો પ્રકાશ થયો અને આખા ઓરડાને આંજી નાંખે તેવા પ્રકાશથી ભરી દીધો. થોડી વાર બાદ દૃગુલે આંખ ખોલીને જોયું તો, ઓરડો એકદમ ખાલી હતો. પેલા પથ્થરોનો ઢગલો, સૈનિકોના હાડપિંજરો, બધું જ ગાયબ. અને પેલા પચાસ દરવાજાઓ એક મોટી બરફની દીવાલમાં પરિવર્તિત થઈ ગયા. અને તે દીવાલની વચ્ચે હતો એક મોટો વાદળી રંગનો દરવાજો.

દરવાજા તરફ જતા પહેલા, દ્રગુલે સિંદને નીચે સુવડાવી પેલી ઔષધિઓ તેના હાથ પર લગાડી દીધી અને તેના પર એક પાટો બાંધી દીધો.

ઔષધિ લગાડવાથી લોહિ તો વહેતુ બંધ થઈ ગયું. પણ સિંદબાદ હજી પણ બેભાન જ હતો. તેણે ફરીવાર સિંદને પોતાના ખભા પર લાદ્યો અને ધીમે ધીમે દરવાજા પાસે પહોંચી તેને પુરા બળથી ધક્કો માર્યો. દરવાજો ખોલતાની સાથેજ અંદરથી એક હાજા ગગડાવી નાખે તેવી ઠંડા પવનની લહેરકી આવી, અને સિંદ તથા દ્રગુલ ના બધા જ ઘાવ ભરાઈ ગયા. પળવારમાં સિંદ એકદમ સ્વસ્થ થઈને હોશમાં આવી ગયો. સામે દ્રગુલ અને ૫૦ ની બદલે એક જ દરવાજાને જોઈને તેને ખ્યાલ આવી ગયો કે તેની યોજના એકદમ સફળ રહી હતી.  

એક ઊંડો શ્વાસ લઈ બંને અંદર દાખલ થયા. 

અંદરનો નજારો તો બહારથી સાવ અલગ જ હતો. સિંદ નહીં પણ દ્રગુલ પણ આ દ્રશ્ય જોઈને બેબાક થઈ ગયો. ઓરડાની બધી દીવાલો, છત તથા નીચેનું તળિયું, બધું જ બરફનું બનેલું હતું. જાણે હિમપ્રદેશ માં બંને પહોંચી ગયા હોય એવું લાગતું હતું. ઓરડામાં બરફ સિવાય કઈ જ નહતું અને બરાબર મધ્યમા એક લાકડાની પેટી હતી. તેના પર એક વર્તુળ ને વર્તુળની અંદર આંઠ અણીવાળો તારૉ દોરેલો હતો. 

સિંદે નજીક જઈને હળવેથી પેટીનો નકુચો ઉઠાવ્યો અને તેનું ઢાંકણું ખોલ્યું. હવાના એક જોરદાર ઝાટકામાં બંને દૂર ફગાવાઈ ગયા. ઉભા થઈને જોયું તો,.. સામે એક મહાકાય જીન ઊભો હતો. દેખાવમાં રાક્ષસ જેવો અને માથે બે અણીદાર શીંગડા હતા. તેનો રંગ આછો વાદળી હતો. ઉપરનું શરીર ખુલ્લું તથા નીચે સફેદ રંગનું ધોતીજેવું વસ્ત્ર પહેરેલું હતું અને તેના પર બાંધેલ કમરબંધ અને તેની વચ્ચે લાલ રંગનું પેલું પેટી પરનું નિશાન હતું. એક ઊંચા અવાજમાં તે બોલ્યો,

"હું છું આ ગુફાનો મલિક...અને વીજળીનો જીન.....અલબરાક...".. પણ પોતાની આંખ સામે બે વ્યક્તિઓને જોઈને તે થોડો થોભ્યો, બંને સામે એક તીક્ષ્ણ નજર ફેરવી લીધી, જાણે તેની આંખો તે બંનેમાં કાંઈક શોધી રહી હોય! પછી ધીમેથી બોલ્યો, "તમે બંને મારી બધી પહેલીઓને સુલજાવીને અહીં સુધી પહોંચ્યા છો, માટે બેશક તમે મારી શક્તિના હકદાર છો. પણ મારી શક્તિ એકાંકી હોવાથી તે ફક્ત એક વ્યક્તિને જ મળી શકે છે. આથી હવે તમારે બંનેએ તમારી જાતે નક્કી કરવું પડશે કે કોણ તેનો સાચો હકદાર છે." 

સિંદ અને દ્રગુલે એક બીજા તરફ મોં ફેરવ્યું, એક ક્ષણ માટે થોભ્યા અને બીજી ક્ષણે બે કદમ પીછે હઠ કરીને પોતપોતાની તલવાર બહાર કાઢી ઉભા રહી ગયા.

જાણે બંધ તૂટવાથી તેમાં રહેલું પાણી મુક્ત થઈને એક જોરદાર બળથી આગળ ધસી આવે તેમ બંને યોદ્ધાઓ પોતાની પુરી શક્તિ થી એકબીજા તરફ ધસી આયા. તલવારોના અથડાવવાના અવાજથી આખોય ઓરડો ગુંજી ઉઠ્યો. બંનેની તાકાત અને ઝડપ જોઈને અલબરાક પણ વિચારમાં પડી ગયો કે આ લડાઈનું પરિણામ શું આવશે ? પણ તેને આ માટે બહુ જાજી વાર ના લાગી. દ્રગુલ ભલે એક સેનાનો સેનાપતિ હોય, પણ સિંદ નાનપણથી જ તેન પિતા પાસે તલવારબાજીમાં, યુદ્ધના દાવ પેચ માં અને દ્વંદ્વયુદ્ધમાં તૈયાર થયેલો હતો, ઉપરજતા નાનપણથીજ તેના પર આવેલી જવાબદારીએ તને વધુ સશક્ત ખડતલ બનાવી દીધો હતો.

થોડા સમય ની લડાઈ બાદ એક મુક્કા સાથે, દ્રગુલ જમીન પર પટકાઈ પડ્યો અને સિંદ તેના માથા પાસે તલવાર રાખીને ઊભો રહી ગયો. લડાઈનું પરિણામ સામે હતું- સિંદબાદ ની જીત.

સિંદે તલવારને પોતાની મ્યાનમાં પાછી મૂકી અને દ્રગુલને મદદ કરવા માટે હાથ લંબાવ્યો, પણ આ મદદ એ દ્રગુલના સ્વાભિમાન વિરુદ્ધનું કૃત્ય હતું. તેણે સિન્દના હાથને ટાપલી મારી અને એક છલાંગ સાથે ઊભો થઈ ગયો.

"સિંદ, તું જીત્યો છે, માટે આ શક્તિનો હકદાર તું છે, પણ જો કદાચને તું હાર્યો હોત અને હું જીત્યો હોત, તો પણ હું તેનો સ્વીકાર ના કરત. તે મને બચાવ્યો એના બદલામાં મેં તને અહીં સુધી પહોંચાડ્યો માટે એ હિસાબ તો બરાબર થઈ ગયો. પણ એ તું જ હતો કે જેણે અનુબીસની પેલી પહેલીનો ખ્યાલ મેળવ્યો હતો, એ તું જ હતો જેણે તે પહેલીનો ઉપાય મેળવ્યો હતો, માટે એ તું જ છે જે આ જાદુનો સાચો મલિક છે. બસ મારુ સ્વાભિમાન મને લડ્યા વગર હાર માની લેવાની મંજૂરી નથી આપતું, માટે જ મેં આ લડાઈનો સ્વીકાર કર્યો હતો...પણ હા, એવું ના માની લઈશ કે દ્રગુલે હાર માની લીધી છે. જો ભવિષ્યમાં તું મારા રસ્તામાં આવીશ તો હવે તું જમીન પર હોઈશ અને હું ઉપર." આટલું કહીને દ્રગુલ પોતાની હાર તથા સ્વાભિમાનની એક છટા સાથે મસ્તક ઊંચું રાખીને ત્યાંથી ચાલ્યો ગયો. સિંદની આંખોમાં પણ હવે દ્રગુલ માટે માન ઉભરી આવ્યું હતું, કારણ કે એક પ્રામાણિક દુશ્મન જ હોય છે, કે જેનાથી આપણને ભય નથી રહેતો પણ બીજી વખત મળવાની આતુરતા રહે છે. અને સિંદની આ ઈચ્છા નજીકના ભવિષ્યમાં સાચી થવાની હતી.

"ઓ..વીજળીના જીન, અલબરાક..હું છું સિંદબાદ. આ ગહનગુફાનો વિજેતા અને તમારી શક્તિનો હકદાર.."

"સિંદબાદ,..તું ઈચ્છે ત્યારે મારી શક્તિનો ઉપયોગ કરી શકીશ, પણ તારે વચન આપવું પડશે કે તું નિર્દોષ લોકો પર તેનો ઉપયોગ નહીં કરે."

"હું વચન આપુ છું.."

"ઠીક છે, તો હવે તું મારી આ શક્તિનો સાક્ષી બન અને તારી તલવાર સાથે તેનો સ્વીકાર કર.." આટલું કહેતા તે ગાયબ થઈ ગયો. જેમ સૂરજની સામે જોતા તે આપણી આંખોને આંજી દે છે તેવી જ રીતે એક મોટા પ્રકાશે ફરીવાર પુરી ગુફાને ઘેરી લીધી. અને થોડી વાર પછી જયારે સિંદે પોતાની આંખો ખોલી કે તેની સામે હતી ખળખળ વહેતી પેલી નદી, પોતાના પગ નીચે એક ટેકરી, થોડો ખજાનો અને હાથમાં તેની તલવાર. 

તેની તલવાર પર પેલું નિશાન ઉભરી આવ્યું હતું. તે જ નિશાન જે અલબરાક ની પેટી પર હતું, વર્તુળમાંના પેલા આંઠ અણીવાળા તારાનું નિશાન. અને સિંદની તલવાર હવે દેખાવમાં જ ખાલી પહેલા જેવી હતી પણ હકીકતમાં તો તે એક મહાકાય શક્તિનો સ્ત્રોત બની ચુકી હતી.

"અરે, તું આવી પણ ગયો.. ?" પાછળથી એક હૂંફાળો અને શાંત અવાજ આવ્યો. તે યુનાન હતો. યુનાનને જોઈને સિંદ તેને ભેટી પડ્યો. પછી માંડીને બધી વાત કરી. 

થોડીવારમાં પાર્થેવીયાના હજારો સૈનિકો ત્યાં આવી પહોંચ્યા અને સિંદબાદ તથા યુનાનને ઘેરીને ગોઠવાઈ ગયા. તેમનો એક જ ઉદ્દેશ્ય હતો, પેલો ખજાનો અને સિંદની તલવાર. આટલા બધા દુશ્મનોને એક સાથે જોઈને સિંદ પણ થોડો ખચકાયો. પણ યુનાનના કહેવા મુજબ હવે તેને ડરવાની જરૂર ન હતી. તેણે સિંદબાદને પોતાની નવી શક્તિને અમલમાં મુકવાની સલાહ આપી. 

સિંદે ધીરેથી પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી, તેને હવામાં ઊંચી પકડી રાખી અને એક જોરદાર બૂમ પાડી, "મુફરકા.. સૈકા.." 

સિંહની ગર્જનાથી પણ વિશાળ ગર્જનાનો અવાજ આવ્યો. આકાશ ઘમઘોર કાળાં વાદળાંઓથી ઘેરાઈ ગયું. અને એક પછી એક જોરદાર વીજળીના ઝાટકાઓ આકાશમાંથી પેલા સૈનિકોની ઉપર પડવા લાગ્યા. જાણે ઈન્દ્ર એ તાંડવ મચાવ્યું હોય એવું દ્રશ્ય થઈ ગયું. પેલા સૈનિકો પોતાનો જીવ બચાવીને ભાગવા લાગ્યા, તો કેટલાક કમનસીબદાર આ જટકાઓથી ઘવાઈને ઢળી પડ્યા. સિંદને પોતાની આ શક્તિ પર હજુ સુધી પણ વિશ્વાસ નહોતો બેસતો. આવડો મોટો ઉત્પાત જોઈને તેને પણ એક ક્ષણ માટે ચીતરી ચડી ગઈ. હવે પછી જરૂર વગર આ શક્તિનો ઉપયોગ ન કરવાના તેણે મનોમન સોગંધ ખાધા અને હાથ નીચો કરી તલવારને ફરી મ્યાનમાં મૂકી. થોડીવારમાં ધીમે ધીમે બધું શાંત થવા લાગ્યું. બરાબર મોકો જોઈને, યુનાને પોતાનો હાથ ઊંચો કર્યો અને તેની સાથે જ તે અને સિંદ બંને હવામાં ઉછાળ્યા અને ઊડીને સીધા જ ટીસોનમાં આવી પડ્યા. 

સિંદબાદે આ પહેલા ક્યારેય પણ ઉડવાની મજા લીધી નહતી. પણ અચાનકની આ મુસાફરી થી તેને પેટમાંથી ઉબકા આવવા લાગ્યા. યુનાને પોતાના જાદુથી તેની મદદ કરી અને બંને ઘર તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં બે ત્રણ ગામની સ્ત્રીઓ સિંદ ને જોઈને તેની પાસે દોડી આવી અને એલ્સાને આ રીતે છોડીને જવા માટે તેને ધમકાવ્યો પણ સાથે સાથે તેઓના આંખમાં આંસુ પણ હતા.

ઘરે આવીને સિંદને ખબર પડી કે, લાંબી બીમારીને કારણે એલ્સા થોડા દિવસ પહેલા જ મૃત્યુ પામી હતી, અને ગામની સ્ત્રીઓએ તેની અંતિમક્રિયા પણ સિંદબાદની ગેરહાજરીમાં પુરી કરી દીધી હતી. ઉપરજતા તેને એ પણ ખબર પડી કે ગહનગુફામાં તેને ફક્ત ત્રણ ચાર કલાક જ થયા હતા પણ અહીંયા બહારની દુનિયામાં ત્રણ મહિના વીતી ગયા હતા. આ પણ ગુફાની એક માયાજાળ જ હતી.

થોડા દિવસો વીત્યા. યુનાન સિંદને કશું કહ્યા વગર ગાયબ થઈ ગયો હતો. સિંદ પણ હવે પોતાના દુઃખમાંથી બહાર આવી ચુક્યો હતો. એ એલ્સા જ હતી કે જેણે સિંદને આ દુનિયાની સફર કરવાની અને પોતાની મંજિલ શોધવાની ઈચ્છા વ્યક્ત કરેલી. આથી માતાની અજ્ઞાને ફરી શિરે ચડાવી, બાદલની તલવાર હાથમાં લઈ તે નીકળી પડ્યો..એક નવી સફરમાં.

આ બાજુ પુરા પાર્થેવીયા અને રેમ માં સિંદબાદનું નામ ગુંજી ઉઠ્યું હતું. એક ૧૪ વરસના યુવાને એ ગહનગુફાને પરાજિત કરી હતી, જેને જીતવામાં દસ હજાર સૈનિકો અને સેનાપતિ દ્રગુલ પણ નિષ્ફળ ગયા હતા. લોકોના મનમાં એક આશાનું કિરણ જાગી ઉઠ્યું હતું, કે હવે કદાચ તેમને આ યુદ્ધથી બેહાલ બની ગયેલી જિંદગીમાં કંઈક જીવવાની આશા મળશે. હવે લોકોનો એક જ મસીહા હતો.

"સાહસિક સિંદબાદ..." 

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Fantasy