Hardik Devmurari

Fantasy Others

4  

Hardik Devmurari

Fantasy Others

સિંદબાદની સફર - ૧

સિંદબાદની સફર - ૧

5 mins
212


ભાગ ૧: નસીબદાર બાળક

પશ્ચિમ દિશામાંથી વાતો જોરદાર પવન, વીજળીની ગર્જના સાથેનો મુશળધાર વરસાદ અને હાહાકાર મચાવી દે તેવા વાવાજોડાની એ રાત હતી. ગામના એક નાનકડા ઘરમાં બાદલ તેની પત્નીની મદદ કરવામાં વ્યસ્ત હતો, જે એક બાળકને જન્મ આપી રહી હતી. ગ્યોકેન, માટેલ, શહેરઝાદે અને યુનાને પોતપોતાના દેશમાં રૂખની દિશા બદલાવવાની નોંધ લીધી અને અટકળો લગાવી કે કદાચ એક મહાન તાકાત નો જન્મ આ દુનિયામાં થયો છે. બાદલની પત્નીનું નામ એલ્સા હતું. તેણે એક તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો હતો, જેનું નામ બાદલે રાખ્યું - સિંદબાદ. એ સિંદબાદ જે સમય જતા સાત સમુંદરો પર રાજ કરવાનો હતો.

થોડા વર્ષો વીત્યા. ટીસોન જે પાર્થેવિયા નામના દેશનું એક નાનકડું ગામ હતું, ત્યાં થોડા સૈનિકો કોઈ યુદ્ધ વિજયની ઉજવણી કરતા હતાં. બાદલ પણ આ જલસામાં શરાબ પી રહ્યો હતો. તેમાંથી બે-ત્રણ સૈનિકો યુદ્ધમાં તેની સેવા માટેનો તેનો પગાર દેવા આવ્યા. પણ બાદલે તેમને હંકારી કાઢ્યા,"મારે આ પૈસા નથી જોઈતા. મેં યુદ્ધમાં ફક્ત એ માટે જ ભાગ લીધેલો, કે જેથી હું મારા પરિવાર અને દેશની સુરક્ષા કરી શકું. બાકી પાર્થેવિયાના રાજા, જે પોતાની સત્તાનો વિસ્તાર કરવા માટે બીજા રાજ્યો પર હુમલો કરે છે, તેની સાથે હું બિલકુલ સહમત નથી. મને બસ મારો માછીમારીનો ધંધો કરવા દો અને શાંતિથી રહેવા દો."  

સિંદબાદ ની ઉંમર ઘણી નાની હતી, આથી બદલ તેને પોતાની સાથે ન લઈ જતો. આવીજ રીતે એક વખત તે માછીમારી માટે દરિયામાં ગયો. હોડીમાંથી જેવી જ જાળ ઉઠાવી કે,..આ શું ? નાનો સિંદબાદ તેની નીચે છુપાઈને બેઠો હતો ! પણ તેના પર નારાજ થવાને બદલે ઉલ્ટાનો તેની હિંમત જોઈ, તેના પર ખુશ થઈ ગયો. વાતવાતમાં અચાનક ભયાનક દરિયાઈ તોફાન આવ્યું. પણ ગભરાવવાને બદલે, સિંદબાદે પોતાની બુદ્ધિ કુશળતાથી વાવજોડામાંથી બહાર નીકાળવામાં પોતાના પિતાની મદદ કરી. તેની આ સાહસિકતાની બાદલે ગંભીરતાથી નોંધ લેતા કહ્યું કે, "બેટા, એક દિવસ આવશે જયારે તું આ પુરી દુનિયાને બદલી નાંખીશ."

આમ ને આમ બે વરસ વીત્યા. એક દિવસે પાર્થેવિયાના સૈનિકો, પાડોસી દેશ "રેમ" ના એક ગુપ્તચરનો પીછો કરતા હતાં, જે એક પહાડી પરથી ગુમ થઈ ગયો હતો. આ સમયે પાર્થેવિયાનું રેમ સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું. દેશના લોકો ગરીબ અને યુદ્ધના કારણે બેહાલ થઈ ગયા હતાં. બંને દેશોના નાગરિકો યુદ્ધવિરામની રાહ જોતા હતાં. જેથી કરીને પોતાનું જીવન ફરી સમૃદ્ધ થઈ શકે. એમાંથી અમુક એવા પણ હતાં, જે બાદલનો હંમેશા રહેતો ખુશમિજાજ જોઈને ચીડતા, અને તેની માછીમારી ગેકાયદેસર ઠેરાવી તેને માર મારતા. જોકે બાદલ આ વાતને હસી કાઢતો, પણ સિંદબાદ એનાથી ખુબજ ગુસ્સે ભરાતો અને ઉલ્ટાનો તેના પિતા પ્રત્યે નારાજ થતો.

એક દિવસ રાત્રે જમ્યા પછી, સિંદબાદ કુવામાંથી પાણી ભરવા ગયો. એલ્સા બાદલ પાસે તેમના ભવિષ્યની ચિંતા વ્યકત કરવામાં મશગુલ હતી, કે અચાનક સિંદબાદે તેમને વચ્ચેથી રોક્યા. તે પોતાની સાથે એક ખુબજ ઘવાયેલા માણસને સાથે લાવ્યો હતો. એજ માણસ કે જેને પાર્થેવિયાના સૈનિકો દિવસે શોધતા હતાં. 

તેની હકીકતથી અજાણ, એવા બાદલ અને એલ્સાએ તેની સારવાર કરી. થોડા દિવસો પછી તે ભાનમાં આવ્યો અને સિંદબાદનો આભાર માન્યો. તેણે બાદલને જણાવ્યું કે તેનું નામ ડારિયાસ છે, પોતે એક વ્યાપારી છે, અને વાવાજોડામાં તેનું વહાણ ભાંગી પડ્યું હોવાથી એ દરિયાકિનારે મોજા સાથે ઢસડાઈ આવ્યો હતો. 

ડારિયાસની તબિયત હજી નાજુક હતી એટલે તેણે ત્યાંજ રહેવાનું નક્કી કર્યું. સિંદબાદને ડારિયાસ ના સોનેરી વાળ જોઈને નવાઈ લાગી. આથી ડારિયાસે તેને દુનિયા વિશે, જુદા જુદા પ્રકારના દેશો, ત્યાંના લોકો અને તેમના ખાનપાન તથા રહેણીકરણી વિશે રોજ રાત્રે કહાનીઓ સંભળાવવાની શરૂ કરી. સિંદબાદ, કે જેણે પોતાના ગામની બહાર પણ પગ નહોતો મુક્યો, તેને આ બધી વાતો પરીકથાઓ જેવી જ લાગતી!

એક સવારે, ડારિયાસ એલ્સાનું ઘર છોડવાની તૈયારી કરતો હતો, કે અચાનક બે સૈનિકો ત્યાં આવી પહોંચ્યા અને એલ્સાને જણાવ્યું કે તેઓ એક જાસુસની શોધમાં છે. થોડી આનાકાની બાદ, તેઓ ઘરની અંદર ધસી આવ્યા, પણ આંખના પલકારામાં જ ડારિયાસે તેમને મારી નાખ્યા. ગભરાયેલી એલ્સા હજીતો કઈ કહે એ પહેલા તેણે સિંદબાદ ને કટાર ગળા પર રાખી પકડી લીધો અને મારી નાખવાની ધમકી દઈ લોકોની વચ્ચેથી ભાગવા લાગ્યો. 

તે ત્યાંથી ભાગે એ પહેલા બાદલ ત્યાં આવી પહોંચ્યો. ડારિયાસ કઈ કહે એ પહેલા તે પોતાના ઘૂંટણે પડી ગયો અને તેણે વિનંતી કરી કે તે સિંદબાદને છોડી દે. અને બની શકે તો પોતે પાર્થેવિયાની શરણાગતિ સ્વીકારી લે. પણ ડારિયાસ, રેમ નો એક સ્વાભિમાની સૈનિક હતો. આથી તેણે તે વાતનો ઈન્કાર કર્યો. ડારિયાસને વાતોમાં ફસાવી, જેવો તેને મોકો મળ્યો કે બાદલે એક ખંજર તેની છાતીમાં ખોંપી દીધું. સિંદબાદને પાછો મેળવ્યા પછી, ત્યાં ઉભેલા લોકો તરફ તેણે બૂમ પાડી કે, લોકો ભલે તેની મજાક ઉડાવે, તેનાથી તેને કોઈ ફરક નથી પડતો. પણ જો કોઈ તેના પરિવારને નુકશાન પહોંચાડશે, તો તેને તે ક્યારેય માફ નહીં કરે.

આ ઘટના બાદ બાદલને એક દુશ્મન દેશના જાસૂસ ને પનાહ દેવા માટે દોશી ઠેરવવામાં આવ્યો. અને તેને સજા રૂપે તાત્કાલિક યુદ્ધમાં સેવા આપવા માટે મોકલવામાં આવ્યો. જતા પહેલા, તેણે ગામના લોકોને પોતાના શરીર પર રહેલા યુદ્ધના ઘાવ દેખાડ્યા. અને સમજાવ્યું કે યુદ્ધથી ફક્ત દુઃખ મળે છે, શાંતિ નહીં. તેણે સિંદબાદને પણ સમજાવ્યું કે હવે તેણે એક પુરુષ તરીકે રહેવું પડશે, બધી મુસીબતોનો સામનો કરવો પડશે અને એલ્સાનું ધ્યાન રાખવાની જવાબદારી પણ હવે તેની જ રહેશે. આ ઘટના થી સિંદબાદને પોતાના પિતાની હિંમત અને બહાદુરીનો ખ્યાલ આવ્યો. થોડા મહિના પછી બાદલ, યુદ્ધમાં મૃત્યુ પામ્યો. તેની તલવાર તેના ઘરે પહોંચાડવામાં આવી. 

***

બાદલના મૃત્યુ પછી નવ વરસ વીતી ગયા હતાં. સિંદબાદ હવે ૧૪ વર્ષનો બહાદુર અને દેખાવડો યુવાન બની ગયો હતો. તે અને તેની માતા એલ્સા, ગામમાં લોકો સાથે મળીને શાંતિથી રહેતા હતાં. ગામના લોકો પર, બાદલના શબ્દોની ઊંડી અસર થઈ હતી. તેઓ હવે યુદ્ધના નુકશાન અને શાંતિનો ફાયદો સમજવા લાગ્યા હતાં. સિંદબાદ ગામમાં બધાનો ચહીતો બની ગયો હતો. તે હંમેશા બધાને મદદ કરતો અને બદલામાં લોકો તેને પૈસા પણ આપતા.

"સૈનિકો, તમને ખબર છે કે સૌથી ખતરનાક વસ્તુ શું છે ?" પાર્થેવિયાના મહારાજે તેના સૈનિકોને પ્રશ્ન પૂછ્યો."શું તે યુદ્ધમાં થયેલી હાર છે ? શું તે કોઈ કાર્યની નિષ્ફળતા છે ? શું તે સામે ઉભેલા દુશ્મનનો ભય છે ?"

"ના, મહારાજ", "નહીં", "એમાંથી કોઈ નહીં", સૈનિકોએ બની શકતો જવાબ આપ્યો.

"સૈનિકો, એ છે તમારું સ્વાભિમાન. એક પાર્થેવીયન સૈનિક પોતાનું સ્વાભિમાન તથા આત્મવિશ્વાસ ભુલી જાય, એ છે તેના માટે સૌથી વધુ ખતરનાક વસ્તુ." રાજાએ હાંકલ કરી, "જાઓ, ડરો નહીં, જીવનની ચિંતા ન કરો, પાર્થેવિયા માટે લડો. જાઓ."

તે ઈમારત સૌથી પહેલા તે પ્રદેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં જોવા મળી હતી. એ પહેલા કે લોકોને તે વિષે કઈ ખબર પડે, બધાએ તે રહસ્યમય ઈમારતને "ગહનગુફા" એવું નામ આપી દીધું. બે મહાન શક્તિઓ, રેમ અને પાર્થેવિયા, આ ગહનગુફાને જીતવા માટે મહેનત કરી રહ્યા હતાં. જોકે, અત્યાર સુધીમાં અંદાજે ૧૦,૦૦૦ લોકોએ તેને પડકારી હતી, પણ તેમાંથી કોઈ પણ જીવતું બહાર આવ્યું નહતું.....

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Fantasy