પાણીપત-પ્રથમ યુદ્ધ
પાણીપત-પ્રથમ યુદ્ધ
"ઓશની સુંદરતા વિષે ઘણી કહેવતો છે. ઓશ કિલ્લાની દક્ષિણ-પૂર્વ દિશામાં એક બારા-કોહ નામનો વિશાળ પર્વત છે, જેની ટોચ પર સુલતાન મહંમદ ખાને એક મહેલ બનાવ્યો હતો. દૂર, એ જ પહાડ ના એક કિનારા પર મેં એક પથ્થર નો મંડપ બનાવ્યો હતો."
ઉપરોક્ત વાક્ય બાબરે પોતાની જન્મભૂમિ વિષે લખ્યું હતું, જે તે કદી પણ જીતી શક્યો નહિ.
બાબર નો જન્મ હાલના ઉઝબેકિસ્તાનમાં ફરગના ની ઘાટી માં થયો હતો. તે તૈમુર અને ચંગીસ ખાન જેવા મહાન મોંગોલ યોદ્ધાઓ નો સીધો વંશજ હતો. ખુબ જ નાની ઉંમરે, એટલે કે ફક્ત ૧૨ વર્ષ ની વયમાં તે ફારગણાનો સૂબો બન્યો. બાબર નાનપણથી જ ખુબ જ મહત્વાકાંક્ષી હતો. એટલે રાજ્ય હાથમાં આવ્યાના ફક્ત બે વર્ષ બાદ, તેણે સમરકંદ પર ચડાઈ કરી અને તેને જીત્યું. સમરકંદ તો હાથમાં આવ્યું, પણ આમ કરવામાં તે ફરગના ને ખોઈ બેસ્યો. હતાશ થઇ તેણે ફરગનાને જીતવાનો પ્રયાસ કર્યો, પણ આ બાજુ તે સમરકંદને ફરી એક વાર ખોઈ બેઠો. ઈ.સ ૧૫૦૧ માં તેણે બંને જગ્યાઓ ને એક સાથે જીતવાનો પ્રયાસ કર્યો,પણ મહમદ શાયબાની ખાને તેને હરાવી અને બંને જગ્યાઓને હાંસલ કરી. ૧૫૦૪, માં તેણે કાબુલ જીત્યું. થોડી હિંમત એક્ઠી કરી અને પોતાના મિત્રો સાથે મળીને ફરી એક વખત સમરકંદ ને જીત્યું. પણ ભાગ્ય નો ભાંગેલો બાબર તે સમરકંદ ને ત્રીજી વખત પણ ખોઈ બેસ્યો. આમ, ચાર વખત અલગ અલગ રીતે યુદ્ધ કરવા છતાં પણ તેને કઈ હાથ લાગ્યું નહિ અને પોતાનું ઘર અને રાજ્ય પણ ખોઈ બેસ્યો.
એશિયા નો ઉત્તર ભાગ તેના શાસન માટે નથી, એમ સ્વીકારી તેણે પોતાનું ધ્યાન હવે દક્ષિણ એશિયા તરફ ફેરવ્યું, જ્યાં હતું- ભારત.
એ સમયે ભારત માં બે મહાન રાજવીઓ શાસન કરતા હતા. ઉત્તર ભારતમાં ઇબ્રાહિમ લોદી નું શાસન હતું, જયારે મધ્ય ભાગ માં મેવાડના હિન્દૂ રાજપૂત રાજા, રાણા સાંગા નું રાજ હતું.
બાબરના પરદાદા તૈમુર નું એના પોતાના સમયમાં ઉપર થી લઇને છેક નીચે પંજાબ સુધી રાજ્ય હતું. આથી બાબરે પંજાબ ને પોતાનું સૌપ્રથમ લક્ષ્ય બનાવ્યું. ઈ.સ ૧૫૨૪ માં તેણે આલમ ખાનની મદદ થી પંજાબ જીત્યું. પંજાબ પોતાના હાથમાં આવતા બાબર ને થોડી હિમ્મત આવી એટલે તેણે સરહિંદ થઈને દિલ્હી તરફ કૂચ કરી.
૨૦ એપ્રિલ, ૧૫૨૬ ના રોજ તે પાણીપત પહોંચ્યો. દિલ્હીમાં કોઈ સુલતાન ઇબ્રાઇમ લોદી નું રાજ્ય છે, એ જાણી તેની સાથે યુદ્ધ કરવા માટે પાણીપત ની જગ્યા પસંદ કરી અને ત્યાંજ પોતાના તંબુ તાણ્યાં.
પરંતુ નસીબે ત્યાં પણ બાબર નો સાથ ન આપ્યો. બાબર ઇબ્રાહિમની સેના જોઈને અવાક જ રહી ગયો. - ૧,૦૦,૦૦૦ સૈનિકો અને ૧૦૦૦ હાથી તેની સામે બાબર પાસે હતી મુઠીભર ૧૨૦૦૦ સૈનિકોની સેના !
આમ છતાં પણ બાબરે આ વખતે જીત હાંસલ કરવાનો દ્રઢ નિશ્ચય કરી જ લીધો હોય એમ જણાતું હતું. તેણે પાણીપત ના મેદાનને જોઈને તેની ભૌગોલિક સ્થિતિ ને પોતાની તરફેણમાં વાપરવાની યોજના કરી. અને મનસૂબા પૂર્વક તે જગ્યાને યુદ્ધ માટે પસંદ કરી. આ બાજુ લોદી પણ પોતાની સેનાં અને હાથીઓને સશસ્ત્ર કરવામાં મશગુલ હતો. બંને બાજુ જોરશોર થી તૈયારીઓ ચાલતી હતી. ઇબ્રાહિમને પોતાની મોટી સેનાને લીધે જીતવાનો વિશ્વાસ હતો, જયારે બાબર ને પોતાની યોજના પર પૂરો ભરોસો હતો.
યુદ્ધના મેદાન માં બાબર ની સેના એક બાજુએ પાણીપત શહેરના કારણે સુરક્ષિત હતી જયારે બીજી બાજુએ જાડી-ડાળખાંઓ થી ઢાંકેલી એક ખાઈ હતી. તેણે પોતાની સેના ને ત્રણ વિભાગમાં વહેંચી-ડાબી બાજુ, જમણી બાજુ અને મધ્યમાં. બાબર પાસે બે નાની તોપ હતી જેનો ઉપયોગ તે યોજનાપૂર્વક કરવાનો હતો. અને આજ તોપ તેની યોજનાનું મુખ્ય બિંદુ હતી. તેણે ૭૦૦ જેટલી બળદગાડીઓ મંગાવી અને તેમને મજબૂત દોરડાઓ થી બાંધી દીધી. મધ્યમાં તેણે પોતાની બે તોપો ને મૂકી અને તેમને ઢાલ દ્વારા સુરક્ષિત કરાઈ. બળદ ગાડીઓ ને બાંધતી સમયે તેમાં થોડા થોડા અંતરે નાની જગ્યાઓ પણ રાખી, જેથી મધ્યમાં રહેલા સૈનિકો વારે વારે બહાર નીકળી ને હુમલો કરી શકે. આમ બધું ગોઠવાઈ ગયું હતું, તેણે ફક્ત હવે રાહ જોવાની હતી કે ક્યારે ઇબ્રાહિમ લોદી બાબર પર હુમલો કરે !
બધું એકદમ તૈયાર હોવા છતાં પણ મૂંઝવણ એ હતી કે ઇબ્રાહિમ લોદી બાબરની સેના પર હુમલો જ નહોતો કરતો ! લગભગ એકાદ અઠવાડિયા સુધી બાબરે ઇબ્રાહિમ ની રાહ જોઈ પણ તે ના જ આવ્યો. છેવટે કંટાળીને બાબરે, લોદી ને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો. તેના થોડા સૈનિકો દરરોજ લોદી ની સેના તરફ જતા અને બાણો વડે હુમલો કરતા. આમ છતાં પણ સફળતા ન મળતાં, છેવટે બાબરે ૪૦૦૦-૫૦૦૦ જેટલા સૈનિકોને રાત્રે મોકલ્યા અને હુમલો કર્યો. પણ ઇબ્રાહિમ ત્યાંથી હલ્યો નહિ.
છેવટે ૨૧ એપ્રિલ ના દિવસે સવારે, ઇબ્રાહિમે પોતાનો તંબુ છોડ્યો અને બાબર ની સેના તરફ આગળ વધ્યો. આ બાજુ બધું પહેલેથી તૈયાર તો હતું જ, હવે ખાલી પીરસવાનું હતું. બાબરની યોજના એકદમ કારગત નીવડી. તેની સેનાએ બે બાજુઓ તો પહેલેથી રોકેલી હતી જ, તેથી લોદી ને ના છૂટકે મધ્યમાંથી પસાર થવું પડ્યું. બાબરની સેનાએ બંને બાજુથી દબાણ કર્યું, આથી લોદી ના તો લડી શકતો હતો કે નતો બહાર ભાગી શકે તેમ હતો. મધ્યમાં રહેલી તોપોએ પોતાની કામગીરી બજાવી. એ વચ્ચે જ પાંચ તીરંદાજો તોપોની બાજુમાં રહીને આગ લગાડેલા તીરો લોદી ની સેના તરફ છોડવા લાગ્યા. બે નાની તોપો બળદગાડીઓ અને ઢાલ થી એવી તો ઢંકાયેલી હતી કે તેમને નુકસાન પહોંચાડવું તો દૂર, પણ કોઈ એની નજીક પણ જઈ નહોતું શકતું ! હાસ્યની વાત તો એ બની રહી કે તોપોના અવાજના કારણે લોદીની સેનામાં રહેલા હાથીઓ એકદમ ડરી ગયા અને અફડાતફડી બોલાવી દીધી. તેની સેનાના અડધા સૈનિકો તો આ હાથીઓના કારણે જ કચડાઈ ગયા !
લોદી તેની સેનાને બાબર સુધી પહોંચાડવામાં અસક્ષમ રહ્યો. તેની સેના બધી બાજુએથી અંદર તરફ સંકોચાવા લાગી. હવે તેની પાસે મધ્ય ભાગમાં જવા સિવાય કોઈ રસ્તો જ ન હતો. અને ત્યાં હતી પેલી બે રાક્ષસી તોપો. યુદ્ધ નો સૌથી મહત્વનો સંઘર્ષ સવારથી લઈને બપોર સુધી રહ્યો. અને બપોર સુધીમાં તો ઇબ્રાહિમ લોદી મરી ચુક્યો હતો ! પણ તેનું શબ શોધવામાં સાંજ પડી ગઈ હતી ! અજાણ્યો દેશ અને સેનાના કદમાં ખુબ મોટો તફાવત હોવા છતાં પણ સુલતાન બાબર પાણીપત નું પહેલું યુદ્ધ જીતી ચુક્યો હતો. ત્યારપછી બાબરે હુમાયુને સેનાની એક ટુકડી સાથે આગ્રા તરફ મોકલ્યો અને સુલતાનની બધી સંપત્તિ જપ્ત કરી લેવા આદેશ આપ્યો. બાબર ની પોતાની સ્મૃતિ મુજબ તેમણે લોદીની સેનાના ૧૫ થી ૧૬૦૦૦ જેટલા સૈનિકોને માર્યા હતા, પણ આગ્રાની પ્રજાના મત મુજબ એ યુદ્ધમાં ૪૦ થી ૫૦૦૦૦ જેટલા સૈનિકોનું મૃત્યુ થયું હતું. ઘણા જીવિત બચેલાઓને બંદી બનાવવામાં આવ્યા. અંતે ૩ દિવસ પછી બાબર દિલ્હી પહોંચ્યો.
આ યુદ્ધ ભારતના ઇતિહાસ માં એક ટર્નીંગ પોઇન્ટ બની રહ્યો, કેમકે આ યુદ્ધ થી દિલ્હી સલ્તનત નો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઇ. એ શાસન કે જેમાં અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ જેવા પ્રભાવી રાજાઓ રાજ કરવાના હતા. પણ સમયચક્ર પ્રમાણે આ શાસનનો પણ બ્રિટિશ રાજ દ્વારા ૧૮૬૮ માં પૂર્ણ વિરામ મુકાયો.
આ પાણીપતનું યુદ્ધ અને તેને લગતી કેટલીક રસપ્રદ માહિતી:
- સતત ત્રીજી વખત સમરકંદ હાર્યા પછી જ બાબરે પોતાનું ધ્યાન ભારત તરફ વાળ્યું હતું, આથી એ પણ પાણીપત ના પહેલા યુદ્ધનું એક મુખ્ય કારણ ગણાય શકાય.
- બાબરની યુદ્ધમાં સફળતા પાછળનું કારણ એ હતું કે, તે યુદ્ધમાં તોપોનો ઉપયોગ કરવા વાળો સૌપ્રથમ વ્યક્તિ હતો.
- યુદ્ધમાં બાબરને ફક્ત એક જ મુશ્કેલી નડી હતી, કે ઇબ્રાહિમ તેના પર હુમલો જ નહતો કરતો!
- યુદ્ધ શરુ થયાનાં ફક્ત ત્રણ જ કલાક માં ઇબ્રાહિમ લોદી મરી ચુક્યો હતો!
- દિલ્હી જીત્યા પછી બાબર ફક્ત ચાર વરસ જ જીવ્યો હતો.
- મુઘલ શાસન અકબર ના સમયમાં રાજકીય ક્ષેત્રે સૌથી આગળ હતું.