Jyotsna Patel

Classics Inspirational

4  

Jyotsna Patel

Classics Inspirational

વતનનો પોકાર

વતનનો પોકાર

5 mins
438


અનોખું વ્યક્તિત્વ ધરાવતા ઘનશ્યામ શેઠ ફોન પર વાત કરતાં કરતાં મહેલ જેવા બંગલાનાં પગથિયાં ઉતરી રહ્યા હતા. તેમનો એક હાથ કાને ધરેલા અતિકિંમતી મોબાઈલ ફોનને આધાર આપી રહ્યો હતો, તો બીજો હાથ બ્લેક કલરના મોંઘા બ્લેઝરના ખિસ્સામાં હતો. કસાયેલું શરીર અને ગોરો રંગ; સાથે ભળતી અનોખી અદા ! અડતાલીસની વયે પણ તેઓ કોઈ હીરોથી કમ નહોતા લાગતા!

ઘનશ્યામ શેઠ લક્ઝરી કારમાં ગોઠવાતાં ડ્રાઈવર તેમનો દરવાજો બંધ કરી ઝડપથી ડ્રાઇવિંગ સીટ પર બેઠો. આસ્ફાલ્ટની સડક પર કાર વહેતા ઝરણાની જેમ સરકવા લાગી. ફોન પરની વાત પૂરી થતાં જ તેમની નજર ભૂંગળું વાળીને ડ્રાઈવરની સીટમાં દબાવેલા અખબાર પર પડી. ઘણા દિવસો પછી ગુજરાતી ભાષા જોતાં જ માતૃભાષા પ્રત્યેના લગાવે એમને એ ગુજરાતી અખબાર ખોલવા મજબૂર કર્યા. એક બે સમાચાર પર અછડતી નજર નાંખી તેમણે પાન પલટાવ્યું. ત્યાં જ એક સમાચાર પર તેમની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ !

સમાચારની હેડલાઈનમાં છપાયેલો ‘કલવા’ શબ્દ ઘનશ્યામ શેઠને ભૂતકાળની ગલીઓમાં ખેંચી જવા પૂરતો હતો. એક ક્ષણમાં તો તેઓ માયાનગરી મુંબઈમાંથી ગરવા ગામડે પહોંચી ગયા!

“પકડાઈ ગયો, મારો શ્યામ!” આંગણામાં ડગુમગુ દોડતા દોઢેક વર્ષના પરાણે વહાલો લાગે એવા સોહામણા બાળકને પકડી પાડ્યાના આનંદ સાથે એની માતાએ શ્યામના ગાલને ચૂમી લીધો. બાળકના ચહેરા પર પણ પોતે પકડાઈ ગયાની અવર્ણનીય ખુશી છલકતી હતી ! મા-દીકરા વચ્ચે પકડાપકડીનો બીજો દાવ શરૂ થયો. આ વખતે મોટા પગ નાનાં નાનાં ડગલાં ભરી દોડતા હતા અને નાના પગ મોટી મોટી ફલાંગો ભરી માને પકડવાની કોશિશ કરી રહ્યા હતા !

અચાનક ઠેસ વાગતાં શ્યામ પડી ગયો. આંગણાની શોભા વધારતું ગાર-માટીનું લીંપણ બાળકની કોમળ હથેળીમાં હળવા દર્દનું કારણ બન્યું. રડતા બાળકની હથેળી પર માએ પ્રેમથી ફૂંક મારતાં એ માને વળગી પડ્યો. ઘનશ્યામ શેઠને અત્યારે પણ પોતાની હથેળી પર માની મમતાની શીતળતા અનુભવાઈ રહી હતી ! તેમના મુખ પર હળવું સ્મિત રેલાઈ ગયું. 

ક્ષણભરમાં તો એ સ્મિતનું સ્થાન ઊંડી વેદનાએ લઈ લીધું. ઘનશ્યામ શેઠની નજર સમક્ષ એ જ આંગણું હતું, પણ દ્રશ્ય બદલાયું હતું. આંગણામાંથી એક સાથે બે અર્થી ઊઠી, ત્યારે દસેક વર્ષનો ઘનશ્યામ એક ખૂણામાં ઊભો ઊભો હીબકાં ભરતો હતો. દૂરનાં એક ફોઈએ તેના માથે સહાનુભૂતિ ભર્યો હાથ ફેરવી, તેના હાથમાં ‘દોણી’ પકડાવી સ્મશાનયાત્રાની આગળ કર્યો હતો. અણસમજુ હાથ વડે બંને ચિતાને મુખાગ્નિ આપ્યો ત્યારે મા-બાપનો લાડકો ‘શ્યામ’ ગંભીર ‘ઘનશ્યામ’ બની ગયો હતો ! ભડભડ બળતી ચિતાઓની અગનજ્વાળામાં તેને પોતાના ભવિષ્ય અંગેના સવાલો સળગતા દેખાતા હતા.

માતા-પિતાના આકસ્મિક અવસાન સાથે ઘનશ્યામના માથે અનાથનું લેબલ લાગી ગયું. પિતાના પિતરાઈ ભાઈઓના સહારે આ કિશોર દિવસો ધકેલ્યે જતો હતો. કુટુંબી કાકાઓ અને કાકીઓ દુનિયાની લાજે એને બે ટંક રોટલા ભેગો કરતાં હતાં. બાકી તેમના માટે તો આ બાળક દૂધ પાઈને સાપ ઉછેરવા સમાન હતું!

કિશોર ઘનશ્યામ ઠેબાં ખાતો ઉછરવા લાગ્યો. જેમ જેમ તે મોટો થતો ગયો એમ એમ ગામમાં થતી ચેં..ચેં..પેં..પેં.. વાતો સમજતો ગયો. તેને એટલો ખ્યાલ તો આવી જ ગયો કે તેનાં મા-બાપનું મૃત્યુ કુદરતી નહોતું. પિતાની સારી એવી સંપત્તિની લાલસાએ કુટુંબી કાકાઓ આ અસામાન્ય ઘટના માટે જવાબદાર હતા. પોતાનો એકમાત્ર આશરો આ કુટુંબીઓ જ હોવાથી તે મનની કડવાશ દાબીને પોતાને અનાથ કરનારની ઉપેક્ષા સહેવા મજબૂર હતો. 

તેજસ્વી ઘનશ્યામ દસમા ધોરણમાં ઉત્તમોત્તમ પરિણામ સાથે કેન્દ્રમાં ટોચ પર રહ્યો, ત્યારે તેની અગિયારમા ધોરણમાં સાયન્સ પ્રવાહમાં ભણવાની ઈચ્છાને કાકાઓ દ્વારા નકારી કાઢવામાં આવી. કારણ એટલું જ કે વધુ ભણેલો ઘનશ્યામ ભવિષ્યમાં પિતાની સંપત્તિ પર વારસાહક ન જતાવે ! છેવટે ઘનશ્યામનો આગ્રહ જીદ પર પહોંચતાં તેને ઘરમાંથી અને ગામમાંથી તગેડી મૂકવામાં આવ્યો. ઘનશ્યામે હાથે-પગે વતનને અલવિદા કરી ત્યારે તેની ઉંમર માત્ર સોળ વર્ષની હતી. સંજોગોએ એને ઉંમરના પ્રમાણમાં વધુ સમજણો બનાવી દીધો હતો. હૃદયમાં સળગતા દાવાનળ સાથે માતા-પિતાની ધૂંધળી યાદોને દિલના ખૂણે ભંડારીને તેણે કાયમ માટે વતનને અલવિદા કહી !

કારમાં બેઠેલા શેઠના હોઠ અત્યારે પણ સખ્તાઈથી બિડાઈ ગયા. એ કારમી ક્ષણોની યાદ સાથે તેમની આંખોમાં લાવા ડોકાવા લાગ્યો. તેમના નાકનાં ફોયણાં ફૂલવા લાગ્યાં. નાકના ટેરવાંએ લાલાશ પકડવા માંડી ! વર્ષો પહેલાંની એ અસહ્ય ઘડી શેઠના અંતરમાં અત્યારે જીવંત થઈ ઊઠી હતી. ત્યાં જ સિગ્નલ પર હળવા ધક્કા સાથે કાર થોભી જતાં તેઓ પાછા વર્તમાનમાં પટકાયા! તેમનું મન કડવાશથી ભરાઈ ગયું. 

ઘનશ્યામ શેઠે દુઃખદ ભૂતકાળમાંથી બહાર આવવા અખબારમાં છપાયેલ પોતાના ગામના સમાચાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ કરી. એ સમાચાર કહેતા હતા કે ઘનશ્યામ શેઠનું વતન એવું કલવા ગામ દુર્દશાની ખાઈમાં ધકેલાઈ ગયું હતું. રસ્તા, પાણી, સ્મશાન, ગટર લાઈન, વીજળી, કાંઈ કહેતા કાંઈ જ સગવડવિહોણું કલવા ગામ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે રણશિંગુ ફૂંકી ચૂક્યું હતું. એ સમાચાર વાંચતાં ઘનશ્યામ શેઠની નજર સામે વર્ષો પહેલાંનું હરિયાળું ગોકુળ સમું ગામડું રમી રહ્યું. તેઓ દુર્દશા પામેલા કલવા ગામની કલ્પના કરતાં ઊંડું દુઃખ અનુભવી રહ્યા હતા. આખરે એ તેમનું વતન હતું. તેઓ લાગણીના તંતુથી એ ગામ સાથે જોડાયેલા હતા.

તેમણે એ જ ક્ષણે મનોમન કંઈક નિર્ણય કરી લીધો. ઓફિસે પહોંચતા જ સેક્રેટરીને જરૂરી સૂચનાઓ આપી દીધી. પત્ની રેખાને ફોન કરીને આવતીકાલે ગામડે જવાની તૈયારી કરવા જણાવ્યું, ત્યારે રેખાબેનને પણ નવાઈ લાગી. વતનને લગતા કોઈ સવાલનો ક્યારેય સરખી રીતે જવાબ ન આપતા ઘનશ્યામ શેઠ આજે સામે ચાલીને વતનમાં જવા તૈયાર થયા હતા ! રેખાબેનને ક્યાં ખબર હતી કે વતનની માટીએ પોકાર પાડ્યો હતો અને શેઠે એ પોકારને સહર્ષ ઝીલી લીધો હતો. 

ધૂળ ઉડાડતી એક કાર કલવા ગામમાં પ્રવેશી ત્યારે ગામવાસીઓ આશ્ચર્યચકિત થઈ જોઈ રહ્યા હતા. એ ગામના ધૂળિયા માર્ગ માટે આવી ગાડી કૌતુક સમાન હતી. સાવ ખંડેર જેવા મકાન સામે શાનદાર કાર ઊભી રહી. કારમાંથી ઉતરેલા વ્યક્તિએ જમીન પર પગ મૂકતાં જ નીચે નમી ચપટી માટી ઊઠાવી પોતાના માથે ચઢાવી! આગંતુકને જોવા ટોળે વળેલું લોક એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જોતું હતું. 

આગંતુકે માતા-પિતાના નામ સાથે પોતાની ઓળખ આપતાં ગામના વડીલો અચરજના મહાસાગરમાં ડૂબી ગયા! તેમનું મન એ માનવા તૈયાર જ નહોતું કે કુટુંબીઓ દ્વારા હાંકી કઢાયેલો મા-બાપ વગરનો ‘શ્યામ’ આટલો સફળ થઈ ‘ઘનશ્યામ શેઠ’ બની ગયો હતો! તેમને તો હતું કે એ કિશોર કાળની ગર્તામાં ક્યાંય ગારદ થઈ ગયો હશે! 

બત્રીસ વર્ષે ગામમાં પરત ફરેલા ઘનશ્યામ શેઠે સરપંચને બોલાવીને ગામનો ચિતાર મેળવ્યો. ગામ આગેવાનો સાથે વિકાસને લગતી ચર્ચા કરી. ઘનશ્યામ શેઠ વતનનું ઋણ ચૂકવવા દોડી આવ્યા હતા. તેમણે ગ્રામ વિકાસ માટેનો રોડ મેપ તૈયાર કરાવ્યો. પછી સરપંચને ખર્ચની ચિંતા કર્યા વગર ઝડપથી કામ ચાલુ કરાવી દેવાની તાકીદ કરી તેઓ મુંબઈ જવા રવાના થયા. 

એકાદ વર્ષ પછી માતા-પિતાની પુણ્યતિથિ નિમિત્તે ફરીથી વતનની મુલાકાતે આવેલા ઘનશ્યામ શેઠને આવકારવા ગામની શાન સમા નવનિર્મિત દરવાજે આખું ગામ ઊમટ્યું હતું. ગામમાં પાકા અને સ્વચ્છ રસ્તા, સૌર-શક્તિથી સંચાલિત સ્ટ્રીટ લાઈટ્સ, આર.ઓ. સિસ્ટમથી અપાતું શુદ્ધ પેયજળ, આયોજનબધ્ધ ગટર વ્યવસ્થા, ઠેર ઠેર બાગ-બગીચા થકી છવાયેલી હરિયાળી, આધુનિક ઉપકરણોથી સજ્જ શાળા, સમૃદ્ધ લાઇબ્રેરી, વાઇફાઇથી સજ્જ ગામ વગેરે જોઈ શેઠની આંખ ઠરી. તેમણે બંધ નેત્રો સાથે માતા-પિતાને મનોમન સ્મરણાંજલિ આપી. 

એક સમયે ઘરમાંથી હાંકી કઢાયેલો રડતો કકળતો ગામ છોડનાર ‘શ્યામ’ આજે વતન માટે કંઈક કરી છૂટયાના સંતોષ તથા ગૌરવ સાથે ‘ઘનશ્યામ શેઠ’ તરીકે ગ્રામજનોનાં હૃદયમાં આદરભર્યું સ્થાન પામીને ગામમાંથી વિદાય થઈ રહ્યા હતા, ત્યારે ત્યાં ઉપસ્થિત સહુની આંખો આર્દ્ર હતી !


Rate this content
Log in

Similar gujarati story from Classics