Jyotsna Patel

Tragedy Inspirational Thriller

4.7  

Jyotsna Patel

Tragedy Inspirational Thriller

જન્મદિવસ

જન્મદિવસ

4 mins
280


જાતજાતની ને ભાતભાતની, વિવિધ રંગ અને આકારોવાળી મીઠાઈથી 'હરિ સ્વીટ માર્ટ' શોભી રહ્યું હતું. દુકાનમાં કાચની પેલે પાર રહેલી મીઠાઈ જોનારનું મન લલચાવતી હતી. ઝીણી ઝીણી ડિઝાઈનવાળાં ગુલાબી ખોખાંમાં પેક થઈ ગ્રાહકના હાથમાં જતી મીઠાઈ પણ લોકોની ખુશીનું કારણ બનતાં આનંદી રહી હતી. રોશનીથી ઝળહળતી દુકાન મીઠાઈ ખરીદવા આવતા-જતા લોકોથી ધમધમતી હતી. રસ્તે જતા કેટલાક વળી બે ઘડી ઊભા રહી દુકાનની આકર્ષક રોશનીને અહોભાવથી નીરખી રહ્યા હતા. આ બધાથી સાવ અલિપ્ત સંજુ એક ખૂણામાં ઊભો હતો. તેની આંખો મીઠાઈ પર સ્થિર થઈ ગઈ હતી ! એ જાણે કાચની પેલે પાર નહિ, પણ પોતાની પહોંચની પેલે પાર હતી ! મીઠાઈ ખાવાની અદમ્ય લાલસાએ તેના મોંને પાણીથી ભરી દીધું. મીઠાઈની મધુરતાની કલ્પના સાથે મોંમાં આવેલા પાણીને ગળા નીચે ઉતારી તેણે ખિસ્સામાં હાથ નાંખ્યો. નોટના મધુર સ્પર્શે તેનામાં ઉત્સાહ આણ્યો, ને તે કાઉન્ટર પર જઈ ઊભો. "એય છોકરા, હટ અહીંથી." ઘરાકીના સમયે ન જાણે ક્યાંથી નીકળી પડે છે આ ભિખારીઓ ? સ્વગત બબડતો બબડતો એ માણસ ગ્રાહકોને આકર્ષતા મીઠાઈના શો-કેશના કાચ સાફ કરવા લાગ્યો. સંજુએ ખિસ્સામાંથી દસ-દસની બે નોટ કાઢી કાઉન્ટર પર આપતાં ગૌરવથી કહ્યું; "જલેબી આપો." સંજુને ભિખારી કહેનારો ક્ષોભથી આડું જોઈ ગયો !

જલેબીનું પડીકું લઈને ચાલતો સંજુ જાણે કોઈ અલભ્ય ખજાનો હાથ લાગ્યો હોય એટલો આનંદિત થઈ ગયો હતો. જાણે પોતે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ હતો ! તેના ચહેરાના હાવભાવમાં અને તેની ચાલમાં જલેબીનો વૈભવ છલકતો હતો. તેનું મન વિચારોના વાયરે ચડ્યું;  "આજે ભલે મારો જન્મદિવસ છે, પણ ખુશી તો મારી મમ્મીની જ ને ! આમ પણ પપ્પાના ગયા પછી મમ્મીએ એની મનભાવન જલેબીને હાથ પણ નથી લગાડ્યો. હું મમ્મીના મોઢામાં જલેબી મૂકીશ ત્યારે તે કેટલી ખુશ થઈ જશે !" સંજુ કલ્પનામાં રાચી રહ્યો ને તેના પગ આપોઆપ ઘરના રસ્તે વળ્યા.

દસેક વર્ષનો સંજુ એની મા સાથે ચાલીની એક ખોલીમાં રહેતો હતો. મિલમજૂર પિતાના અકાળે થયેલા અવસાન પછી મા-દીકરો એકબીજાના સહારે જીવતાં હતાં. લલિતા બંગાલાઓમાં ઠામ-વાસણ કરીને જિંદગીના ગાડાને ખેંચે જતી હતી. દીનતામાં અટવાતી તે પોતાના દીકરાનું ભવિષ્ય ગરીબીમુક્ત થાય એમ ઈચ્છી રહી હતી. એટલે જ તો પોતે દુઃખ વેઠીને સંજુને સરકારી શાળામાં ભણવા મૂક્યો હતો. સંજુનો શાળાનો સમય સાચવવામાં ક્યારેક તેને બંગલાની શેઠાણીઓનો ઠપકો સાંભળવો પડતો. સંજુ પણ માની આંખમાં રમતું પોતાના ઉજ્જવળ ભવિષ્યનું સપનું સાકાર કરવા ખૂબ મહેનત કરતો. ગરીબાઈએ તેને નાની ઉંમરમાં જ પુખ્ત બનાવી દીધો હતો. તે માને મદદરૂપ થવાનો એકેય મોકો છોડતો નહિ. આજે પોતે દસ વર્ષ પૂરા કરીને આગિયારમા વર્ષમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે પોતાની જન્મદાત્રીનું દિલ ખુશ કરવા કેટલાય દિવસથી ફાટક પાસે ઊભેલી ગાડીઓના કાચ સાફ કરી વીસ રૂપિયા જેટલી 'મોટી' મૂડી ભેગી કરી રાખી હતી. તેમાંથી આજે માને ભાવતી 'પીળી પીળી રસઝરતી જલેબી' લઈને ઘરે જતાં તેને હૈયું આનંદથી ઉછળી રહ્યું હતું.

“મારા સંજુને ગળ્યું બહુ ભાવે છે, પણ રોજ રોજ તો હું એને મીઠાઈ ખવડાવી શકું એવી મારી સ્થિતિ નથી; પણ આજે સંજુનો જન્મદિવસ છે. આજે તો હું એને મારા હાથે મીઠાઈ ખવડાવીને જ રહીશ. તે દિવસે શેઠાણીએ ગણપતિબાપ્પાનો પ્રસાદ આપ્યો હતો એ સંજુ કેવો હોંશે હોંશે ખાતો હતો !” તેની નજર સામે આંગળીઓ ચાટતો પુત્ર રમી રહ્યો, ને તેણે સાડલાના પાલવે બાંધેલી ગાંઠને સ્પર્શ કરી લીધો. આજે સંજુના પિતા હોત તો ઘરમાં કેટલી ખુશી હોત ! વિચારોની સાથે તેના હાથ પણ ઝડપથી ફરી રહ્યા હતા. 

છેલ્લા ઘરનું કામ પતાવીને લલિતા સીધી પહોંચી મીઠાઈની દુકાને ! આજે કામ પર નીકળતાં પહેલાં આપાતકાલ માટે બચાવી રાખેલી નાનકડી મૂડીમાંથી વીસની નોટ કાઢીને પાલવની ગાંઠે બાંધી હતી. જીર્ણ પાલવની એ ગાંઠ છૂટી ને કળીના લાડુ પડીકે બંધાયા. મોંઘી મોંઘી કેક તો નસીબમાં નહોતી, પણ પોતાના હાથે કળીના લાડુ ખવડાવીને વ્હાલા પુત્રનો જન્મદિવસ ઉજવવાની કલ્પનાની પાંખે સવાર થઈ લલિતા ઘરે પહોંચી ત્યારે બંને હાથ પાછળ રાખી કાંઈક સંતાડતો સંજુ ખુશખુશાલ ચહેરે તેની રાહ જોતો બારણામાં જ ઊભો હતો ! 

ધનવાનોની ખર્ચાળ બર્થ ડે પાર્ટીઓમાં મોંઘી મોંઘી ગિફ્ટ અપાતી હોય ત્યારે ફોટા પડાવવા પૂરતા પ્લાસ્ટિકિયા સ્મિતમાં ફક્ત શિષ્ટાચાર કે બાહ્યાડંબર સ્પષ્ટ દેખાતો હોય છે, જ્યારે અહીં પાઈ પાઈ કરીને બચાવેલી મહેનતની ક્માણીના થોડા રૂપિયાથી ખરીદાયેલી મીઠાઈમાં એકબીજા તરફની લાગણીનું ગળપણ અભરે ભર્યું હતું. પુત્રનો પોતાના પ્રત્યેનો ભાવ જોઈ લલિતાની આંખો ભરાઈ આવી; ને પોતાના જન્મદિવસે પોતાને અતિપ્રિય એવા કળીના લાડુ જોઈને સંજુ માને વળગી પડ્યો ! માએ વાત્સલ્યભર્યા ચુંબન સાથે સ્વહસ્તે મોંઢામાં મૂકેલો લાડુનો મોટો ટુકડો ચગળતાં ચગળતાં સંજુ રસઝરતી જલેબીનું ગૂંચળું માના મોમાં મૂકવા જતો હતો ત્યાં જ બહારથી ધમાચકડીનો અવાજ આવ્યો. બંને બહાર આવીને જુએ છે તો ચાલીમાં હો-હા થઈ રહી હતી. ગુંડા જેવા ચાર-પાંચ લોકો હાથમાં કડિયાળી ડાંગ સાથે ત્યાંના રહીશોને ચાલી ખાલી કરી દેવા ‘સમજાવી’ રહ્યા હતા. ચાલીની જગ્યાએ ફાઈવ સ્ટાર હોટલ બનવા જઈ રહી હતી, તેથી એક અઠવાડિયામાં ચાલી ખાલી કરી દેવા અથવા પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ગર્ભિત ધમકી આપી ડાંગો પછાડતા એ લોકો ચાલ્યા ગયા ને ચાલીવાસીઓ બિચારા મોં વકાસીને એકબીજા સામે જોયા સિવાય કાંઈ કરી શક્યા નહિ.  

હવે શું કરીશું ? મા-દીકરાની ગભરાયેલી આંખોમાં પ્રશ્નાર્થ ડોકાઈ રહ્યો હતો. બંને સાવ અવાક થઈને એકબીજાને તાકી રહયાં. જલેબી રહી જેમની તેમ, પણ જલેબીની જેમ ગૂંચવાઈ ગયેલી જિંદગીને કેમ કેરી ઉકેલવી તે સવાલમાં અટવાઈ ગયેલી બબ્બે જિંદગી લમણે હાથ દઈ બેસી ગઈ !  

અમીરીએ ગરીબીના જન્મદિવસે ‘બેઘરપણું’ ભેટમાં આપ્યું !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy