Jyotsna Patel

Abstract

4  

Jyotsna Patel

Abstract

નિકિતાનું ભાવવિશ્વ

નિકિતાનું ભાવવિશ્વ

6 mins
257


“અરે નિકિતા, કેટલી વાર છે ? જલ્દી કર, મારે મોડું થાય છે.”

“બસ બે જ મિનિટ.” 

નિલયના સત્તાવાહી અવાજ સામે નિકિતાનો દબાયેલો સૂર ડાઈનિંગ ટેબલ સુધી પહોંચ્યો, ન પહોંચ્યો ને નિલય ઊકળી ઊઠ્યો; “તારી બે મિનિટ ક્યારે પૂરી થશે ? તને ખબર તો છે કે હું સમયનો કેટલો પાબંદ છું !” નિકિતા પતિને કેવી રીતે સમજાવે કે પત્ની કંઈ જાદુઈ ચિરાગનો જીન નથી, કે ફરમાન છૂટતાં જ ઈચ્છિત વાનગીનો થાળ લઈને હાજર થઈ જાય ! 

હાંફળી-ફાફળી નિકિતા જેમ તેમ કરી ઈડલી-સંભાર સાથે લીલા નાળિયેરની તાજી વાટેલી ચટણીની સુગંધ રેલાવતી ડીશ લઈને બરાબર દસના ટકોરે નિલય સામે હાજર થઈ ગઈ. ફોન પર વાત કરતાં કરતાં નિલય ફટાફટ ખાઈને રવાના થઈ ગયો. 

 મિ. નિલય પરીખ એટલે એક રુઆબદાર સરકારી અધિકારી. વાતે વાતે વઢી પડે એવો તામસી સ્વભાવ. નાની ઉંમરે મળેલી સફ્ળતાએ થોડું અભિમાન આણ્યું હતું ! મૂળે સંપન્ન મા-બાપનું એકમાત્ર ફરજંદ, ને ઉપરથી પાછો તેજસ્વી; એટલે ગર્વનું વાવેતર નાનપણથી જ થયેલું. એમાંય નિકિતા જેવી સુંદર, શાંત, સુશીલ અને ગુણિયલ પત્નીના આગમન પછી તો નિલય જાણે બાદશાહી ઠાઠ ભોગવતો હતો.

 નિલયને બધું જ સમયસર જોઈએ. સમયનો એટલો બધો પાબંદ હતો કે તેના સહવાસે નિકિતાને પ્રેમાળ પ્રેયસીમાંથી આજ્ઞાંકિત પત્નીમાં તબદીલ કરી દીધી હતી ! નિલયનો સમય સાચવવો એ એકમાત્ર કાર્ય પાછળ નિકિતાનો સમય સરતો રહેતો. સમયમાં સહેજ પણ ગફલત થાય તો જાણે આભ તૂટી પડતું. હવે તો નિકિતા એટલી ટેવાઈ ગઈ હતી કે ઘડિયાળ કદાચ ભૂલ કરી શકે, પણ નિકિતાના સમયપાલનમાં એક મિનિટની આઘાપાછી ન હોય ! ને તોય બિચારી કાયમ ફફડતી જ રહેતી ! સવારથી સાંજ નિકિતાનું એક જ મુખ્ય કામ હોય- પતિની ક્ષણેક્ષણ સાચવવી અને તેની કવેળાની ફરમાઈશોને વેળાસર પૂરી કરવી.  

 સમયપાલનનો આગ્રહી નિલય એ ભૂલી જતો કે નિકિતા પણ એક માણસ હતી, મશીન નહિ. એથી વિશેષ એ પોતાની પત્ની છે, એને પણ સંવેદનાથી ભરપૂર હૃદય છે; અને એ હ્રદય પોતાની પાસેથી પ્રેમ ઝંખી રહ્યું છે એ વિચાર તો નિલયના મગજમાં દૂર દૂર સુધી ફરકતો પણ નહિ ! 

 નિલય પોતે કડક સમયપાલનનો આગ્રહી હતો, પણ એક સરકારી અધિકારી તરીકે એ પોતાનું કામ ક્યારેય સમયસર પૂરું કરતો નહિ ! એટલે સુધી કે તે ક્યારેય સમયસર ઘરે પણ આવતો નહિ. મિત્રો સાથે ગપ્પાંબાજી કરવી એ તેની ગમતી પ્રવૃત્તિ ! નિકિતાએ કાયમ તેની રાહ જોતાં બેસી રહેવું પડતું; કેમ કે એ આવે કે તરત ગરમાગરમ કડક ચા તો જોઈએ જ ! 

 એક નિકિતા જ હતી કે નિયમિત રીતે અનિયમિત વ્યક્તિનો સમય સાચવી લેતી હતી, ને છતાંય તેની કોઈ કિંમત નહોતી. નિકિતાનું સ્થાન નિલયના વૈભવી બંગલામાં હતું, પણ તેના દિલમાં હતું કે કેમ એ તો ખુદ નિલય જ કહી શકે ! તે ક્યારેય પત્ની સાથે પ્રેમથી વાત કરતો નહિ, કે ન તો એને ક્યાંય બહાર ફરવા લઈ જતો. નિકિતા સાથે ખરીદી કરવા જવામાં પણ એનું અભિમાન આડે આવતું હતું ! 

  માવતરે આપેલા સંસ્કારને કારણે કહો કે નિલયથી દબાઈ જવાને કારણે – જે હોય તે, પણ નિકિતા ફરિયાદનો એક હરફ સરખો ઉચ્ચારતી નહિ. પોતે પણ ઉચ્ચ અભ્યાસ કર્યો છે, પણ નિલયની ઈચ્છાને માન આપીને પોતાની ઉજ્જવળ કારકિર્દી ત્યજી દીધી હતી, એનો અહેસાસ સરખો ક્યારેય કોઈને થવા દેતી નહિ. 

 નિલય અભિમાનથી સૌને કહેતો કે પોતે નિકિતાને ખૂબ સુખમાં રાખે છે; પણ એમ ગાડી, બંગલા કે રૂપિયાથી સુખ મળતું હોત તો મહાલયોમાં આત્મહત્યાની ઘટનાઓ ન બનતી હોત ને ? માનવી માટે ખોરાક-પાણી કરતાં પહેલી જરૂરિયાત સ્નેહની હોય છે, એ વાત તો જાણે નિલય જાણતો જ નહોતો ! નિકિતા પતિ તરફથી પ્રેમ મેળવવા માટે રીતસર વલખતી. તેને સતત એવી ઈચ્છા થતી કે કોઈ તેની સાથે વ્હાલથી વાત કરે. કોઈના સ્નેહભર્યા સ્પર્શ માટે તે ઝૂર્યા કરતી. તે રાતોની રાતો ભીના ઓશીકાના સહારે પસાર કરતી. વગડા જેવો દિવસ એકલતામાં પસાર કરતાં તેને નવ નેજા આવી જતા ! પોતાનાં પણ કોઈ અરમાન છે એ યાદ કરીને સંવેદનશીલ નિકિતા છાનાં આંસું સારી લેતી. તે મનોમન મૂંઝાતી. નિલયની અપેક્ષાઓ પૂરી કરતાં કરતાં પોતે ઉપેક્ષાની છરીથી રહેસાતાં રહેવું એ જ જાણે તેની નિયતિ હતી. તેને પ્રેમના ધોધની કોઈ અપેક્ષા નહોતી, તેના માટે તો પ્યારનાં અમીછાંટણાં પણ પૂરતાં હતાં; પરંતુ તેના જીવનના ખુલ્લા આસમાનમાં ક્યાંય પ્રેમની નાની-શી વાદળી પણ નજરે ચડતી નહોતી ! હવે તો આમ ઝૂરાપામાં જ જીવતર પૂરું થાય એમ લાગતું હતું. નિલયના વર્તનમાં ઈચ્છિત પરિવર્તન આવવાનો કોઈ અણસાર સુધ્ધાં દેખાતો નહોતો.

એક દિવસ ભરબપોરે નિલયના મિત્રનો ફોન આવ્યો કે નિલયને ગંભીર અકસ્માત થયો છે, ને તેને હોસ્પિટલ લઈ જવાયો છે. ચિંતાની મારી નિકિતા હોસ્પિટલ પહોંચી. ડૉક્ટરોના જણાવ્યા મુજબ સ્થિતિ ખૂબ નાજુક હતી. બારે કલાક પછી ડૉક્ટરોના સઘન પ્રયત્નોના પરિણામ સ્વરૂપ તે ભયમુક્ત તો થયો, પરંતુ સંપૂર્ણ સ્વસ્થ થાય માટેની સારવાર સમય માંગી લે તેવી હતી. સગાં-સંબંધીઓની એકધારી સમજાવટ પછી નિકિતાએ બે દિવસે અન્નનો કોળિયો ગળા નીચે ઉતાર્યો. આઈ.સી.યુ.માં રહેલા પતિના સ્વાસ્થ્ય માટે ભગવાન સમક્ષ ખોળો પાથરતી નિકિતા દિવસ-રાત હોસ્પિટલમાં જ રહેતી. તે ચિંતાતુર વદને આખો દિવસ આઈ.સી.યુ.ની બહાર બેસી રહેતી. 

  બે એક દિવસ બાદ તે હોસ્પિટલમાં પોતાની જગ્યા પર ઊંડા વિચારોમાં ગરકાવ બેઠી હતી. “હલ્લો મેડમ” અચાનક કોઈએ તેને સાદ દીધો. તેણે જોયું તો બાજુની ખુરશી પર એક મહાશય બેઠા હતા. તેણે એમની તરફ ઔપચારિક સ્મિત રેલાવ્યું, પણ એમાં ગ્લાનિ સ્પષ્ટપણે વર્તાતી હતી.

 “હું નિમેષ મહેતા. મારો ભાઈ આઈ.સી.યુ.માં છે.” સમય પસાર કરવાના ઈરાદે એ સજ્જને વાતચીત શરૂ કરી. શરૂઆતમાં ‘હમ્મ’, ‘હા’, ‘ના’ જેવા ટૂંકાક્ષરી જવાબ આપતી નિકિતા ક્યારે નિમેષના વાકપ્રવાહમાં ખેંચાતી ગઈ એ એને પોતાને પણ ખ્યાલ ન રહ્યો ! પછી તો લગભગ રોજનો ક્રમ થઈ ગયો. આઈ.સી.યુ.ની બહાર બેસી રહેતાં બંને વચ્ચે પરિવારથી માંડી રાજકારણ સુધીની અલકમલકની વાતો થતી રહેતી. નિમેષનાં વાણી, વર્તન અને વ્યવહાર એટલાં શાલીન હતાં કે નિકિતા વિના સંકોચે એની સાથે વાતો કરતી. નિમેષના વ્યક્તિત્વમાં જીવન પ્રત્યેની હકારાત્મકતા ભારોભાર ભરેલી હતી. તેની સાથે વાત કરનારને તેનો ચેપ લાગતો, ને એને પણ એક નવીન ઊર્જાનો અનુભવ થતો. એમાંય નિકિતા તો હતી એકલતાના એકદંડિયા મહેલની વાસી ! નિમેષની તરહતરહની વાતોના વહેણમાં વહેતી નિકિતા પણ ધીરે ધીરે ખૂલીને વ્યક્ત થવા લાગી. નિમેષ તેના જ્ઞાનની કદર કરતો. ક્યારેક તે ઘરેથી કોઈ નાસ્તો લાવતી, ને નિમેષને ચખાડતી; ત્યારે નિમેષ દ્વારા પોતાની પાકકલાનાં વખાણ સાંભળી તે મનોમન પોરસાતી. નિમેષ પણ દરરોજ નિલયના સ્વાસ્થ્ય અંગે હ્રદયપૂર્વક પૃચ્છા કરતો અને તે જલ્દી સાજો-સારો થઈ જાય એવી કામના વ્યક્ત કરતો. 

  આમને આમ સમય સરતો રહ્યો. સતત એકલતામાં સોરાતી રહેતી નિસ્તેજ નિકિતાના ચહેરા પર હવે નૂર દેખાવા લાગ્યું, તેનો શ્રેય નિમેષના સહવાસને જ આપી શકાય ને ? સરકતા સમય સાથે નિકિતા અજાણપણે નિમેષના ભાવપ્રવાહમાં તણાવા લાગી. કદાચ તેની સુષુપ્ત લાગણીઓ આળસ મરડી રહી હતી ! તે પોતાના જીવનના સૂકાઈ ગયેલા પ્રેમવૃક્ષને નવપલ્લવિત થઈ રહ્યાનો અહેસાસ કરી રહી હતી. નિકિતા અનાયાસે એક અવ્યક્ત લાગણીના ઘોડાપૂરમાં વહેવા લાગી હતી ! 

  ચૌદેક દિવસ બાદ ડૉક્ટર તરફથી તેને શુભ સમાચાર મળ્યા. નિલય સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો, અને આજે તેને ઘરે લઈ જવાનો હતો. નિકિતા ખુશીની મારી ઊછળી પડી. તે તરત જ નિલય પાસે પહોંચી ગઈ. તેણે નિલયના હાથ પર પોતાનો હાથ મૂકી પ્રેમ નીતરતી નજરે પતિ સામે જોયું, પણ નિલય તરફથી અપેક્ષિત પ્રતિભાવ ન મળતાં તેની ભોઠી પડેલી નજર જમીન ખોતરવા લાગી ! 

 વ્હીલચેર ધકેલતી નિકિતા ચારેબાજુ નજર ઘૂમાવતી હોસ્પિટલની બહાર નીકળી; પરંતુ જેની છેલ્લી નજરને પોતાના ભાવવિશ્વના એક ખૂણે સંઘરી રાખવા માંગતી હતી, એના દીદાર ન થયા તે ન જ થયા. નિરાશાથી ઘેરાયેલી નિકિતા ખુશીના એ ચંદ સમયને પાછળ છોડી એકલતાના કારાવાસ તરફ આગળ વધી ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Abstract