Jyotsna Patel

Abstract Inspirational

4.3  

Jyotsna Patel

Abstract Inspirational

વ્હાલી દીકરી

વ્હાલી દીકરી

5 mins
363


“મમ્મી, હવે હું નાની નથી. ઘરે આવતાં વહેલું-મોડું તો થાય. તું સવાર સવારમાં આવી કચકચ ન કર.” દિત્યાએ મમ્મી સામે નારાજગી વ્યક્ત કરી.

“બેટા, મારે તારી પાસે કોઈ કામ કરાવવું નથી. આ તો તું સમયસર આવે તો આપણે મા-દીકરી બે ઘડી વાતો કરીએ.” દિલની વાત કરતાં ઉમાબેનની આંખોમાં નમી ડોકાઈ રહી. 

“મમ્મી, તું પણ ખરી છે, હોં ! તને વાતો કરવા હું જ મળી ?” ઉમાબેનની સામે જોયા વિના દિત્યા ઉંબર છોડી ગઈ.  

ભર્યા ઘરમાં એકલતાથી પીડાતાં ઉમાબેન સજળ નેત્રે દીકરીને જતી જોઈ રહ્યાં. નીલકંઠરાય તો ક્યારનાય નીકળી ગયા હતા. મોડીરાત સુધી લેપટોપમાં લાગ્યો રહેતો દીકરો મંત્ર હજુ ‘ઘોરતો’ હતો ! ઉમાબેન જાણતાં હતાં કે મંત્ર ઊઠશે ને અડધો કલાક પોતાને દોડાદોડી કરાવશે, ને પછી એ પણ ચાલ્યો જશે. ઘરમાં રહી જશે પોતે ને સાથે હશે કોરી ખાતી એકલતા !

ઉમાબેન સવારે બધાંની રુચિ મુજબનો અલગ-અલગ નાસ્તો બનાવી પ્રેમથી ખવડાવતાં. ત્રણેય પેટ ભરીને ખાતાં, પણ પોતાની દુનિયામાં વ્યસ્ત રહીને ! મમ્મીને પોતાની સાથે બેસવાનું કહેવાનો વિવેક પણ ચૂકી જતાં ! ઉમાબેન પરિવાર પાસે થોડા સમયની અપેક્ષા રાખતાં, જે ક્યારેય પૂરી થતી નહિ. 

વગડા જેવો દિવસ કેમ કરી પસાર કરવો એ ઉમાબેન માટે જવાબ વિહોણો કાયમી સવાલ હતો. પતિ, પુત્ર અને પુત્રી પોતપોતાનામાં અતિવ્યસ્ત રહેતાં. કામવાળી આવતી ત્યારે બંગલામાં થોડી હલચલ જણાતી, બાકી તો આખો દિવસ સ્મશાન શાંતિ પ્રવર્તતી. તેમની બપોર ટી.વીનાં સાસુ-વહુના કકળાટમાં પસાર થતી ! થોડો સમય સ્માર્ટ ફોન પસાર કરી આપતો, પણ આ બધામાં તેમણે ક્યારેય રસ પડતો નહિ. બધો વખત તેમની આંખોમાં સાંજનો ઈંતજાર ડોકાયા કરતો. કોઈની સાથે વાત કરવા માટે તે રીતસર વલવલતાં હતાં, પણ તેમની સંવેદના તરફ કોઈનું ધ્યાન જાય તો ને ? 

 વળી, થોડા સમયથી ઉમાબેનને શરીરમાં અશક્તિ જણાતી હતી. તેઓ બે એક વખત જાતે જઈને ફેમિલી ડૉક્ટરની દવા પણ લઈ આવ્યાં હતાં, પરંતુ ઘરમાં કોઈને જાણે એમની દરકાર જ નહોતી. બધાં પોતાની દુનિયામાં મસ્ત હતાં.

 જેમતેમ કરી ઉમાબેનની એકલતા સાંજ સુધી પહોંચતી. તેમની આતુર નજર દરવાજા તરફ જ મંડાયેલી રહેતી, પણ પતિ, પુત્ર કે પુત્રી - કોઈ સમયસર આવતું નહિ. છેવટે તેઓ ઊંડા નિઃશ્વાસ સાથે રસોડામાં વ્યસ્ત થઈ જતાં. રાત્રે પોતાના પરિવારને પ્રેમથી જમાડતાં. છેલ્લે પોતે જમી-પરવારીને બેઠકખંડમાં આવે ત્યારે પતિ સમાચાર અને શેરબજારમાં ડૂબેલા હોય, દિત્યા પોતાના મોબાઈલ ફોનમાં મશગૂલ હોય, ને મંત્ર તો જમીને તરત દોસ્તો સાથે ગપ્પાં મારવા ઉપડી ગયો હોય ! ઉમાબેન બાવળિયાના ઠૂંઠા જેવાં થોડીવાર બેસી રહેતાં, ને પછી કંટાળીને પોતાના રૂમમાં જઈ સૂઈ જતાં ! ઉમાબેનના મનોજગત પર આવા નીરસ દૈનિકજીવનની વિપરિત અસર થવા લાગી. તેઓ ધીરે ધીરે મનોશારીરિક તકલીફોનો શિકાર થવા લાગ્યાં. તેઓ એકલતાની ભયાનક ગર્તામાં ગરક થતાં જતાં હતાં. ક્યારેક તો તેમના મનમાં આપઘાતના વિચારો આંટા મારી જતા, પણ કોઈને તેમની પીડા પારખવાનો સમય જ ક્યાં હતો ?

એક સવારે ઉમાબેન નહાવા ગયાં ને ચક્કર આવતાં તે બાથરૂમમાં પડી ગયાં. દિત્યા મમ્મીને પકડીને બહાર લાવી, ત્યાં નીલકંઠરાય પણ આવી ગયા. બંનેને એમને રૂમમાં લઈ જઈ સૂવડાવ્યાં. નસીબજોગે ખાસ વાગ્યું નહોતું. 

“મમ્મી, તને આટલી બધી તકલીફ છે; પણ તું તો મને કંઈ કહેતી જ નથી ? આ તો મેં બાથરૂમમાં જોયું ત્યારે ખબર પડી !” પપ્પાના ગયા પછી દિત્યાએ ચિંતાથી મમ્મીને પૂછ્યું.

“બેટા, આ તકલીફ તો મને ઘણા સમયથી છે.” કહેતાં સંવેદનશીલ ઉમાબેનની આંખો તગતગી ઊઠી.

 દિત્યાએ તરત જ શહેરના નામાંકિત સ્ત્રીરોગ નિષ્ણાત પાસે મુલાકાત માટે સમય લઈ લીધો.

ઉમાબેનને તપાસ્યા પછી ડૉક્ટરે દિત્યાને સવિસ્તાર સમજ આપી. તેણે ડૉક્ટરની વાત ધ્યાનથી સાંભળી. હવે તેને મમ્મીની શારીરિક અને માનસિક સ્થિતિનો સાચો અંદાજ આવ્યો. રજોનિવૃતિકાળમાં મમ્મીને કોઈના સાથની ખૂબ જરૂર છે તે તેને સારી રીતે સમજાઈ ગયું ! તેને પોતાના અત્યાર સુધીના વર્તન માટે અફસોસ થયો. આખરે તે માની દીકરી હતી ને ! હવે તે સતત મમ્મીની સાથે રહેવા લાગી. સમયસર દવા આપવી, સારો ખોરાક આપવો, મમ્મીનું ધ્યાન રાખવું, આ બધા સાથે તેણે ઘર પણ સંભાળી લીધું. નવરાશના સમયે મમ્મી સાથે તે અલકમલકની વાતો કરીને ઉમાબેનને ખુશ રાખવા બનતા પ્રયત્નો કરતી. તેણે પપ્પાને અને મંત્રને પણ મમ્મીની સેવામાં જોતરી દીધા હતા !

 ઉમાબેનની તબિયત થોડી ઠીક થતાં તેણે મમ્મી-પપ્પા માટે ફરવા જવાનું આયોજન કર્યું. નીલકંઠરાયને ધંધામાંથી દસેક દિવસનો અવકાશ લેવા મનાવી લીધા. દિત્યાએ ટ્રાવેલ એજન્ટ પાસે સિમલા-મસૂરીની બે ટિકિટ બુક કરાવી લીધી. મમ્મીને બજારમાં લઈ જઈ તેને શોભે એવાં આધુનિક વસ્ત્રો ખરીદ્યાં. તેમને પાર્લરમાં લઈ જઈ થોડી સૌદર્ય માવજત કરાવી ! અડતાલીસ વર્ષે પણ ઉમાબેનની સુંદરતા બરકરાર હતી, ને થોડી માવજત મળતાં તે નીખરી ઊઠી. દિત્યાએ નોંધ્યુ કે ધીરે ધીરે મમ્મીનો આત્મવિશ્વાસ પાછો આવતો જતો હતો, ને તેના ચહેરા પર ચમક દેખાવા લાગી હતી !

દિત્યાએ મમ્મી-પપ્પાને ઘરની ચિંતા કર્યા વિના પ્રવાસ માણવા આગ્રહ કર્યો. પોતે ઘર સંભાળી લેશે એની ખાત્રી આપી બંનેને વિદાય કર્યાં. દરરોજ રાત્રે ફોન પર મમ્મી-પપ્પા સાથે વાત કરતી, ને મમ્મીનો ખુશખુશાલ ચહેરો જોઈ સંતોષ પામતી !

 ઉમાબેન પ્રવાસેથી પાછાં આવ્યાં ત્યારે ભાઈ-બહેને સાથે મળી દરવાજે મમ્મી-પપ્પાનું જોરદાર સ્વાગત કર્યું ! આખો રૂમ સુંદર રીતે સજાવેલો જોઈ ઉમાબેન અને નિલકંઠરાય ચકિત થઈ ગયાં. રૂમમાં વચ્ચોવચ સરસ રીતે શણગારેલા ટેબલ પર મસ્ત મજાની કેક હતી. બાળકોનો પોતાના માટેનો પ્રેમ જોઈ બંને ગદગદિત થઈ ગયાં. ઉમાબેન અચરજથી ચારેબાજુ જોતાં હતાં, ત્યાં જ તેમના આશ્ચર્ય વચ્ચે “વેલકમ ટુ સ્વીટ હોમ” કહેતી તેમની ચારેક બહેનપણીઓ રૂમમાંથી બહાર આવી !

“ઓહ ! સરલા, વિજયા, રીટા, અનુરાધા- તમે બધાં અહીં ?” દિત્યા ઉમાબેનના હૃદયની ખુશી અને તેમના અવાજમાં નીતરતી હસી મરકતા હોઠે માણી રહી હતી ! ઘરમાં ઉત્સવનો માહોલ બની ગયો, ને ઘર આખું જીવંત થઈ ગયું !

“મમ્મી, હવેથી દર અઠવાડિયે તમારી સખી-મંડળીની ‘કીટી પાર્ટી’ થશે, ને આપણા ઘરે પાર્ટી હશે ત્યારે આ દિત્યા પોતાની અધકચરી રસોઈકળાનો પ્રયોગ પોતાની માસીઓ પર કરશે !” તેની વાત કરવાની લઢણ પર હાસ્યનું મોજું ફરી વળ્યું. ઘણા દિવસથી એકલવાયી રહેલી દીવાલો પણ જાણે હસી ઊઠી.

ઉમાબેને કેકેનો એક મોટો ટૂકડો દિત્યાના મોંમાં મૂક્યો ને ‘મારી વ્હાલી દીકરી’ કહેતાં તેને ભેટી પડ્યાં !

હવે તો ઉમાબેનનું આખું જીવન જ જાણે બદલાઈ ગયું હતું. રોજ સાંજની રસોઈ મા-દીકરી સાથે મળીને બનાવે છે. જ્યાં પણ જવાનું હોય, બંને સાથે જ જાય છે. રોજ રાત્રે કુટુંબમેળામાં હાસ્યના ફુવારા છૂટે છે, ને એના છાંટા છેક પડોશીઓ સુધી પહોંચે છે ! તમે ક્યારેક આ મા-દીકરીને રેંકડી પર એકબીજાને આગ્રહપૂર્વક પકોડી ખવડાવતાં જુઓ તો નવાઈ ન પામતા !


Rate this content
Log in

Similar gujarati story from Abstract