Jyotsna Patel

Abstract

4  

Jyotsna Patel

Abstract

ઉપકારનો બોજ

ઉપકારનો બોજ

5 mins
334


“સાંભળો તો ખરા, ગયા રવિવારે જોવા આવ્યો હતો એ ‘છોકરા’નો જવાબ પણ નકારમાં આવ્યો. નહિ નહિ તોયે પચ્ચીસેક છોકરાઓએ આપણી દિવ્યશ્રીને નાપસંદ કરી છે. અઠ્ઠાવીસ વર્ષની છોકરી ઘરમાં કુંવારી બેઠી છે, ને તમે આમ પગ પર પગ ચડાવીને ક્યાં સુધી બેસી રહેશો ?” કુસુમબેને પતિ જીવણલાલ સમક્ષ આક્રોશ ઠાલવ્યો. એક સ્ત્રીના આક્રોશમાં ખૂબ તાકાત હોય છે, અને જ્યારે વાત પોતાના સંતાનની હોય ત્યારે તો સ્ત્રીના શબ્દો ભાલાથી કમ નથી હોતા. પત્નીના આટલા બોલ જીવણલાલને વિચારતા કરી મૂકવા પૂરતા હતા.

 જીવણલાલ એટલે પટેલ સમાજના મોભી. ગામના સરપંચ. આસપાસના વિસ્તારમાં શિક્ષણની સુવાસ ફેલાવીને પ્રખ્યાત થયેલી “આદર્શ એજ્યુકેશન સોસાયટી” ના પ્રમુખ, ને કંઈ કેટલીયે સંસ્થાઓ સાથે જોડાયેલું આદરણીય નામ ! અનેક સંસ્થાઓમાં સખાવતો થકી ખ્યાતિપ્રાપ્ત નામ. જ્યાં પણ જાય ત્યાં એમનો પડ્યો બોલ ઝીલાતો. આવા ખાનદાન ઘરમાં પરણાવવા લાયક દીકરી કુંવારી હોય, ને એને પચ્ચીસથી વધારે મૂરતિયાઓએ નાપસંદ કરી હોય એ નાલેશીજનક બાબત જ કહેવાય ને ? પટેલ સમાજમાં છોકરીઓની કમી હતી, છતાંય જીવણલાલની અઢળક સંપત્તિની એકમાત્ર વારસદાર દિવ્યશ્રીનો ક્યાંય ‘મેળ’ પડતો નહોતો, એનું પણ કારણ તો હશે જ ને ? બાકી આવા ખાનદાન અને પૈસાપાત્ર ઘરના જમાઈ બનવાનું માનપાન કોણ જતું કરે ?

લ્યો, તો તમને દિવ્યશ્રીનો પરિચય કરાવું ! પિતાની પહોંચના પ્રતાપે દસ ધોરણ પાસનું પ્રમાણપત્ર ધરાવતી દિવ્યશ્રીમાં પાંચ ધોરણ પાસ કરવાની પણ ક્ષમતા નહોતી. ન એને લખતાં-વાંચતાં આવડતું, ન પૈસા ગણતાં આવડતું; ન એ એકલી બહારગામ જઈ શકે, કે ન તો કશી ખરીદી કરી શકે ! એટલું જ નહીં, તે દેખાવમાં પણ સામાન્ય કરતાં ઉતરતી હતી. જાડા હોઠ, મોટા ગાલ, શ્યામ રંગ અને ઘાટ વગરનું અદોદળું શરીર ! જોવા આવનારને પ્રથમ નજરે જ ‘જોવા’ આવ્યાનો પસ્તાવો થતો ! ગોળના મોટાભાગના મૂરતિયાઓના બાપ સુધી પહોંચી ચૂકેલા જીવણલાલની સંપત્તિની લાલચ પણ કોઈના મોંઢે ‘હા’ પડાવી શકી નહીં, ત્યારે કુસુમબેન પતિ સમક્ષ આક્રોશ વ્યક્ત ન કરે તો બીજું કરે પણ શું ? આખરે એ ઓટલા પરિષદમાં થતી ગુસપુસ ક્યાં સુધી સહન કરે ! દિવ્યશ્રી કરતાં નાની છોકરીઓ પરણીને સાસરે ચાલી ગઈ, ને આ હજુ ગામમાં જ અટવાતી હતી !

 એક લગ્ન સમારંભમાં જીવણલાલ પોતાના મોભા પ્રમાણેના લોકોથી ઘેરાઈને બેઠા હતા. ગામના અન્ય એક આગેવાન વિનોદભાઈ સાથે હાઈસ્કૂલને લગતી કોઈક વાત કરી રહ્યા હતા, ત્યાં એક ફૂટડો યુવાન વિનોદભાઈને મળવા આવ્યો. ખબર અંતર પૂછી, થોડી વાતચીત કરી એ રવાના થયો. જીવણલાલ દ્વારા થયેલી પૃચ્છાના પ્રત્યુત્તરરૂપે વિનોદભાઈએ જણાવ્યું; “એનું નામ વિવેક છે. તે આપણા ગામના રમેશભાઈનો ચિરંજીવી છે. અત્યાર સુધી હોસ્ટેલમાં રહીને ભણતો હતો, એટલે તમે એને ન ઓળખો. તેણે એમ.એ, બી.એડનો અભ્યાસ કર્યો છે.” જીવણલાલે વાતમાં રસ દાખવ્યો, એટલે એમણે વિવેક વિષે સવિસ્તાર માહિતી આપી. વિનોદભાઈ દ્વારા જણાવ્યા મુજબ વિવેક નામ પ્રમાણે ગુણ ધરાવતો હતો. વિનયી-વિવેકી, સાલસ સ્વભાવ ને કુશાગ્ર બુદ્ધિ ધરાવતો ઉત્સાહી યુવાન હતો. આમ તો તે મેડિકલ લાઈનમાં જઈને ડૉક્ટર બની શકે તેમ હતો, પણ ઘરની કંગાળ આર્થિક સ્થિતિએ તેને બી.એડ. કરવા મજબૂર કર્યો હતો; જેથી ઓછા ખર્ચે ને ઓછા સમયમાં અભ્યાસ પૂરો કરી શિક્ષકની નોકરીએ લાગી જવાય ને ઘરનો બોજ ઉચકવામાં પિતાને મદદ કરી શકાય ! વિવેક ખૂબ સમજદાર હતો. બીજા છોકરા કોલેજજીવનમાં મોજ-મજા કરતા, ત્યારે તેણે મન દઈને અભ્યાસ કર્યો. વિધિની વક્રતા કે વિવેકની કમનસીબી, જે ગણો તે પણ એની માતાનું અવસાન થયું અને પિતા લકવાગ્રસ્ત થયા. નાની બહેનની સઘળી જવાબદારી તથા પિતાની સારવારનો અને ઘરખર્ચનો ભાર વિવેકના માથે આવી પડ્યો. એમ તો વિવેક પાછો પડે એમ નહોતો, પણ આટલું ઊંચું મેરીટ હોવા છતાં તેને ક્યાંય નોકરી મળતી નહોતી. તે દિન-પ્રતિદિન નિરાશાની ગર્તામાં ઊંડો ઊતરતો જતો હતો. આર્થિક સંકટની વિકરાળતાનો મગરમચ્છ તેની સામે મોં ફાડીને ઊભો હતો.

 જીવણલાલે વિનોદભાઈ પાસેથી વિવેકની ઝીણી ઝીણી બધીજ વિગતો જાણી લીધી, ને મનોમન કંઈક અંકોડા ગોઠવી કાઢ્યા ! 

 બે-ચાર દિવસ પછી જીવણલાલ વિવેકના લકવાગ્રસ્ત પિતાની ખબર પૂછતા તેમની સામે બેઠા હતા. ઔપચારિકતા પૂરી કર્યા પછી તેમણે ધીરેકથી વાતની શરૂઆત કરી; “રમેશભાઈ, હું તમારી બધી સમસ્યાઓનો હલ લઈને આવ્યો છું. તમારા વિવેકને આપણા ગામની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ગોઠવી શકું એમ છું.”

 રમેશભાઈએ આ સાંભળીને રાજીપો વ્યક્ત કરતાં કહ્યું; “તો તો તમારો ખૂબ ઉપકાર, મારા સાહેબ ! તમારું નામ તો મેં ખૂબ સાંભળ્યું હતું, પણ આજે મને તમારી સારપનો અનુભવ થયો !”

 “પણ મારી એક શરત છે.” જીવણલાલે મુદ્દાની વાત કરતાં કહ્યું; “હું તમારા પર બીજો પણ એક ઉપકાર કરવા માગું છું. તમે તો જાણો જ છો કે આપણા સમાજમાં છોકરીઓની અછત છે; ને એમાંય તમારું ઘર રહ્યું થોડું ઘસાતું, એટલે વિવેકના લગ્નમાં મુશ્કેલી તો પડશે જ. તો હું એને નોકરીની સાથે સારા ઘરની છોકરી પણ આપવા માગું છું. આમ પણ તમારા ઘરને સ્ત્રીની જરૂર તો છે જ.”

રમેશભાઈની પ્રશ્નાર્થભરી નજરમાં આભારનો ભાર સ્પષ્ટ દેખાતો હતો ! જીવણલાલે સ્પષ્ટ શબ્દોમાં પોતાની શરત મૂકી દીધી; “હું વિવેકને નોકરી તો આપું, પણ એ ઉપકારના બદલામાં એણે મારી દિવ્યશ્રી સાથે લગ્ન કરવું પડશે !” 

 રમેશભાઈને તો જાણે ચારસો ચાલીસ વૉલ્ટનો ઝટકો લાગ્યો ! કાચી સેકન્ડમાં એમણે નિર્ણય કરી લીધો, ને જીવણલાલને ‘હું વિચારીને જવાબ આપીશ’ કહીને વિદાય કર્યા. છેવટે જીવણલાલ મોભાદાર વ્યક્તિ હતા, એટલે એકદમ તો ન જ કહી દેવાય ને કે પોતાને એમનો ઉપકાર કોઈકાળે નથી ખપતો !

આજ્ઞાકારી પુત્રએ જીવનમાં પહેલીવાર પિતાની વાત ટાળી ! પિતાની અનિચ્છા છતાં વિવેકે આ ઉપકાર સ્વીકારી લેવાનું મનોમન નક્કી કરી લીધું. આખરે એને નોકરીની સખ્ત જરૂર હતી. પિતાની સારવાર માટે અને બહેનના ભવિષ્ય માટે એ પોતાના દામ્પત્યજીવનને દાવ પર લગાવવા તૈયાર થઈ ગયો. પિતાની અને બહેનની લાખ મનાઈ છતાં તેણે જીવણલાલની ઑફર સ્વીકારી લીધાનો સંદેશો યોગ્ય જગ્યાએ પહોંચાડી દીધો !

બીજા જ મહિને વિવેક આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો 'વિવેકસર' બની ગયો, ને સાથે સાથે ગામનું નાક ગણાતા રઈસ જીવણલાલનો જમાઈ પણ ! 

સમયનું ચક્ર સતત ચાલતું જ રહે છે. એની બહેન પરણીને વિદેશ ચાલી ગઈ, ને પિતા સ્વર્ગે સિધાવ્યા. રહી ગયો એક વિવેક - પ્રેમ માટે તરસતો, જીવનસાથીના સાથ માટે તલસતો. કાળની કેડીએ વિવેકના જીવનને સાવ મૃતઃપ્રાય બનાવી દીધું. માણસ માટે હવા, પાણી ને ખોરાક મુખ્ય જરૂરિયાત કહેવાય છે, પરંતુ માણસને સૌથી વિશેષ જરૂરિયાત પ્રેમની છે. વિવેક કોઈનો ‘સ્નેહાળ સહારો’ ઝંખે છે !  

  વિવેક ઉપકારના ભાર તળે કચડાઈ ગયો. રસ વગરની, કોઈ જાતના શોખ વગરની, ઓછી બુદ્ધિની, કદરૂપી જીવનસાથી પામીને એક તેજસ્વી અને હોનહાર યુવાન ઉપકારનો બોજ ઊંચકીને આજે પણ જિદંગીને બળદની જેમ એકધારી રીતે ખેંચી રહ્યો છે !


Rate this content
Log in

Similar gujarati story from Abstract