Jyotsna Patel

Abstract

4.5  

Jyotsna Patel

Abstract

સફળતાનો યશ

સફળતાનો યશ

2 mins
338


“સાયેબ, મારી પાસે દોકડા તો નથ, પણ આ કાંબિયું રાખો. મારી નીરીને હારું ભણાવજો. એ બઉ હુંશિયાર સે. દસમીમાં હારો નંબર લાવી’તી.” માથે ઓઢેલી કામળી સરખી કરતી અભણ આદિવાસી હકુબાઈએ આદર્શ ટ્યુશન ક્લાસના સંચાલક વિપુલભાઈ સામે કિલોએક વજનની કાંબિયો મૂકી દીધી.

વિપુલભાઈએ થોડીવાર વિચાર કર્યો, પછી કાંબિયો સાચવીને થેલામાં મૂકી દીધી, ને પોતે નીરીના ભણતર પર વધારે ધ્યાન આપશે એવા આશ્વાસન સાથે હકુબાઈને વિદાય કરી.

આદર્શ ટ્યુશન ક્લાસ એ વિસ્તારમાં પ્રખ્યાત હતા. એમાં પ્રવેશ લેવા માટે પડાપડી થતી. દસમા ધોરણમાં નીરીના ચોરાણું ટકા આવ્યા પછી એની વિધવા મા દીકરીને ‘બાલિટણ’ બનાવવાનાં સપનાં જોવા લાગી ! કોઈની સલાહ મુજબ એણે નીરીને આદર્શ ટ્યુશન ક્લાસમાં મૂકી, ને ટ્યુશન ફી તરીકે એની પાસેનું એકમાત્ર ઘરેણું વિપુલભાઈને આપી દીધું ! એક મા દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે શું ન કરી શકે ?

વિપુલભાઈ અને અન્ય શિક્ષકોએ આખું વર્ષ નીરીના અભ્યાસમાં ખૂબ રસ લીધો. એને મૂંઝવતા દરેક મુદ્દાની ઝીણવટથી છણાવટ કરી સમજાવતા. એને જરૂરી અભ્યાસ સામગ્રી પણ વિપુલભાઈ તરફથી સમયસર મળી જતી. આ બધાનું ધાર્યું પરિણામ આવ્યું ને નીરી બાર સાયન્સમાં કેન્દ્રમાં પ્રથમ આવી.

વિપુલભાઈએ હકુબાઈને બોલાવીને નીરીના પરિણામની જાણ કરી ને આગળ શું કરવું છે એમ પૂછ્યું. ત્યારે આખમાં આંસુ સાથે તેમણે કહ્યું; “મારી કને એક ખોરડા વના કંઈ નથ. ખોરડું વેચીને મારી નીરીને ભણાવાય એટલું ભણાવીશ.” વિપુલભાઈએ હકુબાઈને એની કાંબિયો પાછી આપતાં કહ્યું; “માડી, નીરી ગંભીરતા દાખવીને ભણે એટલા માટે મેં તમારું ઘરેણું મારી પાસે રાખ્યું હતું. લ્યો, આ તમારી અમાનત સંભાળી લ્યો. હવે નીરીના અભ્યાસની ચિંતા કરશો નહિ. આટલા સારા પરિણામના કારણે એને સરકાર તરફથી ભણવાનો બધો ખર્ચ મળશે, ને કાંઈ વધ-ઘટ હશે તો અમે બધાં તમારી સાથે જ છીએ. નીરી બહુ જલદી તમારું સપનું સાકાર કરશે.”

હકુબાઈનાં નયન-સરોવર છલકાઈ ઊઠ્યાં ને તે આભારવશ થઈ વિપુલભાઈ સમક્ષ હાથ જોડી રહી. તેની આંખોની ભીનાશમાં ઊંચા હોદ્દા પર બેઠેલી નીરીનું પ્રતિબિંબ ઝીલમિલી રહ્યું હતું ! નીરીની સફળતાનો બધો યશ એની માના ફાળે જતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract