Jyotsna Patel

Abstract

4  

Jyotsna Patel

Abstract

પ્રેતાત્મા

પ્રેતાત્મા

6 mins
222


“અરે, કેટલા ફોટા પાડશો ? જલ્દી ચાલો, હમણાં અંધારું થઈ જશે.” મિકિરે ઘડિયાળમાં જોતાં ફોટા પાડી રહેલાં સૌને ટપાર્યા.

“હા, હા, ચાલો હવે નીચે ઉતરવા માંડીએ. અંધારામાં આ છોકરીઓને પાછી ભૂતની બીક લાગશે.” વિનિતે હાસ્ય સાથે મિકિરની વાતમાં સૂર પૂરાવ્યો.

 સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જવાની તૈયારી કરી રહ્યા હતા. સારથી અરુણ જાણે રથના સાતેય ઘોડાને સાબદા કરી રહ્યા હતા. અર્બુદગિરિ પર પ્રસારેલા રશ્મિકર શિખરને ધવલતા પ્રદાન કરી રહ્યાં હતાં. આવા સમયે પચીસેકની આસપાસની ઉંમર ધરાવતાં સાતેક કૉલેજીયનોનું જૂથ ગુરુશિખર સર કર્યાના આનંદમાં કિકિયારીઓ પાડતું પોતાની મસ્તીમાં મસ્ત હતું. જૂથમાં ત્રણ છોકરીઓ પણ હતી, તેથી તેઓ અપેક્ષિત સમય કરતાં ઘણાં મોડાં ભગવાન દત્તાત્રેયના ચરણ સુધી પહોંચી શક્યાં હતાં. એક તો છોકરીઓની ચાલ ધીમી હતી, ને પાછાં પગથિયાંનું ચઢાણ; એટલે શહેરી નાજુક શરીરો જલ્દી થાકી જતાં હતાં ! વળી, લિપિને ફોટોગ્રાફીનો ગાંડો શોખ, એટલે એ રસ્તો છોડીને વારંવાર આબુ પર આચ્છાદિત લીલોતરીમાં સરકી જતી હતી. આ બધાંના પરિણામ સ્વરૂપ તળેટીમાં પાછા પહોંચવાના સમયે એ લોકો હજુ શિખર સુધી જ પહોંચી શક્યાં હતાં. એટલે જ તો મિકિરે સૌને સમયનો દંડો દેખાડવો પડ્યો !

પછીની બે-પાંચ મિનિટમાં એ લોકોએ ગુરુશિખર ત્યજીને તળેટી તરફ પ્રયાણ શરૂ કરી દીધું. પગથિયાં ઉતરતાં થાક લાગવાનો સવાલ નહોતો, તેથી યુવાધન અલક મલકની વાતો કરતું ઊર્ધ્વસ્થાનેથી નિમ્ન તરફ ગતિ કરી રહ્યું હતું. વાતોના વિષયો જાણે પગથિયે પગથિયે બદલાતા હતા ! 

 “એ બધું બરાબર, પણ ભૂતને ઓળખવું કેવી રીતે ?” ભૂત-પ્રેતની વાત નીકળતાં આયુષીએ સવાલ ફેંક્યો. 

“એમાં એવું હોય ને કે ભૂત દર વખતે ડરામણું જ હોય એ જરૂરી નથી. ક્યારેક એ માણસ જેવું પણ હોય. તમને લાગે જ નહિ કે એ ભૂત છે ! એ તો ગમે ત્યાં અચાનક પ્રગટ થાય અને એ રીતે જ આંખના પલકારામાં અદ્રશ્ય થઈ જાય.” પોતે જાણે આ વિષય પર પી.એચ.ડી.કરી હોય એમ પાર્થે ભૂત-પ્રેત વિશે માહિતી ઝાડવા માંડી ! 

સૂર્ય આથમવાની ક્ષણો ગણાઈ રહી હતી, તો બીજી બાજુ પૂનમના ચંદ્રએ આસમાનમાં પોતાની આછી આછી હાજરી નોંધાવી દીધી હતી. ધીરે ધીરે અંધકાર અવનિ પર ઉતરી રહ્યો હતો, પણ હજુ એ પૃથ્વી પર પોતાનું પૂરું સામ્રાજ્ય સ્થાપી શક્યો ન હતો; તેથી આછું અજવાળું ટમટમતું હતું. 

આ સમયે ગુરુશિખર પર આ સાત સિવાય ખાસ કોઈ પ્રવાસી નહોતા. મોટાભાગના પ્રવાસીઓ તો સનસેટ પોઈન્ટ પર ગોઠવાઈ ગયાં હતાં.

 એક તો આવો એકલવાયો માહોલ, એમા ભળી ભૂત-પ્રેતની વાતો ! આયુષી, લિપિ અને વામિકા મનોમન ડરી રહ્યાં હતાં, પણ સાથે ચાર યુવકો હોવાથી થોડી રાહત અનુભવતાં હતાં.  

 વાતોના બદલાતા વિષયો સાથે સૌના પગ પણ ઝડપથી ઊપડી રહ્યા હતા. એવામાં એક ઝાડની ડાળ પર બેઠેલાં બે પંખીઓ લિપિની નજરે ચઢી ગયાં. ક્ષણનો પણ વિચાર કર્યા વિના તે જંગલનુમા ઝાડીમાં સરકી ગઈ ! વાતોમાં મશગૂલ બાકીના છ જણ આગળ વધી ગયા.

 આછા ઉજાશમાં લિપિ એ પંખીદ્વય પાછળ ઝાડીમાં ઊંડી ઉતરતી ગઈ. દસેક મિનિટની મહેનત પછી પોતાના નાઈટ વિઝન કેમેરાથી એ પંખીબેલડીને કચકડે કેદ કર્યાના આનંદ સાથે એ પાછી વળી, ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે અંધકાર કેટલો ઘેરાઈ ચૂક્યો હતો. પૂનમનો ચંદ્ર સોળે કળાએ ખીલી ઊઠ્યો હતો. વૃક્ષોની ઘટાઓમાંથી ચળાઈને આવતી ચાંદનીમાં નહાતી લિપિ મુખ્ય રસ્તા તરફ આગળ વધી રહી હતી. સામે જ રસ્તો દેખાતો હતો, એટલે લિપિ નિશ્ચિતપણે ડગલાં ભરી રહી હતી. અચાનક પર્ણધ્વનિ કાને પડતાં લિપિ અટકી ગઈ. તેણે સૂકાં પાંદડાંનો અવાજ આવ્યો હતો એ તરફ નજર ઘુમાવી, તો તેના આશ્ચર્ય વચ્ચે એક મનુષ્યઆકાર એની સામે હતો ! આછા અજવાળામાં એ આકાર પર નજર શું ટેકવી કે લિપિના દિલમાં રૂપાની ઘંટડીઓનો ઝીણો ઝીણો રણકાર થઈ રહ્યો. તેના બત્રીસે કોઠે જાણે દીવા પ્રગટી ઉઠ્યા. અંધકારઘેર્યા ચંદ્રપ્રકાશમાં પણ લિપિ સામે ઊભેલા યુવાન તરફ અહોભાવથી જોઈ રહી. એનો ગોરો વાન ચાંદનીમાં વધારે નીખરી રહ્યો હતો. સપ્રમાણ ઊંચાઈ અને શરીરનો મજબૂત બાંધો એને અનોખુ વ્યક્તિત્વ પ્રદાન કરી રહ્યાં હતાં. લિપિ સ્થળ-કાળ ભૂલીને એની સામે એવી તો અપલક નેત્રે તાકી રહી હતી, જાણે એને પહેલી નજરનો પ્રેમ ન થઈ ગયો હોય ! 

“ઓ બહાદુર મેડમ, શું નામ છે આપનું ?” એ વ્યક્તિએ અનોખા અંદાજમાં સવાલ કર્યો, ને લિપિ ભાવ સમાધિમાંથી જાગી ! “લિપિ” તે આ સિવાય બીજું કંઈ જ બોલી ન શકી.

  “વાહ, સુંદર નામ છે. બિલકુલ તમારા જેવું જ કોમળ.” એ વ્યક્તિએ પોતાનું વાચાળપણું પ્રગટ કર્યું. “બાય ધ વે, મારું નામ અક્ષર છે. ઢળતી રાતે આ રીતે એકલાં નીકળવું તમારા માટે હિતાવહ નથી.” તેણે જંગલી પ્રાણીઓ કેવું નુકસાન પહોંચાડી શકે એ કહેવા માંડ્યું ! 

અક્ષરનો વાકપ્રવાહ કલકલ કરતા ઝરણાની જેમ વહેવા લાગ્યો, પણ લિપિના દિમાગ સુધી ‘અક્ષર’ સિવાય કશું પહોંચી શક્યું નહિ. 

થોડીવાર પહેલાં પાર્થે કહેલી વાત લિપિને યાદ આવી ગઈ. ‘આવા નિર્જન વાતાવરણમાં અચાનક આ ક્યાંથી ફૂટી નીકળ્યો ?’ આ સવાલ એના દિમાગમાં ચક્રવાતની જેમ ઘૂમરાવા લાગ્યો. પાર્થના વર્ણન મુજબનો આ કોઈ પ્રેતાત્મા તો નહીં હોય ને ? હવે એના ગાત્રો ગળવા માંડયાં ! ચાંદની શીતળ રાતે પણ તેને પરસેવો વળવા લાગ્યો. તે ઝડપથી ચાલવા લાગી, તો અક્ષર પણ તેની સાથે થઈ ગયો ! અલબત્ત, તેનો વાકપ્રવાહ તો ચાલુ જ હતો. “લિપિ વગર અક્ષરો વ્યક્ત કરવા અશક્ય છે, નહીં ?" તે લિપિને વાતોમાં વ્યસ્ત રાખવા માંગતો હોય એમ બોલ્યે જતો હતો, પણ લિપિને તો જાણે કાનમાં હડતાળ હતી ! મનોમન ભગવાનનું નામસ્મરણ કરતી તે ઝડપથી આગળ વધી રહી હતી. અત્યારે તેને હનુમાનચાલીસા નહિ આવડવાનો અફસોસ થઈ રહ્યો હતો ! પોતાની સાથે એક પ્રેત ચાલી રહ્યું છે, એ ખ્યાલ એના દિમાગમાંથી ખસતો જ નહતો ! 

 આમ ને આમ સારો એવો સમય પસાર થયો. મૂંગી ઢીંગલીની જેમ ચાલી રહેલી લિપિ અચાનક ખુશ થઈને “આયુષી, પાર્થ, વિનીત, સુજલ….” બોલી ઊઠી. પોતાની સાથે લિપિને ન જોતાં આ લોકો હાંફળા ફાંફળા થઈ તેને શોધવા પાછાં આવ્યાં હતાં. એમને જોઈને લિપિના જીવમાં જીવ આવ્યો. અનાયાસે તેની નજર બાજુમાં પડી, તો એના અચરજ વચ્ચે ત્યાં કોઈ નહોતું ! અક્ષર અદ્રશ્ય થઈ ગયો હતો ! બીકની મારી તે દોડીને મિત્રો પાસે પહોંચી ગઈ. પોતાનો પ્રેત સાથેનો અનુભવ મિત્રોને જણાવતી વખતે પણ તેની હરણી જેવી આંખોમાં ભય તરવરતો સ્પષ્ટપણે જણાતો હતો.

સમયની કિલ્લેબંધીમાં આ ઘટના કેદ થઈ ગઈ. આમ તો લિપિ આ ઘટના ભૂલી ચૂકી હતી, પણ ક્યારેક ક્યારેક અક્ષર તેના માનસપટ પર ઊભરી આવતો. વળી, ક્યારેક તો લિપિનું દિલ પોકારી ઊઠતું; “કાશ ! અક્ષર પ્રેત ન હોત !” અક્ષરની યાદ આવતાં તેના દિલમાં મીઠી મીઠી ટીસ ઊઠતી. 

સમયના વહેણમાં છ-સાત મહિના વહી ગયા. લિપિ તેનાં ફોઈની દીકરી સુકેશીના લગ્ન નિમિત્તે ભૂજ ગઈ હતી. લગ્નનો માહોલ હતો, એટલે મહેમાનોની અવર જવર ચાલુ જ હતી. તે સુકેશી સાથે પોતે કઈ વિધિમાં શું પહેરશે એની એની ચર્ચા કરી રહી હતી. “સુકેશી, આ તારી મંગાવેલી ચીજો આવી ગઈ છે. તું જોઈ લે.” બહારથી કોઈએ સુકેશીને સાદ દીધો. “બધું લઈને અહી આવી જા.” સુકેશીનું વાક્ય પૂરું થયું, ન થયું ને એક વ્યક્તિ રૂમમાં પ્રવેશી. લિપિ તો ફાટી આંખે આગતુંકને જોઈ જ રહી. તેના મનોજગતમાં અર્બુદગિરિની એ ઢળતી રાત છવાઈ ગઈ. સુકેશીએ એને પોતાના ભાઈના ખાસ દોસ્ત તરીકે અક્ષરની ઓળખાણ આપી. 

“અરે લિપિ તમે અહીં ?” અક્ષર પણ લિપિને અહીં જોઈને નવાઈ પામ્યો હતો. એણે તો સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે જીવનમાં ક્યારેક લિપિની મુલાકાત થશે ! અક્ષરને હાજરાહજૂર મનુષ્યરૂપે જોઈને લિપિના ચહેરા પર જે ખુશી ઊભરાઈ આવી હતી તે અવર્ણનીય હતી.

“તમે બંને એકબીજાને ઓળખો છો ?” સુકેશીના સવાલના પ્રત્યુત્તરરૂપે લિપિ અને અક્ષરે આબુની એ મુલાકાતનું અક્ષરસઃ વર્ણન કર્યું. લિપિએ ખુલ્લા દિલે કબૂલી લીધું કે પોતે ત્યારે અક્ષરને પ્રેતાત્મા સમજી બેઠી હતી ! અક્ષરે જ્યારે કહ્યું કે એ દિવસે પોતે એકલો જ આબુ આવ્યો હતો. ભગવાન દત્તાત્રેયનાં દર્શન કરીને નીચે ઊતરતી વખતે પોતે કુદરતી ક્રિયા માટે રસ્તાની કોરે ઊભો રહ્યો કે ત્યાં આછા અજવાળામાં એક છોકરીને જોઈને મર્યાદાના કારણે એણે કુદરતી ક્રિયા મોકૂફ રાખી ! એકલીઅટૂલી લિપિને સહી સલામત ગંતવ્ય સ્થાને પહોંચાડવાની ગણતરીથી તે તેની સાથે થઈ ગયો હતો. દૂરથી લિપિના જૂથને જોઈને પોતાની જવાબદારી પૂરી થઈ એમ વિચારીને તે અત્યાર સુધી રોકી રાખેલી કુદરતી ક્રિયા માટે ઝાડીમાં સરકી ગયો હતો. યોગાનુયોગ બધું એવી રીતે ગોઠવાયું કે લિપિ એને પ્રેતાત્મા માનીને ડરી જાય એ સાવ સ્વાભાવિક હતું !

 ત્રણે જણ લિપિ-અક્ષરની એ મુલાકાત પર એકબીજા સાથે તાળીઓ લેતાં જોર જોરથી હસતાં હતાં. આખરે અક્ષર લિપિબધ્ધ થઈ જ ગયો !


Rate this content
Log in

Similar gujarati story from Abstract