Jyotsna Patel

Abstract

4.5  

Jyotsna Patel

Abstract

અકબંધ વાત્સલ્ય

અકબંધ વાત્સલ્ય

5 mins
309


લાલ-પીળા વાઘા ત્યજી સૂર્યનારાયણે તેજસ્વી પોશાક ધારણ કર્યો. જાણે બાલ્યકાળ છોડીને તે કિશોરાવસ્થામાં પ્રવેશ્યા ! અરુણરથ આસમાનમાં ધીરે ધીરે આગળ ધપી રહ્યો હતો. મંદ મંદ પવન ભાસ્કરરાજને ચામર ઢોળી રહ્યો હતો. ફળિયાની શોભા વધારતા લીમડા પર પક્ષીઓનો કલબલાટ શમી ચૂક્યો હતો. ગામલોક બધું પોતપોતાના કામ તરફ વળી ગયું હતું. લીમડા નીચે રમતાં બે-પાંચ બાળકોના રવ સિવાય ફળિયામાં લગભગ શાંતિ છવાયેલી હતી. 

ફળિયાના છેવાડે આવેલા ખોરડાની ચોપાડમાં ઘંટીના ગુંજારવ સાથે રૂખીમાની કાચની બંગડીઓનો રણકાર ભળવાથી એક મધુરો માહોલ સર્જાયો હતો. ઘંટીની સાથે રૂખીમાના મનની ઘંટી પણ ચકર-ચકર ફરતી ને મનમાં ઊભરાતા વિચારોને ઝીણું ઝીણું દળતી હતી. શહેરમાં રહેતી પુત્રીના વિચારોમાં તલ્લીન થયેલાં રૂખીમાનો એક હાથ ઘંટીના હાથાને ફેરવી રહ્યો હતો ને બીજો હાથ છાલિયામાંથી બાજરો લઈ ઘંટીના ગારામાં ઓરી રહ્યો હતો. ધીમે ધીમે છાલિયું ખાલી થઈ રહ્યું ને થાળું લોટથી ભરાવા લાગ્યું, પણ રુખીમાનું ધ્યાન દળવામાં જરાય નહોતું. એ તો બસ યંત્રવત્ કામ કર્યે જતાં હતાં. થોડી થોડી વારે અનાયાસે એમના હાથ થંભી જતા ને ઈચ્છિત અવાજ સાંભળવા માટે તેમના શરીરનું પૂરું ચેતન કાનના ઝરુખે ગોઠવાઈ જતું. એ અવાજના કોઈ એંધાણ ન મળતાં ઊંડા નિશ્વાસ સાથે હાથ ફરી કામે લાગતા. આ ફક્ત આજની સ્થિતિ નથી, કેટલાય દિવસથી આ તેમનો નિત્યક્રમ થઈ ગયો હતો. 

થોડી જ વારમાં દૂરથી આવતો સાયકલની ઘંટડીનો ટ્રીન.. ટ્રીન.. અવાજ રૂખીમાના કાને પકડી લીધો ને તે હડપ દઈને ઊઠ્યાં ને નેવે આવી ઊભાં. તેમણે હથેળીનું નેજવું કરી ફળિયાના નાકે નજર લંબાવી. આખરે એમની આતુરતાનો અંત આવ્યો ને હરિયો ટપાલી ફળિયામાં પ્રવેશ્યો. રામાકાકાના ઘરે ટપાલ આપી તે આગળ વધ્યો. રાતભરના જાગરણ પછી લીમડા નીચે નિરાંતે નિંદર માણી રહેલા લાલિયા કૂતરાએ આંખ ખોલી, ટપાલીને જોઈને ‘પોતાના માણસ’ લાગતાં પાછી આંખ મીંચી દીધી ! “મા, આજે પણ તમારો કોઈ કાગળ નથી. તમે આમ આથરાં ન થાવ. કાગળ આવશે ત્યારે હું સામેથી તમને હાથોહાથ આપી જઈશ.” હરિયાએ રોજની જેમ આજે પણ રૂખીમાની આશા પર ઠંડુ પાણી રેડ્યું. 

નિરાશાના અંધકારમાં ડૂબેલાં રૂખીમાએ પતિને કહ્યું; “કંકુના બાપુ, આજકાલ કરતાં બે મહિના થયા, મારી કંકુનો કોઈ કાગળ-પત્તર નથી. મારો જીવ હવે ઝાલ્યો રહેતો નથી. મને મૂંઝારો થાય છે. હું કહું છું કે તમે એક આંટો જઈ આવો તો સારું.” દીકરી માટે તડપતી માતાનું વાત્સલ્ય પારખી ગયેલા પશાકાકાએ પત્નીની વાતમાં સંમતિ આપી, ને પોતે કાલે જ શહેરમાં જશે એવી હૈયાધારણ આપી. રૂખીમાને થોડી રાહત થઈ. 

“મારી કંકુને મારા હાથનાં ઢેબરાં બહુ ભાવે.” એકલાં એકલાં બબડતાં રૂખીમાએ ચૂલો ચેતાવ્યો, ને કલાકેકમાં તો મેથીનાં ઢેબરાંની મહેંક પડોશ સુધી પહોંચી ગઈ ! 

વહેલી સવારે ઢેબરાંના ડબ્બા સાથે પશાકાકા શહેરમાં જવા નીકળ્યા ત્યારે રૂખીમાએ પતરાની પેટી ખોલી સાડલાની બેવડમાં મૂકેલી બે નોટ કાઢી પતિને આપી. તેમના શબ્દોમાં નર્યો સ્નેહ નીતર્યો; “કંકુના બાપુ, આ લો. મારી દીકરીને આપજો. એને કંઈ લાવવું કરવું હોય ને !”

“એકવાર ખોળાભરણું થઈ જાય પછી છૂટી ન થાય ત્યાં સુધી એને મારી નજર તળે જ રાખવી છે.” પતિના ગયા પછી સ્વગત બબડતાં તે ગૌરી ગાયને ખાણ પૂરવા વળ્યાં.

*** 

કંકુ એટલે રૂખીમાની જીવથી અદકેરી દીકરી. પથરા એટલા દેવ પૂજયા, દોરા-ધાગા ને મંત્ર-તંત્ર કર્યા, કેટલાય ભૂવા ધુણાવ્યા ને વૈદ્યની કડવી પડીકીઓ ફાકી ત્યારે જઈને એમના જીવતરમાં દીકરીનાં કંકુ પગલાં થયાં. એટલે જ તો રૂખીમાએ દેવની દીધેલ દીકરીનું નામ ‘કંકુ’ પાડ્યું. ગામડાગામમાં થોડા વધારે લાગે એવા લાડકોડથી દીકરીને ઉછેરી. પોતે તકલીફ વેઠીને પણ કંકુને પાણી માંગે ત્યાં દૂધ હાજર કર્યું. શહેરમાં નોકરી કરતા મોહન સાથે કંકુને પરણાવી ત્યારે ગામ આખું ધૂમાડાબંધ જમાડ્યું ને રંગેચંગે કંકુને વળાવી. કંકુને વળાવ્યા પછી રૂખીમાને જાણે કોઈએ ચામડી ઉતરડી લીધી હોય એટલી વેદના થઈ હતી. તેમનું ચાલ્યું હોત તો દીકરીને સાસરે વળાવત જ નહિ ! 

રૂખીમા માટે હવે કંકુના કાગળની રાહ જોવી એ જ જાણે જીવનધ્યેય હતું. કંકુ પણ મહિનામાં બે વાર કાગળ લખીને ખબર-અંતર પૂછતી રહેતી. બે વર્ષમાં બે વાર એ પિયર આવી ત્યારે રૂખીમા તેને શહેરની ઝીણી ઝીણી વિગતો પૂછતાં, ને કંકુ પણ ઉત્સાહથી મોટી મોટી મોટરો, ઊંચાં ઊંચાં મકાનો, રોશનીથી ઝળહળતી દુકાનો, લીસા અને કાળા રસ્તાઓ અને એવી બધી વાતો કરતી. રૂખીમા તો વિસ્ફારિત નેત્રે સાંભળતાં રહેતાં ને પુત્રી જાણે પરીલોકમાં વસતી હોય એવી અનુભૂતિ પામતાં. પાસ-પડોશની સ્ત્રીઓને કંકુના સુખી જીવનની ને શહેરની વાતો કરતાં થાકતાં નહીં !

  ***

છેલ્લા બે મહિનાથી બેજીવી કંકુ તરફથી કોઈ સમાચાર ન મળતાં રૂખીમા વ્યાકુળ થઈ ગયાં હતાં. છેવટે તેમણે પતિને કંકુની ખબર કાઢવા શહેર તરફ રવાના કર્યા, ને તેમના આવવાની ચાતક નજરે રાહ જોવા લાગ્યાં. 

પશાકાકા કંકુના ઘરે પહેલીવાર જતા હતા. અથડાતા-કૂટાતા માંડ તેઓ ઠેકાણે પહોંચ્યા. કંકુના ‘ઘર’ના ઉંબર પરથી અંદરનું દ્રશ્ય જોયું, ને તેઓ જોતા જ રહી ગયા. દસ બાય દસની એ ખોલીમાં એક તરફ સ્ટવ હતો, જે આજે સળગ્યો હોય એમ લાગતું ન હતું. એક ખૂણામાં આવેલી ચોકડીમાં ભીનાં કપડાં પડયાં હતાં. એક માટલું ને થોડાં વાસણ ઘરની સ્ત્રીનો સ્પર્શ ઝંખી રહ્યાં હતાં. કાથીના એક ખાટલા પર ઓળખી પણ ન શકાય એવી કંકુ પડી હતી. આ દ્રશ્ય જોઈને પશાકાકા હબક ખાઈ ગયા. તેઓ કલ્પનાના આસમાનમાંથી સીધા વાસ્તવિકતાના રેગિસ્તાનમાં પટકાયા ! કોઈ આવ્યાનો અણસાર આવતાં કંકુએ દરવાજા તરફ નજર માંડી ને આગંતુકને જોતાં જ ‘બાપુ’ કહેતી તે બેઠી થવાનો વ્યર્થ પ્રયત્ન કરવા લાગી. પિતાએ એને ટેકો આપ્યો. વ્હાલસોયી પુત્રીની દુર્દશા જોઈ તેમનું હૈયું વલોવાઈ ગયું ને નેત્રસરોવર છલકાઈ ઊઠ્યું. બાપને જોઈને દીકરીના બધા બંધ તૂટી ગયા ને એ તેમને વળગીને ધ્રુસકે ચડી. બાપનો વહાલભર્યો હાથ દીકરીના માથે અને વાંસે ફરતો રહ્યો ને તેના મનને થોડી શાતા વળી. પછી તેણે તૂટક તૂટક શબ્દોમાં આપવીતી વર્ણવી. ત્યાં તો મોહન નોકરી પરથી આવી પહોંચ્યો.

તેમણે મોહનને આડે હાથ લીધો; “જમાઈ, આ શું દશા કરી છે મારી દીકરીની ? દરદ આટલું વધી ગયું ત્યાં સુધી અમને જાણ પણ ન કરી ?” “આજકાલમાં મટી જશે એમ કહીને તમારી દીકરીએ જ મને રોકી રાખ્યો હતો. બાકી હું તમને કાગળ લખવાનો જ હતો.” મોહને પોતાનો બચાવ કર્યો. પશાકાકા સમજી ગયા કે પોતાની બીમારીની વાતથી મા-બાપ દુઃખી ન થાય એટલે કંકુએ જ વાતને દબાવી રાખી હતી. “મોહનલાલ, ઝટ રીક્ષા બોલાવો ને મારી દીકરીને ઘરે લઈ જવાની તજવીજ કરો. ચોખ્ખાં હવા-પાણી અને એની માનો પાલવ મળશે તો એને સારું થઈ જશે.”

બીમાર થઈને પિયર આવેલી કંકુની દયનીય હાલત જોઈને રૂખીમા દ્રવી ઊઠ્યાં, પણ દીકરીને હૂંફ આપીને ‘જલ્દી મટી જશે, બેટા’ એમ આશ્વાસન આપતાં રહેતાં. સંતાનો પાસેથી સેવા લેવાની ઉંમરે રૂખીમા કંકુને નવડાવવા-ધોવડાવવાથી માંડી બધી જ સેવા કરતાં હતાં. દીકરીને સાજી કરવા રોજ ઉપરવાળા આગળ ખોળો પાથરી આજીજી કરતાં; “ભગવાન, તું મને ઉપાડી લે, પણ મારી બેજીવી કંકુને સાજી-નરવી કરી દે ને એને ઝટ છૂટી કર.” ઉપરવાળાએ કંકુને છૂટી તો કરી પણ રૂખીમા ઈચ્છતાં હતાં એ રીતે નહીં. ભગવાને કંકુને આ દુનિયાથી જ વિખૂટી પાડી દીધી. 

 હૈયાફાટ રુદન કરતાં રૂખીમાને જોઈ ગામ આખું હિબકે ચડ્યું. કંકુની નનામી પાછળ ફળિયાના નાકા સુધી ગયેલાં રૂખીમા દીકરીને વળાવ્યાની વેદના સહી શક્યાં નહિ. આસપાસની સ્ત્રીઓ માથાં પછાડતાં રૂખીમાને ઘરે લાવી, પણ તેઓ જાણે આંગણું વળોટીને દીકરી વગરના સૂના ઘરમાં પ્રવેશવા માગતાં ન હોય એમ આગણામાં જ ફસડાઈ પડ્યાં. દીકરી અને પોતાની વચ્ચે ઝાઝું અંતર પડે એ પહેલાં તો રૂખીમા ‘મારી કંકુ’ના ઉદગાર સાથે ઢળી પડયાં ને દીકરી સાથે મોટા ગામતરે ઉપડી ગયાં !


Rate this content
Log in

Similar gujarati story from Abstract