Jyotsna Patel

Fantasy Inspirational

4.3  

Jyotsna Patel

Fantasy Inspirational

બાપુ મારા શમણે

બાપુ મારા શમણે

4 mins
301


હું છું એક અદનો દેશભક્ત ભારતીય નાગરિક. મધ્યમવર્ગનો સંતોષી જીવ ! આજે ગાંધીજયંતીની ભવ્ય ઉજવણીમાં હાજરી આપીને હું ઘરે આવ્યો. નેતાઓએ ગાંધીમૂલ્યો વિષે ખૂબ સરસ વાતો કરી. ગાંધીબાપુના જન્મથી લઈને તેમની શહાદત સુધીના અનેક પ્રસંગો વાગોળવામાં આવ્યા. ઉપસ્થિત શ્રોતાગણે તાળીઓના ગડગડાટથી વક્તાઓને ખૂબ નવાજ્યા. આવા ભવ્ય સમારંભના સાક્ષી થવા બદલ હું મારી જાતને ધન્ય સમજુ છું. મહાત્મા ગાંધીની વાતોને વાગોળતો હું આરામ ફરમાવી રહ્યો હતો.

 કેટલાક સમય બાદ મારા રૂમના બારણે હળવા ટકોરા પડ્યા. કોઈકના આગમનનો અણસાર મળતાં મેં બારણું ખોલ્યું, ને હું શું જોઉં છું ? સાક્ષાત ગાંધીજી મારી સામે ઊભા હતા ! હા, એ જ ગાંધીજી – ટૂંકી પોતડી, હાથમાં લાકડી, કમરે ઘડિયાળ ને બોખું મોં ! પણ અરે ! આ શું ? બાપુનો ચહેરો આટલો કરમાયેલો અને નિસ્તેજ કેમ ? તેમના ચહેરા પર રમતું સદાબહાર હાસ્ય ક્યાં ? મેં ત્વરિત નીચે નમી તેમના ચરણસ્પર્શ કર્યા. બાપુએ તેમનો ધ્રૂજતો હાથ મારા માથે મૂક્યો. હું તેમનો હાથ પકડીને રૂમમાં લાવ્યો ને મારા પલંગ પર બેસાડ્યા. હું તેમની સામે પાણીનો પ્યાલો લઈને ઊભો રહ્યો, ને હળવેકથી પૂછ્યું; “બાપુ, આજે તમે આટલા ઉદાસ કેમ છો ? એવું તો કયું કારણ છે કે જેણે આપના ચહેરાનું નૂર અને હાસ્ય છીનવી લીધું છે ?” ત્યારે આપણા પ્યારા બાપુએ મને જે જવાબ આપ્યો તે સાંભળીને હું આખેઆખો હચમચી ગયો ! બાપુએ ખાલી પ્યાલો મારા હાથમાં થમાવીને નારાજગી સાથે કહ્યું; “તમે ભારતવાસીઓએ પંચોતેર વર્ષ પહેલાં મળેલી આઝાદીને અને વીરોના બલિદાનોને ધૂળમાં મેળવી દીધાં છે !” હું તો બાપુને કંઈ પૂછવાના હોંશમાં જ ક્યાં હતો ? 

બાપુએ હાથમાંની લાકડીને પલંગના ટેકે ગોઠવી આગળ ચલાવ્યું; “1947માં આઝાદી સમયે મેં હિન્દુસ્તાનની જે કલ્પના કરી હતી એ તો આખરે કલ્પના જ બની રહી. તમે લોકોએ શહેરો તરફ આંધળી દોટ મૂકીને ગામડાંની દુર્દશા કરી છે. તમે ભૂલી ગયા કે સાચું ભારત તો ગામડાંમાં વસે છે. એટલે છેવટે તો ભારતની જ દુર્દશા થઈને ? મારા મત મુજબ સ્વરાજ એટલે દરેક પ્રકારના અંકુશમાંથી હકારાત્મક મુક્તિ ! જ્યારે આજનો ભારતીય તો ગુલામ બનીને રહી ગયો છે. વ્યસનનો ગુલામ, અંધશ્રધ્ધાનો ગુલામ, દેવાનો ગુલામ, શેઠ કે બોસનો ગુલામ ને સરકારનો પણ ગુલામ ! મને તો આ લોકશાહી નહિ, પણ ગુલામશાહી જ લાગે છે ! કોમ કોમ વચ્ચેના ઝગડા એક ભારતવાસી તરીકે તમને શોભે છે ?” હું તો અનિમેષ નયને બાપુ સામે તાકી જ રહ્યો હતો, ત્યાં બાપુનો અસ્ખલિત આક્રોશ આગળ વધ્યો; “સ્વચ્છતા એ દરેક ભારતીયનો અધિકાર છે. પંચોતેર વર્ષ પછી પણ એના માટે તમે હજુ સ્વચ્છતા અભિયાન ચલાવો છો ! તમારામાં સ્વયં સ્વચ્છતા ક્યારે આવશે ?” મેં ડરતાં ડરતાં પૂછ્યું; “અમે સૌ સ્વચ્છતા માટે પ્રયત્નશીલ છીએ જ.” આ સાંભળતાં જ હમેશાં શાંત રહેતા બાપુ થોડા ગુસ્સે થઈ ગયા. તેમના ચહેરાની કરચલીઓ સહેજ ધ્રૂજવા લાગી ! જરા ઊંચા અવાજે બાપુ બોલ્યા; તમે લોકો ખાલી પ્રયત્નો જ કરશો કે કોઈ ઠોસ કદમ પણ ઊઠાવશો ?” બાપુનો ગુસ્સો જોઈને મારી તો જાણે વાચા જ હણાઈ ગઈ !

ક્ષણિક વિરામ લઈને ગાંધીજી શાંતિથી બોલ્યા; “બેટા, હું સમજુ છું કે બદલાતા સમય સાથે મારા વિચારો, આદર્શો અને મૂલ્યો ધીરે ધીરે અપ્રસ્તુત થતાં જાય છે. હું એમ નથી કહેતો કે તમે કાયમ માટે એને વળગી રહો. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે તમે અદના ભારતીયના હિતમાં હોય એવા કાયદા બનાવો અને એનું ચુસ્તપણે પાલન કરો. સામાન્ય જનનું આરોગ્ય સચવાય તેવા કદમ ઉઠાવો.” સ્વતંત્ર ભારતમાં પોતે ઈચ્છે એ પદ મેળવી શકવાની ક્ષમતા હોવા છતાં સત્તાથી જોજનો દૂર રહી દેશની સાચી સેવા કરનાર બાપુએ સાંપ્રત પરિસ્થિતિનો નિષ્કર્ષ આપતાં કહ્યું; “લોકશાહીની ધડકન એવી ચૂંટણી આવે ત્યારે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખો ને એવી નિ:સ્વાર્થ વ્યક્તિ કે સરકાર ચૂંટો જેના હ્રદયસ્થાને ભારતનો છેવાડાનો નાગરિક હોય. ચૂંટણીમાં કોઈ લોભ-લાલચ કે પ્રલોભનને વશ થયા વગર એને લોકશાહીનો પવિત્ર ઉત્સવ બનાવો. કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ભારતના દરેક નાગરિકને વિકાસ માટે સમાન તકો ઉપલબ્ધ થવી જ જોઈએ.” આટલું બોલતાં તો બાપુને હાંફ ચડી ગયો. ધીરે ધીરે કદમ માંડતા બાપુ સામે પડેલી ખુરશી પર બેસી ગયા.

 રેંટિયામાં કાળને કાંતી લેનાર બાપુએ એ જ સદાબહાર મુસ્કાન સાથે મને કહ્યું; “બેટા, મારાથી ઘણું વધારે કહેવાઈ ગયું, પણ તું ખોટું ન લગાડીશ ! હું તને એટલું કહેવા માંગુ છું કે તમે ટેકનોલોજી ભલે અપનાવો, પરંતુ યાંત્રિકરણ પર એ હદ સુધી આધારિત ન થઈ જાઓ કે જેથી બેકારીની સમસ્યા વકરી જાય. કેમ કે બેકારી છેવટે ગરીબીમાં પરિણમે છે, અને ગરીબીને ગુનાખોરીની ગર્તા તરફ ધકેલાઈ જતાં વાર નથી લાગતી.” એકાએક કમરે લટકાવેલી ઘડિયાળમાં જોતાં ગાંધીજી ઊભા થઈ ગયા ને કહેવા લાગ્યા; “અરે, મેં તારો ઘણો સમય લીધો; પણ કહેવું જરૂરી હતું. તું મારી વાત પર વિચાર કરજે.” મારા માથે પોતાનો ધ્રૂજતો હાથ મૂકતાં કહે; “બેટા, એક ભારતીય તરીકે તું હર બુલંદીઓ સર કરે એવા મારા ને મા ભારતીના આશીર્વાદ હમેશાં તારી સાથે છે.” બાપુ ખુલ્લા દરવાજા તરફ આગળ વધ્યા. 

 મેં પ્યારા બાપુને રોકવા હાથ લંબાવ્યો કે અચાનક મારી આંખ ખૂલી ગઈ ને જોઉં છું તો રૂમમાં કોઈ જ નહોતું ! હું મારા માથે હાથ ફેરવીને બાપુના આશિષની અનુભૂતિ કરી રહ્યો ! હું ખૂબ ખુશ હતો કેમ કે છેવટે બાપુ એક અદના નાગરિકના શમણે પધાર્યા હતા !


Rate this content
Log in

Similar gujarati story from Fantasy