વરસાદી કહેર
વરસાદી કહેર
ચોમાસાની ઋતુ ચાલતી હતી. લોકોમાં આનંદ સાથે ઉત્સાહ હતો. ઠંડી ઠંડી હવા આવતી હતી. એક બપોરે અચાનક કાળા કાળા ડિંબાગ વાદળા થયા. સૌ વરસાદની રાહમાં હતા. પણ કોઈ જાણતું ન હતું કે આ સામાન્ય મેઘમહેર નહિ તબાહી મચાવનાર મેઘમહેર છે.
સાંજનો સમય થયો ને અચાનક ધોધમાર વરસાદ ચાલુ થયો. વરસાદ સાથે પવન અને વીજળીનો ગડગડાટ. કાચાપોચા માણસો તો ઘરની બહાર નીકળવાની હિંમત જ ન કરે. ધીમે ધીમે પવન અને વરસાદે તેમની ગતિ વધારી. જો કે એ વરસાદની ગતિ ન હતી પણ જાણે કાળની ગતિ વધતી જતી હતી.
ઘડી બે ઘડીમાં તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ઘરની આજુબાજુ અને આંગણામાં જાણે વરસાદી પાણી ફરી વળ્યા. એટલું જ પૂરતું ન હતું. હજી વરસાદની ધારા તો તીવ્ર ગતિથી ચાલુ જ હતી. પાણીનો પ્રવાહ વધતો જતો હતો. શેરીમાંથી આંગણામાં,અને આંગણામાંથી ઘર સુધી પાણી પહોંચી ગયા. લોકોના જીવ તાળવે ચોંટી ગયા. હવે શું થશે. ઘરની સામગ્રી બચાવવી કે જીવ બચાવવો.
પાણીના સ્તર તો વધતા જ ચાલ્યા. અને વરસાદની ધારા ચાલું. જેને બહુમાળી મકાન એ તો બીજા માળે જતા રહ્યા. પરંતુ જેને માથે માંડ નાની નળિયાની છત હતી એ શું કરે. ન બહાર જઈ શકાય,ન અંદર રહી શકાય. ગામના યુવાનો આગળ આવ્યા અને આવા મકાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા મદદ કરી. લાકડીના સહારે, તો કોઈને દોરડાના સહારે, તો કોઈને ટયુબ અને ટાયરના સહારે બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા.
આ એવી વરસાદી આફત હતી, જેમા દરેક સજીવોને જીવન બચાવવું એજ મોટી હિંમત હતી. સવાર થતાં જ વરસાદ તો બંધ થયો,પરંતુ અનેક સજીવો પ્રાણ વિનાના થઈ ગયા, તો ઘણાંએ માથા પરની છત ગુમાવી. તો કોઈ પાસે ભૂખ મિટાવવા ખાવા એક દાણો પણ ન હતો.
