ઉદાસ કેરી
ઉદાસ કેરી


એક મોટું જંગલ હતું. તેમાં ઘણાં બધાં પ્રાણીઓ રહે. સસલાભાઈ, વાંદરાભાઈ, હાથીભાઈ, સિંહભાઈ, શિયાળભાઈ. બધા હંમેશા હળીમળીને રહે. શિયાળાએ ઉચાળા ભર્યા અને ઉનાળો શરૂ થયો. ખૂબ ઉંચુ તાપમાન અને કાળઝાળ ગરમી. એમાં બધા પ્રાણીઓએ એક દિવસ ઠંડા પીણાની રેંકડી જોઈ. બધા તેને પીવા ગયા. તેમને એ ઠંડા પીણા પીવાની ખૂબ જ મજા પડી.
વાંદરાભાઈ કહે, "હૂપાહૂપ બોલું હું, ઠંડા પીણા પીવ છું, મજા મજા કરું, ન ઉનાળાથી ડરું હું" આ રીતે બધા પ્રાણીઓ ઠંડા પીણા પીવે અને જંગલમાં રહે. જાણે ફળો ખાવાનું જ ભૂલી ગયા. આંબા પર કેરી પાકીને રસદાર તૈયાર થઈ. પણ કોઈ તેને ખાઈ નહીં. એક દિવસ ત્યાંથી શિયાળભાઈ પસાર થયા.
કેરીબેન કહે,
"નાનકડી હું કેરી, ખાટી મીઠી કેરી
ઉનાળાની કાળઝાળ ગરમી ઘટાડુ
નાના મોટા સૌને હું ભાવુુ
તમે પણ ખાઉં ને શિયાળભાઈ કેરી"
શિયાળભાઈ કહે, "જંગલમાં ફરું છું, બજાર મહીં દોડું હું, ઠંડા પીણા પીઉં છું, મજા મજા કરું હું, મારે આ કેરી ખાવી નથી. એમાં ગોઠલી કાઢવાની માથાકૂટ કોણ કરે? અમારે હવે તારી જરૂર નથી."
કેરીબેન તો ઉદાસ થઈ ગયા. ત્યાં જ ત્યાંથી હાથીભાઈ પસાર થયા. કેરીબેન કહે,"નાનકડી હું કેરી, ખાટી મીઠી કેરી, ઉનાળાની કાળઝાળ ગરમી ઘટાડુ, નાના મોટા સૌને હું ભાવુુ, તમે પણ ખાઉં ને હાથીભાઈ કેરી"
હાથીભાઈ કહે," અરે ક
ેરીબેન તમારાથી પણ મીઠી વસ્તુ અમને મળી ગઈ છે. અમે બધા પ્રાણીઓ રોજ તેને પીઈને મોજ કરીએ. હાથીભાઈ તો ત્યાંથી ચાલતાં થયા.
થોડીકવાર થઈ ત્યાં સસલાભાઈ ત્યાંથી પસાર થયા. કેરીબેન કહે,"નાનકડી હું કેરી, ખાટી મીઠી કેરી, ઉનાળાની કાળઝાળ ગરમી ઘટાડુ, નાના મોટા સૌને હું ભાવુુ, તમે પણ ખાઉં ને સસલાભાઈ કેરી"
સસલાભાઈ કહે," અરે! કેરીબેન અમે તો ઠંડાપીણાથી જ ખુશ છીએ. અમને હવે ફળો ભાવતા નથી. ઠંડા પીણાની મજા જ કંઈક અલગ છે.
કેરીબેન ઉદાસ થઈ અને તરબૂચભાઈ પાસે ગયા. "તરબૂચભાઈ તરબૂચભાઈ જુઓને આ ઉનાળાની કાળઝાળ ગરમી છતાં કોઈ કેરી નથી ખાતા. ઠંડા પીણાંથી જ ખુશ થઈ જાય છે. આપણને તો કોઈ પૂછતું પણ નથી."
તરબૂચભાઈ કહે," કેરીબેન 'ધીરજના ફળ મીઠા હોય' તમે શાંતિ રાખો. બધું સારું થઇ જશે." થોડા દિવસ થયા ને બધાં પ્રાણીઓ બિમાર પડયા. ડોક્ટરે કહ્યું, " ઠંડા પીણાં પીવાથી જ તમને આ રોગ થયાં છે. ફળોથી જે વિટામીન અને પોષકતત્ત્વો મળે એ તેમાંથી મળતા નથી. તમે એ બધું છોડીને ફળ ખાઉં."
બધા પ્રાણીઓ કેરીબેન પાસે આવ્યા અને હકીકત કહી. કેરીબેનની માફી માંગી. કેરીબેન કેરીબેન ચાલો અમે કેરી ખાઈએ. વાંદરાભાઈ આંબા પરથી કેરી પાડી બધાં પ્રાણીઓને આપવા લાગ્યા. બધાએ હોંશેહોંશે કેરી ખાધી. કેરીબેન ગાવા લાગ્યા,
"નાનકડી હું કેરી, ખાટી મીઠી કેરી
ઉનાળાની કાળઝાળ ગરમી ઘટાડુ
નાના મોટા સૌને હું ભાવુુ
તમે પણ ખાઉં ને સૌને ખવડાવો કેરી"