મોજીલા વાંદરાભાઈ
મોજીલા વાંદરાભાઈ
એક નદી હતી. તેની બાજુમાં એક જાંબુનું ઝાડ હતું. તે ઝાડ પર એક વાંદરાભાઈ રહે. નદીમાં મગરભાઈ રહે. બંને પાકા દોસ્ત. વાંદરાભાઈ મગરભાઈને જાંબુ ખવડાવે. મોજ મજા કરે. વાંદરાભાઈ તો આખો દિવસ હૂપ હૂપાહૂપ કર્યાં કરે. મન પડે તો આખા જંગલમાં ફરે.
ઠંડી હોય, તાપ હોય કે વરસાદ હૂપાહૂપ કરતા જાય, ઝાડે ઝાડે ફરતા જાય. મગરભાઈ ઘણીવાર કહે વાંદરાભાઈ તમારે તો કેવી મજા કૂદાકૂદ કરી જ્યાં જવું હોય ત્યાં પહોંચી જાવ. મીઠાં મીઠાં ફળ ખાવ ને આરામ કરો. વાંદરાભાઈ કહે,"હા હો મગરભાઈ આપણે તો મજા.
મન પડે ત્યાં ફરીએ
હૂપ હૂપાહૂપ કરીએ
બધા પ્રાણીઓને મળીએ
મીઠાં ફળ ખાઈએ
મજા મજા કરીએ."
એક વખત ચોમાસાની ઋતુ હતી. જોરદાર વરસાદ પડ્યો. વરસાદ સાથે પવન તોફાની. ઝાડ પડે, નળિયા ઉડે, દિવાલ પડે. બધા ગભરાવા લાગ્યા. પણ વાંદરાભાઈ તો ઝાડ પર બેઠા બેઠા જાંબુ ખાય ને ગીત ગાય,
"મન પડે ત્યાં ફરીએ
હૂપ હૂપાહૂપ કરીએ
બધા પ્રાણીઓને મળીએ
મીઠાં ફળ ખાઈએ
મજા મજા કરીએ"
આ કંઈ જેવું તેવું તોફાન ન હતું. મોટા મોટા ઝાડ પડવા લાગ્યા. બધા પ્રાણીઓ પણ જંગલમાં અંદર છૂપાઈ ગયા. પક્ષીઓ માળામાં જતા રહ્યા. વાંદરાભાઈ જાણે કોઈથી ડરે જ નહીં. અચાનક એક પવનનો એક વાવટો એવો આવ્યો કે જાંબુનું ઝાડ પડ્યું ને વાંદરાભાઈ સીધા નદીના પાણીમાં. વાંદરાભાઈ તો પાણીમાં તણાયા. બૂમાબૂમ કરવા લાગ્યા. બચાવો બચાવો હૂપાહૂપ હૂપાહૂપ. વાંદરાભાઈનો અવાજ મગરભાઈ સાંભળી ગયા. તે તરત દોડીને આવ્યા. વાંદરાભાઈને કહે, "ચાલો વાંદરાભાઈ મારી પીઠ પર બેસી જાવ, તમને સામે કાંઠે પહોંચાડી દઉં. વાંદરાભાઈના જીવમાં જીવ આવ્યો.
ફરી વાંદરાભાઈ તો ઝાડ પર ચડી ગાવા લાગ્યા,
"મન પડે ત્યાં ફરીએ
હૂપ હૂપાહૂપ કરીએ
મીઠાં ફળ ખાઈએ
મજા મજા કરીએ"
