Manishaben Jadav

Inspirational Children

4.4  

Manishaben Jadav

Inspirational Children

જંગલમાં પ્રદુષણ

જંગલમાં પ્રદુષણ

6 mins
256


એક મોટું જંગલ હતું. જંગલ પણ એટલું ગાઢ કે આજુબાજુમાં કોઈ પ્રાણી હોય તો પણ દેખાય નહીં. જંગલની નીચે સુધી તડકો પણ ભાગ્યે જ પહોંચે. ભલભલા માણસો ત્યાં જતાં પણ ડરે. આ જંગલમાં અનેક પશુઓ અને પ્રાણીઓ રહે. વાઘ, સિંહ, ચિતો, દિપડો, હાથી, સસલાભાઈ વાંદરાભાઈ, કોયલબેન પોપટભાઈ, મોરભાઈ , કાબરબેન, ઉંદરભાઈ, ઉંટભાઈ વગેરે. જંગલના ફળ ફુલ ખાઈ મસ્તીથી જીવન ગુજારે.

" અમે રે પ્રાણીઓ જંગલના,રહીએ સૌ સંગ સંગ

કરીએ મસ્તી આજ, જંગલ અમારું રહેઠાણ"

જંગલ એટલું ગાઢ કે કોઈ માનવ ત્યાં ફરકવાનું નામ જ ન લે. ભૂલે ચૂકે જો તે જંગલમાં પહોંચી જાય તો ત્યાંથી માર્ગ શોધી ઘર સુધી પહોંચવું મુશ્કેલ થઈ જાય. આથી જંગલના પ્રાણીઓ સુરક્ષિત હતા. પણ ક્યાં સુધી? માનવ પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરવા તૈયાર જ હોય. એ માટે બીજા સજીવોને નુકસાન થાય તો પણ મંજુર. જંગલમાં મળતી અમૂલ્ય વસ્તુઓને મેળવવા માણસો ધીમે ધીમે જંગલ તરફ વળ્યા. જંગલમાંથી મળતી વસ્તુઓ લાવે અને ઉંચી કિંમતે બજારમાં વેચતા. ફળ, ફુલ , વૃક્ષોનું અમૂલ્ય લાકડું, પાંદડા, લાખ, રાળ, ગુંદર વગેરે.. જંગલી પ્રાણીઓની સાથે આ જંગલમાં માણસોની ચહલપહલ પણ વધી રહી હતી.

જંગલમાં મળતું સાગ, સાવ, ચીડ, ચંદન જેવા કિંમતી લાકડા માટે જંગલમાંથી વૃક્ષો કાપવાનું ચાલુ થયું. ઘણા બધા વૃક્ષો કપાય ગયા. એક સમયે જે ગાઢ જંગલ કહેવાતું તેમાંથી તો ઘણા બધા વૃક્ષોનું અસ્તિત્વ જ ન રહ્યું. વૃક્ષો કપાય જતા પ્રાણીઓ અને પક્ષીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાવા લાગ્યું.

જોકે આ તો હજું શરુઆત હતી.  મોટા મોટા શહેરોમાં અને ગામડામાં પણ આ વાત ફેલાય ગઈ. આપણી બાજુમાં એક સુંદર જંગલ છે. ત્યાં સુંદર મજાના વૃક્ષો, ફળ પ્રાણીઓ પક્ષીઓ અને પ્રકૃતિની સુંદરતા જોવાની ખૂબ મજા પડે. બધા લોકો ફરવા માટે આ જંગલોમાં આવવા લાગ્યા. પોતાની સાથે આખો પરિવાર અને ખાવાની અનેક વસ્તુઓ લાવે.

ખાવા પીવાની વસ્તુઓ સાથે લાવેલ કાગળ, પ્લાસ્ટિક અને બોટલ જંગલમાં જ્યાં ત્યાં ફેંકી અને જંગલને ગંદું અને ખરાબ કરે. જોતજોતામાં તો જંગલમાં ઠેરઠેર કચરાના ઢગ જામવા માંડ્યા. વૃક્ષોના પાંદડા ઓછા ને પ્લાસ્ટિક વધુ જોવા મળે. પ્રાણીઓ બધા વિચારમાં પડ્યા. કરવું શું? આ કચરો જો હટાવવામાં નહી આવે તો એક દિવસ આ જંગલ આખું ગંદકીનું ઘર બની જશે.

એક દિવસ કાગડાભાઈએ આ બાબતે ચર્ચા કરવા બધા પ્રાણીઓની સભા ભરવાનું નક્કી કરવામાં આવ્યું. આ માટે સૌને સ્થળ અને સમય પર આમંત્રણ આપવા વાંદરાભાઈ નીકળ્યા. વાંદરાભાઈ તો એક ઝાડથી બીજે ઝાડ પર ઝટપટ ઝટપટ લટકી પહોંચી ગયા સસલાભાઈને ઘેર.

વાંદરાભાઈ કહે,

"હુપહુપ કરતા વાંદરાભાઈ, આવ્યા છે દ્વાર સસલાભાઈ

આમંત્રણ સ્વીકારી મારું, પધારો પ્રાણીસભામા આજ"

સસલાભાઈ કહે,"કેમ શું વાત છે, વાંદરાભાઈ ? કેમ આજે અચાનક સભા. કહો તો ખરા. કારણ છે શું ?"

વાંદરાભાઈ કહે,"આજની સભામાં આવશો. કારણ પણ મળી જશે. આને વાત પણ ખબર પડી જશે."

આટલું કહી વાંદરાભાઈ તો ત્યાંથી ચાલતા થયા. ફરી એક ડાળથી બીજી ડાળ અને બીજી ડાળથી ત્રીજી ડાળે. પહોંચી ગયા ઉંટભાઈને ઘેર.

ઉંટભાઈ કહે,"અરે, વાંદરાભાઈ તમે આજ મારે ઘેર. આવો આવો બેસો. ચાલો આજે તો જમીને જ જવાનું છે."

વાંદરાભાઈ કહે,"આજ તો હું ઉતાવળમાં છું. જમવા ફરી ક્યારેક આવીશ. આજે તો હું એક કામ માટે આવ્યો છું. થોડી ઉતાવળમાં છું."

ઉંટભાઈ કહે,"ચોક્કસ. બોલો શું કામ પડ્યું અમારું"

વાંદરાભાઈ કહે,

"હુપહુપ કરતા વાંદરાભાઈ, આવ્યા છે દ્વાર ઉંટભાઈ

આમંત્રણ સ્વીકારી મારું, પધારો પ્રાણીસભામા આજ"

વાંદરાભાઈ આટલું બોલીને ત્યાંથી ચાલતા થયા. ઉછળતા કૂદતા અને દોડતા ચાલ્યા. એ તો પહોંચ્યા હાથીભાઈ પાસે. વાંદરાભાઈ કહે,

"હુપહુપ કરતા વાંદરાભાઈ, આવ્યા છે દ્વાર હાથીભાઈ

આમંત્રણ સ્વીકારી મારું, પધારો પ્રાણીસભામા આજ"

હાથીભાઈ કહે,"કેમ આજે પ્રાણીસભા છે. શું થયુ જંગલમાં કહેશો વાંદરાભાઈ."

વાંદરાભાઈ કહે,"વાત છે મુદ્દાની. વાત આપણા અસ્તિત્વની. બચાવવા છે જંગલો અને અન્ય સજીવો. તો આવજો ને હાથીભાઈ."

વાંદરાભાઈ આટલું બોલીને ત્યાંથી ચાલતા થયા. ઉછળતા કૂદતા અને દોડતા ચાલ્યા. એ તો પહોંચ્યા શિયાળભાઈ પાસે. વાંદરાભાઈ કહે,

"હુપહુપ કરતા વાંદરાભાઈ, આવ્યા છે દ્વાર હાથીભાઈ

આમંત્રણ સ્વીકારી મારું, પધારો પ્રાણીસભામા આજ"

શિયાળભાઈ કહે, "કેમ આજે પ્રાણીસભા છે. શું થયુ જંગલમાં કહેશો વાંદરાભાઈ."

વાંદરાભાઈ કહે, "સૌ પ્રાણીઓએ સાથે મળીને અગત્યની ચર્ચા કરવાની છે. નહતો વહેલા સર પહોંચી જજો શિયાળભાઈ."

ત્યાંથી દોડતા કૂદતાં વાંદરાભાઈ પહોંચ્યા સિંહભાઈ પાસે. સિંહ એટલે જંગલનો રાજા. જેની પાસે જતા પહેલા ભલભલા પ્રાણીઓ થરથર ધ્રુજી ઉઠે. પણ આ તો આપણા વાંદરાભાઈ. એ તો ડાળે લટકી કયારે ક્યાં પહોંચી જાય એ નક્કી જ ન હોય. એ તો સિહભાઈ પાસે ગયા.

સિંહભાઈ કહે,"અરે અરે! વાંદરાભાઈ આજે કંઈ આ તરફ. કેમ ભૂલાય પડ્યા કે શું? આજ મારે દ્વાર આવી પહોંચ્યા."

 વાંદરાભાઈ કહે, "ના રે ના મહારાજ. અમે કોઈ દિવસ ભૂલા પડીએ ખરા. આ તો આજ તમારું કામ પડ્યું એટલે આવી પહોંચ્યા."

સિંહ બોલ્યો,"અમારું કામ. બોલો બોલો શું કામ પડ્યું."


"હુપહુપ કરતા વાંદરાભાઈ, આવ્યા છે દ્વાર સિંહભાઈ

આમંત્રણ સ્વીકારી મારું,પધારો પ્રાણીસભામા આજ"

"આજે બધા પ્રાણીઓની સભા છે. એમાં તમારે આવવાનું છે."વાંદરો બોલ્યો.

સિંહભાઈ પાસેથી વાંદરાભાઈ ગયા વાઘભાઈ પાસે. વાઘભાઈ પાસે જઈને બોલ્યા,

"હુપહુપ કરતા વાંદરાભાઈ,આવ્યા છે દ્વાર વાઘભાઈ

આમંત્રણ સ્વીકારી મારું,પધારો પ્રાણીસભામા આજ"

વાઘભાઈ કહે,"કેમ વાંદરાભાઈ આજે જંગલમાં થયું છે શું? કેમ બોલાવ્યા સૌને."

વાંદરાભાઈ કહે, તમે પહોંચી જજો. સમયસર બધી જ જાણ થઈ જશે.

એમ કરતાં વાંદરાભાઈએ જંગલના બધા પ્રાણીઓને અને પક્ષીઓને આમંત્રણ આપ્યું. સાંજનો સમય થવા આવ્યો હતો. કહેલ સમય પ્રમાણે સૌ તળાવને કિનારે ભેગા થયા. મોરભાઈ, કોયલ બેન, પોપટભાઈ, સિંહભાઈ, વાઘભાઈને હાથીભાઈ આવી પહોંચ્યા.

હાથીભાઈ બોલ્યા,"અહી બોલાવવાનું કારણ તો કહો. શું થયું છે. બધાને અહીં આમંત્રણ આપ્યું કોણે? હે વાંદરાભાઈ હવે તો કહો."

 ત્યાં તો ઝાડ પર બેઠેલા કાગડાભાઈ બોલ્યા,"સૌને આમંત્રણ મેં આપ્યું છે."

બધા પ્રાણીઓ એક સાથે બોલી ઉઠ્યા,"કાગડાભાઈ તમે. શા માટે ? અમને જણાવો તો ખરા. જંગલમાં એવું તો કયું સંકટ આવી પડ્યું કે આજે બધાને બોલાવ્યા."

કાગડાભાઈ કહે,"વાત જો નાની મોટી હોત તો હું તમને સૌને તકલીફ ન આપત. પરંતુ વાત ખૂબ ગંભીર છે."

ચકીબેન બોલ્યા,"એવી તો શી ગંભીર વાત છે. કહો જોઈએ."

 કાગડાભાઈ બોલ્યા, "તમે સૌ તો જાણો છો આપણું જંગલ કેટલું ગાઢ અને ઘેઘૂર હતું. સુર્યનો તડકો મેળવવા જંગલની બહાર નીકળવું પડતું. અત્યારે તમે જુઓ તો જંગલમાં અનેક વૃક્ષો ઘટી ગયા છે. વૃક્ષોનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. આપણા સૌના રહેઠાણ માટે એ એક પ્રશ્ન ઉભો કરશે."

"માણસો પોતાના સ્વપ્નને સાકાર કરવા, સ્વાર્થ માટે વૃક્ષોને આડેધડ કાપી રહી છે. ભવિષ્યમાં આ વૃક્ષો જ નહીં હોય તો ?..." આ સિવાય પણ એક બીજો મુદ્દો છે ."

હાથીભાઈ કહે,"બીજો મુદ્દો કયો છે, હે કાગડાભાઈ. "

"જંગલનું પ્રદુષણ"કાગડાભાઈ બોલ્યા.

સસલાભાઈ કહે,"કંઈ સમજાયું નહી, કાગડાભાઈ."

કાગડાભાઈ કહે,"સાંભળો... જે રીતે મનુષ્ય જંગલમાંથી કિંમતી વસ્તુઓ અને લાકડા પોતાના સ્વાર્થ માટે વાપરે છે. એ જ રીતે હવે શહેરમાં અને ગામડામાં મોટા મોટા બિલ્ડિંગ અને કંપનીઓ સ્થાપી દિધી. એટલે ફરવાલાયક સ્થળો ઘટી ગયા. ગરમી અને તાપ વધી રહ્યાં છે. તેથી તેઓ ફરવા આવે શાંતિ મેળવવા, ઠંડક માટે વૃક્ષો અને જંગલને સહારો લેવા માંડ્યા"

 "એ આવે એની સામે પણ આપણને વાંધો નથી. પોતાની સાથે અનેક ખાણીપીણીની ચીજો લાવે. એ ખાઈને જે કંઈ કચરો વધે તે જંગલમાં જ્યાં ને ત્યાં ફેંકી જતા રહે. જંગલને ગંદુ કરી મુકે. એંઠવાડતો અમે કાગડાભાઈ ખાઈને સાફસફાઇ કરી નાખીએ. પણ આ પ્લાસ્ટિકનું શું ? જંગલમાં જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકના ઢગ થવા લાગ્યા. પ્લાસ્ટિક જમીન સાથે ભળતું પણ નથી."

"એમાં પણ જો એકાદ પ્રાણીના મોંમાં તે આવી જાય તો તેના આયુષ્યનું તો કામ તમામ. હવે તમે જ કહો શું આ આપણા માટે ગંભીર બાબત નથી."

મોરભાઈ કહે,"કાગડાભાઈની વાત તો સાચી છે. આમ તો એક દિવસ જંગલની વનસ્પતિ એક દિવસ નાશપ્રાય થઈ જશે. આપણું અસ્તિત્વ ટકાવવા આપણે કંઈક કરવું પડશે."

વાંદરાભાઈ કહે,"એના માટે આપણે શું કરી શકીએ. અમે સૌ કંઈ પણ કરવા તૈયાર છીએ.

ચાલો સૌ પ્રાણીઓ ભેગા થઈને મનુષ્યને રજુઆત કરીએ. તેને વૃક્ષોનું અને અન્ય સજીવોનું મહત્વ સમજાવીએ. જો આવું થશે તો જ જંગલો અને અન્ય સજીવો ટકી શકશે. આમ પણ વૃક્ષોના તો માનવજીવન પર અનેક ઉપકાર છે.

ચાલો એમાં શું જઈએ સૌ સંગાથે.

"જિંદગી જીવવાનો હક સૌનો,એમાં શું માનવ કે અન્ય સજીવો

સૌ એકમેકના છે સાથીદારો,સૌનો સંપ જ જીવનનો સહારો"

બધા પ્રાણીઓ સંપીને નીકળ્યા જંગલની બહાર. અને પહોંચી ગયા બજારમાં. ત્યાં માણસોને જોઇને વાંદરાભાઈ બોલ્યા,

"આવ્યા રે ભાઈ જંગલના પ્રાણીઓ


મનુષ્યને સંદેશ આપવા આવ્યા

વાઘભાઈ આવ્યા, સિંહભાઈ આવ્યા

સાથે મોટા મોટા હાથીને લાવ્યા


કાબરબેન આવ્યા, મોરભાઈ આવ્યા

કૂહુ કૂહુ કરતા કોયલબેન આવ્યા


સંદેશ આપવાને અગત્યનો

આજે અમે સૌ સજીવો છે આવ્યા"

મનુષ્ય બધા ભેગા થયા. અને પૂછ્યું,"સંદેશો શેનો સંદેશો ? અમને શું સંદેશ."

સૌથી આગળ આવીને મોરભાઈ બોલ્યા,"જંગલ એ સૌની સંપતિ છે. પ્રાણીઓ અને પક્ષીઓનું રહેઠાણ છે. અમારા ખોરાકનો આધાર છે. સાથે સાથે જંગલો વિના મનુષ્ય રહી શકશે ખરા? તમારો સંપૂર્ણ આધાર વૃક્ષો અને પ્રાણીઓ છે."

હાથીભાઈ કહે,"જો તમે એને આ રીતે જ્યાં ત્યાં કચરો ફેંકીને ગંદુ કરશો એ કેમ ચાલશે. તમારું અને અન્ય સજીવોનો આધાર વૃક્ષોને આમ આડેધડ કાપવા યોગ્ય કહેવાય."

સિંહભાઈ કહે,"મનુષ્ય તો બુદ્ધિશાળી પ્રાણી. સૌની રક્ષા કરવી અને સાચવવા એ મનુષ્યનું કામ. આમ તમારા એકના સ્વાર્થ ખાતર ગંદકી ફેલાવવી અને વૃક્ષો ન કાપો તો સૌ માટે સારું કહેવાય."

મનુષ્ય કહે,"તમારી વાત સાવ સાચી છે. આજ પછી અમે વૃક્ષો કાપીશુ નહી. અને જંગલમાં પ્રદુષણ ફેલાવીશું નહીં."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational