Sangeeta Chaudhary

Abstract

3  

Sangeeta Chaudhary

Abstract

વૃક્ષનો વિસામો

વૃક્ષનો વિસામો

3 mins
179


ગઈકાલે જ વોટ્સઅપ ૫૨ એક પોસ્ટ વાંચી જેમાં લખ્યું હતું કે દિલ્લીની ગરમી ૪૯ ડિગ્રીને પાર, અમદાવાદ ૪૭ ને પાર આ સાથે ઘણાં બધાં શહેરોનું લિસ્ટ હતું જેમાં ગરમીનો આંકડો બતાવ્યો હતો. જોતાં જ આંચકો લાગ્યો. હવે આવતા વર્ષે ૫૦ ડિગ્રી ને પાર જતો રહેશે.. શું થશે આવનારા વર્ષોમાં આપણી ભાવી પેઢીનું. અત્યારે જ સવારે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી ઘરની બહાર નીકળતાં દાઝી જવાય છે તો વિચારો આવનારા ભવિષ્યમાં કેટલો ' હશે. અને આવામાં ક્યાંક એક નાનું ઝાડવું જોવા મળી જાય તો આંખ ઠરે છે. પોતાના વાહન પાર્ક કરવા હોય ને તો લોકો પહેલાં છાંયડો શોધે છે. 

દિવસેને દિવસે પૃથ્વી પર વૃક્ષો ઓછા થતાં જાય છે એનું આ પરિણામ છે. રોડ પહોળા કરવા આડેધડ જંગલો કપાઈ રહ્યા છે, ઉદ્યોગો એ પણ વૃક્ષોનો દાટ વાળ્યો છે. વધતા જતા શહેરીકરણની ધેલછામાં માનવી પોતાની ભાવિ પેઢી માટે કેવી મુશ્કેલીનું નિર્માણ કરી રહ્યો છે એની કલ્પના પણ શક્ય નથી. વૃક્ષ નથી તો ભેજવાળું વાતાવરણ ના હોય અને ભેજ ના હોય તો વરસાદ પણ ક્યાંથી હોય. વરસાદ ના પડે તો પાણી માટે સમગ્ર સજીવસૃષ્ટિએ કેટલાં વલખા મારવા પડે. વાતાવરણના ઓઝોન પડમાં પણ ગાબડાં પડી રહ્યાં છે. તો સૂર્યની અસહ્ય ગરમી કયાંથી રોકાયા ! આ બધાનું એક જ કારણ છે વૃક્ષોનું નિકંદન. 

પણ કહેવાય છે ને કે જાગ્યા ત્યારથી સવાર. ભલેને આધુનિક યુગની ઉન્નતી માટે વૃક્ષો કપાય પણ સામે એટલાં જ વૃક્ષો નવા વાવવામાં આવે તો આ પરિસ્થિતિને ટાળી શકાય, અરે બીજું કાંઈ નહી તો દેશની એક કરોડ જનતા એક એક વૃક્ષ વાવે તો આવતાં બે ત્રણ વર્ષોમાં આ બધી સમસ્યા ટાળી શકાય. ઉનાળાનું તાપમાન પ થી ૧૦ ડિગ્રી નીચું લાવી શકાય,

હા , વૃક્ષો વવાય છે પણ માત્ર ફોટા પડાવવા વાહ વાહ કરાવવા પરંતુ તેની સાચવણી અને ઉછેર કુદરત પર છોડી દેવાય છે. આપણા દેશમાં તો તુલસી, પીપળો જેવા વૃક્ષોને દેવ માનવામાં આવે છે તો એના ઉછેર માં આટલી ઉપેક્ષા શા માટે. એક વાર સાંભળ્યું હતું કે મુસાફરીમાં જતી વખતે રસ્તામાં આપણી સાથે આપણાં ઘરે લાવેલા ફળોના ભેગા કરેલા બીજ લઈ જવા અને પછી બસની બારી માંથી જંગલમાં વેરતા જવાનું. હા વિચાર ખુબ સરસ છે પણ ચોમાસુ આવ્યું અને એ બીજ ઉગી નીકળ્યા તો તેની સાચવણી નું શું ? રખડતાં ઢોર ચરી જાય અથવા તો ચોમાસા પછી પાણીના અભાવે સુકાઈ જાય.

એટલે મારા વિચાર મુજબ તો દરેક લોકોએ તેમના જન્મદિવસે એક વૃક્ષ વાવવું અને બીજા જન્મ દિવસ સુધી ઉછેરવું. બીજા વર્ષે બીજુ વાવવું. વિચાર કરો એક માનવીની ઉંમર જેટલા વૃક્ષો પૃથ્વી પર તેની યાદ રૂપે રહે તો પૃથ્વીની કેટલી કાયાપલટ થઈ શકે. પણ ના અહીં તો મારે શું. જેવા વિચારો સૌના મનમાં છે.

બીજું કાંઈ નહિ તો આપણે આપણાં બાળકો આપણી ભાવિ પેઢી નો વિચાર કરીશુ ને તો પણ વૃક્ષારોપણ માટે જાગૃતિ આવશે. પણ ભાગ વિચારો કરવાથી કાંઈ નહિ વળે. વાતોના વડાં કરવાને બદલે વૃક્ષોનું વાવેતર શરૂ કરવું જોઈએ. કેમકે વૃક્ષ છે તો વરસાદ છે, વરસાદ છે તો પાણી છે અને પાણી છે તો સમગ્ર સજીવ સૃષ્ટિ છે, તો ચાલો આપણે અત્યારે જ વૃક્ષારોપણ નો સંકલ્પ લઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract