આંગળિયાત
આંગળિયાત
" જા થોડીવાર બહાર રમવા. આખો દિવસ ઘરમાં શું દાટ્યું છે ?" એમ કહી સરિતા તેના પૌત્રને ફ્રિજમાં પડેલી આઈસ્ક્રીમ ખવડાવવા લાગી. થોડીવારમાં કેયા પાછી આવી અને આઈસ્ક્રીમ સામે લાલચ ભરી નજરે ઊભી રહી. " અરે, હજી નથી ગઈ ?" કહીને સરિતાએ છણકો કર્યો. કેયાનું મોં વિલાઈ ગયું.
સરિતાનો એકનો એક દીકરો છૂટાછેડા પછી ત્યક્તા અર્પણાને પરણીને લાવ્યો હતો. અર્પણા ઘરમાં આવી ત્યારે સાથે તેના આગલા પતિની દીકરી કેયાને આંગળીયાત લાવી હતી. સરિતાને તો પહેલેથી જ કેયા માટે અણગમો હતો. અર્પણાને પુત્ર જન્મ્યા પછી આ પારકા લોહી માટેનો વર્તાવ સાવ નિષ્ઠુર થઈ ગયો હતો. અર્પણા આ બધું સમજતી હોવા છતાં કશું કહી શકે તેમ નહોતી કારણ કે એકવાર તેના પહેલા પતિએ તેને તરછોડી હતી. એટલે સમાજના ડરે હવે આ સ્વીકાર્યા વિના છૂટકો જ ન'તો.
આઇસ્ક્રીમ ખવડાવીને સવિતા ઊભી થઈ ત્યાં તો બારણામાં ભાણીને તેડીને તેની દીકરી કાવ્યાને જોઈ. સવિતા કાંઈ સમજે તે પહેલા તો કાવ્યા દોડીને સરિતાને વળગીને ધ્રુસ્કે ને ધૂસ્કે રડવા લાગી. નાની ઉંમરે વિધવા થયેલ કાવ્યાને તેના સાસરાવાળાએ તેની દીકરી સાથે ઘરેથી કાઢી મૂકી હતી. શેરીમાં રમતી કેયાએ કાવ્યાને ઘરમાં આવતી જોઈ કે પાછળ પાછળ ઘરમાં આવી.અને કાવ્યાની દીકરીને રમાડવા લાગી. સરિતા તો આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. અર્પણાએ આ બધું સાંભળી શાંતિથી કહ્યું , " બા, ચિંતા ના કરો. કાવ્યાબેન ભલે આપણી સાથે રહે. થોડા સમય બાદ તેમના લગ્ન કોઈ સુખી ઘરમાં કરાવી દઈશું. એટલે આ નાની ભાણીને આંગડિયાત લઈ જશે તો પણ કોઈ ચિંતા જેવું રહે નહીં. 'આંગળિયાત' શબ્દ કાને પડતાં જ સરિતાને ધ્રાસ્કો પડ્યો. પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. તેની નજર ભાણીને રમાડી રહેલી કેયાના ચહેરા પર પડી. આજે પહેલીવાર સરિતાના હૃદયમાં કેયા માટે અણગમાની જગ્યાએ વહાલ ઉભરાઈ આવ્યું. કેયાના ચહેરામાં પહેલીવાર તેની ભાણીનો ચહેરો દેખાયો. અને આંખમાંથી પસ્તાવાના આંસુ વહી નીકળ્યા.
