કુદરતનો બદલો
કુદરતનો બદલો
ચોકલેટી હીરો જેવો દેખાતો નૈમિષ અને નીલમ કોલેજના બીજા વર્ષમાં એકબીજાનાપરિચયમાં આવ્યાં અને પ્રેમતાંતણે બંધાયા. અને સાથે જીવવા મરવાના કોલ દઈ બેઠા. બંને અલગ જ્ઞાતિના હોવાથી એકેયના પરિવાર લગ્ન માટે સંમત ના થયા. એટલે કોલેજ નો અભ્યાસ પૂરો થતાં બંનેએ ભાગીને પ્રેમલગ્ન કરી લીધાં. એ વાતને આજે અઢાર વર્ષના વાણાં વાઈ ગયાં હતાં.
એમને એક ચાર્મી નામે સુંદર દીકરી પણ હતી. નૈમિષ અને નીલમે એક નાના શહેરમાં પોતાની આગવી દુનિયા વસાવી. બંને જણાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતાં હતાં. નાના મહોલ્લામાં ત્રણેય સુખી જીવન જીવતાં હતાં ત્યાં જ એમના સુખને જાણે કે કોઈની નજર લાગી ગઈ. એ મહોલ્લામાં એક મારવાડી દંપતિ રહેવા આવ્યું. નીલમની પાસેના જ મકાનમાં રહેતાં હોવાથી થોડા દિવસમાં જ બે પરિવાર વચ્ચે ગાઢ સંબંધો બંધાઈ ગયાં. ભોળી નીલમ એ કપટી પડોશન શાંતાને ઓળખી ના શકી અને શાંતાએ એની જાળમાં ફસાવી.નીલમે તેના પર પૂરો વિશ્વાસ મૂકી દીધો હતો અને હવે બંનેની એકબીજાના ઘરે અવરજવર વધી ગઈ હતી. એકવાર નૈમિષ કંપનીના કામથી ચાર દિવસ માટે બહારગામ ગયો હતો. તે જ સમયે દીકરી ચાર્મી પણ ટુરમાં ગઈ હતી.
નીલમ એકલી હોવાથી તેણે શાંતાને પોતાના ઘરે રાતે સુવા માટે કહ્યું. ભાવતું હતું ને વૈદે કહ્યું. કપટી પડોશનને તો મોકો મળી ગયો નીલમના વિશ્વાસનો લાભ લેવાનો.તે દિવસે શાંતાએ નીલમને રસોઈ બનાવવાની ના પાડી અને એના ઘરે જમવા બોલાવી પણ નીલમને જમવાની ઈચ્છા ના હોવાથી તેના ઘરે ના ગઈ. વળી તે ઘરમાં એકલી જ હતી એટલે ઘરકામ વહેલું પતી ગયું અને રાતે સૂતી વખતે દૂધ પી લઈશ એ વિચારી શાંતાની રાહ જોતાં ટીવી આગળ બેસી ગઈ. થોડીવાર થઈ ત્યાં શાંતા આવી. તેના હાથમાં ઢાંકેલી વાટકીમાં દૂધપાક હતો. નીલમે ના પાડવા છતાં શાંતાએ એને પરાણે ખવડાવ્યો. અને પછી સીરીયલ ના પાત્રોની વાતે વળગી. હજી તો થોડી જ મિનિટો થઈ હશે ત્યાં તો નીલમ ને ઘેન ચડવા લાગ્યું. આંખો ભારે થઈ ગઈ અને બંધ થવા માંડી. તરત જ સોફા પર નીલમ ઘસઘસાટ ઊંઘી ગઈ. શાંતા અને નીલમના પરિવાર વચ્ચે સંબંધ સારો હતો એટલે મહોલ્લામાં પણ કોઈને કાંઈ વહેમ ના પડ્યો. શાંતાએ ધીરેથી દરવાજો બંધ કર્યો અને ઘરની લાઈટો બંધ કરી. પાછળના દરવાજેથી એનો પતિ અંધારામાં દાખલ થયો. પછી બંને જણાએ આખું ઘર ફંફોસી નાખ્યું. તિજોરી સુદ્ધાં ખોલી જોઈ પણ કાંઈ ના મળ્યું ત્યારે એક ગંદી રમત શરૂ કરી.
રોજ સવારે વહેલી ઉઠી જનાર નીલમ આજે મોડે સુધી પડી રહી.આંખ ખોલતાં જ જબકીને ઊભી થઈ એનું આખું શરીર તૂટતું હતું. પલંગમાં બેઠી થવા ગઈ ત્યાં જ મોઢામાંથી ચીસ નીકળી ગઈ. એ અર્ધનગ્ન હાલતમાં પલંગમાં પડી હતી.એ કાંઈ વિચારે એ પહેલા તો શાંતા ઓરડામાં દાખલ થઈ.
નીલમ બેબાકળી થઈ ગઈ. મગજ કામ નહોતું કરતું.એને સમજાતું ન હતું કે આ કેવી રીતે બન્યું. “મને કંઈ સમજાતું નથી શાંતા તું સાચું બોલ શું થયું છે મારી સાથે ? હું પલંગમાં કેવી રીતે આવી ? હું તો રાતે....... અને અચાનક એનો અવાજ ફાટી ગયો. હા, સોફા પર હતી અને તેં મને દૂધપાક આપ્યો હતો."નીલમ રઘવાઈ થઈને બોલી. ''શાંતા બોલ તું જરૂર કંઈક જાણે છે."રડતી નીલમ સામે અટ્ટહાસ્ય કરતી શાંતા બોલી, "જા,પહેલાં સરખી રીતે કપડાં તો પહેરી લે પછી ગાંડપણ કર." કહીને એ ત્યાં જ પલંગ પર બેઠી. તેના હાથમાં મોબાઈલ હતો. નીલમે ત્યાં જ પાસે પડેલાં કપડાં પહેરી લીધાં. ગભરામણથી ધ્રુજી રહી હતી. તેની આંખોમાં અનેક સવાલ હતાં. આંખો ગુસ્સાથી લાલચોળ હતી. શાંતાએ મોબાઇલ હાથમાં લીધો અને નીલમ ને એક પછી એક ફોટા બતાવ્યાં. ફોટા જોતાં જ નીલમને સ્તબ્ધ થઈ ગઈ. જોર જોરથી રડવા લાગી. આંખોમાં આગ ઓકતી તે બેભાન થઈ ગઈ.
ફોટામાં નીલમ એક પુરુષ સાથે અર્ધનગ્ન હાલતમાં પલંગમાં સુતેલી હતી. આ ફોટા એવી રીતે લેવામાં આવ્યા હતા કે પુરુષનો ચહેરો દેખાય તેમ ન હતો. પણ નીલમ કઢંગી હાલતમાં દેખાતી હતી. શાંતાએ પાણી છાંટ્યું કે તરત નીલમ ભાનમાં આવી. અને આક્રોશમાં શાંતાને મારવા દોડી. તેને બધું સમજાઈ ગયું કે રાત્રે શાંતાએ દૂધપાકમાં કાંઈક ભેળવ્યું હતું. એટલે પોતાને તરત ઊંઘ આવી ગઈ હતી. તેને વિશ્વાસ ના આવ્યો કે શાંતા આવું કરી શકે ! પણ જે હતું તે સામે જ હતું. ઘરની બહાર એક વરઘોડો પસાર થતો હતો એટલે ઘરની અંદરનું આ તોફાન તેના અવાજમાં દબાઈ ગયું. શાંતાને મારવાનું જુનુન સવાર હતું.
"શાંતા તેં આ શું કર્યું ? શા માટે કર્યું ? મેં તારું શું બગાડ્યું છે ?. કોણ છે આ વ્યક્તિ ? સવાલોની જડી વરસાવતી નીલમ વધુને વધુ ખુંખાર બનવા લાગી કે અચાનક શાંતાનો જોરદાર તમાચો ગાલ પર પડતાં શાંત થઈ ગઈ. ગાલ પર હાથ રાખી શાંતા સામે જોતી રહી. "હા ,મેં આ કર્યું છે. ફોટામાં દેખાતો પુરુષ એ બીજું કોઈ નહિ મારો પતિ છે. નીલમ, ગરીબી અભિશાપ છે એ તારા જેવી સુખી સ્ત્રી ક્યાંથી સજવાની ! આ અભિશાપમાંથી મુક્ત થવા તારા જેવી બીજી પાંચ ફસાવી ચૂકી છું."આ સાંભળી નીલમ ડઘાઈ ગઈ. પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ.તે એક જ ઝાટકે ઊભી થઈ અને ટેબલ પર પડેલો તેનો ફોન લેવા દોડી. "હું અત્યારે જ પોલીસ સ્ટેશને જાઉં છું.અને નૈમિષને પણ ફોન કરું છું. "
"તો બતાવ તારા નૈમિષને આ ફોટા એને પણ ખબર પડે કે મારા જીવથી વાલી નીલમ મારી ગેરહાજરીમાં કોઈ બીજા પુરુષનું પડખું સેવે છે. અને જવાન દીકરી ચાર્મી પણ જોશે તારી આ પાપલીલા. "આમ કહી શાન્તાએ અટહાસ્ય કરતી નીલમનું બાવડું મજબૂત રીતે પકડી લીધું. બાવડાં પર લોહીના ટશીયા ફૂટી આવ્યા. નીલમના મોં માંથી હળવી ચીસ નીકળી ગઈ. હાથમાંથી ફોન પડી ગયો. તે ઢીલી પડી ગઈ.આંખોમાં આંસુની ધારાઓ સાથે બે હાથ જોડીને વિનવવા લાગી. રીતસર શાંતાના પગ પકડીને કરગરવા લાગી કે, “તારે જે જોઈએ તે આપું પણ આ ફોટા હમણાં ને હમણાં ડિલેટ કર.” શાંતા બોલી, "હા, ફોટા ડિલેટ કરી દઈશ. પણ અત્યારે નહીં.જેટલા માંગુ એટલા રૂપિયા તું સમયસર આપતી રહીશ તો જ.પણ હમણાં નહી. ફોટા મારી પાસે રહેશે.અને જ્યારે રૂપિયા નહિ આપે ત્યારે નૈમિષ... "
"ના, ના... તું કહે તેમ કરીશ પણ આ ફોટા મારા નૈમિષને ના બતાવતી. "નીલમ વચમાં જ બોલી ઉઠી. નીલમ હવે શાંતાની જાળમાં બરાબરની ફસાઈ ચૂકી હતી. નિરાધાર અવસ્થામાં ત્યાં જ ટૂંટિયું વાળીને રડતી રહી અને શાંતા મોબાઇલ લઈને ચાલતી થઈ. શું કરવું અને શું ન કરવું સમજ પડતી ન હતી. એકવાર તો એને નૈમિષને ફોન કરી દેવાનો વિચાર આવ્યો. પણ ફરી વિચાર્યું કે મારા માટે જીવ આપી દેવા તૈયાર નૈમિષ આ ફોટા જોશે તો એની કેવી હાલત થશે! કેવી રીતે સહન કરી શકશે...ના ના મારે નૈમિષનો વિશ્વાસ નથી ખોવો. અને ચાર્મી પણ હવે યુવાન થઈ છે. એના માટે મારા માટે કેટલો ધિક્કાર પેદા થશે. આમ વિચારોના ચકરાવે ચડેલી નીલમે આજે પહેલીવાર આટલી લાચારી મહેસૂસ કરી. શુન્યમનસ્ક બનીને બેસી રહી. કાંઈ સૂઝતું ન હતું.કોઈ રસ્તો દેખાતો ન હતો અને બસ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે ,
"હે પ્રભુ, મને બચાવો. મને આમાંથી બહાર કાઢો.” બરાબર એ જ સમયે મોબાઈલ રણક્યો. નીલમની ફોન ઉપાડવાની ઇચ્છા ન થઈ. ઉપરા ઉપરી રીંગ વાગતાં પરાણે ઊભી થઈ. પગમાં જાણે મણ મણનાં વજનિયાં બાંધી દીધાં હતાં. માનસિક રીતે ભાંગી પડેલી નિલમે મહામહેનતે ફોન ઉપાડ્યો. સામે છેડે નૈમિષ હતો. "ક્યાં હતી નીલુ ? "નૈમિષે ઠપકાભર્યા સૂરે પૂછ્યું. નીલમના ધબકારા વધી ગયાં શું બોલે ! મૌન રહી. "નીલુ, શું થયું છે ? બોલ ને.. "નૈમિષ ચિંતાતુર જણાયો. ''તાવ આવ્યો છે"કહીને નિલમે વાત ટાળવાનો પ્રયાસ કર્યો. "સારું , દવા લઈને આરામ કર. "કહીને નૈમિષે ફોન કાપી દીધો. ફોન મુકતાં જ નીલમ રડી પડી.
તે દિવસ પછી નીલમનું જીવન બદલાઈ ગયું. ચહેરા પરનું હાસ્ય જાણે કે ખોવાઈ ગયું. જીવતી લાશ બનીને જીવવા લાગી. નૈમિષને પણ એનો આ બદલાવ થોડો વિચિત્ર લાગ્યો પણ નીલમના બનાવટી હાસ્ય સામે કાંઈ જ ન બોલતો. હવે વારંવાર શાંતા નીલમ પાસે પૈસા માગતી રહેતી અને નૈમિષથી કાંઈ ન છુપાવનાર નીલમ પણ વારંવાર ખોટું બોલીને શાંતા ને પૈસા આપતી રહી. એકવાર તો શાંતા બે લાખ રૂપિયા માગ્યા. હવે નીલમ કંટાળી હતી. તેણે ના પાડી કે, “એટલા રૂપિયા મારી પાસે નથી. હું મારા પતિને હવે વધારે નહીં છેતરી શકું."નિલમ રડમસ અવાજે વિનવવા લાગી.
"તારી આ સોનાની ચેન શું કામની છે ?" એમ કહીને આંચકાથી શાંતાએ ચેન ખેંચી લીધી. "ના શાંતા આ ચેન પાછી આપ હું તને બીજું કંઈક આપીશ. આ ચેન મારા નૈમિષે મને ગીફ્ટ આપેલી છે. "પણ શાંતા માની નહીં અને એ ચેન લઈ લીધી. પડેલા ચહેરે ઘરે આવી ત્યારે નૈમિષનું ધ્યાન જતાં ચેન વિશે પૂછ્યું ત્યારે નીલમે ખોવાઈ જવાનું નાટક કરવું પડ્યું. નૈમિષને છેતરવા માટે પોતાની જાતને દોષિત માનતી નિલમ તેની સાથે આંખ મિલાવી ના શકી. અંદર ને અંદર મૂંઝાતી રહી. હવે હારી ગઈ હતી. નૈમિષ નોકરીએ ગયો કે તરત જ જીવન ટૂંકાવી દેવાનું નક્કી કર્યું. બારણાં બંધ કર્યા ત્યાં તો બહારથી લંગડાતી ચાલે ચાર્મી આવી. સાયકલ લઈને શાળામાં જતી ચાર્મી એક કૂતરાના અડફેટમાં આવવાથી પડી ગઈ હતી. અને પગમાં વાગ્યું હતું. હાથની કોણી ઉપર પણ થોડું છોલાયું હતું એટલે તે ઘરે આવી હતી. નીલમે ઘરે જ મલમપટ્ટી કરીને સુવડાવી તો થોડીવાર રહીને તેને તાવ ચડી ગયો. ઊંઘમાં ચાર્મી મમ્મી... મમ્મી.. બકવા લાગી. તેની સામે જોઈને નીલમ દુખી થઈ ગઈ. થોડીવાર પહેલાં જીવન ટૂંકાવાના પોતાના વિચાર સામે તેને પસ્તાવો થયો.નાની ભોળી ચાર્મી મમ્મી વગર કેવી રીતે જીવી શકશે. અને ક્યાંક શાંતા જેવી કપટી નો ભોગ બનશે તો ! આ વિચારથી જ તેનો હૃદય થડકારો ચૂકી ગયું. અને જીવનનો અંત લાવવાનો વિચાર માંડી વાળ્યો.
આમ ને આમ થોડાં દિવસો થયાં. ચોમાસાનો સમય હતો.એકવાર નીલમ ઓફિસેથી સાંજે ઘરે પાછી આવતી હતી. ઓફિસ અને તેના ઘરનું અંતર વધારે ન હતું એટલે મોટાભાગે તે ચાલીને જ જતી હતી. ઓફિસેથી છૂટી ત્યારે ઝરમર વરસાદ ચાલુ હતો. ધીમે ધીમે વરસાદ વધતો જતો હતો અને આજે તે છત્રી લાવવાનું ભૂલી ગઈ હતી. એટલે પલળતી પલળતી ઘરે જવા નીકળી. રસ્તામાં એણે એક ટોળું જોયું.કદાચ કોઈ એકસીડન્ટ થયું હશે એવું વિચારી એ ટોળા તરફ આગળ વધી અને જોયું તો એક સ્ત્રી અને પુરુષ લોહીના ખાબોચિયામાં પડેલાં હતાં. બાજુમાં એક મોબાઇલ હતો જેનો કોઈ ગાડીના પૈડા નીચે આવવાથી કચ્ચરઘાણ વળી ગયો હતો. "બિચારા પતિ-પત્ની જઈ રહ્યા હતાં અને એક ગાડી તેમના બાઈકને ટક્કર મારીને જતી રહી."ટોળામાંથી અવાજ આવ્યો.
નીલમ ધીમેથી આગળ વધી અને તેની નજર એ સ્ત્રીના ચહેરા પર પડી કે એની આંખો ફાટી ગઈ. એ સ્ત્રી બીજું કોઈ નહીં શાંતા અને તેનો પતિ હતો. અને પાસે એ જ મોબાઈલ ફૂટેલી હાલતમાં પડ્યો હતો જેના લીધે નીલમની જિંદગી નરક જેવી બની ગઈ હતી. પાછા પગલે ટોળાથી દૂર થઈ. અચાનક તેના ચહેરા પર ચમક આવી. ઘણાં દિવસે હાસ્યની લકીરો ઉપસી આવી. એણે ઉપર જોયું અને બોલી,"હે કુદરત, હે ભગવાન ! આજે મારો બદલો પૂરો થયો."એમ કહી રડી પડી. વરસાદ વધી ગયો હતો અને વરસાદના પાણી સાથે આંસુની ધારા પણ ભળી ગઈ.મન મૂકીને ચોધાર આંસુએ નીલમ રડી પડી. વરસાદના પાણી સાથે નૈમિષને છેતરવાનનાં પસ્તાવાના આંસુ પણ વહેવા લાગ્યાં.. આજે એની ચાલમાં જુદા જ પ્રકારની તેજી વર્તાઈ રહી...કેટલા દિવસોથી ખોવાયેલું ચહેરાનું નૂર પાછું આવ્યું. એક અનોખી ચમક તેના ચહેરા પર વર્તાઈ રહી અને મનોમન ભગવાનનો આભાર માનતી જીતના અહેસાસ સાથે ઘર તરફ ચાલી.
