મોગરાની કૂંપળ
મોગરાની કૂંપળ
માથા પર સ્કાર્ફ બાંધીને હોસ્પિટલના બિછાને સૂતેલી સલોનીની આંખો આજે રડીને સૂજી ગઈ હતી. માથું ભારે લાગતું હતું. અને આંખો તેના પલંગની સામેની દીવાલ પર લટકતા એક કુદરતી દ્રશ્ય પર સ્થિર થઈ ગઈ હતી. પાણી ભરીને જતી પનિહારીઓના બેડાનું છલકાતું પાણી જાણે એની આંખોમાંથી વહેવા લાગ્યું હતું. પનિહારીનો કાળો લાંબો ચોટલો અને એમાં ગૂંથેલું ફૂલ જોઈને સલોની જાણે કે તરફડી. માથા પર તેનો હાથ ગયો અને વાળવિહીન ચામડીનો સ્પર્શ થતાં જ બોલાઈ ગયું, " હવે તો પાંથી જ પાંથી છે. " અને ફરી તે રડી પડી. બાળપણમાં સલોનીની મા કયારેક બહારગામ જાય તો બાજુવાળા કમુ કાકી પાસે ચોટલા ગૂંથાવવા જતી. શાળામાં બે ચોટલા વાળવાના હતાં એટલે પાંથી પાડતી વખતે કમુ કાકી હંમેશા કહેતા કે, ” મૂઈ, ભારો બંધાય એટલા વાળ છે. પાંથી જ દેખાતી નથી. "
આજે કેન્સરની જીવલેણ બીમારીના ઈલાજમાં કીમોથેરાપીની સારવાર વખતે થોડા દિવસમાં સલોનીના વાળ ઉતરવા માંડ્યા હતા. એટલે છેવટે બાકી રહેલા પાંખાં વાળ પર અસ્તરો ફેરવવો પડ્યો. કાળજુ કપાતું હોય એવી પીડા એ વાળ કાપતાં સલોનીને થઈ. સહેજ શ્યામવર્ણી પણ ઘાટીલી સલોનીના વાળ બાળપણથી જ ભરાવદાર અને લાંબા હતાં. જ્યારે માથું ધોવાનું હોય ત્યારે તો આખો દિવસ એમાં જતો. એની ગૂંચ કાઢતાં સલોની રીતસરની રડતી ત્યારે તેની મા કહેતી, "નક્કી તું પેટ હતી ત્યારે કોઈના વાળ મેં અંડોળ્યા છે. લાવ ને કાતર થોડા કાપી નાખું "
પણ સલોની નાસી જતી. એને એના વાળ ખૂબ જ ગમતાં. ક્યારેક ઢીલો ચોટલો તો ક્યારેક અંબોડો તો વળી ક્યારેક એક બાજુ કાન પાસે ચોટલો વાળતી. સલોનીને જુદી જુદી હેર સ્ટાઇલ બનાવવી ગમતી. આંગણામાં વાવેલાં મોગરાના ફૂલો તોડી રોજ સવારે નાની વેણી ગૂંથતી અને દક્ષિણના ફિલ્મોની હિરોઈનની જેમ માથામાં લગાવતી. આંગણાના ખૂણામાં વાવેલા ગુલાબના છોડમાં ક્યારેક ફૂલ બેસે તો એ પણ એ વાળમાં લગાવતી. જ્યારે બહારગામ જવાનું હોય ત્યારે એની માં તેલ નાખીને ચપોચપ માથું બાંધી દેતી.નાનપણમાં જ સગાઈ થઈ ત્યારે તેની સાસુએ સૌની વચમાં કહ્યું હતું કે,
"મને તો આ વાળ જોઈને જ સલોની ગમી ગઈ. "
સલોની યુવાન થઈ ત્યારે પણ તેના આકર્ષણનું કેન્દ્ર આ ઘટાદાર કાળા વાળ જ હતાં. કોઈ તેને કપાવવા કહે તો ઘસીને ના પાડી દેતી. લટકતો લાંબો ચોટલો અને કપાળ આગળ કાપેલી એક નાનકડી લટ એને સોહામણી બનાવતા હતા. ક્યારેક લાંબો ચોટલો તો ક્યારેક ખજુરી ચોટલો વાળતી. એક બાજુ લાંબો ઢીલો ચોટલો વાળતી.પણ પેલા. ફૂલોની વેણી ભરાવવાનું કદીયે ના ભૂલતી. અઢારમા વર્ષમાં પ્રવેશેલી સલોનીના છ મહિના બાદ લગ્ન લેવાના હતા ત્યાં તેના હોજરીના કેન્સરનું નિદાન થયું. કુદરતી સંજોગ ગણો કે સલોનીના દુઃખનો અણસાર. એ મોગરાનો છોડ પણ સુકાવા માંડ્યો હતો. હોસ્પિટલમાં ચેકઅપ, વિવિધ રિપોર્ટો, સર્જરી અને પછી કેન્સરની વિવિધ થેરાપીઓ શરૂ થઈ. સર્જરી કરાવ્યા પછી પણ સલોની વાળ સાચવતી. તેની મા ખાટલામાં સુવડાવી માથું લટકતું રાખી તેના વાળ ધોતી.અને સુતરાઉ રૂમાલથી કોરાં કરતી. અને જ્યારે છેલ્લે સમય આવ્યો કીમોથેરાપીનો. રેડિયોથેરાપીમાં તો કાંઇ ના થયું પણ કીમોથેરાપી શરૂ કરતાં પહેલાં ડોક્ટરે એમને કેબિનમાં બેસાડી કીમોથેરાપીની દવાઓની આડઅસરથી સાવચેત કર્યા હતાં. તેમાં પહેલી જ આડઅસર હતી વાળ જતા રહેવા. સલોની આ સાંભળીને જોરથી બરાડી હતી,
" ના , ના...નથી કરાવવી આ ટ્રીટમેન્ટ.”
તેના પરિવારજનોએ બે દિવસ સુધી માંડ માંડ સમજાવી ત્યારે માત્ર જીવનને જ મહત્વનું સમજી તે આ થેરાપી માટે તૈયાર થઈ. કીમોથેરાપી શરૂ થઈ અને ત્રીજા દિવસથી તેની અસરો દેખાવા માંડી. પરિણામ સ્વરૂપે આજે તેના માથા પર એક પણ વાળ ના રહ્યો અને સ્કાર્ફ વડે તે ઢાંકવાનો પ્રયત્ન કરી રહી. પોતાના વાળ પાછળ ઘેલી સલોનીનો વાળ વગરનો ચહેરો જોઈ તેની મા પણ જીરવી શકી ન હતી અને બીજા ઓરડામાં જઈને ખૂબ રડી હતી. વાળનું મહત્વ સલોની માટે કેટલું છે એ તેની મા સારી રીતે સમજતી હતી. દીવાલમાંના ચિત્રમાં પનિહારીનો ચોટલો એકીટશે જોઈ રહેલી સલોની પાસે ધીમે પગલે આવીને તેની મા બોલી,
” સલોની, બેટા આપણાં આંગણામાં મોગરાના સૂકાયેલા ઠુંઠામાં કાલે મેં નવી કૂંપળ ફૂટેલી જોઈ. "
આટલું સાંભળતા તો સલોની વચમાં જ બોલી :
" તો તો માં મારા વાળ પણ નવા ફૂટશે ને મા ?"
કહીને સલોની માને વળગી રડી.
“હા , હા જરૂર ફૂટશે કહી માંએ પણ સલોનીને બાથમાં લઈ લીધી.
