યુનિફોર્મ
યુનિફોર્મ
સવારે શાળામાં સુશીલાના આવતાં જ તેના રંગીન કપડાં જોઈ આચાર્ય સાહેબનો પિત્તો ગયો. આજે તો સુશીલાને પ્રાર્થનાસભામાં બધાંની વચ્ચે જ કહી દેવું છે કે હવેથી યુનિફોર્મ પહેરીને આવે. અત્યાર સુધી ચલાવ્યું પણ હવે નહીં ચાલે, ત્યાં જ તેની પાછળ ગામના સરપંચની પૌત્રી કલ્પના આવી. જેનો દાખલો સત્રના અંતે પ્રાઇવેટ શાળામાં લઈ જવાનો હતો. તેણે પણ રંગીન ફ્રોક પહેર્યું હતું સાહેબ સમસમી ગયા. સરપંચ પોતાની શાળામાં ઓરડો બંધાવી આપશે એવું વચન યાદ આવતા કલ્પનાની સાથે ગરીબ સુશીલાને પણ પ્રાર્થનાસભામાં સાહેબે કંઈ જ ના કહ્યું. પ્રાર્થનાસભા પૂરી થતાં બીજા શિક્ષકો એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યાં.
