Sangeeta M.Chaudhary 'સહસા '

Drama Tragedy

4.5  

Sangeeta M.Chaudhary 'સહસા '

Drama Tragedy

માળો

માળો

5 mins
281


બાથરૂમના માળિયા ઉપર માળો બાંધીને ઈંડા સેવતા કબૂતરને દાણા નાખવા પલ્લવી ખુરશી લઈને ઉપર ચડી. પણ વિચારોમાં ગુંચવાયેલી પલ્લવીનો પગ ખુરશીની ધાર પર આવતાં ઘડામ દઈને દાણા સાથે નીચે પટકાણી. અને માથું બાથરૂમના દરવાજે ટકરાયું.

 સાત વર્ષનો દીકરો પ્રિયંક શાળાએ ગયો હતો અને તેનો પતિ મયંક મોટાભાગે બહાર જ રહેતો. ઘરમાં નીરવ શાંતિ અને ક્યાંક જબકી જતો કબૂતરનો ફફડાટ એ સિવાય કંઈ જ નહોતું. જમીન પર પટકાયેલી પલ્લવીની કોણી છોલાણી હતી. તેને માથે દુઃખતું હતું તેમ છતાં બાજુમાં ઊંધી વળી ગયેલી ખુરશીનો પાયો પકડી ઊભી થવા ગઈ. તો મોઢામાંથી આ.. હ નીકળી ગયું. પગમાં સખત દુખાવો થયો. ઊભું થવાતું ન'તું. પગ મચકોડાઈ ગયો હતો. તો પણ તે હિંમત કરીને ઊભી થઈ અને ધીમે ધીમે રૂમમાં ગઈ. ત્યાં પલંગ પાસેના ડ્રોઅરમાંથી આયોડેક્સ કાઢ્યો અને હળવે હાથે પગમાં ઘસવા લાગી. આખા શરીરમાં દુખાવાના લીધે આંખમાં આંસુ આવી ગયા હતાં. દુખાવાની દવા લીધી અને એકવાર મયંકને ફરીથી ફોન કરવા વિચાર્યું. તો એ જ સ્થિતિ... ફોન સ્વીચઓફ. પલ્લવી કલાક આરામ પછી હવે થોડી સ્વસ્થ થઈ હતી. દવાને લીધે તેનો દુખાવો પણ ઓછો થઈ ગયો હતો. એ રૂમની બારી ખુલ્લા આંગણામાં પડતી હતી બારીમાંથી એની નજર સામેની દીવાલ પર પડી જ્યાં હજુ પણ એ કબૂતરના લોહીના તેના કાળા થઈ ગયેલા છાંટા હતા. પીડા કબૂતરની હતી કે પોતાની તે સ્પષ્ટ ન થયું પણ તે આંસુ બનીને ફરીથી વહી નીકળી. અઠવાડિયા પહેલાં જોયેલું એ દ્રશ્ય યાદ આવી ગયું.

 પલ્લવી અને મયંક રહેતા હતા એક ઘરના બાથરૂમના માળિયા ઉપર એક નાની હવા ઉજાસ માટેની બારી હતી. જે તૂટી ગઈ હતી અને તેમાંથી કબૂતર આવતાં જતાં હતાં. કેટલાય દિવસથી પલ્લવી વિચારતી હતી કે મયંક ઘેર હોય ત્યારે આ બારી પુરાવી દઉં. કેમકે કબૂતરની ચરકથી ઘરમાં ગંદકી થતી હતી. પણ મયંક ઘરે રહે એ પહેલાં તો આ કબૂતરના જોડાએ ત્યાં માળો બનાવી દીધો અને કબૂતરીએ બે ઈંડા પણ મૂકી દીધાં હતાં. કબૂતરી એ માળામાં બેસી ઈંડા સેવતી. અને કબૂતર ઘરની બહાર જઈ ચાંચમાં દાણા લાવીને કબૂતરની કબૂતરીની ચાંચમાં મૂકતું. ખુરશી મૂકીને ઘણીવાર આ બધું પલ્લવી જોતી અને તેના ચહેરા પર ખુશીનો ભાવ જાગતો કે માનવીની જેમ પક્ષીમાં પણ કેટલી લાગણી છે ! એક બચ્ચા સેવે છે તો બીજું એનું પોષણ કરે છે. સ્વાર્થ વગર પોતાની ફરજ બજાવે છે. એ કબૂતર આ ઘરની આસપાસ જ રહેતું. એના માટે પલ્લવીએ એક પાણીનું કુંડું બહાર લટકાવ્યું હતું. એકવાર આંગણાની દિવાલ પર બેસેલા કબૂતર પર મોટા બાજ પક્ષીએ ઝાપટ મારી. તે વખતે પલ્લવી રસોડામાં હતી. અચાનક પાંખોનો ફડફડાટ સાંભળી પલ્લવી બહાર દોડી. અને જોયું કે એક બાજે કબૂતરને બે પગમાં દબાવીને જીવતા કબૂતરને ચાંચો મારીને કોચી રહ્યું હતું. એ કબૂતર બાજના પંજામાંથી છૂટવા તરફડિયા મારી રહ્યું હતું. તેના લોહીના છાંટા અને વિખરાયેલાં પીંછાથી આ દ્રશ્ય હૃદયદ્રાવક લાગતું હતું. પલ્લવીએ તરત જ સાવરણી લઈને બાજ ઉપર ફેંકી. બાજ ઊડી ગયું પણ તરફડતું કબૂતર ઢળી પડ્યું.. પલ્લવીએ પાણી છાંટ્યું.પણ કબૂતર આંખો ખોલી ના શક્યું. બીજી બાજુ આ બધાંથી અજાણ અને ઈંડા સેવતી કબૂતરી હંમેશને માટે માળામાં તેની રાહ જોતી રહી ગઈ. હજી પણ આ દ્રશ્ય પલ્લવી ભૂલી શકતી નહોતી. એ કબૂતરી ને રોજ દાણા નાખતી હતી. વિચારોમાં મગ્ન હતીને ત્યાં જ સ્કૂલબસનું હોર્ન વાગ્યું અને પલ્લવી તેના વિચારતંત્રમાંથી બહાર આવી. તેનો દીકરો પ્રિયંક શાળામાંથી ઘરે આવી ગયો. કપડાં બદલતાં બદલતાં મમ્મી સાથે વાતે વળગ્યો. રોજ શાળામાં અનુભવેલી બધી વાતો પલ્લવીને કરતો. ''મમ્મી, મારી શાળામાં કાર્યક્રમને હવે થોડા જ દિવસ બાકી છે.આ વખતે તો પપ્પા આવશે ને ? મારા મેડમે મમ્મી પપ્પા બેયને સાથે લાવવા કહ્યું છે. "

" હા બેટા, આવશે ". કહીને પ્રિયંકને ખોળામાં લીધો. કોણ જાણે કેમ પણ પ્રિયંકને તેની વેદનાની ખબર પડી હોય તેમ તેની આંખો સામે જોઈને બોલ્યો,

 ''મમ્મી, આજે તું ફરીથી રડી છે ને ? ફરીથી તને હાઉ થયું છે ને ?

" હા બેટા , આજે તો મોટું હાઉ થયું."

 કહીને એણે છોલાયેલો હાથ બતાવ્યો.

" સારું મમ્મી, હવે તને હેરાન નહીં કરું. "

 એમ કહીને પ્રિયંક દફતર એની જગ્યાએ મૂકી આવ્યો. બૂટ કપડાં વ્યવસ્થિત મૂકીને નાસ્તો કરવા બેઠો.આજે મોડું થયું હતું છતાં પણ પલ્લવીએ મયંકને ફોન કરવાનો ઉત્સાહ ન બતાવ્યો. સામેથી મયંકનો ફોન આવ્યો. પ્રિયંકે વાત કરી. નિર્દોષ માસુમે પપ્પાને ફરીવાર શાળાના કાર્યક્રમમાં આવવા આગ્રહ કર્યો. સામેથી " હા બેટા, આવીશ તારી મમ્મીને કહેજે કે પપ્પા આજે નથી આવવાના." 

સ્પીકર પર મુકેલા ફોનમાં પલ્લવી બધું સાંભળતી હતી.

 "પપ્પા... પપ્પા... મમ્મીને આજે વાગ્યું છે"

 પ્રિયંક કહેવા જતો હતો પણ સામેથી ફોન કપાઈ ગયો પલ્લવી માટે તો આ બધું હવે રોજનું બની ગયું હતું. ક્યારેક ફોરેન તો ક્યારેક મીટીંગ તો વળી ક્યારેક સેમીનારના નામે મયંક અવારનવાર બહાર રહેતો. અને ઘરે આવે તો પણ કામ પૂરતું જ બોલતો. પરિવારથી અલિપ્ત હોય એમ લેપટોપમાં ખોવાયેલો રહેતો. સ્વર્ગ જેવી જિંદગી હવે ધીમે ધીમે બનતી જતી હતી. ઘરની તમામ જરૂરિયાતો તે પૂરી કરતો અને જરૂર કરતાં વધારે પૈસા પલ્લવીને આપ્યા કરતો હતો. પણ કમી હતી માત્ર લાગણીની.. એ પ્રેમની.. જે પલ્લવી તેને પરણીને આવી ત્યારે મળ્યો હતો.

 બીજા દિવસે સવારે પલ્લવી પ્રિયંકને શાળામાં મોકલીને પોતે જૂની બહેનપણી ક્રિયા કે જે ડોક્ટર હતી એને મળવા ચાલી. આખી રાત એને પગનો દુખાવો થયો હતો એટલે તેને બતાવી દેવા વિચાર્યું. છ મહિના પહેલાં જ ક્રિયા આ શહેરમાં આવી હતી. અને પલ્લવીને મળી હતી. ક્રિયાને ફોન કરીને પલ્લવી તેને મળવા ગઈ. ક્રિયાએ તેને બપોરે આવવા કહ્યું. જેથી પેશન્ટના વિઝીટનો સમય પૂરો થઈ જાય. અને બે સહેલીઓ શાંતિથી વાતો કરી શકે.

બપોરે પલ્લવી ત્યાં પહોંચી તેને તપાસીને મચકોડનો પાટો બાંધ્યો. અને તેની કેબિનમાં જ બે બેનપણીઓ વાતે વળી. પલ્લવી કોઈ કારણસર તેના લગ્નમાં જઈ શકી ન હતી. એટલે ક્રિયા એના લગ્નના ફોટા મોબાઈલમાં બતાવવા લાગી. ફોટા જોતાં જોતાં પલ્લવી અચાનક થંભી ગઈ. તેની આંખો ફાટી ગઈ. એક ફોટો એવો જોયો જેમાં મયંક એક સ્ત્રી સાથે હતો અને હાથમાં નાની બાળકી હતી. આ જોઈ પલ્લવી સ્તબ્ધ થઈ ગઈ. અને આ આ સ્ત્રી કોણ છે મયંક સાથે બોલતાં બોલતાં તેની જીભે લોચા વળી ગયા. 

" આ મારા નણંદનો પતિ કેવલ છે." ક્રિયા બોલી.

" ના... ના...આ મયંક છે. ગાંડાની જેમ પલ્લવી બબડવા માંડી.

"જો પલુ, તારી કોઈ ભૂલ થતી હશે. આ કેવલ છે મારી નણદોઈ છે. તેણે બે વર્ષ પહેલાં ભાગીને મંદિરમાં લગ્ન કર્યા છે. અને અત્યારે તેમને નાની દીકરી છે"

 પલ્લવીએ અંગૂઠા અને પહેલી આંગળી વડે ફોનમાં ફોટો ઝૂમ કર્યો અને નાક પાસે નાનો મસો જોયો. ક્ષણવારમાં તે બધું સમજી ગઈ. કંઈક વિચાર આવતાં વાત વાળી લેતાં બોલી કે ,

'' હા ક્રિયા, મારી ભૂલ થાય છે.આ મયંક નથી."

 કહીને થોડી વારે એ ઘરે જવા ઊભી થઈ જે મસા પર રોજ પ્રેમથી ચુંબન કરતી એ ચહેરો કેમ ભૂલાય ! પલ્લવી બેબાકળી બની ગઈ અને પ્રિયંકને આવવાનો સમય થયો છે એમ કહીને તરત ત્યાંથી નીકળી ગઈ. લથડાતી ચાલે માંડ માંડ ઘરે પહોંચી ને ઘરે જતાં જ ચોધાર આંસુએ રડી પડી. મયંકનો બદલાવ... ધીમે ધીમે વધતી દૂરી.. ' બધું જ આજે તેને સમજાઈ ગયું. અને તરત મોટો નિર્ણય કર્યો. સાંજે પ્રિયંક આવતાં જ તેને લઈને હંમેશા માટે ઘર છોડી નીકળી પડી. જતાં જતાં વળીને એ કબૂતરીના માળા પાસે આવી અને બોલી,

'' કબૂતરી, તું ને હું સરખાં. તારો પ્રિયતમ આ દુનિયા છોડી ગયો છે. અને મારો પ્રિયતમ આ દુનિયામાં મને છોડીને જતો રહ્યો છે.''

 એમ કહી વારંવાર સવાલો કરતા પ્રિયંકનો હાથ પકડીને પલ્લવી હંમેશા માટે આ માળો છોડી આંખમાં આંસુ સાથે ભારે હૈયે ચાલતી થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Drama