Sangeeta M.Chaudhary 'સહસા '

Drama Tragedy

3  

Sangeeta M.Chaudhary 'સહસા '

Drama Tragedy

સાટાપેટું

સાટાપેટું

6 mins
187


આજે ફરીથી સુહાગ પર ગુસ્સો હાવી થયો હતો. તે ધડામ કરતો દરવાજો પછાડીને એક સાથે બે બે પગથિયાં ઉતરી ગયો. એના બૂટનો અવાજ દૂર સુધી સંભળાતો રહ્યો. એની સાથે એક હળવાં ડૂસકાંનો  અવાજ પણ ભળી ગયો. સુહાની માટે તો હવે આ રોજનું બની ગયું હતું. સુહાગનો વહેમ અને ક્રોધી વલણ ધીમે ધીમે વધતું જતું હતું. કાશ ! એને પહેલેથી જ ઓળખ્યો હોત! એવા નિ:સાસા સાથે સુહાની સાડીના પાલવથી આંખો લુછતી ખુલ્લું રહેલું બારણું બંધ કરવા આવી. ત્યાં તેની નજર પૂંછડી કપાયેલી તરફડતી ગરોળી પર પડી. સુહાગે જોરથી બારણું પછાડ્યું ત્યારે બારણા ઉપર ચોંટેલી ગરોળી ના જોઈ અને પૂંછડી કપાઈ ગઈ. સુહાગના ગુસ્સાનો ભોગ આ બિચારી ગરોળી બની ગઈ. ઊંધી થયેલી ગરોળીને સળી વડે સીધી કરી પરંતુ હજી યે તે તરફડતી હતી. ઘરની અંદરની તરફ પડેલી ગરોળીને સાવરણીથી સહેજ દીવાલ પાસે ખસેડીને સુહાનીએ બારણું બંધ કર્યું. 

 તેણે ઓરડામાં નજર કરી તો ક્રિન્સી હજી સૂઈ રહી હતી. સુહાની રસોડામાં કામે લાગી. સવારે નાસ્તામાં આલુપરોઠા બનાવ્યાં હતાં. એમાં ભૂલથી સહેજ મરચું વધારે નંખાઈ જતાં  સુહાગ ગુસ્સે ભરાયો અને પરોઠાની પ્લેટ છુટ્ટી ફેંકી હતી. જે હજી એમને એમ પડી હતી. સુહાની તે સાફ કરવા માંડી. અને થોડીવાર પછી પાછી એ ગરોળીની યાદ આવતાં બારણાં પાસે આવી. ગરોળી જીવતી હતી. સુહાનીને તેની દયા આવી. કાં તો એ ચાલતી થાય તો સારું કાં તો એ મરી જાય તો સારું. આ પીડામાંથી છુટકારો થાય. ક્રિન્સી ઘોડિયામાં એકલી એકલી રમતી હતી અને રસોઈની હજી વાર હતી એટલે સુહાની વિચારે ચડી. આજે એનું જીવન પણ ગરોળી જેવું થઈ ગયેલું લાગ્યું. સમાજના સાટાપેટાના રિવાજમાં તે ન તો જીવી શકતી હતી કે ના તો છૂટી શકતી હતી. આ કપાયેલી ગરોળીની જેમ અંદરથી તરફડી રહી હતી. 

સોહામણી લાગતી સુહાની કોલેજમાં હંમેશા પ્રથમ નંબરે આવતી. તેની સાથે ભણતા નિલેશના ગળાડૂબ પ્રેમમાં હતી. નિલેશ સાથે લગ્ન કરવા માગતી સુહાનીએ કાકીને વાત કરી અને કાકીએ ઘરમાં વાત કરી તો દાદીએ તરત જ સવાલ કર્યો કે, “ કેટલા ભાઈ બહેન છે ?" સુહાની ચમકીને બોલી, “ભાઈ – બહેન ?" " કેમ છોડી, તને એટલી ખબર નથી પડતી કે એનું ઘર બાંધીશ તો તારા ભાઈને કન્યા કોણ આપશે ? એની બહેન હોય તો સાટું કરીને ગોઠવી દઈએ'' દાદી કડકાઇથી બોલ્યાં. " ના, એને કોઈ બહેન નથી. નિલેશ એકલો જ છે''. રડમસ અવાજે સુહાની બોલી. ''તો પછી ભૂલી જજે એના ઘરનું પાણી ભરવાનું. આપણા સમાજમાં સાટાપેટાનો રિવાજ છે તને ખબર છે ને? ભાઈ ને જીવનભર કુંવારો રાખવો છે ?" દાદીએ બરાડીને કહ્યું. સુહાની એ દિવસે ખૂબ રડી, ખૂબ કરગરી. પણ તેની વાત ઘરમાં કોઈએ ન માની અને પંદર દિવસની અંદર જ તેના ભાઈના સાટામાં સગપણ નક્કી કરી દીધું. તેની કોલેજ પણ બંધ કરાવી દીધી. છેવટે ભાઈનું ઘર વસાવવા સુહાની મને કમને લગ્ન કરવા તૈયાર થઈ. દિવસો પસાર થતાં ગયાં. તેની નણંદ ભાભી બનીને ઘરમાં આવી અને પછી સુહાનીનાં પણ લગ્ન લેવાયાં. સુહાનીના પતિને શહેરમાં નોકરી હતી એટલે પરણીને તરત જ શહેરમાં રહેવા આવી ગઈ. આ બધું ખૂબ ટૂંકા ગાળામાં બની ગયું એટલે કોઈને જાણવા સમજવાનો સમય ના રહ્યો સાસરે આવ્યા પછી સુહાગ નો સાચો પરિચય થયો. તે એક નંબરનો જુઠ્ઠો અને લફરાંબાજ હતો. ગુસ્સો તો સાતમા આસમાને હતો અને વળી ક્યાંકથી નિલેશ સાથેના સુહાનીના જૂના સંબંધની વાત જાણી ત્યારથી તો એનું વર્તન સાવ બદલાઈ ગયું હતું. વાતે વાતે સુહાનીનું અપમાન કરતો અને મહેણાં મારતો હતો. દરેક વાતમાં શંકા કરતો અને ક્યારેક તો હાથ પણ ઉપાડી લેતો. સુહાની હવે આ નરક જેવી જિંદગીથી છૂટવા માગતી હતી. પરંતુ લગ્નના દસ જ મહિનામાં તે એક પુત્રની માતા બની હતી . તેણે જે ભાઈ માટે બલિદાન આપ્યું હતું એ ભાઈ-ભાભીને પણ બે બાળકો હતાં. એ બંનેનું જીવન ખૂબ સુખી હતું. પ્રેમલગ્ન જેવાં મધુર સંબંધો તેમની વચ્ચે હતાં એટલે સુહાની છૂટાછેડાની વાત કરવા જેટલી હિંમત ના કરી શકી. સાટાપેટાના રિવાજ મુજબ જો એ છૂટાછેડા લે તો ભાઈનું લગ્નજીવન પણ ભાંગી પડે. આમ ને આમ સહન કરતાં કરતાં તે બીજી વખત ગર્ભવતી થઈ અને ક્રિન્સીને જન્મ આપ્યો. આજે એ બે મહિનાની થઈ ગઈ હતી. સુહાની ભૂતકાળનાં વિચારોમાં ખોવાયેલી હતી. અચાનક ડોરબેલના અવાજે તેની વિચારતંદ્રા તોડી. બારણું ખોલતાં સામે તેની મમ્મી હતી. ક્રિન્સી માટે બાબાગાડી લઈને આવી હતી. તરત સુહાનીએ હાસ્યનું બનાવટી મહોરું પહેરી દીધું. અને મમ્મીને જોતાં જ ખુશ થઈ ગઈ. ઓરડામાં તેની ક્રિન્સી હવે જાગીને રડી રહી હતી. તેને ઘોડિયામાંથી બહાર કાઢીને મમ્મીને રમાડવા આપી. દીકરીના માસુમ ચહેરા સામે જોઈને ક્ષણવારમાં જ જાણે બધું દુઃખ ભૂલી ગઈ. બે વર્ષ પહેલાં તેના પપ્પાને ગુજરી ગયાં બાદ તેની મમ્મીને હવે એકલતા સાલતી હતી. એટલે ઘણીવાર તે સુહાનીને મળવા આવતી. અને મન ભરીને વાતો કરતી. આટલું બધું સહન કરવા છતાં સુહાનીએ કદી મમ્મી આગળ આંસુ સાર્યા ન હતાં. મોડે સુધી એ મમ્મી પાસે બેઠી. ઘણા દિવસે મમ્મીને મળીને તે હળવીફૂલ થઈ ગઈ. તેને મમ્મીની બીપી ની તકલીફની ખબર હતી એટલે ક્યારેય સુહાગના વર્તન વિશે વાત કરી ન હતી. વાત વાતમાં ક્રિન્સીને રમાડતાં રમાડતાં અચાનક સુહાનીની મમ્મી બોલી , “ સારું થયું કે ભાણી આવી. હવે ભાઈ-બહેનની જોડ થઈ ગઈ એટલે લગ્નની ચિંતા નહીં રહે. એકબીજાના સાટામાં પરણી જશે કોઈની ગરજ રહેશે નહીં " આટલું બોલતાં તો તેને વચ્ચે જ અટકાવીને સુહાની " નહીં. . . . . કદી નહીં. . .. મારા જીવતે જીવ સાટાપેટાના રિવાજમાં મારી દીકરીનો ભોગ નહીં લેવા દઉં, પછી ભલે ને મારો જીવ આપવો પડે." આક્રોશમાં બોલી ગઈ. આ સાંભળીને તેની મમ્મી સ્તબ્ધ થઈ ગઈ. પહેલાં તો કાંઈ સમજી ના શકી પણ નિલેશ સાથે લગ્ન ન થયાં એટલે કદાચ સુહાનીને એ ગુસ્સો હશે એવું માની તેની વાત વાળી દીધી. "જો, સામે પેલી ગરોળી . હું આવી ત્યારથી ત્યાં દીવાલ પાસે પડી હતી અને એકદમ ચાલતી થઈ. "તેની મમ્મીએ વાત બદલતાં કહ્યું. સુહાનીએ મક્કમતાથી કહ્યું, ”હાશ છૂટી ગઈ." તેની મમ્મી અવાચક બનીને તેનું આ બદલાયેલું રૂપ જોતી જ રહી . થોડીવાર પછી એ ઘરે જવા રવાની થઈ. તેને નીચે સુધી મૂકીને સુહાની ઉપર પાછી આવી. બારણું બંધ કર્યું અને એક મક્કમ નિર્ધાર સાથે મનોમન બોલી, " નહીં. . . હવે સાટાપેટું નહીં. સાટાપેટાનો ભોગ મારી દીકરીને નહીં બનવા દઉં. નાની ક્રિન્સી હવે ફરીથી ઊંઘમાં આવી હતી. એટલે તેને ઘોડિયામાં સુવડાવીને હાલરડું ગાવાનું ચાલુ કર્યું. ત્યાં તો ફોનની રીંગ રણકી. સામે સુહાગ હતો. સુહાગનો બે વખત અવાજ આવ્યો . હલ્લો. .હલ્લો. . . પણ ડરીને ગભરુની જેમ જીવતી સુહાનીએ પ્રત્યુતર ના આપ્યો. સુહાગે કહ્યું, “સુહાની કેમ બોલતી નથી ? શું વિચારે છે? " સુહાની બોલી . "બહિષ્કાર ." " શેનો બહિષ્કાર ?" સુહાગ રઘવાયો થઈને પૂછવા લાગ્યો. "સાટાપેટાનો '' ટૂંકમાં જવાબ આપીને શા માટે ફોન કર્યો હતો એ પૂછ્યા વિના જ સુહાનીએ ફોન મૂકી દીધો. સામે છેડે સુહાગ પણ સુહાનીનો આવો તુમાખીભર્યો અવાજ સાંભળી નિ:શબ્દ થઈ ગયો. માનવામાં ન આવ્યું કે આ એ જ સુહાની છે જે એનાથી ડરી ડરીને જીવતી હતી ! સુહાનીમાં પણ પહેલીવાર આટલી હિંમત આવી હતી. તરફડતી ગરોળી જોઈને એના જીવનનું વહેણ બદલાઈ ગયું હતું. સાંજે સુહાગ ઘરે આવ્યો ત્યારે જોયું કે સુહાનીએ કપડાંની બેગ ભરીને તૈયાર કરી દીધી હતી. આ જોઈને સુહાગ ઉપરા ઉપરી સવાલો કરવા  લાગ્યો. આજે સુહાની બદલાઈ ગઈ હતી. ચહેરા પર મક્કમતા હતી. સુહાગની આંખમાં આંખ મિલાવીને બોલી, '' જઈ રહી છું. હંમેશને માટે. હું મારી દીકરી અને દીકરાને ૨ સાથે લઈ જાઉં છું." " ક્યાં ? પણ ક્યાં જઈશ ? મારું શું થશે ? એકવાર મારો તો વિચાર કર .અને આ બાળકોનું શું ?" સુહાગ બેબાકળો થઈને પૂછવા લાગ્યો. "એવી જગ્યાએ જઈશ જ્યાં સાટાપેટાના રિવાજના ખપ્પરમાં હોમાતી જિંદગીઓ ના હોય..નોકરી કરીને મારા બાળકોને ભણાવીશ ઉછેરીશ. " સવારે ભયંકર ક્રોધ વરસાવનાર સુહાગ અત્યારે સાવ ઢીલો પડી ગયો. રડમસ અવાજે "સુહાની તું અને બાળકો મારી દુનિયા છો. હું તારા વિનાની જિંદગીનો વિચાર પણ કરી શકતો નથી. મને માફ કરી દે. મને સુધારવાનો એક મોકો આપ . હું જાણું છું કે તારા ભાઈની ખુશી માટે તું મારો ક્રૂર સ્વભાવ સહન કરી રહી છે. તારા ભાઈ સાથે મારી બહેનને પરણાવી છે એટલે તું છુટાછેડા માગીશ તો તારા ભાઈનું જીવન પણ બરબાદ થઈ જશે એમ વિચારી હું મનસ્વીપણે વર્તન કરતો રહ્યો .પણ સુહાની એક મોકો. . બસ એક મોકો મને સુધારવાનો આપ ." બોલતાં બોલતાં તે રીતસરનો રડી પડ્યો. "સુહાગ, વિચાર કર કે જે હાલત મારી છે સાટાપેટાના રિવાજના કારણે એ દશા ક્રિન્સીની થાય તો ! "નહીં. . નહીં . . . એની તો હું કલ્પના જ ન કરી શકું. હું  સોગન ખાઉં છું કે આપણા સમાજમાં ચાલી રહેલા સાટાપેટાના રિવાજનો ભોગ આપણા બાળકોને નહીં બનવા દઉં." આટલું બોલતાં તો બાળકની જેમ રડી પડ્યો અને સુહાનીના હાથમાંથી કપડાંની બેગ લઈ લીધી. હંમેશા કઠોર લાગતા સુહાગની આંખોમાં પહેલીવાર પસ્તાવાનાં આંસુ છલકાયાં. સુહાની પણ ભીની આંખે સામેની દીવાલ પર ચોંટેલી પૂંછડી વગરની ગરોળીને જોઈને સુહાગના હૃદય પરિવર્તન માટે મનોમન આભાર માનતી રહી. 


Rate this content
Log in

Similar gujarati story from Drama