હું વિરાજ, મને ઓળખ્યો ?
હું વિરાજ, મને ઓળખ્યો ?
આજ બપોરથી "મને ઓળખ્યો ? હું વિરાજ. " શબ્દો વનિતાના કાને ગાજી રહ્યા હતા. વનિતા યંત્રવત કામ કરી રહી હતી. શરીર ફરતું હતું પણ મન વિચારોમાં ખોવાયેલું હતું. આજે એના મનમાં વિચારોનું ઝંઝાવાત ઉઠ્યું હતું. લગ્ન પછી વનિતા સુહાસ સાથે વડોદરા આવીને સ્થાયી થઈ હતી. તેનો પતિ સુહાસ એક કંપનીમાં ઊંચા હોદ્દા પર હતો અને તેની આવક પણ સારી હતી. એટલે ઇતિહાસ વિષય સાથે એમ. એ. થયેલી વનિતાને નોકરીની જરૂર ન હતી. એક દીકરો હતો રાજવીર. તેના ઉછેરમાં વનિતાને જીવન ક્યાં વીતી ગયું ખબર ના રહી. હવે તે કોલેજમાં હતો અને વનિતાની કપાળે પણ ચાંદી જેવા બે-ચાર શ્વેત વાળ ચમકવા માંડ્યા હતા. પતિ અને દીકરાના ટાઈમ સાચવવામાં સમય ક્યાં જતો રહેતો હતો તેની ખબર જ ન રહેતી. બપોરે સમય મળતો ત્યારે એસી રૂમમાં બેડ પર આડી પડીને મોબાઈલમાં ફેસબુક પર પોસ્ટ વાંચવામાં મશગુલ થઈ જતી.
આજે પણ રોજની જેમ કામ પતાવીને ફોન લઈને બેઠી. અચાનક મેસેન્જર પર અજાણ્યા નંબર પરથી વોઈસ મેસેજ આવ્યો. નોટિફિકેશન જોઈ પહેલા તો તરત તે નંબરની પ્રોફાઈલ જોવાનો પ્રયત્ન કર્યો. પણ તે બ્લોક કરી હતી. જિજ્ઞાસાવશ આ વોઈસ મેસેજ પર ટચ કરતાં "મને ઓળખ્યો ? હું વિરાજ" શબ્દો સાંભળ્યાં અને વનીતા આખી ધ્રુજી ગઈ. ફોન પડતાં પડતાં રહી ગયો. માંડ માંડ ભૂલાવેલું વિરાજ નામ આજે વર્ષો બાદ કાને અથડાયું હતું. વનિતા ચમકી અને વારંવાર આ ટૂંકો મેસેજ સાંભળ્યા કર્યો. અવાજ વર્ષો બાદ પણ એ જ હતો. એ વિરાજ કે જે તેનો પહેલો પ્રેમ હતો. એ વિરાજ કે જે વર્ષો પહેલાં પોતાના દિલમાં ધડકન બનીને ધડકતો હતો.
વાસ્તવિકતાને ભુલાવી વનિતા ભૂતકાળમાં સરી પડી. સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં વનીતાના પિતાજી પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા હતા. ત્યાં તેના પાડોશમાં મીના રહેતી હતી. વનિતા અને મીના પાકકી બહેનપણી. જ્યાં જાય ત્યાં બંને સાથે જ હોય. રવિવારની રજા હોય ત્યારે સાંજે ગામની બહાર આવેલા શિવમંદિરમાં બહેનપણીઓ અચૂક જાય. બસ તેમને તો ચાલવાનો આનંદ, દોડવાનો આનંદ, વળી ક્યારેક સાઇકલ ચલાવવાનો : નિર્દોષ આનંદ લૂંટવા બંને ત્યાં જતી. ક્યારેક તેમના ભાઈબહેનને પણ સાથે લઈ જાય એ મંદિરના વિશાળ પટાંગણમાં ત્યાંના પૂજારીનું ઘર હતું. થોડા દિવસથી ત્યાં એક નવો પરિવાર રહેવા આવ્યો હતો.
હંમેશની જેમ રવિવારની સાંજે મીના અને વનીતા ત્યાં લટાર મારવા ગઈ. મંદિરના પટાંગણમાં સાયકલ લઈને રેસ લગાવી. મીના આગળ હતી ને વનિતા પાછળ. સાયકલ ફૂલ સ્પીડમાં હતી. અચાનક ક્યાંકથી એક નાનું ગલુડિયું વચ્ચે આવી ગયું અને જોરથી બ્રેક મારતા મીના સાયકલ પરથી પડી ગઈ. "વાગ્યું તો નથી ?" એમ બોલતો એક સુંદર મોહક યુવાન બહાર દોડી આવ્યો. એ જ વીરાજ સાથેની પહેલી મુલાકાત. "ના , ના નથી વાગ્યું " કહીને મીના ઊભી થઈ તો પણ તે યુવાન ઘરમાં જઈને મલમ લઈ આવ્યો અને મીનાને લગાવવા વનીતા ના હાથમાં આપ્યો. વનીતા અને મીના અજાણ્યા યુવાનને જોઈને આશ્ચર્યમાં હતી. કેમ કે તેમણે પહેલાં ક્યારેય નહીં તેને અહીં જોયો ન હતો. તેણે સામેથી કહ્યું કે મારું નામ વિરાજ છે. અમે અહીં નવા રહેવા આવ્યા છીએ. એ દિવસથી વિરાજ વનિતાના દિલોદિમાગ પર છવાઈ ગયો. જાણે કે એ જ તો હતો એના સપનાનો રાજકુમાર ! વનિતા મનોમન વિરાજને ચાહવા લાગી.
હવે રવિવારની ખૂબ આતુરતાથી રાહ જોવા લાગી. માંડમાંડ અઠવાડિયાના દિવસો વીતે અને રવિવાર આવતાં જ મંદિરમાં પહોંચી જાય. માત્ર ને માત્ર એ વિરાજને જોવા મંદિરે જતી. મીના પહેલેથી જ એક યુવકને ચાહતી હતી તે વનિતા જાણતી હતી. પણ વનિતાએ હજુ સુધી પોતાના દિલની વાત મીના ને કરી ન હતી. આવતા રવિવારે વિરાજનો જન્મદિવસ હતો તે વનિતા જાણતી હતી એટલે તે દિવસે જ વિરાજ અને મીના બંનેને મારા દિલની વાત કરી દઈશ એમ મનોમન વનીતાએ નક્કી કર્યું.
રવિવાર આવતાં બંને સહેલીઓ હંમેશની જેમ સાંજે તે મંદિરે ગયા. આજે વનિતાના મનમાં કંઈક જુદો જ ઉમળકો હતો. આજે તેના પ્રેમનો એકરાર કરવાની હતી. બંને શિવ મંદિરમાં દર્શન કરી તેના પટાંગણમાં બાંધેલા હિંચકા પર બેઠાં. રવિવારની રજા હોવાથી ગામલોકોની અવરજવર વધુ હતી. તે સમયે વિરાજ બંનેની પાસે આવીને ચુપચાપ એક નાની ચિઠ્ઠી કોઈ જોઈ ના જાય તેમ વનિતાના ખોળામાં ફેંકીને ચાલતો થયો. વનિતા તો હરખથી ફૂલી ના સમાણી. સ૫નાના ગગનમાં વિહરવા માંડી. રોમ રોમમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. વારંવાર ચિઠ્ઠી વાંચવાની તાલાવેલી થઈ પણ માંડ માંડ પોતાની જાત પર કાબૂ રાખીને બેઠી. મીના પણ આ બધું પ્રશ્નાર્થ નજરે જોઈ રહી હતી. મલક મલક હસતી વનિતાએ છેવટે ચિઠ્ઠી ખોલી. તેની ધડકનો વધી ગઈ. વાંચવાની શરૂઆત કરી.
"પ્રિય મીના,
તને જોઈ છે ત્યારથી બસ તારા વિચારોમાં ખોવાયેલો રહું છું. હું તારા પ્રેમમાં પાગલ બની ગયો છું. મીના મને બધે તું જ તું દેખાય છે. તું મારા શ્વાસોમાં તું જ મારા વર્તનમાં વસી ગઈ છે. મીના હું તને હું ચાહું છું પણ કહેવાની હિંમત નથી ચાલતી. આજે હિંમત કરીને મારા જન્મદિવસે તને આ પ્રેમપત્ર લખીને મારા પ્રેમનો એકરાર કરું છું. આ પત્ર તને હાથોહાથ આપવાની હિંમત નથી એટલે વનીતાના હાથમાં આપું છું પણ તું મને ચાહતી હોય તો આવતા રવિવારે આ જ મંદિરમાં પાછળ આવેલા બગીચામાં મને મળજે."
લી. તારો વિરાજ.
વનિતા એકીસ્વાસે આખો પત્ર વાંચી ગઈ :અને ક્ષણભરમાં જ તેના સપનાનો મહેલ તૂટી ગયો. પત્ર વાંચીને જડવત બની ગઈ. આંખમાંથી આંસુ ટપકી. મીનાને આખી પરિસ્થિતિ સમજતાં વાર ન લાગી વનિતા હિંચકા પર જ મીનાના ખોળામાં માથું મૂકીને રડી પડી. એનો પહેલો પ્રેમ અધુરો રહી ગયો. તુટેલા દિલની તડપ મીના અનુભવી રહી. પણ આ તો પ્રેમ છે પરાણે થોડો ને થાય ! બંને સહેલીઓ થોડીવાર પછી ત્યાંથી ઘરે ચાલી નીકળી. અને તે દિવસ પછી કોઈ રવિવારે તે મંદિરે ના મીના ગઈ કે ના વનિતા.
થોડા સમય પછી મીનાએ તેના મનગમતા પાત્ર સાથે લગ્ન કરી લીધા. અને ભગ્ન હૃદય વાળી વનિતા ફરી કોઇને ચાહી ના શકી. પિતાના મિત્રના દિકરા સુહાસ સાથે લગ્ન કરીને વનિતાએ નવી દુનિયામાં વસાવી. ભૂતકાળ ભૂલાવી દીધો. અને એક પત્ની, એક માની ભૂમિકા ભજવતાં ભજવતાં પોતાનું અસ્તિત્વ જ ભુલાવી દીધું. અને આજે ફોનમાં વોઈસ મેસેજ માં "મને ઓળખ્યો ? હું વિરાજ" શબ્દો સાંભળતા શાંત જળમાં પથ્થર ફેંકતા જેમ વમળો ઊઠે તેમ તેના મનમાં પણ વિચારોના વમળો ઊઠયા હતા.
બપોરથીજ ખોવાયેલી વનિતાના હાવભાવને સુહાસે નીરખી લેતાં પૂછી લીધું, "આજે મારી વનુ કેમ મૂરઝાઈ ગઈ છે. ?" વનિતા નજર ચુકવીને બોલી, બસ કાંઇ નહી થોડું માથું દુખે છે એમ કહી સોફામાં બેઠેલા સુહાસના ખભે માથું ઢાળી દીધું. તો ચાલો આજે તું, હું અને રાજવીર ત્રણેય હોટલમાં જમવા જઈએ. તારે રસોઈ નથી બનાવવી."
"સુહાસ હોટલમાં જતાં મારે એક સાદો ફોન લાવવો છે. મને આ ફોનથી આંખો ખેંચાઈને માથું દુખે છે". વનિતા બોલી.
સારું તો જલ્દી તૈયાર થઈ જા. હું કપડાં બદલીને આવું છું એમ કહી સુહાસ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો. અને વનિતાએ ફોન હાથમાં લઈને ફરી પાછો એ વોઈસ મેસેજ સાંભળ્યો. "મને ઓળખ્યો ? હું વિરાજ " અને સાંભળતા જ મક્કમતાથી તે નંબર બ્લોક કરી દીધો. પોતાનું ફેસબુક એકાઉન્ટ હંમેશને માટે ક્લોઝ કરી દીધું પોતાના ભૂતકાળની જેમ જ.

