વન્ડર વુમન
વન્ડર વુમન
આ પત્નીઓને તો નાની નાની વાતોમાં પિયર જવાની ધમકી આપવાની આદત જ હોય છે.
મારે પણ મારી પત્ની દીપા સાથે આજે તકરાર થઇ.
તેણે પણ મને પિયર જવાની ધમકી આપી.
અહીં તેની ધમકીથી કોણ ડરવાનું છે!
શું જે લોકો કુંવારા છે તેઓ જીંદગી જીવી નથી જાણતા?
પત્ની દબાવે અને હું દબાઈ જઉં એવા સ્વભાવનો હું જરાયે નથી. આજની જ વાત લો મારી પત્નીએ મને અભરાઈ પરથી મમરાનો ડબ્બો ઉતારી આપવાનો કહ્યો! મને!!! મેં ધસીને ના પાડી. અરે! યાર. આ કંઈ આપણું કામ છે? આજે મમરાનો ડબ્બો ઉતારી આપવાનો કહ્યો કાલે મમરા વઘારી આપવાનું કહેશે. ચાલ ચાલ નથી કાઢી આપતો. તો એ મને કહે કે, ‘મારો હાથ અભરાઈ સુધી નથી પહોંચતો એટલે તમને કહ્યું બાકી તમને કહે કોણ.’ મતલબ મારા હાથ લાંબા છે! હું તો કંઈ કાનુન છું? એ તો કાનુન કે હાથ લંબે હોતે હૈ. મારા નહીં. મારી વાત સાંભળીને તેણે ધમકી આપતા કહ્યું કે, ‘પિયર જતી રહીશ ત્યારે તમને ખબર પડશે.’ જાય તો જાય અહીં કોને ફરક પડે છે? ભાઈ, હું આઝાદ હતો. આઝાદ છું. અને આઝાદ રહીશ. ગુલામીની આદત આ બંદાને બચપણથી જ નથી. ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ અને ચંદ્ર શેખર જેવા ક્રાંતિકારીઓ નાનપણથી જ મારા આદર્શ રહ્યા છે. વાત કરે છે. . પ્રભુના નામનું સ્મરણ કરી મેં પથારીમાં લંબાવી દીધું અને ક્યારે આંખ મીંચાઈ ગઈ તેનું ભાન જ રહ્યું નહીં.
ઓચિંતી દરવાજાની ઘંટડીનો આવેલ અવાજ સાંભળી હું ચોંક્યો.
ઘડિયાળમાં જોયું તો સવારના પાંચ વાગ્યા હતા.
માળું આ કુકડો હવે કુકડેકુકને બદલે બેલ વગાડવા લાગ્યો કે શું?
મેં મોઢા પર ચાદરને ખેંચી લેતા કહ્યું, “કોણ છે?”
બહારથી ઘાંટો સંભળાયો, “દૂધ. ”
મેં ચાદરમાંથી મનેકમને બહાર નીકળી દરવાજો ખોલ્યો. બહાર દૂધનું કેન લઈને દૂધવાળો ઉભો હતો.
મેં થોડા રોષથી કહ્યું, “દૂધ આપવા આવે છે કે વહેલી સવારે લોકોની ઊંઘ બગાડવા.”
દૂધવાળો મારી સામે હું દુનિયાની આઠમી અજાયબી હોવું તેમ મને તાકી રહ્યો.
મેં કહ્યું, “આમ બાઘાની જેમ જુવે છે શું? ચાલ દૂધ આપ.”
દૂધવાળો મલકાઈને બોલ્યો, “સાહેબજી, તપેલી.”
મેં પૂછ્યું, “એટલે?”
દૂધવાળો બોલ્યો, “દૂધ લેવા માટે અંદર રસોડામાંથી તપેલી લઇ આવો.”
મારી આંખમાં હજુપણ ઊંઘ હતી. હું બગાસા ખાતો ખાતો અંદર રસોડામાં ગયો અને તપેલી લઇ બહાર આવ્યો. દૂધવાળાએ તેમાં દૂધ ભરી આપ્યું. હું ઝડપથી તે તપેલી રસોડામાં મૂકી પાછો પથારીમાં ઘુસી ગયો. અચાનક મારી આંખ ખુલી. મારે આજે સવારે વહેલા ઓફિસમાં જવાનું હતું. ભૂખ પણ ખૂબ લાગી હતી પરંતુ સામે નાસ્તો કે કશું હાજર નહોતું. ઉફ! મારે એ જાતે જ બનાવવાનું હતું. હું કંટાળીને પથારીને એકબાજુ ફેંકી અ
ંદર રસોડામાં ગયો. દૂધની તપેલી જેમની તેમ પડેલી હતી. ઉપર ઢાંકણું ન મૂકવાને કારણે તેમાં ગરોળી પડી હતી! હવે દૂધ વગર ચા કેવી રીતે બનાવવી? છોડ ચાને, આમ વિચારી હું ફ્રીજ ખોલી અંદર ખાવાપીવાની ચીજવસ્તુઓ શોધવા લાગ્યો પરંતુ રાતે કશું બનાવી તેમાં મુક્યું હોય તો જોવા મળે ને. આખરે બે કેળાં હાથમાં આવ્યા. જેવા હાથમાં આવ્યા એવા જ મેં તેમને પેટમાં પધરાવ્યા. થોડીક રાહત વળી પણ હજુ ઘણું કામ બાકી હતું. મારે હજુ નાહવાનું બાકી હતું પરંતુ ટુવાલ ક્યાં હતો? મારા કપડાં પણ ક્યાંય દેખાતા નહોતા. રોજ સવારે ટુવાલ અને કપડા અહીં ટેબલ પર જ દેખાતા... આજે ક્યાં ગયા? મેં અકળાઈને ટુવાલ અને કપડાં અલમારીમાં શોધવાનું ચાલુ કર્યું. લગભગ અડધા કલાક બાદ મને ટુવાલ મળ્યો. બીજી પંદર મિનિટ પછી કપડાં મળ્યા. આમ કુલ પિસ્તાલીસ મિનિટ તો મને કપડાં શોધવામાં લાગી અને બીજી નેવું મિનિટ એ શોધવા માટે બહાર કાઢેલી વસ્તુઓને ગોઠવવામાં લાગી. ઘડિયાળનો કાંટો આજેજ વધારે ઝડપથી દોડતો હતો. કદાચ નવા સેલ લગાવ્યાનું એ પરિણામ હશે! હજુ મારે નાહવાનું તો બાકી જ હતું. અરે! નાહ્યા બાદ કપડાં ધોવાનું પણ બાકી હતું. બપોરનું જમવાનું! અરે! હા, એ પણ મારે જ બનાવવું પડશે ને! એઠાં વાસણો પણ મારે જ માંજવા પડશે. આ બધું કરીશ તો ઓફિસમાં ક્યારે જઈશ? ઓ.કે. આજે બપોરનું જમવાનું બહાર હોટેલમાં કરીશ. વાસણો ધોવાની કટકટમાંથી તો છુટકારો મળ્યો! કપડાં તો ઓફિસમાંથી આવીને પણ ધોઈ લેવાશે પણ એ સુકાશે ક્યારે? વળી ઓફિસમાંથી આવીને કપડાં ધોવું તો પછી રાતનું વાળું કોણ બનાવશે? છોડ. રાતે પણ હોટેલમાં જ જમી લઇશ. મને એ વિચારી આનંદ થયો પણ બીજી જ ક્ષણે મનમાં વિચાર આવ્યો કે બપોર અને રાતનું જમવાનું મળીને હોટેલનું બીલ કેટલું થશે! ઓહ માય ગોડ. આજના દિવસનો મારો આખો પગાર હોટલમાં જમવા પાછળ જ વપરાશે. ના.. ના. ઘરે જ કશું રાંધીને ખાઈ લઇશ. તો પછી વાસણો ઘસવા પડશે. વળી કપડાં ધોવાની ઉપાધી તો માથે ઉભી જ છે. ઘરને કચરા પોતું. ઓહ! બાપરે. એ તો યાદ જ ન આવ્યું. ‘ઓ ભગવાન, બચાવી લે મને’ આમ ચીસ પાડી હું ઉભો થયો.
બાજુમાં આરામથી ઊંઘતી મારી પત્ની દીપા બોલી, “શું થયું? કેમ ચીસો પાડો છો. ઊંઘવા દોને શાંતિથી. ”
હાશ! મારી પત્ની મારી બાજુમાં જ સૂતી હતી. મારી વહાલી પિયરે ગઈ નહોતી!!! મેં તો પહેલા જ કહ્યું હતું કે આ પત્નીઓને તો નાની નાની વાતોમાં પિયર જવાની ધમકી આપવાની આદત જ હોય છે.
બહાર દરવાજા પર અવાજ આવ્યો. “દૂધ. ”
દીપા ઉઠવા જતી જ હતી ત્યાં હું પ્રેમથી બોલ્યો, “વહાલી તું ઊંઘ. આજે હું દૂધ લઇ આવું છું.”
દીપા બોલી, “દૂધ લેવા બહાર જાઓ ત્યારે સૂરજ પણ જોઈ લેજો કઈ દિશામાં ઉગ્યો છે તે.”
દીપાની ઊંઘને ખલેલ ન પહોંચે એ રીતે હું બિલ્લીપગે રસોડામાં તપેલી લેવા ગયો. જયારે બારણું ઉઘાડ્યું ત્યારે દૂધવાળાએ મારા હાથમાં દૂધની બે થેલીઓ મુકતા કહ્યું, “સાહેબ, તપેલી કેમ લઇ આવ્યા?”
મેં કશું બોલ્યા વગર બારણું હળવેકથી બંધ કર્યું અને પ્રેમથી નિહાળી રહ્યો મને તથા મારા ઘરને સાચવી લેનાર એ વન્ડર વુમન દીપાને.