વમળ
વમળ


ના..હવે તો બસ..!! આજે તન્વી આવે એટલે મારે એને અલ્ટીમેટમ આપી જ દેવું છે. લોકોને તો બસ મારો જ વાંક દેખાય છે....બાજુવાળા,હમણાં જ સુરભિબેનનાં મનનાં શાંત જળમાં શબ્દો નાં કાંકરા ફેંકી ગયાં- ને હવે એ, આ ઉઠેલાં વિચાર વમળમાં ગોળ ગોળ અફળાતાં-અકળાતાં હતાં.
ઘરમાં પગ મૂકતાં જ તન્વીને ગોરંભાયેલા વાતાવરણ નો ખ્યાલ આવી ગયો. એ પર્સ સોફા પર ફગાવતા સીધી બાથરૂમમાં ઘૂસી ગઇ. ફ્રેશ થઇ બહાર આવી ત્યાં કોફીના બે કપ સાથે સુરભિબેન તૈયાર બેઠાં હતાં. તન્વી સોફા પર ગોઠવાઈ એટલે એમણે જ શરુઆત કરી" તન્વી પછી તેં કંઇ નક્કી કર્યું?" ના મમ્મી! હમણાંનું ઓફિસમાં એટલું બધું કામ રહે છે કે મને કંઇ વિચારવાની જ ફુરસત નથી. તન્વીએ જવાબ આપ્યો.".અરે! પણ મોહિત તો તારી ઓફિસમાં જ કામ કરે છે ને પેલો શાદી ડોટ.કોમ વાળો છોકરો પણ અહીં જ છે. એ બંનેને તારામાં ખૂબ જ રસ છે એ મને ખબર છે. જો તું એમને મળીશ થોડો ટાઇમ ડેઇટ કરીશ તો જ ખ્યાલ આવશે ને? જો આવતાં બે-ત્રણ મહિનામાં મને તારો નિર્ણય જોઇએ..તું મારો તો વિચાર કર !" તન્વી બોલી રહેલાં સુરભિબેનના ચહેરાને તાકી રહી ..જાણે કહેતી ન હોય કે..મમ્મી એ જ તો કરું છું....
પછી તો ---ડેટ પર કેમ નથી જતી? આજે કોને મળી? કંઇ નક્કી કર્યું? આ તો રોજનાં સવાલ થઇ પડ્યાં. આમને આમ ત્રણ મહિના વીતી ગયાં. આ દરમ્યાન સુરભિબેન તો ખરાં જ--પણ તન્વી પણ નિર્ણય -અનિર્ણય નાં વમળમાં અફળાતી રહી.
આજે ઓફિસથી આવી ત્યારે તન્વી ખૂબ જ હળવી ને ખુશ હતી. એનો મૂડ જોતાં જ સુરભિબેન પૂછી બેઠાં કંઈ નક્કી કર્યું? ને માને વળગી પડતાં તન્વી બોલી-" હા મમ્મી!" હસતે ચહેરે અને ભીની આંખે સુરભિબેન દોડીને ભગવાન પાસે પડેલા પેંડા લઇ આવ્યા અને તન્વીના મોંમા મૂકતાં બોલ્યા "થેંક્યૂ ભગવાન ,કહે તો ખરી તેં કોની સાથે રહેવાનું નક્કી કર્યું? " પ્લેટમાંથી બીજો પેંડો લઇ મમ્મી નાં મોઢામાં મૂકતાં તન્વી બોલી " સસ્પેન્સ કાલે જ ખૂલશે!! " ચાલો નક્કી તો થયું. કોણ? એનાથી શું ફર્ક પડે. ભલે કાલે ખબર પડે.
બીજે દિવસે તન્વી વહેલી આવી ગઈ ને મમ્મી ને બહાર જવા તૈયાર થવા કહ્યું. નક્કી ભાવિ જમાઇને મળવાનું છે વિચારી એ તો સરસ તૈયાર થયાં. તન્વી પણ ટૂંકા ડ્રેસ ને બદલે સ્લીવલેશ સલવાર-કમીઝમાં તૈયાર થઇ. ગાડી ડ્રાઇવ કરી તન્વી સુરભિબેન ને જ્યાં લઇ આવી એ તો આશ્ચર્યચકિત!! લે આ તો મંદિર છે! ધીરજ રાખી સુરભિબેને દર્શન કર્યાં કે તન્વી એમને ગર્ભ ગૃહની બહાર લઇ આવી ને એમનું મોઢું બીજી તરફ ફેરવતાં બોલી મમ્મી અહીં જો.....સુરભિબેને જોયું તો સામે મોટા અરીસામાં એમનું મોટું પ્રતિબિંબ પડી રહ્યું હતું!! એ તરફ આંગળી ચીંધતા તન્વી બોલી " મમ્મી! મેં આની સાથે રહેવાનું નક્કી કર્યું છે." અરે પણ....સુરભિબેન કંઇ બોલવા ગયાં પણ એમને ચૂપ કરતાં તન્વી બોલી " હા મમ્મી! મોહિતના પપ્પાની સાથે રહી એમની સારસંભાળ લેવા હું તૈયાર હતી પણ એને મારી ' મા ' સાથે નહોતું રહેવું. પેલો શાદી ડોટકોમ વાળો! હું આરામથી જોબ કરી શકું એટલે હાઉસ મેઇડ રાખવી એને પરવડતી હતી પણ મારી 'મા'એને નહોતી પરવડતી. ને મમ્મા...તું ચિંતા ન કર,આવા છીછરી સપાટી પર જીવતા છોકરાઓમાં મને જરાય રસ નથી. મારી જ ચૈતસિક સપાટી પર જીવતું,મને સમજતું કોઇ મળશે તો હું જરૂર લગ્ન કરીશ...ત્યાં સુધી કોઇ વમળમાં નથી ફસાવું..બસ,વહેતા રહીએ."