વિસામો
વિસામો
મમ્મીનું વહાલ... પ્રેમથી ખવડાવતા શીરાના કોળિયા, પપ્પાની લાગણી, વહાલથી માથે ફેરવાતો હાથ.
લગભગ 15 દિવસ થઈ ગયા હતા, તેમને મળ્યા અને જોયા ને ..... બંધ આંખે તે વિચારી રહી.....ફરજનો સમય થયો અને જાનવીએ ફટાફટ પી. પી. ઈ કીટ ચડાવી દીધી......મોબાઈલની રીંગ વાગી, 'મમ્મી'નું નામ જોઈ અને તેની આંખમાં પાણી આવ્યા... ફરીથી મોબાઈલ ખિસ્સામાં મૂકી અને તે તૈયાર થઈ. હવે ફરજના આકરા છ કલાક શરૂ થવામાં હતા ...પિતાની નોકરી, માતાનું કામ બધું છૂટી જતાં અને કોલેજ પણ બંધ હોવાથી તેણે હાલ પૂરતું ત્રણ મહિનાથી આ કપરું કામ સ્વીકાર્યું હતું... અને તેનું ખાવું-પીવું, ઊંઘ બધું જ તેમાં હોમાઈ ગયું હતું. આખો દિવસ નજર સામે આવ્યા કરતાં એ ચહેરાઓ !
તેની સંપૂર્ણપણે તૈયાર થઈ... ફરી રિંગ વાગી, મન મક્કમ કરીને તેણે ફોન ઉઠાવ્યો...'હેપી બર્થડે બેટા !' માનો ચિંતાતુર અવાજ સંભળાયો. 'મા હું કામમાં વ્યસ્ત છું', 'સાંજે ફોન કરું છું '...કહીને તરત જ ફોન બંધ કર્યો અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી..... આજના દિવસે પણ આ કામ !
થોડી મિનિટો માં જ ફરી સ્વસ્થ થઈ અને માનસિક યુદ્ધની તૈયારી શરૂ કરી.... પોતાની આકરી ફરજના ભાગ રૂપ, હોસ્પિટલની બહાર ઊભેલા સ્વજનોને હોસ્પિટલની અંદર પોતાના શ્વાસ છોડીને અંતિમ વિસામો લેવા ચાલી નીકળેલા યોધ્ધાઓનું અંતિમ વાર મુખ દર્શન કરાવીને, પત્રક પર સહી કરાવી ને સોંપણી !
આંખનું ખારું પાણી પરસેવા સાથે મળી ગયું.. અને તે ફરીથી કેટલાય લોકોને અંતિમ વિસામો આપવાના કાર્યમાં વ્યસ્ત થઈ ગઈ.
