Swati Dalal

Abstract

3  

Swati Dalal

Abstract

ચમત્કાર

ચમત્કાર

2 mins
256


સાંભળ્યું ? શહેરમાં એક ચમત્કારી બાબા પધાર્યા છે, ભલભલાની તકલીફો મિનિટોમાં જ દૂર કરી દે છે. શાળાના સ્ટાફરૂમમાં બધે જ બાબાની ચર્ચા હતી.... દિવ્યાએ સુનીતાનું ધ્યાન દોર્યું...સુનિતા ઉદાસીથી દિવ્યાને તાકી રહી પછી, શૂન્યમાં તાકતા બોલી ઊઠી ...."હું નથી માનતી ચમત્કારમાં "...અને પાકિટ ઊઠાવી ને ઘર તરફ ચાલી નીકળી.

દસ વર્ષ વીતી ગયા હતા, સુમિતને ઘર છોડીને ગયે.. પરણીને મોટી હવેલીમાં આવી હતી સુનિતા, પણ સુમિતની સટ્ટાની આદતે બે જ વર્ષમાં હવેલી અને વેપાર બધું વેરવિખેર કરી નાખ્યું, અને નગર શેઠ જેવા સસરા લકવાગ્રસ્ત થઈ ગયા ....શેઠાણી જેવા સાસુ ચિત્ત ભ્રમ......સાત મહિનાની ગર્ભવતી સુનીતાને છોડીને જે સુમિત ગયો એ ગયો.....દસ વર્ષથી એક રૂમ રસોડામાં પતિએ આપેલો સંસાર કાળી મજૂરી કરીને ચલાવી રહી હતી. શાળા, ટ્યુશન, સાસુ-સસરા અને પુત્ર તથ્ય. કેટલો શોધ્યો હતો પણ સુમિત તો જાણે અલોપ થઈ ગયો હતો હવે તો જાણે ભૂલાય પણ ગયો..

ઘરે આવીને ફરી ટ્યુશન અને ઘરના કામમાં પરોવાઈ ગઈ .....ખરબચડા હાથની રેખાઓ તરફ જોઈને તેણે ઊંડો નિસાસો નાખ્યો. ત્યાં ફરીથી દિવ્યાનો ફોન આવ્યો ,"ચાલને સુનિતા, બાબાના દર્શનથી તારા મનના બધા સવાલોના જવાબ મળી રહેશે" દિવ્યાના આગ્રહે સુનિતા એ મન બનાવ્યું અને ચાલી નીકળી.

ખાસ્સી ભીડ હતી .....અંદરના રૂમમાં સો દોઢસો લોકો બેઠા હતા ....થોડીક વારે રાહ જોઈ તેઓ અંદર પહોંચ્યા ...બાબા ઊંડા ધ્યાનમાં હતા ....વિશાળ ચમકતું કપાળ, વધેલી દાઢી અને વાળ ....સુનિતા એક નજરે તાકી રહી ....બાબાએ ધીમેથી આંખો ખોલી અને ભક્તોએ જયઘોષ કર્યો.

  સુનિતા ઝડપથી ઊભી થઈને ત્યાંથી બહાર નીકળી ગઈ. દિવ્યા આશ્ચર્યથી તેની પાસે ગઈ ....શું થયું સુનિતા ? દર્શન તો કરી લે ! સુનિતાએ ઠંડા અવાજમાં કહ્યું ," દર્શન પણ કર્યા અને "ચમત્કાર " પણ જોયો" તે ધીમા પગલે પતિએ આપેલા સંસાર તરફ વળી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract