Swati Dalal

Romance

4  

Swati Dalal

Romance

ક્ષણ

ક્ષણ

2 mins
298


વાદળો તો મન ભરી ને વરસ્યા

પણ તોય રહી સાવ કોરી ક્ષણ

મારી હથેળીમાં,


તું આવી તો ખરી અનાયાસે મારી જિંદગીમાં

પણ રેખાઓ જ ન હતી તારા નામની

મારી હથેળીમાં.

ગાડી એક આંચકા સાથે ઊભી રહી. અમોલે આંખો ખોલી. કોઈ સ્ટેશન આવ્યું હશે. તેણે બહાર નજર કરી. વહેલી સવારનું ભડભાખરું. તે હળવેથી નીચે ઊતર્યો. આખી રાત ધીમા ધીમા વરસાદ પછીની વહેલી સવાર ખુબ સુંદર લાગતી હતી. નાનકડું સ્ટેશન શાંત હતું. દૂર ક્ષિતિજે લાલીમા દેખાઈ રહી હતી. સામેથી આવતી મસાલેદાર ચાની સુગંધ થી ખેંચાઈને તે પાસે ગયો. એક કપ ચા હાથમાં પકડી અને વહેલી સવારની સુગંધમાં ભરેલી ચાને ફૂંક મારી. તેના ચશ્મા પર ધુમ્મસ છવાઈ ગયું. પાછા વળીને ચશ્મા ઉતાર્યા અને નજર ગઈ સ્ટેશનના નામ પર. 45 એ પહોંચેલા હૃદય પર પણ એક ધુમ્મસ છવાઈ ગયું.

ટીસની જેમ એક નામ ઉઠ્યું. ગોરંભાયેલુ હંમેશથી કોતરાયેલુ.'એ'નું શહેર છે આ તો ! એ અહીં જ રહે છે અને તેણે ઊંડો શ્વાસ લીધો જાણે 'એ'ની સુગંધ પણ શ્વાસમાં ભળી જવાની હોય, એમ એક નિરર્થક કોશિશ કરી.બે કાળી આંખો અને તેમાં અટકેલા અઢળક સવાલો તેને ઘેરી વળ્યા. અચાનક વરસેલા વરસાદ જેવું યાદોનું ઝાપટું આવ્યું અને તે વિચારી રહ્યો.

દુનિયાના કેટલાક લોકો પોતાના લોકો કરતાં પણ વધુ પોતાના હોય છે, પણ એ જ, ક્યારેય આપણા થતાં નથી ! નિયતિ આગળ બધું વામણું તે જે કહે તે સ્વીકારીને આગળ વધવું જ રહ્યું.પણ આ હૃદયનું શું કરવું ? તે હજી એને સાચવીને બેઠું છે. અને પળભરમાં બધું જ વર્ષોથી દબાયેલું બહાર લાવી દે છે. અમોલને થયું સામાન લઈને અહીં જ ઉતરીને, એક નજર બસ એક નજર !એક વાર એને ફરીથી જોઈ લેવાની તીવ્ર ઉત્કંઠા જાગી. જેનું નામ જ શ્વાસ હતું ક્યારેક, તેને ફરીથી શ્વાસમાં ભરી લેવાની ઈચ્છા જાગી. ફરી એક વાર સાવ અચાનક તેની સામે જઈને ઊભા રહેવાની આતુરતા થઈ.એની કાળી આંખોના ઘેરાયેલા આંસુને ફરી વહેતા કરવાની ચાહના થઈ.

તેણે ઊંડો શ્વાસ લીધો અને અચાનક ટ્રેનની વ્હીસલ સંભળાઇ એક ધીમા ધક્કા સાથે ટ્રેન આગળ ચાલી હાથમાંનો ચાનો ભરેલો કપ બાજુમાં નાખી તે પરાણે ભારે પગલે ચાલતી ટ્રેનની સાથે થયો. શરીરથી તેણે ટ્રેનમાં પગ મૂક્યો હેન્ડલ પકડીને હળવેકથી ઉપર ચડ્યો. પણ કંઈક પોતાનું અહીં જ આજ સ્ટેશન પર છૂટી ગયું. ગતિ પકડીને ટ્રેન આગળ વધી અને એનું સ્ટેશન ફરી એકવાર પાછળ છૂટી ગયું.

જે લોકો હાથ ની રેખાઓમાં નથી હોતા, તે હ્રદયમાં સચવાય છે.



Rate this content
Log in

Similar gujarati story from Romance