Swati Dalal

Horror

4.4  

Swati Dalal

Horror

ભાડાનું ઘર

ભાડાનું ઘર

5 mins
934


અમદાવાદમાં રહેતા સમીર ને મુંબઈમાં નોકરી લાગી ગઈ, તેથી સમીર અને મીરા મુંબઈ પહોંચી ગયા. થોડા દિવસ મીરાંના માસી ના ઘરે રહેવું અને ત્યાં સુધીમાં ભાડાનું ઘર શોધી લેવું તેમ નક્કી કર્યું..માસી માસા એકલા જ હોવાથી ખૂબ સારો આવકાર મળ્યો.સમીર તો બીજા જ દિવસે નવી નોકરીમાં જોડાઈ ગયો અને મીરા, માસી અને માસા સાથે નવા ઘરની શોધમાં.

રોજ બપોરે નજીકના બધા જ એરીયા ખૂંદી વળ્યા પણ મુંબઈમાં ભાડાનું ઘર મળવું એ સૌથી અઘરી વાત. આજે મુંબઈ આવે દસ દિવસ થઈ ગયા હતા પણ સમીર, મીરા, માસી, માસા બધાના અથાગ પ્રયત્નો છતાં ભાડાનું ઘર ના મળ્યું.. સાંજે માસા સમાચાર લાવ્યા કે નજીકમાં એક ઘર ખાલી છે, થોડું જૂનું છે પણ તેને ભાડે આપવાનું છે ! ઘણા વખતથી ખાલી છે તે તમારે જઈને વ્યવસ્થિત રીતે જોઈ લેવું પડશે ! બીજી જ સવારે વહેલા ઊઠીને સમીર, મીરાં અને માસી ત્યાં પહોંચી ગયા. જુના બિલ્ડીંગના બીજા માળે ઘણા વર્ષોથી બંધ પડેલો ફ્લેટ હતો.આખા મકાનના ત્રણ માળમાં ખાલી બે જ ફ્લેટમાં લોકો રહેતા હતા, બાકી બધા ખાલી જ હતા ! સમયને ખૂબ નવાઈ લાગી, પૂછ્યું..તો જવાબ મળ્યો, "સાહેબ જુના મકાનમાં હવે કોણ રહે છે ! આ ઘર તમે જોઈ લો ને".. ઘર વ્યવસ્થિત હતું..મોટી બાલ્કની રોડની સાઈડમાં અને બે રૂમ. મુંબઈમાં ભાડે ઘર મળવું સંભવ નથી.

સમીર એ બધી જ વાતો પૂછી અને ભાડા માટેની પૂછપરછ શરૂ કરી, જ્યારે મીરાં અને માસી ઘરનો ખૂણો ખૂણો ફરી વળ્યા.બધું જ નક્કી થઈ ગયું, બે દિવસમાં સફાઈ અને પછી રહેવા આવી જવું. બધું જ ખૂબ જ ઝડપથી થઈ ગયું માસી અને માસા ની મદદથી સમીર અને મીરા નવા ઘરમાં ગોઠવાઈ ગયા.. ઘરમાં આવ્યા ને સમીર અને મીરાં ને બે ત્રણ દિવસ થયા હતા, નવી નોકરીમાંથી સમીર ને સમય જ ન મળતો હોવાથી મીરાં એ બધા કામ જાતે જ કરવાના રહેતા હતા. તે એકલી જ આજુબાજુના એરીયા થી પરિચિત થઈ અને ઘર પણ વ્યવસ્થિત ગોઠવી દીધું.. છતાં પણ ક્યાંક અંદર અંદર એને અજૂગતું લાગતું હતું !

સાંજે સમીર ને કીધું, "અહીં તો કોઈ વાત કરવા પણ તૈયાર નથી કોઈની પાસે સમય જ નથી ! બપોરે બહાર જતી વખતે નીચેવાળા ઘર પાસે ઊભી રહી કે વાતચીત કરું અને ઓળખાણ થાય, પણ તે તો કંઈ બોલ્યા જ નહીં ને મારી સામે જોઈ જ રહ્યા. આમ કેમ હશે ! "જો મીરા ! આમ પણ આ શહેરમાં કોઈ પાસે એવો સમય નથી, થોડાક દિવસોમાં તું પણ સેટ થઈ જઈશ પછી આપણે તારા માટે પણ નોકરી શોધી કાઢીશું.પણ સમીર મને આ ઘરમાં કંઈક..સમીરે વચ્ચેથી વાત કાપી નાખી.."જો મીરા તને ખબર છે ને કેટલી મહેનતથી આ ઘર મળ્યું છે, નવી જગ્યામાં ક્યારેક આમ થાય ! !તું થોડાક દિવસોમાં ટેવાઈ જઈશ..

તે રાત્રે અચાનક મીરાની આંખો ખૂલી ગઈ તેને લાગ્યું કે ઘોર અંધકારમાં જાણે છતમાંથી કોઈ તેને તાકી રહ્યું છે ! બે લાલ લાલ આંખો ! તે આંખો બંધ કરીને સમીરને વળગીને ઊંઘી ગઈ.. ફરી સવારે એની એ જ વાત," સમીર આમ તો તુ આ બધામાં કંઈ માનતો નથી, પણ મને કાલે રાત્રે પણ... "મીરા તું બસ કર હવે " ! પણ સમીર મને અહીં કોઈ ઘરમાં હોય તેવો આભાસ થયા કરે છે તું કંઈક કર ને, કદાચ મકાનમાલિકને વાત કર..સમીર ભડક્યો, "બસ મીરાં આટલી મહેનતે મળ્યું છે ભાડેે ઘર. તું એક કામ કર તો, બીજું ઘર શોધવા માંડ. પછી કંઈક વિચાર ! સમીર ને અકળાયેલો જોઈને મીરા એ વાત બદલી "બપોરે માસીને ત્યાં ભજન છે."..હજુ એ વાત પૂરી કરે તે પહેલાં જ સમીર ઊભો થઈને તૈયાર થવા ચાલ્યો ગયો. મીરાં એ તેનુ ટિફિન આપ્યું અને સમીર ઉતાવળમાં નીકળી પડ્યો..

ફરી મીરા એકલી પડી, બધું વ્યવસ્થિત કરતી હતી ત્યાં જ પાછળના રૂમમાંથી અવાજ સંભળાયો, જઈને જોયું તો તેની કબાટ પર મૂકેલી પેટી નીચે પડી ગઈ હતી ! તે વિચારમાં પડી ગઈ અને ત્યાં જ જાળીમાંથી કબૂતર ઊડીને ગયું !" ઠીક છે "તેમ કહી તેણે બધું સરખું કર્યું.આખા ઘરમાં એકલી હોવા છતાં પણ તેને લાગતું હતું કે કોઈ તેને જોઈ રહ્યું છે. કોઈક ની નજરો ! કંઈક તો છે ! તે ખૂબ અકળામણ અનુભવવા માંડી.વિચાર્યું એક દિવસ માસી ને બોલાવી લાવીશ.

ઓફિસમાં પહોંચેલા સમીરે કામમાં ધ્યાન આપ્યું, પણ આજે સવારથી જ થોડું થોડું માથુ દુખતું હતું. બપોર પછી તો દવા લીધા છતાં માથાનો દુખાવો અસહ્ય થઈ પડ્યો, એટલે બોસ પાસે જઈને ઘરે જવાની રજા માંગી અને બાકીનું કામ પણ પૂરું કરી દેવાની બાહેધરી આપી. ઓફિસે નીકળીને ટ્રેનમાં બેસીને સમીર અઢી વાગ્યા સુધીમાં ઘરે આવ્યો ! ઘરે પહોંચીને દરવાજે બેલ માર્યો તો લાગ્યું કે દરવાજો ખુલ્લો જ છે ! આ મિરા, કેમ આમ કરે છે ? એમ કહીને મીરાં નામની બૂમો પાડતો તે ઘરમાં આવ્યો.. રસોડામાંથી હાથ લૂછતાં મીરાં દોડી આવી, અરે ! તમને શું થયું ? કેમ આટલા જલદી આવી ગયા ? બૂટ કાઢી સમીરે કહ્યું, "ખૂબ માથુ દુ:ખે છે, મીરા, સરસ ચા બનાવ ને..પછી હું દવા લઈને સૂઈ જઈશ "..સારું કહી મીરાં ચા બનાવવા ગઈ સમીર કપડા બદલી ને પલંગ પર આડો પડ્યો.. મીરાંના હાથની ચા પીધા પછી થોડું સારું લાગ્યુ. તેણે દવા પણ લઈ લીધી. કબાટમાંથી બામની બોટલ કાઢીને મીરા તેના માથા પાસે બેસીને ધીરેથી ઘસવા લાગી. સમીર બોલી ઉઠ્યો, "વાહ મીરા, ચા તો સરસ હતી જ પણ તારો હાથ લાગવાથી જાણે માથું પણ ઉતરી ગયું ! મને ખૂબ સારું લાગે છે થોડીક વાર માથું દબાવી આપ મારે શાંતિથી ઊંઘી જવું છે..અને ખરેખર સમય દસ જ મિનિટમાં સમીર ઘસઘસાટ ઊંઘી ગયો.. અચાનક સમીરે ખૂબજ અકળામણ અનુભવી. જાણે તેના શરીર પર ખૂબ વજન આવી ગયું હોય. ચારે તરફ અંધારું હતું. તેને દૂર દૂરથી મીરા નો અવાજ સંભળાતો હતો. ઘણા બધા લોકો જાણે તેને બોલાવતા હતા. જાતજાતના અવાજો સંભળાતા હતા ઠોકવાના પછાડવાના અને સમીર સમીર નામની બૂમો ! તેણે ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ, અને અચાનક મોટો ધડાકો સંભળાયો. રૂમની લાઈટ ચાલુ થઈ પ્રકાશ ફેલાઈ ગયો, અને મીરા દોડતી સમીર પાસે આવી ગઈ.. સમીર પલંગમાં બેઠો થઈ ને આશ્ચર્યથી ચારે બાજુ જોવા લાગ્યો ! ! મીરા, મકાનમાલિક અને આજુબાજુના ઘણા બધા લોકો.. આ બધા શું કરે છે મીરા ? શું થયું ? તે પૂછી બેઠો. તેની સમજ માં કંઈ જ ન આવતું હતુ. મીરા ખૂબ ગભરાયેલી હતી તેણે સમીર નો હાથ પકડી લીધો અને પૂછવા લાગી શું થયું તમને ? અમે બધા કલાકથી દરવાજો ઠોકીએ છે, તમે કંઈ બોલતા કેમ નથી અને ઘરમાં કેવી રીતે આવ્યા ? તમારી પાસે તો ઘરની ચાવી પણ નથી સમીર મેં તમને કીધુ હતું ને કે હું બાર વાગ્યાથી માસીની ઘરે જવાની છું..હું માસીને ત્યાં હતી. તમે ઘરમાં કેવી રીતે આવ્યા ? બધું ઠીક છે ને કંઈક તો બોલો ! સમીર ફાટી આંખે મીરા સામે તાકી રહ્યો અને ભાડા ના ઘર તરફ.


Rate this content
Log in

Similar gujarati story from Horror