Swati Dalal

Inspirational

3  

Swati Dalal

Inspirational

એક મુઠ્ઠી અજવાળું

એક મુઠ્ઠી અજવાળું

2 mins
245


"બેન ૫૦૦ રૂપિયા વધારે આલો, બે ત્રણ મહિનામાંવાળી દઈશ."

આજીજીભર્યો અવાજ આશકાને સંભળાયો, અને તેનું હૈયું દ્રવી ઉઠ્યું, પોતાને ભણાવવા માટે પોતાની ગરીબ મા, પણ કદાચ આમજ આજીજી કરીને રૂપિયા લાવતી હતી. તેણે દાળનો વઘાર કર્યો અને શાકનો ગેસ ધીમો કર્યો. આશ્કા એ બહાર નજર કરી, કામ કરવા આવતા સરોજબેન આજીજીપૂર્વક પોતાના સાસુ પાસેથી દીકરી ધનીની સ્કૂલની બાકી રહેલી ફી ભરવા માટે પાંચસો રૂપિયા માંગી રહ્યા હતા. એક સામાન્ય પરિવાર ઉપરથી ઘણા ખર્ચા, માંડ માંડ પુરા થતાં હોવાથી સાસુ મક્કમપણે ના કહી રહ્યા હતા.

આશકા ફરી રસોડામાં આવી. પરણીને આ ઘરમાં આવ્યે ફક્ત બેજ મહિના થયા હતા. ઘણા બધા ખર્ચાને કારણે આમ પણ આ સામાન્ય પરિવારનો હાથ અત્યારે ભીંસમાં હતો. એમાં આ રીતે રૂપિયા અપાય ?

આશકાએ નાનકડી ધની તરફ નજર કરી. રસોડામાં બેસીને સફાઈથી વાસણ લુછી રહેલી. બે ચોટલા સુંદર રીતે વાળેલા અને મોટી મોટી આંખોમાં કદાચ આગળ ન ભણી શકાય તો, આમ જ કામ કરવાની વ્યથા સ્પષ્ટ દેખાતી હતી. કદાચ આ છેલ્લું ઘર હતું, હવે પછી ફી નહીં ભરાય તો પછી કામેજ લાગવુ પડશે, તેવું તેનું દયામણું મ્હોં કહી રહ્યું હતુ.

આશકા એ કંઈક વિચાર કર્યો અને રૂમમાં ગઈ હળવેથી તીજોરી ખોલીને ખૂણામાં હાથ નાખ્યો. તેની ગરીબ માના ઘરેથી પાછા આવતા, માએ પાંચસો રૂપિયા આપ્યા હતા, કહ્યું હતું, "બેટા વધારે તો કંઈ અપાશે નહીં, આટલી જ મૂડી છે, તું તારી ખુશી માટે વાપરજે બેટા." આશકાની આંખો ભરાઈ આવી. મુઠ્ઠીમાં નોટ પકડી અને તે રસોડામાં ગઈ. ચૂપચાપ ધીમેથી વાળીને નોટ ધનીના હાથમાં પકડાવી, એક મુઠ્ઠી અજવાળું ધનીના નામે કર્યું !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational