Swati Dalal

Romance Inspirational

3.2  

Swati Dalal

Romance Inspirational

પાનખરમાં વસંત

પાનખરમાં વસંત

5 mins
389


રેવાબેન આણંદની બસમાંથી ઉતરીને અમદાવાદ-વડોદરા ઇન્ટર સિટી બસના સ્ટોપ પાસે આવીને ઊભા રહ્યા. આમતેમ નજર કરી અને બસ સ્ટોપની સામેની સીટોમાંથી ખાલી પડેલી એક સીટ ઉપર જઈને બેઠા. હાથ પરની કાંડા ઘડિયાળમાં જોયું, હવે આવતા જ હશે એમ વિચારીને દરેક આવતી જતી બસો પર નજર માંડી. બસ આવીને ઊભી રહી અને થોડા મુસાફરોને બાદ કરતા અજયભાઈ નીચે ઉતર્યા. રેવાબેનનો ચહેરો હસી ઉઠ્યો, તે ઊભા થઈને આગળ ચાલીને અજયભાઈ તરફ પહોંચ્યા. હાથમાં નાનકડી થેલી સંભાળતા તે અજયભાઈની સાથે બહારના રીક્ષા સ્ટેન્ડ તરફ ચાલીનીકળ્યા. સવારનો નવ વાગ્યાનો સમય અને થોડી ચહેલ-પહેલ ભીડમાંથી જગ્યા કરી બંને રિક્ષામાં ગોઠવાયા.

"ભાઈ, "કમાટીબાગ તરફ લઈ લે !" અજયભાઈએ કહ્યુ,અને રેવાબેન તરફ જોઈને મીઠું હસી પડ્યા. કમાટીબાગ તરફ આવીને તેઓ ચાલતા અંદર વળ્યા. ખાસ્સું ચાલીને એક વિશાળ ઝાડ નીચે આવેલી બેઠક ઉપર ગોઠવાઈ ગયા. કદાચ કાયમી હોય એમ જ.

પાંચેક મિનિટ બેઠા બાદ રેવા બેને તુરંત થેલીમાંથી ડબો કાઢ્યો ખોલીને અંદરની ચમચી ઉપર કરીને અજયભાઈની સામે ધર્યો. ઓહ ! મારા ભાવતા મેથીના મુઠીયા !અજયભાઈ ખુશ થઈ ગયા ઘણા વખતે ખાવા મળ્યા કહીને, આનંદથી ડબ્બો લઇ લીધો. તારા હાથનો સ્વાદ કદી નહીં બદલાય. કહીને ખાવા લાગ્યા રેવાબેન કંઈક આનંદથી જોઈ રહ્યા.. કેટલા શોખીન છે જમવાના, હવે ભાણું સચવાતું હશે કે કેમ ? પૂછીને મનદુઃખ થાય તેવી વાતો ઉખેડવાનું માંડીવાળીને પોતાના પતિ તરફ જોઈ રહ્યા.

હા ! વૃદ્ધ થવા આવેલા રેવાબેન અને અજયભાઈ પતિ પત્ની હોવા છતાં પણ પુત્રોને કારણે અલગ અલગ રહેવાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. અજયભાઈની મુનીમની નાનકડી નોકરી. ખુબ મહેનતથી તેમણે અને રેવાબેને બે છેડા ભેગા કરીને ગૃહસ્થી વસાવી. બે દીકરાઓને સારી નોકરી એ લગાવ્યા, પણ મોટો દીકરો અમદાવાદમાં રહે તેનું એક રૂમ રસોડાનું ઘર હવે દીકરા-વહુના વસ્તારને કારણે નાનું પડતું હતું, અને બીજે રહેવા જવાય તેવી પરિસ્થિતિ ન હતી, તેથી રેવાબેન નાના પુત્ર અને તેના પરિવાર સાથે આણંદમાં રહેતા હતા..નોકરીમાં એકાદ વર્ષ બાકી હોવાને કારણે અજયભાઈ મોટા પુત્ર સાથે અમદાવાદમાં સાકડ - માંકડ ગુજારો કરી લેતા હતા. મહિને એકાદ-બે વાર ડાકોરમાં પૂનમ ભરવાને બહાને બંને અહીં વડોદરામાં મળતા. આખો દિવસ શાંતિથી વાતો કરીને છુટા પડતા બાકી પુત્રોના નાનકડા સંસારમાં બે મા-બાપ સાથે સમાય તેવી જગ્યાજ ક્યાં હતી.

અજયભાઈ તરફથી દર મહિને મળતી અમુક રકમના બદલામાં મોટી પુત્રવધુ તેમનું ભાણું થોડા ઘણા અંશે સાચવી લેતી હતી, પણ પત્ની વગર એકલા આ ઉંમરે તે પોતાનું જીવન ગોઠવી શકતા ન હતા. બીજી બાજુ નાની પુત્રવધૂનોકરી કરતી હોવાથી તેને ઘરકામમાં રેવાબેનની મદદ મળતી હતી, કદાચ બધું જ કામ રેવાબેન જ કરતા હોવાથી તેઓ પણ સચવાયેલા હતા, છતાં પણ આખો વખત પતિની જ ચિંતા થયા કરતી. એકબીજાના ઘરે તો મળવાનો મેળ પડતો જ નહીં અગર અજયભાઈ રવિવારે આણંદ પહોંચી જાય તોપણ રેવાબેનનો સમય ઘરકામમાં જ પસાર થઈ જતો અને એક રવિવારની રજા વેડફાયાનો વસવસો પુત્રવધુના ચહેરા પર પણ દેખાતો. તેથી જ તેઓએ આ વચ્ચેનો રસ્તો અપનાવ્યો હતો.

મુઠીયાનો ડબ્બો થેલીમાં મુકીને રેવાબેને પાણીની બોટલ ધરી, અજયભાઈ બોલી ઉઠ્યા રેવા તારી કાળજીની કસર હવે આ ઉંમરે ખૂબ અનુભવાય છે. જો ને કેટલી મહેનત કરીને આપણે આ સંસાર વસાવ્યો અને સાથે જીવવાના સુખના દિવસો આવ્યા તેમ માનીને પુત્રવધૂઓને લાવ્યા હતા પણ..

બસ હવે આમ મન ટૂંકુ ના કરો, શાંતિથી બેસીને બીજી વાતો કરો. રેવા બેને ટોક્યા,,, પણ અજયભાઈ આજે કંઈક નક્કી કરીને જ આવ્યા હતા. એકાદ વર્ષથી છૂટાછવાયા રહીને તેઓ હવે થાક્યા હતા, અને આ નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ તો ભવિષ્ય પણ ધૂંધળું જ હતું. પોતપોતાની દોટમાં વ્યસ્ત બે પુત્રો વખત જતાં તિરસ્કારે તો પોતાનું અને રેવા નું શું થાય ? તેવા વિચારો તેમને ખૂબ પરેશાન કરતા હતા. આખરે પત્નીને વ્યથા જણાવી. બે વૃદ્ધો થોડીક વાર સુધી ચુપચાપ બેઠા.. કદાચ આગળ કોઈ રસ્તો મળી જાય.

બપોર પડી ગઈ અને ધીરે-ધીરે ગરમી પણ વધી રેવાબેને ધીમેથી થેલીમાંથી બીજો ડબ્બો કાઢયો જેમાં થેપલા અને અથાણું હતું. ધીમે પગલે ચાલીને નજીકમાંથી ઠંડું પાણી ભરી લાવ્યા,અને પતિ-પત્ની ઉજાણી એ બેઠા હોય તેવા પ્રેમથી જમવા માંડ્યા. રોજ ક્યાં આ સુખ મળતું હતું ! અજયભાઈ એ પૂછી લીધું રેવા તને ઘણું કામ રહેતું હશે નહીં ?જવાબમાં એમણે કંઈ જ ના કીધું પણ તેમની આંખની સામે ઘરની પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ.પુત્રવધુ દ્વારા ધીમે ધીમે ઘરનું બધું જ કામ રેવા બેનને થમાવી દેવામાં આવ્યું હતું, અને હોશિયાર પુત્રવધૂ અને પુત્ર આનંદથી રહેતા હતા.

અજયભાઈને દુઃખ થાય તે હિસાબે ને રેવાબેન કંઈ ન બોલ્યા, છુટા પડવાનો સમય નજીક આવતો જતો હતો જે વાતનું મનોમંથન અજયભાઈ ક્યારનાં કરતા હતા. તેના વિશે પત્નીને જણાવવું જરૂરી લાગ્યું. હળવેથી બોલ્યા રેવા, એક વાત જણાવું, અમારા શેઠે ભાવનગર બાજુ બાળકો માટેની નિવાસી શાળા શરૂ કરી છે. મારો વિચાર ત્યાં મુનીમની નોકરીમાં જોડાવાનો છે, કમસેકમ સાથે તો રહેવાશે, તું કહે તો આ બધાથી દૂર આપણે ભાવનગર ચાલી જઈએ. બે વર્ષની નોકરી છે પછી જોયું જશે. શું કહે છે ? રેવાબેન કંઈક વિચારી રહ્યા, હમણાં જતા રહીશુ, તો પાછળથી કોણ રાખશે ?બહું અગત્યનો સવાલ હતો. બંને પુત્રોની સ્વાર્થી મનોદશા રેવાબેન ખૂબ સારી રીતે જાણી ગયા હતા.

અજયભાઈ એ જીદથી કહ્યું આજે પણ ક્યાં સુખી છીએ ? કમસેકમ બે-ત્રણ વર્ષ શાંતિથીનીકળશે. અને બે જણની જરૂરિયાત કેટલી ? રેવા ! સારું ત્યારે કરો તૈયારી કહી રેવાબેન ઊઠયા. મન તો નહોતું છતાંય ટાઈમે ઘરે નહિ પહોંચાય તો. ઠંડુ જમવાનું અને ખૂણામાં પડેલી થાળી અજયભાઈને હૃદયમાં હળવી ટીસ આપી ગઈ. તે પણ કચવાતે મને ઊભા થયા. પૂરો વિચાર કરીને મને જણાવજો કહીને રેવાબેન છુટા પડ્યા. તેમને આણંદની બસમાં બેસાડયા અને પોતે અમદાવાદ તરફની બસમાં બેઠા.

અજયભાઇ એ નક્કી કરી લીધું, હવે બહુ થયું, શું કામ પુત્રોના ઓશીયાળા બની ને જીવવું ?શેઠને પણ ભાવનગર માટે એક વિશ્વાસુ માણસની જરૂર હોવાથી અજયભાઈની વાત તુરંત માન્ય રખાઈ ને, આવતા બે-ત્રણ દિવસોમાં ત્યાં હાજર થવાનું શેઠે કહી દીધું. અજયભાઈ કેટલાય વર્ષો બાદ આજે ખૂબ આનંદમાં હતા. રેવાબેનને પણ ફોન કરી જણાવીને તૈયારી કરવા કહ્યું. પુત્રો અને પુત્રવધૂના સતત વિરોધ વચ્ચે પણ, બંને વૃદ્ધ જીવો પોતાનો નવો વિસામો બનાવવા અને જીવતરના વધેલા દિવસો એકબીજાની સાથે આનંદથી જીવવા માટે ચાલીનીકળ્યા. જાણે પાનખરમાં વસંત....


Rate this content
Log in

Similar gujarati story from Romance