Swati Dalal

Tragedy Crime Thriller

4  

Swati Dalal

Tragedy Crime Thriller

લૂગડું

લૂગડું

9 mins
344


ચરરર્  લૂગડાંમાંથી એક છેડો ફાડીને આભા એ લાકડી પર લપેટી ઘાસતેલમાં ડૂબાડીને ધીમેથી પેટાવીને ચૂલામાં મૂક્યો..ભફ્ કરીને ચૂલો સળગી ઉઠયો.. રાધી એક નજરે જોઈ રહી હતી. ઓસરીમાં બેસીને અનાજ વીણતી રાધી ની નજર એ લૂગડાંની ચીંધેડી પર જઈને અટકી ઘડીભર માં લૂગડાંની રાખ થઈ ગઈ. એની રાખ જાણે રાધી ના હૃદયે વ્યાપી ગઈ. એક ફળફળતો નિસાસો નાખીને તે લૂગડાં ને જોઈ રહી. કિસનો લાવ્યો હતો હોળી પર. આમ તેના એક એક રંગીન લૂગડા રાખ થઈ રહ્યા હતાં. રંગીન લૂગડાં અને હવે તેના ચિથરાં આખા ઘરમાં પોતાની જેમ વપરાતા હતાં.. રાધી એ ફરી કામમાં મન પરોવ્યું. નજર વાસણ ના ઢગલા તરફ ગઈ. .હજી હમણાં તો ધોઈ ને મુક્યા હતાં.. વળી આટલા બધા ? સાસુ કદી ઈચ્છતા જ ન હતાં, કે રાધી નું શરીર કે મન ઘડીભર નવરું પડે. રાધીને આખો દિવસ કામમાં જોતરી રાખવાની આવડત તેમની પાસે હતી, અને રાધી બીજું કરી પણ શું શકે ?

      ૧૮ મે વર્ષે કિસના ને પરણી ને આ ઘરમાં આવી હતી. જાણે ઢીંગલા ઢીંગલી..કેટલા અરમાનોથી રાધી અને કિસના એ મેડી સજાવી હતી,અને કેવી દુનિયા હતી એ ! બસ એ અને કિસનો

        ત્યાં તો બૂમ પડી,' રાધી આ ઢોરને ચારો કેમ ભૂલી..ચાલ ઝડપ કર '.. એક જ નાનકડી રાધી અને બધું કામ તેના જ ભાગે. .ઝડપથી ઊભી થઈને તે ગમાણ તરફ વળી. અને ચારો પાણી બધું કરીને પાછા આવતા જ બીજા વાસણ ઊટક્યા. કામ કરતાં કરતાં રસોડામાંથી આવતા જેઠાણી અને સાસુ ના ધીમા અવાજો સાંભળી રહી.. ' મુઈ ! દિવસે ને દિવસે કેવી ભરાતી જાય છે ! આ તને તો પાંચમો પત્યો આભા તોય તું સાવ છોતરા જેવી જ રહી. અને આભા તું હવે એને ઓછું ખાવા આપ' રાધી એ પોતાના તરફ નજર કરી,૨૨ વર્ષની ઉંમર ચડતું લોહી અને ઉપરથી ઢગલો કામને કારણે કસાયેલું શરીર. આખો દિવસ મૂંગા ઢોરોની માફક કામ અને બચેલું ખાવાનું તેમાંય આખા ઘરના ના ટોણા અને તિરસ્કાર સહન કરવાનો. સુકો રોટલો અને છાશ બીજુ ધાન તો રાધી એ બે વર્ષમાં ભાળ્યું જ ન હતું. વિધવાના બધા નિયમનું પાલન સાસુ કડકાઈથી કરાવતા. ગામડા ગામમાં બિચારી વિધવા રાધી નું ઘરમાંથી બહાર નીકળવું તો અશક્ય જ હતું, પણ રાધીને રસોડામાં પણ આવવાની પરવાનગી ન હતી..બસ બધું જ કામ કરવાનું અને સૂકો રોટલો ખાઈને પડ્યા રહેવાનું તેની વ્યથા સાંભળનારુ પોતાનું કહી શકાય તેવું કોઈ જ ન હતું, અને કંઈક બોલવા જતાં તે કેટલાય દિવસો સુધી અસહય મહેણાનો ભોગ બનતી.. જાણે બધી પરિસ્થિતિ માટે રાધી જ જવાબદાર હોય. તેથી હવે તે મોટેભાગે ચૂપ જ રહેતી. જાણે મગજ બંધ કરી અને પરિસ્થિતિને તાબે થઈ ગઈ હતી.

        બધા જમી પરવારી રહ્યા અને રાધી માટે સૂકા રોટલા ની થાળી રસોડાની બહાર મૂકાઈ ગઈ હતી.. સફેદ ,જાડા, ખરબચડા લૂગડા પર હાથ લુછી ને રાધી ભૂખ શાંત કરવા બેઠી,પણ આજે તેની ભૂખ મરી ગઈ હતી. તે રસોડા તરફ જોઈ રહી. ફક્ત એક ચીરી અથાણાની લેવાની સજા રૂપે હવે તેનું રસોડામાં પગ મૂકવાનું જ બંધ કરી દેવામાં આવ્યું હતું.. શું વિધવા સ્ત્રી અથાણું ખાય તો પણ પાપ લાગે ? નાનકડું મન વિચારમાં પડી ગયું.. ઊભી થઈ હાથ ધોઈ તે મેડીએ પહોંચી ગઈ. કંઈ કેટલાય અરમાનોથી સજાવેલી રાધી ની મેડી.. પણ હવે તો બધું સુકુ ભાદર હતું અત્તર અને ફૂલોથી મઘમઘતી મેડી, રંગીન લૂગડાઓથી, રાધી અને તેના શણગારથી ચમકતી, મેડી આજે સૂનકાર હતી. આંખમાં આંસુ સાથે રોજની જેમ પોતાના નસીબને કોસતી રાધી સુવાની કોશિષ કરી રહી હતી, પણ આ ઉંમર પણ કેવી ! ઊંઘ તેનાથી દૂર જતી રહી.

    બે વર્ષ પહેલા કિસનાને આભડેલા એરું નું વિષ જાણે રાધીના શરીરમાં પ્રસરી રહ્યું હતું. .અને પોતાની વ્યથા એ કોને સમજાવે ઘરની સ્ત્રીઓ તો જાણે દુશ્મન હતી, અને ઘરનો એકમાત્ર પુરૂષ ! રાધી નું શરીર ધ્રૂજી ઊઠયું,ઘરનો એક માત્ર પુરુષ તેનો જેઠ.. રાધી ના કુમળા ચહેરા પર કડવાશ ઉભરાઈ, જાણે બીડી અને તમાકુની તીવ્ર વાસ તેને ઘેરી વળી હતી. હજુ તો ફક્ત ૨૨ થયા છે શું મારે આમ જ જીવવાનું ? કિસના તું કેમ મને છોડીને ગયો ? નાનકડો સુંદર ચહેરો આંસુથી ખરડાઈ ગયો.કેટલો પ્રેમ કરતો હતો કિસનો. લપાઈ છુપાઈને લવાતા પેંડા ને ચેવડાનો સ્વાદ ! વધુ એક ડૂસકું નાંખી અને ભૂખી રાધી ચાદરનો ગોટો પેટમાં દબાવી ને ક્યારે ઊંઘી ગઈ ખબર જ નહીં.

               રાધીનું સાસરું, આમ તો મોટુ ખોરડુ કહેવાતું. લગ્ન વખતે ગરીબ ઘરની પણ ખૂબ સુંદર રાધી ને સહેલીઓ નસીબદાર કહીને અદેખાતી હતી.. મોટી હવેલી જેવું ઘર, ગાય ભેંસની ગમાણ, પછીતે સામાન મૂકવાની નાની ઓરડી, ખૂણામાં ગાય-ભેંસના ચારા, ખેતર ના સાધનો, ઉપરના બે મેળા અને છેવટનું રસોડું ચોક અને કૂવો થાકી જવાય એટલું મોટું ઘર નાનકડી રાધી તો આખા ઘરમાં હિલોળા લેતી. સસરાના અવસાન બાદ મોટેભાગે બધો વ્યવહાર તેના મોટા જેઠ ચલાવતા.." સુમેર " બધાને તેનો હુકમ માનવો પણ પડતો. તેની પત્ની આભા રાધીની જેઠાણી. .વર્ષોથી ખાલી કૂખ ના દુખણા રોતી હતી પણ હવે કંઈક આશા લઈને બેઠી હતી અને તેથી જ બધું મહેનત વાળું કામ સાસુએ રાધી ને ભળાવી દીધું હતું.

           બપોર થવા આવી કપડા ના ઢગલા ધોઈને પરવારેલી રાધીને સવારથી બસ એક બટકું રોટલો જ મળ્યો હતો.અને અંદર રસોડામાંથી આવતી અવનવી સોડમ તેની ભૂખમાં વધારો કરતાં હતાં કંઈક નવુ રંધાઈ રહ્યું હતું. આભા ના ઘરેથી મહેમાન આવ્યા હતાંં. આભા ના ભાઈના લગ્ન છે આભા લગ્નમાં મહાલશે.. નવા રંગીન લૂગડાં પહેરશે, રાધીની નજર પોતાના મેલા લૂગડા તરફ ગઈ.. ૨૨ જ વર્ષની રાધી, સુંદર ચહેરો મોટી ભોળી આંખો, કમર સુધીના કાળા લીસા વાળનો ચોટલો અને કસાયેલું શરીર. .પણ હવે સફેદ લૂગડાથી જ ઢંકાયેલું રહેતું હતું..જરા સરખો પાલવ જો માથેથી ખસે તો સાસુ ના મહેણા શરૂ થઈ જાય અને તેની પર આવતા જતાં હંમેશા ખોડાયેલી રહેતી એ બે આંખોથી હવે રાધી અજાણ ન હતી.

        કેટલીય વખત જતા આવતા સુમેરનો અછડતો સ્પર્શ રાધી ને ધ્રૂજાવી દેતો હતો. આખો દિવસ પીવાતી બીડી અને તમાકુની વાસથી રાધી ને ચીડ હતી તે સુમેરથી દૂર જ રહેતી. આખો દિવસ બીડી પી ને જ્યાં ત્યાં નંખાતા ઠુંઠા કંઈ કેટલીય વાર રાધી ને દઝાડી ચૂક્યાં હતાંં ! અડધી પીવાયેલી બીડી ના ઠુંઠા ક્યારેક ઘર સળગાવી દેશે. .રાધી વિચારતી.

       રાધી ગમે તેટલી છૂપાય પણ કોઈને કોઈ રીતે ઘર નો એકમાત્ર પુરૂષ રાધી સુધી પહોંચી જતો અને ગભરાયેલી રાધી સંકોચાઈને કોકડું વળી જતી.. ઘણીવાર "કંઈ જોઈએ તો મને કહી દેવું, હું તારો વડીલ છું" કહીને રાધે ના માથે પસવારાતા હાથનો એ સ્પર્શ સમજતી રાધી ધ્રૂજી ઉઠતી.. રાધી મોટેભાગે સુમેરથી દૂર રહેવાની કોશિશ કરતી પણ રાધીના શરીરને ફંફોસતા સુમેર ની બે આંખોમાં ફરતાં સાપ હંમેશા રાધીને શોધી જ લેતા અને એ વાસ રાધીને ઘેરી લેતી.

       આજે ઘર મહેમાનોથી ભરેલું હતું અને મસાલેદાર અન્નની સુવાસ રાધી ના ભૂખા પેટની ક્ષુધા વધારી રહ્યા હતાં. બહાર બધા જ સરભરામાં હતાં. ગઈકાલની ભૂખી રાધી કામ ના ઢગલા પાર કર્યા કરતી હતી. કદાચ આભા પણ રાધી ને જમવાનું આપવાનું ભૂલી ગઈ હતી. .રાધી ને તો બહાર જવાની પણ મનાઈ અને રસોડામાં જવાની પણ મનાઈ.. બધુ પરવારીને તે થાકીને રસોડાના દરવાજા પાસે બેઠી. જરાક ઝોકું આવી ગયું.. ખસી જતા પાલવે ઉઘાડે માથે પસવારાઈ રહેલા હાથના સ્પર્શથી રાધીની ઊંઘ ઊડી. .તમાકુ ની વાસ. તેનું શરીર ધ્રૂજી ઊઠયું,તે ઊભી થઈ અને ભાગવા ગઈ સુમેરે તરત જ હાથ પકડી લીધો.ક્યાં સુધી ભાગીશ રાધી". સાડલામા પગ ભરાતા રાધી અચાનકથી જમીન પર પટકાઈ ગઈ. આઘાતથી રાધી બેભાન થઈ.. થોડીવારમાં ભાન આવ્યું જોડે સાસુ ના મેણા ચાલુ જ હતાં. તેમને આ બધા રાધી ના કામ ન કરવાના બહાના લાગતા હતાં, અને તેને ભૂખી નજરોથી તાકી રહેલી સુમેરની આંખો !

     રાધીની આંખમાં આંસુ આવ્યા એ વિચારી રહી," એ એરું મને કેમ ન કરડી ગયો" ?  બે-ત્રણ દિવસ માટે આખું ઘર આભાના ગામડે લગ્નમાં જવાનું હતું.એનાથી રાધી માટે જાણે રાહતના સમાચાર હતાં. બે ત્રણ દિવસ માટે આખા ઘરમાં એકલા શાંતિથી રહેવા અને જમવા મળશે.. કામ પણ નહિ કરવાનું. આ બધાં વિચારે તો રાધી આભા કરતાં પણ વધુ ખુશ હતી નવા નવા કપડાં ઘરેણાંથી ઓપતી આભા મા બનવાની હોવાથી, ઘર નો વારસ આપવાની હોવાથી પૂરી કાળજી લેતા સાસુ. રાધી ને હંમેશા તિરસ્કાર ! રાધી ને ઘણીય ઈચ્છાઓ હતી તેનું નાનકડું મન હંમેશા બળવો પોકારતું પણ પછી શાંત પડી જતું. .અંદર અંદર એક ચિનગારી રહેતી.

          હવે તો રાધી પણ આ બધા લગ્નમાં જાય તે ટાણાની જ રાહ જોવા લાગી. વહેલી સવારે ઊઠીને ઢગલો સૂચનાઓ આપીને ઘરનું અને તેનું ધ્યાન રાખવાનું જણાવીને બધા ગયા.. આમ તો બાજુનું ગામ હતું, પણ પ્રસંગ મોટો હોવાથી બધા જ ગયા હતાં. .હાશ !! હવે બે દિવસ રાધી ના હતાં..ખુબ આરામથી ઘસી ઘસીને નાહી. ઘણા વખતે સુંદર વાળ સાબુથી ધોયા. કાળા ભમ્મર વાળ વધુ ચમકદાર બન્યા. રાધીએ આજે આભાની મેડીના અરીસામાં ધ્યાનથી પોતાની જાતને નીરખી. મનભાવતી રસોઈ, અથાણા, દૂધ બધું હાથવગુ હતું. આખો દિવસ મનગમતા કામોમાં નીકળી ગયો. સાંજ પડવા આવી ગાયોની ગમાણમાં ઘાસ મૂક્યું. .નાનકડી ઓરડી બંધ કરી અંધારું થતાં પહેલાં જ દીવા કરીને ડેલી ને વ્યવસ્થિત બંધ કરી. .આજે તો ફક્ત એક રાધી જ. .ઘણા વખતે પેટ ભરીને જમી અને તેથી જ આજે કદાચ વધુ સારી ઊંઘ મળે એટલે રાધી વહેલી વહેલી મેડી એ પહોંચી ગઈ. પણ મન આજે અવળચંડુ બન્યું હતું રાધી એ તેના પેટારાના સાવ ખૂણે સફેદ કપડામાં લપેટીને મૂકેલું રંગીન લૂગડું ઉઘાડયું. કેટલા પ્રેમથી પહેરાવ્યું હતું કિસના એ.રાધી એ ઊંડા શ્વાસ લઈને લૂગડું સુંઘ્યુ. કિસનાની સુગંધ તેને ઘેરી વળી.

શ્વાચ્છોશ્વાસ તેજ બની ગયા.. રાધીએ લૂગડું લપેટ્યુ લાગ્યું જાણે કિસના ના હાથ તેને વિંટળાઈ વળ્યા. ચહેરા પર રતાશ પ્રસરી ગઈ આભાના ડબ્બામાંથી ચોરીછૂપે લઈ લીધેલો લાલ ચાંદલો કપાળે લગાવ્યો અને ખુલ્લા લીસા વાળ રાધી આજે કિસનાની અભિસારિકા બની હતી. અડધી રાત વીતી ગઈ.. જાણે કીસનો આજે રાધીની પાસે જ હતો..અને એટલે જ ઊંઘ તો રાધીથી ખૂબ જ દૂર હતી.

         નીચેની ડેલીમાં જરા-તરા ખખડાટ થયો.. કદાચ કોઈ જાનવર કે ગાય ભેંસ ઘણીવાર દિવાલ કે દરવાજા સાથે રાત્રે ઘસાતું. .રાધી એ ફરીથી ખખડાટ સાંભળ્યો, અને તે મેડીએ થી નીચે ઉતરી લાઈટ કરી.. પણ ચોકમાં તો અંધારું જ રહેતું.. રાધી બધું જોઈ વળી. કદાચ બિલાડું હોય.તે રસોડામાંથી બહાર આવી. બધું ફરીથી બંધ કર્યું. .એક નજર ચોકમાં કરી અને ઉપર મેડીએ જવા જતી હતી કે તે ધ્રૂજી ઊઠી્.. ચમકતી આંખો ! એક ઓળો. અને પરીચિત વાસ..તે આશ્ચર્યથી ઊભી રહી ગઈ.. અમંગળની આશંકા એ ધ્રૂજી ઊઠી.એ ઓળો તેની નજીક આવી ચૂક્યો હતો. એક વિશાળ હાથ એના મોઢે દબાઈ ગયો અને તે ઓળા એ ફૂલ જેવી રાધીને પળભરમાં ઊચકી લીધી. કસાયેલું શરીર ધરાવતી રાધી આ વિશાળ હાથો અને આસુરી તાકાતથી છટપટાઈ ઊઠી. પછીતે આવેલા નાનકડા ઓરડામાં તેનું શરીર જોરથી પટકી દેવામાં આવ્યું..હજુ સંતુલન સંભાળે કે કાંઈ વિચારે તે પહેલા તો ઓરડાની કડી બંધ થઈ ગઈ. બારીઓ વગરનો નાનકડો ઓરડો અંધારાથી ઘેરાઈ ગયો..બચવા માટેના દરેક પ્રયાસ એક પાશવી તાકાત આગળ નિરર્થક થઈ ગયા અંધારું, દારૂની ખાટી વાસ અને તમાકુથી ગંધાતુ એક શરીર. .ચીસ પાડવા ખુલેલા રાધીના મોઢામાં રંગીન લુંગડુ દબાવી દેવામાં આવ્યું. ચીસ ગળામાં અટવાઈ ગઈ, ખુલ્લા વાળ ખેંચાઈ રહ્યા અને એ કાળોતરાએ રાધી ને કંઈ કેટલાય ડંખ માર્યા..પાશવી અત્યાચારથી કાંપી ઊઠેલી રાધીને ઘણા કલાકે ભાન આવ્યું.. વહેલી પરોઢ હતી. મહાપરાણે અંધારામાં પોતાના શરીરને ઘસડીને બાજુમાં પડેલા દારૂના નશામાં ચકચૂર ગંધાતા શરીરથી દૂર થઈ. આખરે ભાંગેલુ મન અને ભાંગેલું શરીર લઈ રાધી બહાર આવી. શરીર અને રાધી બેય કચડાઈ ગયા હતાં. રૂંવે રૂંવે અગનઝાળ વ્યાપી હતી અને કાનમાં એ શબ્દો,"હવે તો આમ જ રહેશે અને એક ખંધુ હાસ્ય. .દારૂના નશામાં બોલાયેલા શબ્દો,કિસના ને સમયસર દવાખાને લઈ ગયો હોત તો આ દિવસો જોવા ના મળ્યા હોત. આભા મારા બાળક ને સાચવશે અને હું તને.

     રાધી કૂવા પાસે ફસડાઈ ગઈ. ડોલ ઊઠાવી ઠંડુ પાણી શરીર પર રેડ્યુ જાણે સળગતા શરીરને શાતા મળે. એક નજર કૂવામાં કરી બસ બધી તકલીફોનો અંત. રાધી એ ચીંથરેહાલ રંગીન લૂગડું શરીરથી અલગ કર્યું અને સફેદ વસ્ત્રો પહેરતા જ જાણે એક જવાળા શરીરમાંથી બહાર આવી. શરીરમાં અને મનમાં લાગેલા ઘા, ઝમતુ લોહી, દબાવી રાખેલો આક્રોશ અને અંદરથી આવતા પશુ જેવા નસકોરાના અવાજ. .ઉશ્કેરાયેલી રાધીએ બે ઘડી માટે આંખો મીંચી. તેની આંખો સામે બેજીવી આભાનો ચહેરો આવ્યો.. અને સાથે જ સુમેર ના શબ્દો. રાધી ને કમકમા આવી ગયા. ઊંડા શ્વાસ લઈ અને રાધી એ નિર્ણય કર્યો. રંગીન લૂગડાંનું ચીથરુ ઉઠાવ્યુ અને ધસમસતી ઓરડીમાં ગઈ. સુમેરની બાજુમાં પડેલી માચીસની ડબ્બી ઉઠાવી અને લૂગડાં મા ચાંપી ને લૂગડું ઘાસચારાના સૂકા ઘાસમાં ફેંક્યું.. ઝડપથી ઘાસ સળગ્યું. રાધી એ બહારથી ઓરડી વાસી દીધી. બારીઓ વગરની અવાવરુ ઓરડીમાં ઝડપથી આગ પ્રસરી વહેલી પરોઢની શાંતિમાં સુમેરની ચીસોથી ડેલી ગાજી ઊઠી..શાંત ચિત્તે ભળભળ સળગતી ઓરડીને રાધી જોઈ રહી. હળવેથી ઓરડીની કડી ખોલીને તે ડેલીના દરવાજે દોડી. આગ આગની બૂમોથી આખું ગામ ભેગું થઈ ગયું. રાધી એ સફેદ લૂગડામાં શરીર સંકોરી લીધું. ગામ આખામાં અરેરાટી ફેલાઈ ગઈ ! સુમેરની સળગતી બીડીની આગ તેનો જીવ લઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy