સવાલ
સવાલ
નિશા એ પિતાજી ને સાચવીને ગાડીમાંથી બહાર ઉતાર્યા.. કાળજીપૂર્વક હાથ પકડી અને દવાખાનામાં લઈ ગઈ. છેલ્લા બે-ત્રણ દિવસથી મનુભાઈની તબિયત નાદુરસ્ત હતી તેથી જ નિશા આજે આગ્રહ કરીને તેમને દવાખાને લઈ આવી હતી.
ડોક્ટર બળવંત ભાઈ વર્ષો જૂના અને જાણીતા ...મનુભાઈ ને જોઈને તેમને આવકાર આપ્યો. મનુભાઈ ઘણા વર્ષે આવ્યા !! " હા સાહેબ" જુઓ ને હવે તમારી જરૂર પડી. બે-ત્રણ દિવસથી ચક્કર જેવું લાગે છે. થાક અને અશક્તિ છે ...કદાચ ઉંમરની અસર છે, થઈ જશે ..........પણ દીકરી માનતી નથી કહે છે "ચાલો બતાવીએ". મનુભાઈ એ જવાબ આપ્યો.
ડોકટરે મનુભાઈ ને વ્યવસ્થિત તપાસ્યા બીપી બધું ચેક કરી અને અમુક દવાઓ લખી આપી.આ સઘળા કામકાજ દરમિયાન તેમણે દીકરીની આંખોમાં પિતા માટે કાળજી અને પ્રેમ જોયા. ને ડોકટર પૂછી બેઠા ' આ મોટી દીકરી' ? 'તમારે તો દીકરો પણ છે ને મનુભાઈ '? મનુભાઈએ ગર્વ સાથે જણાવ્યું હા સાહેબ દીકરો ઓસ્ટ્રેલિયામાં છે, છેલ્લા પાંચ વર્ષથી... આ બેઉ દીકરીઓ જ મારી સાચવણી અને સેવા કરે છે..... આ નાની દીકરી છે , એન્જિનિયર છે સાહેબ ...જતી ઉંમરે ખૂબ કાળજી રાખે છે મારી. દીકરાને તો સમય જ નથી....... ડોક્ટર સાહેબ દીકરી સામે જોઈ રહ્યા, અને જરાક વિચારી ને સવાલ પૂછ્યો ?ઓહોહો....આ તો એજ ને જે ગર્ભ માં છે એ જાણી અને તમે તમારા પત્નીને લઈને મારી પાસે જ ગર્ભપાત કરાવવા આવ્યા હતા. અને મેં પાછા વાળ્યા હતા....ચાર આંખો મળી અને એકમાં આઘાત અને એકમાં શરમ લીંપાઈ ગઈ.
