Prashant Subhashchandra Salunke

Abstract

3  

Prashant Subhashchandra Salunke

Abstract

વિરહની વેદના

વિરહની વેદના

5 mins
228


મારા પિતાજીની રેલવેની નોકરીને લીધે અમારા પરિવારજનોનું જીવન લગભગ ભારત ભ્રમણ કરવા નીકળેલાં યાત્રીઓ જેવું હતું. અમારા પડોશીઓ માટે અમે કાયમ નવા પડોશીઓ જ હતાં ! ક્યારે સુરત, ક્યારે જામનગર, ક્યારે પંજાબ... પિતાજીની ટ્રાન્સફર થતાં અમારે પણ નવી જગ્યાએ જવું પડતું ! તેથી મારા ક્યારે દોસ્તો થયાં જ નહિ ! જે વસ્તીમાં રહેતો ત્યાં મિત્રો બનવા લાગે કે અમારે ઘર ખાલી કરવાનો વારો આવે. પછી પત્ર વયવહાર થોડા સમય ચાલે ત્યારબાદ વ્યવહારિક રીતે જુના દોસ્તો સાથેનો એ વ્યવહાર બંધ થઈ નવા દોસ્તો સાથે હું તહેવાર ઉજવવાની તૈયારીઓમાં ગોઠવાઈ જતો.

વડોદરામાં હું ખાસ્સો સમય રોકાયો હતો. મારા પિતાજીની ત્યાં બે વર્ષ માટે ટ્રાન્સફર થઈ હતી. ત્યાં હેમંત જોડે મારી સારી એવી દોસ્તી થયેલી. એકવાર હેમંતના જન્મદિવસે હું એના ઘરે ગયો. ત્યાં આવેલ બધા લોકોમાં મારૂ ધ્યાન એક ૮૦ વર્ષના વૃદ્ધ દાદા પર ગયું. એમ તો બીજા ઘણા વૃદ્ધો ત્યાં હતાં પણ આ દાદાની વાત જ કંઈક નિરાળી હતી. એમનું શરીર અશક્ત હતું પણ ગજબનો જોશ એમનામાં હતો. હેમંતના જન્મદિવસને એમણે ગીતો ગાઈ, રમુજી ચુટકુલા કહી, જન્મદિવસને યાદગાર બનાવી દીધો !

મેં કુતુહલવશ હેમંતને દાદા વિષે પૂછ્યું. “હેમંત આ દાદા કોણ છે? મેં અગાઉ ક્યારે એમણે જોયા નથી?”

હેમંતે હસીને કહ્યું, “અજય આ દાદાને હું પણ ઓળખતો નથી. વાત એવી છે કે મારા પિતાજી સમાજસેવક છે. મારા જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમના કેટલાંક વૃદ્ધોને પાર્ટીમાં આવવાનું નિમંત્રણ આપેલ જેથી તેઓ અહીં આવે અને પાર્ટીના આનંદમાં થોડું મન હળવું કરે. આ દાદા પણ એ જ વૃદ્ધાશ્રમમાં રહે છે.”

હું એ દાદાને મળ્યો અહીં તહીની વાતો કરી. મને દાદા જોડે વાતો કરવાની મજા આવી. દાદાને નાની નાની બોધકથાઓ કહેવાનો શોખ હતો. અને મને સાંભળવાનો ! પછી તો શું કહેવું? અમારી દોસ્તી ગજબની જામી. હવે હું અવારનવાર હેમંત સાથે એમણે મળવા વૃદ્ધાશ્રમમાં જવા લાગ્યો. દાદાને યોગાનો ગજબનો શોખ. હું ક્યારેપણ વૃદ્ધાશ્રમમાં જઉં તો ત્યાં તેઓ મને કોઈકને કોઈક આસનમાં આસ્સન દેખાતાં ! તેઓ મને કહેતા “બેટા તું જાણે છે આ આસનનો શોધ ઋષિમુનિઓએ કેવી રીતે લગાવ્યો?”

મેં નકારમાં માથું હલાવ્યું.

એમણે કહ્યું “બેટા યોગના દરેક આસનો એ કોઈકને કોઈક જનાવરની શારરિક મુદ્રા છે. કૂતરો, બિલાડી, મોર એવા પ્રાણી શરીરની ખાસ મુદ્રાઓ દ્વારા એમનો થાક કે બીમારીને દુર કરતાં હોય છે. એમની એવી જ મુદ્રાઓ વડે આસનો શોધાયા. ખેચરીમાં જીભ કાઢી આપણે શ્વાસ લઈએ છીએ ને? કેમ? શરીરને ઠંડું કરવા. બરાબરને? હવે તું જ જો કૂતરો થાકે કે એણે ગર્મી લાગે તો એ શું કરે? જીભ બાહર કાઢી ઊંડા ઊંડા શ્વાસ લે છે ને?”

આમ દાદાની વાતો સાંભળવાની મને બહું મજા આવે. એમના પાસે જ્ઞાનનો ભંડાર હતો. એમણે રસોઈ બનાવવાનો પણ ખુબ શોખ ક્યારેક ક્યારેક અમે બાહર ફરવા જઈએ ત્યારે તેઓ ચૂલો સળગાવી તેના પર સેવ ઉસળ બનાવે. અને આજ સુધી એમણે બનાવેલ સેવઉસળ જેવી સ્વાદિષ્ટ સેવ ઉસળ મેં બીજે ક્યાંય ખાધી નથી. એ પછી હેમંત સુરત જતો રહ્યો. હવે મારા પિતાજીની બદલી નહિ થઈ ત્યારે મારા મિત્રના પિતાજીની બદલી થઈ ! મને મારી કુંડલી કોઈ જ્યોતિષને બતાવી પૂછવાની ઈચ્છા થઈ કે “મારી કુંડળીમાં મિત્ર યોગ કેવો છે?”

હેમંતના સુરત ગયાં પછી પણ મેં વૃદ્ધાશ્રમોમાં જવાનું ચાલું જ રાખ્યું. દાદા મને ચુટકુલા સંભાળવે અને તરહ તરહની વાનગીઓ કેવી રીતે બનાવવાની એ શીખવાડે. દાદાને હું એકદિવસ પણ ન જઉં તો ચેન ન પડે. તુરંત બીજા દિવસે મીઠો ઠપકો આપે “કેમ આ ડોસાથી હવે કંટાળો આવવા લાગ્યો?” આમ હસી મજાકમાં દિવસો ક્યારે વહી ગયાં તે ખબર જ ન પડી. અને એક દિવસ મેં મારા માતા-પિતાને સુટકેશ ભરતાં અને ઘરનો સામાન ખાલી કરતાં જોયાં ત્યારે ધ્યાનમાં આવ્યું કે વડોદરા આવ્યે અમને બે વર્ષ પૂર્ણ થયાં હતાં. ભરાતો સામાન જોઈ મારા ધ્યાનમાં આવ્યું કે હવે અમે એક બે દિવસ માટે જ વડોદરાના મહેમાન છીએ ! અને ત્યાંજ અચાનક મારી નજર સામે વૃદ્ધાશ્રમ અને બોખા મોઢા વડે હસતાં દાદા દેખાઈ આવ્યાં. મનમાં એક ડરનો ભાવ નિર્માણ થયો. દાદાને આ સમાચાર આપીશ ત્યારે એમની હાલત કેવી થઈ જશે? શું એ આ વેદનાનો વિરહ જીરવી શકશે? સમયનો પ્રવાહ ફક્ત વહેતો નથી પોતાની સાથે ઘણું જોડતો, તોડતો અને બદલતો જાય છે. હવે જુઓને આ દોઢ વર્ષે દાદા જોડે મારો સંબંધ જોડેલો અને આ દોઢ વર્ષ ફક્ત પુરો નહોતો થતો સાથે અમારા સંબંધ પણ તોડીને પૂરા કરવાનો હતો અને સાથે મારૂ જીવન ફરીથી બદલવાનો હતો. દાદાને જયારે આ કહીશ ત્યારે તે શું વિચારશે?”

એ રાત્રે મને ઊંઘ ન આવી રાત્રીનો સૂનકાર મારા મનમાં શૂન્યકાળ નિર્માણ કરી રહ્યો હતો. રાત આટલી લાંબી હોય છે એની જાણ મને એ રાત્રીએ થઈ ! પલંગ પર ન જાણે કેટકેટલી કરવટો બદલી ત્યારે સવાર થઈ. કહે છે કે સવાર એ તાજગી લાવે છે પણ આજની સવાર મારા જીવનમાં સાદગી લાવેલી ! મારૂ વર્તન એકદમ નિર્જીવ થઈ ગયું હતું. મને એક જ ડર સતાવતો હતો કે દાદાને જયારે આ ખબર કહીશ તો શું થશે?

ધીમે ધીમે મેં વૃદ્ધાશ્રમ તરફ પગલાં વધાર્યા, વૃદ્ધાશ્રમના એ મોટા ઝાપા પાસે આવી હું ઉભો રહ્યો. પહેલીવાર એ મજબુત દરવાજો જોઈ મને વિચાર આવ્યો કે વૃદ્ધાશ્રમનો દરવાજો આટલો મજબુત ત્યાંના વૃદ્ધોની સલામતી માટે હતો, કે તેઓ ત્યાંથી નાસી ન છૂટે એની સાવચેતી માટે હતો? સામે જ દાદા મને પ્રાણાયામ કરતાં દેખાયા. હું ધીમા પગલે એમની સામે જઈ ઉભો રહ્યો. દાદા એ આંખો બંધ રાખતાં જ પૂછ્યું “કેમ બેટા, આજે નિરાશ લાગે છે?”

મારા પગલાંના અવાજથી તેઓ મારા મનના વિચારને જાણી ગયાં હતાં ! મેં કહ્યું “દાદા અમે હવે મહારાષ્ટ્ર જવાના છીએ”

દાદાએ કહ્યું, “સુખી રહો બેટા આનંદથી જાઓ અને સફળ થાઓ”

મને એમ હતું કે આ સાંભળી દાદા રડી પડશે મને વળગી પડશે પણ એમના વ્યવહારમાં આવું મને કાંઈ ન દેખાતાં અચરજ થયું મેં ધીમેથી વાતની સ્પષ્ટતા કરી “દાદા હવે હું વડોદરા પાછો નહિ આવું, હું કાયમ માટે મહારાષ્ટ્ર જઉં છું” આમ બોલતા બોલતાં મારો અવાજ રૂંધાઈ ગયો.

દાદાએ આંખો ખોલી મને રડતાં જોઈ એમણે મને પોતાની પાસે ખેંચી લેતાં બોલ્યો “હ્ટ....પાગલ આમ રડાતું હોય?”

મેં કહ્યું “દાદા તમને આ જાણીને દુઃખ ન થયું? મને એમ કે તમે પણ રડશો?”

દાદા બોલ્યા “બેટા દુઃખ તો મને બહુ થયેલું એ દિવસે જયારે મારા છોકરાઓ મને આ વૃદ્ધાશ્રમમાં મૂકી ગયેલાં. મારા નાના નાના પોત્રોથી વિખુટા થતી વખતે મારી આત્મા સુધ્ધાં રડી પડી હતી. અહીં આવ્યો ત્યારે અઠવાડિયા સુધી મેં કંઈપણ ખાધું પીધું નહોતું. આમને આમ આંસુ સારતો પડી રહેતો. ચૂપચાપ, લાચાર બેટા, જેણે વર્ષોથી પાળીપોષીને મોટા કર્યા હોય તેવા લોકોથી વિખુટા પડ્યાનો આઘાત જીરવ્યો હોય તેવા આ તારા દાદા પાસેથી હવે તું ક્યાં એ વિરહના વેદનાની અપેક્ષા રાખે છે, બેટા જેની આંખના આંસુ રોઈ રોઈને સુકાઈ ગયાં હોય તે ઘરડાં પાસે તું ક્યાં રડવાની અપેક્ષા રાખે છે? બેટા વર્ષોના અનુભવોએ છેવટે એ જ શીખવાડ્યું કે કશાની મોહમાયામાં ન પડ પંકજ, તારું કોઈ સગું નથી, તારું કોઈ વહાલું નથી અહીં છે તો ફક્ત ને ફક્ત એકજ વસ્તુ તારી છે અને તે છે વિરહની વેદના..... અત્યંત પીડા......”

હું રડતી આંખે દાદાની એ નિર્જીવ, ભાવશૂન્ય આંખો તરફ જોતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract