વિજય
વિજય
નંદિતાએ એના ગરબામંડળમાં આગવું સ્થાન મેળવી લીધું હતું. નંદિતા આવે એટલે ગરબાની રોનક વધી જ જાય. રૂપ તો ઈશ્વરે ખોબે ખોબે આપ્યું હતું. માત્ર રૂપ જ નહીં, એની સાથે એને મધુર અવાજ પણ આપ્યો હતો.
નંદિતા માતાજીની પરમભક્ત. શરૂઆતના માતાજીના પાંચ ગરબા નંદિતા જ એના મધુર અવાજમાં ગાતી. એણે ઘરમાં પણ ઘટ સ્થાપન કરેલું. એ ગરબે રમતી એ જોવા આજુબાજુવાળા પણ એને નિહાળવા આવી જતાં. નંદિતા પાસે બધા ગરબાના "સ્ટેપ" શીખવા આવતાં. એ બધાને સાંજે પ્રેમથી શીખવાડતી. બાકી સવારથી માતાજીની સ્તુતિ કરતી.
આમ તો નંદિતા નિયમિતપણે દુર્ગાસપ્તશતી,
શક્રાદયસ્તુતિ, દેવીકવચના પાઠ નિરંતર કરતી રહેતી. બધી વાતે સુખી. બધા કહેતાં એની પર માતાજીની કૃપા છે.
તે દિવસે તો એ જાણે કે સોળેકળાએ ખીલી હતી. રૂપાળા અંગ પર લાલ રંગના ચણિયાચોળી પહેરેલી નંદિતા પર જોનાર મોહી પડે. ખરેખર તો નંદિતા બધાની નજરમાં કેન્દ્રસ્થાને હતી. એ જ્યારે આરતી ગાતી ત્યારે સાંભળનારને થાય કે ભાવવાહી સ્વરમાં, શ્રદ્ધાપૂર્વક ગવાતી આરતી સાંભળી સાક્ષાત માતાજી હાજર થઈ જશે.
મોડીરાત્રે એ સ્કુટર પર જઈ રહી હતી ત્યારે ઘરથી થોડે દૂર ચારપાંચ મવાલીઓ હાજર હતા જ. કારણ બધાને નંદિતા ગમી ગઈ હતી એટલું જ નહીં એને એનકેન પ્રકારે પ્રાપ્ત કરવા પેંતરાઓ પણ બનાવી રાખ્યા હતા.
જ્યારે નંદિતા પસાર થઈ રહી હતી ત્યારે એ લોકો એ પહેલેથી જ રસ્તા વચ્ચે તાર બાંધી રાખ્યો હતો જેથી નંદિતા સ્કુટર પર આવે અને અંધારામાં તાર નહીં દેખાવાથી પડી જાય. થયું પણ એમ જ એમની યોજના મુજબ જ.
નંદિતા સ્કુટર પરથી પડી ગઈ. એ સાથે જ બધા મવાલીઓ નંદિતાની આસપાસ વિંટળાઈ વળ્યા. નંદિતા તો બીજી જ ક્ષણે ઊભી થઈ ગઈ. એટલું જ નહીં પરંતુ ઊઠતાંની સાથે જ એણે મવાલીઓ પર maegiri(ફ્રન્ટ કીક)
mawaashigiri(રાઉન્ડ કીક)
kingiri(beliwbeltkick)
yukogiri(સાઈડ કીક)
નંદિતાએ ચારે જાતની કીકો મારીને મવાલીઓની ધોલાઈ કરવા માંડી. કોઈના પણ ઊભા થવાના હોશ જ રહ્યા ન હતા.
મવાલીઓ સામે જોઈને એ બોલી, "તમને ખબર નહીં હોય કે કરાટેમાં વાઈટ, યલો, ઓરેન્જ, ગ્રીન અને બ્લુબેલ્ટ કરી ચૂકી છું. હાલ બ્રાઉન બેલ્ટ શીખી રહી છું જેથી તમારા જેવાની ધુલાઈ કરી શકું. સ્ત્રી એ અબળા નથી એ તો સાક્ષાત માતાજીનું સ્વરૂપ છે."
માંડ માંડ ઊભા થતાં મવાલીઓને લાલચણિયાચોળીમાં નંદિતામાં દેવી દુર્ગામાતા દેખાવા લાગ્યા. નંદિતાના મુખ પર વિજયી સ્મિત આવી ગયું.
જો કે મવાલીઓ નંદિતાની સામે જોયા વગર દોડી ગયા. રસ્તામાં બોલતાં હતાં કે આજે તો સાક્ષાત મા દુર્ગાના દર્શન થઈ ગયા.
