Shalini Thakkar

Abstract Drama

4.5  

Shalini Thakkar

Abstract Drama

વેલેન્ટાઈન ડે

વેલેન્ટાઈન ડે

5 mins
284


૧૪ મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન્સ ડે આ વર્ષે પણ અનન્યા માટે ખાસ હતો. પોતાના બેડરૂમની બારી પાસે ગુમસુમ બેસીને ઊગતા સૂરજને એકીટશે નિહાળી રહેલી અનન્યા જાણે કોઈ ખાતરી કરવા માંગતી હોય એમ પોતાના હાથમાં રહેલી એની પાંચ વર્ષ જૂની ડાયરી ખોલીને એમાં જતનથી સાચવી રાખેલું ફૂલ બહાર કાઢ્યું, સૂકાઈ ગયેલું ફૂલ ! એ ફૂલનો સ્પર્શ કરતાં જ એક ક્ષણ માટે જાણે દિલમાં દર્દ ઉઠ્યું અને પછી તરત જ સમી ગયું. કદાચ એની સાથે જોડાયેલી લાગણીઓ પણ એ સુકાયેલા ફૂલની જે સૂકાઈ ગઈ હતી. જાણે કે આજની અનન્યા સાથે અને એના વર્તમાન સાથે એને કોઈ નિસ્બત જ ના હોય. અને એ વાતની ખાત્રી થઈ જતા અનન્યાએ આખરે પોતાનો નિર્ણય લઈ લીધો.

બરાબર પાંચ વર્ષ પહેલા આજના દિવસે અનન્યા જ્યારે કોલેજના પહેલા વર્ષમાં હતી ત્યારે જાણે સફેદ ઘોડા પર સવાર કોઈ રાજકુમારની જેમ અવિનાશે એ જીવનમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે એણે અનન્યાને લાલ કલરનું ગુલાબ આપીને,"હેપ્પી વેલેન્ટાઇન્સ ડે"કહ્યું હતું ત્યારે અનન્યાના રોમરોમમાં અદભૂત અનુભૂતિ થઈ હતી. લાલ ગુલાબ સાથે એના જીવનમાં પ્રવેશેલો પહેલો પ્રેમ, જીવનમાં બહાર લઈને આવ્યો હતો. એ કોલેજનો સુવર્ણકાળ જાણે ઇન્દ્રધનુષી સ્વપ્નાઓ અને રંગબેરંગી ફૂલો વચ્ચે પસાર થઈ રહ્યો હતો. અવિનાશના રંગે રંગાયેલી અનન્યા એ રચેલા રંગબેરંગી સપનાઓનો રંગ ત્યારે ઊડી ગયો જ્યારે અવિનાશ ના માતા-પિતાએ તેમના સંબંધને મહોર લગાવવા નો અસ્વીકાર કર્યો. બધા સપનાઓ ચૂરચૂર થઈ ગયા. પોતાના માતા-પિતાના એકના એક સંતાન અવિનાશએ અનન્યા અને એના માતા-પિતા વચ્ચે સંબંધનો સેતુ બાંધવાનો અગાધ પ્રયત્ન કર્યો પણ બધું એના રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા મા બાપની સામે વ્યર્થ હતું. અવિનાશ અને અનન્યા પોતાના માંબાપની મંજૂરી વગર સંબંધ આગળ વધારવાના નહતા માગતા. આખરે હારીને અવિનાશે અનન્યાને બંધન માંથી મુક્ત કરતા કહ્યું કે એ પોતાના માતા અને પિતાને મનાવવાનો દિલોજાનથી પ્રયત્ન કરશે પરંતુ ત્યાં સુધી એ અનન્યા ને એક અનિશ્ચિત ભવિષ્યની દોરમાં જકડવા નથી માંગતો. એ પોતાના જીવનમાં પોતાની રીતે આગળ વધીને કોઈપણ નિર્ણય લેવા માટે આઝાદ છે. અને જો એ દરમિયાન એના માતા-પિતા એમના સંબંધ સ્વીકારશે અને એ વખતે પણ જો અનન્યાની આંખોમાં એનો ઇન્તજાર હશે તો એ ત્યારે પણ જીવનના એ જ મોડ ઊભો હશે જ્યાંથી બંને છુટા પડ્યા હતા...... ત્યારથી લઈને આજ સુધી અવિનાશ અનન્યાના હૃદયમાં, એની ડાયરીમાં સાચવી રાખેલા વેલેન્ટાઇન્સ ડેના પ્રેમના પ્રતીક સમાન લાલ ગુલાબ દ્વારા, સમાયેલો રહ્યો હતો.

છેલ્લા બે વર્ષથી વિખરાઈ ગયેલી અનન્યા જેમ તેમ પોતાની જાતને સમેટીને વર્તમાનમાં જીવન જીવવા માટે પોતાની જાતને તૈયાર કરી રહી હતી અને ત્યાં જ તો બે દિવસ પહેલા વોટ્સએપ પર આવેલા અવિનાશ ના મેસેજ એ એને જાણે જડમૂળથી હલાવી દીધી હતી. અવિનાશનો મેસેજ,"મમ્મી પપ્પા એ રાજીખુશી આપણા સંબંધનો સ્વીકાર કર્યો છે અને પરમ દિવસે એટલે કે વેલેન્ટાઈન્સ ડેના દિવસે હોટલ વેલેન્ટાઇન માં સાંજે છ વાગ્યે હું તારો ઇંતજાર કરીશ. જો તું લાલ કલરના ડ્રેસમાં હાથમાં લાલ ગુલાબ લઈને ત્યાં આવીશ તો હું સમજી લઇશ કે તારી આંખો આજે પણ મારી પ્રતીક્ષા કરી રહી છે. અને જો તું ના આવી તો હું સમજી જઈશ કે તું જીવનમાં આગળ વધી ગઈ છે અને મને તારાથી કોઈ ફરિયાદ નહિ હોય. હું હંમેશા તારા માટે પ્રાર્થના કરીશ કે તુ જ્યાં હોય ત્યાં ખૂબ જ ખુશ રહે."

બારી પાસે બેસી રહેલી અનન્યા ચહેરા પર મક્કમ હાવભાવ સાથે ત્યાંથી ઊભી થઈ અને ઓફિસ જવા માટે તૈયાર થવા માંડી. આજે ઓફિસમાં એણે હાફ ડે લીધો હતો. બપોર સુધીમાં ઓફિસથી પાછા ફરીને અનન્યા એ થોડો આરામ કર્યો. સાંજે ફ્રેશ થઈને બહાર નીકળવા માટે એણે જેઓ પોતાનો વોર્ડરોબ ખોલ્યો એને લાલ કલરનો ડ્રેસ સામે જ દેખાયો. એણે ડ્રેસ કાઢીને પહેર્યો અને પછી તૈયાર થઈને અરીસામાં પોતાની જાત ને નિહાળવા લાગી. છેલ્લા થોડા સમયમાં તો ઝરણાની જેમ ઉછળતી કુદતી અનન્યા ના ચહેરા પર એક ધીરગંભીર નદી જેવી પરિપકવતા આવી ગઈ હતી જે એના વ્યક્તિત્વને વધુ નિખાર આપી રહી હતી. દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોઈને આજ ના દિવસે એ પોતાના જ પ્રેમમાં પડી ગઈ. આજે એ પોતાનો નિર્ણય પોતે સ્વતંત્ર રીતે લઈ શકે એટલી ભાવનાત્મક રીતે સ્વતંત્ર અને મજબૂત થઈ ગઈ હતી એમ વિચારીને એણે પોતાના હાથમાં રહેલું લાલ ગુલાબ સામે દેખાતા પોતાના પ્રતિબિંબને આપતા જાણે બોલી, હેપ્પી વેલેન્ટાઇન્સ ડે'હું તને ખૂબ પ્રેમ કરું છું. આખરે જીવનમાં પોતાને પ્રેમ કરવો આપણી પહેલી ફરજ છે.

તૈયાર થઈને ઘરની બહાર નીકળી અને સમયથી થોડા પહેલાં જ હોટલ વેલેન્ટાઈનમાં પહોંચી ગઈ. અંદર પ્રવેશી સામેની સાઈડ બે ખુરશી વાળી રીઝવડ ટેબલ પર જઈને બેસી ગઈ. થોડી જ વારમાં એની પ્રતીક્ષા ને અંત આપતો દૂરથી અભિષેક આવતો દેખાયો. નિર્દોષ ચહેરા સાથે ઉછળતો કૂદતો, ચહેરા પર એક બાળક જેવા હાસ્ય સાથે હોટેલમાં પ્રવેશતા અભિષેકને જોઈને અનન્યા ચહેરા પર સ્મિત આવી ગયું. એ જ અભિષેક જે છેલ્લા બે વર્ષથી અનન્યાના જીવનનો એક ખૂબ જ મહત્વનું ભાગ બની ગયો હતો. એ જ અભિષેક જેણે છેલ્લા બે વર્ષમાં ખોવાઈ ગયેલી અનન્યાને શોધવા એની મદદ કરી હતી. કોલેજકાળમાં અવિનાશની એના પર પડેલી દ્રષ્ટિ ને અનુસરતી અનન્યા પોતાનાથી દૂર એટલી આગળ વધી ગઈ હતી અવિનાશ ના ગયા પછી એ અંધકારમાં ક્યાંક દૂર જઈને ખોવાઈ ગઈ હતી જેને શોધવામાં એના ઓફિસના મિત્ર અભિષેકે એની મદદ કરી. છેલ્લા બે વર્ષથી એનો ખાસ મિત્ર અભિષેક જે જાણે-અજાણે એના જીવન સાથે ,એના દરેક તબક્કા સાથે જોડાઈ ગયો હતો. છેલ્લે એક અઠવાડિયા માટે ઓફિસમાંથી રજા લઈને જતા પહેલા એણે અનન્યાને એક મેસેજ કર્યો હતો જેમાં એણે કહ્યું હતું કે એ પોતાની દિલની વાત એને બતાવવા માંગે છે. જ્યારે એક અઠવાડિયા પછી બરાબર આજના દિવસે એ પાછો ફરશે ત્યારે હોટલ વેલેન્ટાઇનમાં મળી અને અને પોતાના દિલની વાત કહેશે. અનન્યા એ અભિષેકની ઓફિસની બેગમાં પોતાના માટે લખેલો કાર્ડ જોઈ ગઈ હતી અને એના દિલની વાત સમજી ગઈ હતી ત્યારથી આતુરતાથી આ દિવસની રાહ જોઈ રહી હતી અને આજે એ દિવસ આવી ગયો હતો. અવિનાશના પ્રેમ પર એને કોઈ શક ન હતો પરંતુ એ ગાડી જેમાં બેસીને સફર કરવા માંગતી હતી એ ગાડી તો પ્લેટફોર્મ પરથી ક્યારની ઉપડી ગઈ હતી અને સૂકાઈ ગયેલા ફૂલો ક્યારેય ગુલદસ્તા સજાવી નથી શકાતા. કહે છે ને કે'જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મુકામ વો ફિર નહિ આતે.'


Rate this content
Log in

Similar gujarati story from Abstract