વાયદો વિવાહનો
વાયદો વિવાહનો


મકરસંક્રાતિ આવી. કાળા કલરની કપડાંની જોડી અને કાળા કલરની પતંગો લઈ એ અગાસી પર ચડી ગયો. અગાસીમાં એપાર્ટમેન્ટના પાડોશી ને સગા વહાલા જે પતંગ ચગાવવા આવ્યાં હતા, એ સૌએ એક જ કોમન પ્રશ્ન પૂછ્યો. " મિહિર, આ કાળા પતંગ અને કાળા કપડાં કેમ ?"
"ઉપર આકાશમાં જુઓ ! અગાસીમાંથી રંગીન આકાશ દેખાય છે ને ! બસ.. એક કાળા કલરની કમી હું પૂરી કરું છું, કાળા કલરના કપડાં મારાં માટે લક્કી છે."
જવાબ સાંભળીને બધા હસતા હસતા પતંગ ચગાવવામાં મશગુલ થઈ ગયાં. પિન્કીની નજર મિહિર પર પડી, ધીમું ધીમું હસતી પિન્કીએ પિન્ક કલરનો જ ડ્રેસ પહેરેલો. મિહિર એક નજરે એને જોતો રહી ગયો.
મિહિર પતંગ ચગાવતાં ચગાવતાં પિન્કી સામે નજર કરી લેતો. ઉપર પતંગ અને અગાસીમાં પિન્કી. ઉમંગ સાથે દિલથી વારંવાર પિન્કી સામે જોઈ લેતો હતો. સામે એ પણ ત્રાંસી આંખે જોયા કરતી હતી.
બીજા માળવાળા મુકેશભાઈની દીકરી પિન્કી મેડિકલ કોલેજમાં રાજકોટ ભણતી, સંક્રાત કરવા હજી ગઈકાલ રાત્રે જ આવી હતી.
સવાર સવારમાં એ ગુલાબી કલરનો ડ્રેસ પહેરી, ગુલાબી પતંગ લઈને અગાસીમાં આવેલી. મિહિરના વર્તનથી પિન્કીને પણ પહેલી નજરમાં જાણે લાગણી ઉદ્દભવી હોય, એવું લાગ્યું.
સવારથી સાંજ બંનેના દિલ અને પતંગ પેચ લડતા રહ્યાં.
પતંગની મોસમ તો પૂરી થઈ ગઈ પરંતુ અમારાં પ્રેમની મોસમ પૂરબહાર ખીલી, પતંગ વગરનું આસમાન ખાલી થયું,
પણ પ્રેમને આગળ વધારવા એ અગાશી અને એ આસમાન અમારા મિલન માટે લવર પોઈન્ટ બન્યું.
આંખમાં આંસુ સાથે પિન્કી, મિહિરનો હાથ પકડી એક શ્વાસે બોલી.
"મિહિર આપણાં પ્રેમને પતિ, પત્નીના બંધનમાં બાંધવા માટે હું વિવાહનો પ્રસ્તાવ તારી પાસે રાખું છું. તને સ્વીકાર છે ? "
ઓહ... પિન્કી તે મારા મનની વાત કરી.. "હા.. હા.. હા મને સ્વીકાર છે.." બોલતાં મિહિર પિન્કીને આલિંગનમાં ભરી એક કપાળ પર ચુંબન કરે છે.
ત્રીજા દિવસે પિન્કી ફરી રાજકોટ જતી રહી. ગામથી ભલે બંને દૂર ગયાં પરંતુ ફોનનાં માધ્યમ દ્વારા દિલથી અમે એકબીજાની નજીક આવ્યાં.
ઉતરાણ સિવાય એ નહોતી આવતી, એમ ને એમ પાંચ વર્ષ વીતી ગયાં, એક બીજા વગર અમે નહોતા રહી શકતા ને કોઈને કહી પણ ના શક્યા.
"આ પાંચ વર્ષની પ્રણાલિકામાં પહેલીવાર અગાસી પર જવાનું મન નહોતું."
કાલ રાતે મોબાઈલમાં આવેલો પિન્કીનો મેસેજ અત્યાર સુધીમાં મેં બસ્સોવાર વાંચ્યો હતો. તેને લખ્યું હતું કે..
"મિહિર "આઈ એમ સોરી" હું નથી આવવાની, તારા પ્રેમ કે આપણા પ્રેમને ન્યાય પણ નથી આપી શકવાની, કે વિવાહનો વાયદો પણ પૂરો નહીં કરી શકું, હું મજબૂર છું, મને માફ કરજે. "
"અગાસીમાંથી અવાજ આવ્યો. દોરમાં ગૂચ વળી ગઈ હતી, ખોલ્યા પહેલા ! કાળા પતંગ સાથે પેચ લાગ્યાં પહેલા જ આ ઉતરાયણમાં ગુલાબી કલરની પતંગ કપાઈ ગઈ."