દિલનો દરિયો
દિલનો દરિયો


સાગર તટ પર સરકતી રેત પર ઉઘાડા પગે ચાલતી, ધમાસાણ ઉછળતા મોજાનાં અવાજો માણતી ને તોફાની પવન વચ્ચે ફરફરતાં કપડાંને સંકોરી, બંને હાથ પ્રસરાવી આકાશ તરફ જોઈ પાગલ થતી મેધ આજે આ આહ્લલાદક વાતાવરણમાં ખુશખુશાલ હતી.
હંમેશા ખુશ રહેવું, ખિલખીલાટ હસવું ને હસાવવું કોઈ એની પાસે શીખે. એક જ હાજરજવાબી સાગર જેમ ઉછળતી, સ્વભાવે લાગણીશીલ કોઈ પણ કાયમ મદદ કરવાની ભાવના, પ્રેમથી કે લાગણીથી બે-ચાર વાત કરો તો એ લાગણીનાં બહાવમાં ખેંચાતી જાય. દરેકનાં સુખમાં સુખી ને દરેકનાં દુ:ખમાં દુઃખી. બધામાં મિત્ર ભાવ રાખતી ને મિત્ર સ્વરૂપે જોતી, કૂદતી બંધન મુકત જીવન જીવતી મેધ.
રોજની દિનચર્યા મુજબ સંધ્યા ખિલી હતી.દરિયાકાંઠે પ્રકૃતિને માણતી મેધની નજર ચિરાગ પર પડી. દેખાવે સુંદર, હસતું વદન ને સાગર તટનો શોખીન. શું જોઈએ બીજું..? જોત જોતામાં પ્રથમ મુલાકાત દોસ્તીમાં બદલી ને ટૂંકા સમયમાં પ્રેમમાં. બંને પ્રકૃતિ પ્રેમીઓએ આજીવન સાથ રહેવાનો નિર્ણય કર્યો અને પરિવારની સંમતિ લઈ મિસ.મેધ, મિસીસ મેધ ચિરાગ શાહ બની..
સમયને જતાં ક્યાં વાર લાગે છે ? ગૃહસ્થી સંભાળતાં ગગન ચૂમતું મન જવાબદારીનાં પાંજરે પૂરાયું, અણગમાને સ્વીકારતી મેધ પ્રકૃતિ પ્રેમ, પોતાના શોખ અને આઝાદી મારતી ગઈ, અંદરો અંદર રૂંધાવા લાગી.
અચાનક એક દિવસ ભાવના કોલેજની સખી મળી ગઈ. જુનાં દિવસો વાગોળતાં ખુશીની લહેર ફરી ગઈ, સીધી સાદી ભાવનાએ પોતાની વિતક કથા સંભળાવી. પતિ,સાસુની જોહુકમી ને તેના પરની પાબંદીઓ અંગેની વાત સાંભળીને મેધ દ્રવી ઊઠી. ભાવનાએ તેને ખુશનસીબ કહી, જે સત્ય તો હતું પણ અપાર સુખ વચ્ચે તે પોતાની એકલતાથી બહુ વ્યથિત હતી.
સમય રેત સમ સરકતો રહ્યો નજીવી સફેદી વાળે આવી, દીકરો મોટો થયો, જવાબદારીઓ ઘટી અને ચિરાગની વ્યસ્તતા વધી. લગ્નને વીસ વર્ષ પુરા થતાં વાર ન લાગી. પુત્ર પણ અઢારનો થયો. સાસુ સાથે પ્રેમે પરિવારસુખ માણતી મેધને એકજ વાતે હૈયે લાગણી રૂંધાતી. ચિરાગ અતિપ્રેમાળને હસમુખો, ધંધાની પ્રગતિ, ઘરની જવાબદારી, રૂપિયા કમાવવામાં સધ્ધર બનતો જ ગયો. તનતોડ મહેનતે પરિવારને સુખસાહેબી આપતો ગયો.. હા, તકલીફ એકજ. પ્રેમ વ્યક્ત કરતો ઓછો થયો. સમય પુરતો આપી ન શક્યો. બિઝનેસ વિસ્તારવામાં જ ગળાડૂબ ચિરાગની વ્યસ્તતાએ મેઘને સાવ એકલી પાડી દીધી.
એક સવારે બજારમાં અચાનક પડોશમાં રહેતો આશિષ મળ્યો, નાનો એવો પરિચય, તેનો તોફાની ને મળતાવડો સ્વભાવ, મેધ તણાતી ગઈ,
સંસ્કારી, પતિપ્રેમી મેધની લાગણીઓ આશિષ તરફ ઢોળાઈ ગઈ. બંને કલાકો સુધી ફોન પર વાતો કરતાં. દિવસો વિતતાં ગયાં. લાગણીના સાગર પર જાણે પૂનમનો પ્રભાવ પડે તેમ પ્રિતના મોજા ઉછળવાં લાગ્યાં અને લાગણીને તરસતી મેધ ઉમંગે હિલોળેે ચડી..
બહુ જૂજ સમયની આ મીઠી મૈત્રી હજી પુરી માણી પણ નહોતી ને એક દિવસ નવરાશની પળોમાં સંસ્કારે દિલનો દરવાજો ખખડાવ્યો, અંતરે સવાલ કર્યો,” આ તું શું કરે છે..?
પોતાની ભૂલ સમજાઈ ને મેધ પસ્તાઈ. જાગ્યાં ત્યારથી સવાર એવો દ્રઢ નિર્ણય કરી તે આશિષ સાથે તમામ વહેવાર તોડી પોતાનાં સંસાર તરફ પાછી વળી.
ખુશી પાછા વળવાની તો હતી જ. પણ સાથે સાથે આશિષને તરછોડવાની વેદના હાવી થતી ગઈ, સાથ પોતાનાથી થયેલ મહા ભૂલનો અપાર પશ્ચાતાપ. ખુદને તિસ્કારતું તેનું મન સાવ ક્ષુબ્ધ થઈ ગયું હતું. સતત ઉદાસી ઘેરાયેલી રહેતી હતી. પરિવાર માટે, પતિ માટે તે થોડી બેજવાબદાર બનતી ગઈ. પોતાનું અસ્તિત્વ ગુમાવી મૌનના સાગર પેટાળમાં ઉતરવા લાગી.
સતત વ્યથામાં ફસાયેલી મેધને જીવતર ચૂભવાં લાગ્યું, દુઃખનાં વાદળને જીરવી શકાય તો સુખનો સૂરજ નિકળે, સાગર પોતાનો સ્વભાવ ના મૂકે, દર્દ સહતા ખુશી સામે ચાલીને આવે..આવું જ કંઈક તુષારના આગમને થયું. ચિરાગનો ખાસ મિત્ર તુષાર પોતાના બિઝનેસના કામના સંદર્ભે તેમના ઘરે રહેવા આવ્યો હતો. ચકોર નજરે તેે મેધની તકલીફ કળી ગયો અને સાચો મિત્ર બની તુષારે લાગણી સભર પ્રયત્નો કર્યા. બહુ સમજદારી દાખવી તેણે મેધનો વિશ્વાસ જીત્યો અને ધીરે ધીરે સમજાવટથી મેઘને આ માનસિક તણાવથી મુક્તિ આપી. મેધને મિત્રત્વની અણમોલ સોગાત આપી તકલીફોમાંથી ઉગારી લીધી.
તુષારની આ મદદથી મેધ ઉદાસીના વમળમાંથી બહાર તો આવી, પણ હવે તે તુષારને પસંદ કરવા લાગી. સમજુ મેધને અનુભવતાં વાર ન લાગી કે જે પરિસ્થિતિમાંથી તે મહાપ્રયત્ને બહાર આવી હતી તે તરફ ફરી જઈ રહી હતી. જેણે મિત્ર બની ઉગારી એ મિત્ર માટે જ ફરી ખેંચાઈને એ ચક્રવ્યુહમાં ફસાતી જતી હતી. તુષારને પરિસ્થિતિ સમજાઈ અને ફરી તેણે પોતાની સુધબુધ અપનાવી, મેધને કહ્યું, "મેધ, તું સાગરના પાણી સમાન છો.. લાગણીનાં વેગે ચાલીશ, ઉછળીશ, કિનારો શોધવાં ભટકીશ પણ તને કિનારો નહીં મળે. તારો સાચો સંસાર જ સાગર રૂપી ચિરાગ છે. તારે ત્યાં રહેવાનું છે. તે જ તારો સંસાર છે, ભરતી આવ્યે ગમે તેટલી બહાર આવીશ પરંતુ હું તારો કિનારો નહીં બની શકું. તારે પરત સાગરમાં જ સમાવાનું છે."