જાદુગરની આંખમાં આંસુ
જાદુગરની આંખમાં આંસુ


આખો ટાઉનહોલ ખચોખચ ભરેલ હતો. વિશ્વ વિખ્યાત જાદુગર કે. એસ. જોલી એક પછી એક શો કરીને પબ્લીકને મંત્રમુગ્ધ કરતો રહે છે.
બીજી હરોળમાં બેસેલ પાંચ વર્ષનો કેમલ એકધારી નજરે શો જોતો રહે છે.
જાદુગર કે. એસ. જોલીની ખાસ સ્પેશ્યાલિટી માણસને ગૂમ કરી ફરી લઈ આવવાની હોય છે. પટારામાં બંધ કરેલ પોતાના માણસને સ્ટેજમાંમાંથી કે ઝૂલા ઉપરથી ઉતરતા સામે આવતાં ખેલને જોઈને ! આવનાર પબ્લીક તાળીઓથી એ ખેલ વધાવીને જાદુગર કે. એસ જોલીને ખૂબ માન આપે છે.
જાદુગર હાથ ઊંચો કરી બધાંનો આભાર વ્યક્ત કરતા ઓચિંતા સ્ટેજ પર ચડતા કેમલ સામે નજર પડે છે.
અંકલ... અંકલ મારું એક કામ કરો ને...
બોલ બેટા શું કામ છે ? જાદુગર લાગણીસભર માઈક કેમલ સામે રાખી પૂછે છે.
"મારા પપ્પા આવી'જ એક પેટીમાં (કોફિન) બંધ છે, તમે એને પાછા લઈ આવો ને ! "
જાદુગર કંઈ બોલે એ પહેલા કેમલની મમ્મી રેહાન દોડતી કેમલનો હાથ પકડી સ્ટેજ પરથી ઉતારે છે. મારા પપ્પા.. મારા પપ્પાના અવાજથી આખો હોલ ગુંજી ઊઠે છે.
એક શબ્દ બોલ્યાં વગર જાદુગરની આંખમાંથી આંસુ સરી જાય છે.