વાર્તા - ગોધૂલી ટાણેની ઈચ્છા
વાર્તા - ગોધૂલી ટાણેની ઈચ્છા


વૃધ્ધાશ્રમમાં નવા આશ્રિત તરીકે શીતલ લથડતા પગે અને શુન્ય ચિત્તે પ્રવેશી. આગળ જ બગીચામાં રહેલ વ્હીલચેર પર બેઠેલ એક વ્યક્તિ સાથે નજર મળતાં જ એના પગલાં અને મન ત્યાં જ અટકી ગયા. એ તપન હતો. થીજેલાં પગ સાથે વ્હીલચેર પર બેઠેલ તપન!
એક ક્ષણમાં બંને ભૂતકાળમાં પહોંચી ગયા. જયારે બંને એ સૂરજ ચંદ્રની શાખે એકમેકનાં થવાના કરાર કરેલાં. પણ...જોજનો દૂર રહેલા સૂરજ ચંદ્રની શાખ કરતાં આસપાસ વસતા સમાજની ધાક વધારે અસર કરી ગઈ અને બંને છૂટા પડ્યા.
વૃધ્ધાશ્રમમાં બંને નું હોવું જ એકબીજાના જીવનને સમજવા પુરતું હતું. બંનેની કથા વ્યથા એક જ હતી. એ જ ઘડીએ શીતલ તપન ની અધૂરપની પૂરક બની ગઈ-એની સર્વ જવાબદારી પ્રેમથી પોતાના શિરે લઈને.
થોડા મહિના રહીને એક સાંજે બંને એ પ્રવેશ કર્યો તપનને વારસામાં મળેલા વતનના નાનાશાં ઘરમાં. બાકીની જીંદગી તપનનાં પેન્શન અને એકમેકના સહારે વીતાવવાના મનસુબા સાથે. એ સમય ગોધૂલીનો હતો-ઉગતા ચંદ્ર અને ડૂબતા સૂરજના સમન્વયનો સમય. જાકારો આપનાર સમાજનું તો હવે બંને ને મન કોઇ મહત્વ જ ન હતું. પોતાના ઘરમાં, એકબીજાના સાથમાં રહેવાની એમની ઈચ્છા આડે હવે કંઈ આવી શકે એમ નહોતું.