Kalpesh Patel

Drama Crime Thriller

5.0  

Kalpesh Patel

Drama Crime Thriller

વારસો

વારસો

8 mins
1.4K


        લય અધ્ધર શ્વાસે સુરેશની રાહ જોતો ઊભો હતો. માથેરાનથી ચીકુ શેઠનું ઓચિતું આગમન થયું ત્યારે જ એને કશીક ગંધ આવી ગઈ હતી. તરત એણે ઘનજીને ચીકુ શેઠની જાસૂસી સોંપી દીધેલી અને હવે તે ઈન્પુટની આતુરતાથી રાહ જોતો હતો.

        ધનજીને લયે ચીકુ શેઠના અમદાવાદના બંગલાના પાછળના દરવાજેથી ઘૂસવા કીધેલુંજેથી ચીકુશેઠ અને સોલિસિટર સવિતા નાણાવટી વચ્ચે થતી વાતચીત એ અક્ષરશઃ સાંભળી શકે.

        ધનજીને આવતાં મોડું થતું ગયું તેમ તેમ લયની વ્યથા અને મુંજારો વધતો ગયો. ચીકુ શેઠ વસિયતનામું કરવા માંગે છે એવી ગંધ તો એના "નાક બનેલા નાપાક કાને" મહિના પહેલા આવી જ ગઈ હતી ! પરંતુ કામ આટલી ઝડપે હાથ લેવામાં આવશે એમ એણે નહોતું ધાર્યુંઅને જ્યારે ચીકુ શેઠે આમ અચાનક સવિતા નાણાવટીને પોતાની પાસે બોલાવીઉપરાંત વધારામાં શેઠ પણ અચાનક માથેરાન છોડી અમદાવાદ દોડી આવ્યા ત્યારે આ મિટિંગ સામાન્ય ટેક્સ પ્લાનિંગ કરતાં કંઈક વધારે રહસ્યમય લગતી હતી. અત્યારે એને ચીકુ શેઠની માથેરાનની હવેલીના બટલર રામદિન ઉપર પણ ચીડ ચડી. એને આળસ કરી અને ચાર દિવસ સુધી ચીકુ શેઠને અફીણથી વંચિત રાખ્યા. તેણે ચીકુ શેઠને માટે રોજ પા તોલા અફીણનું ખરચ કરવાનું કહી રાખ્યું હતું. છતાં રામદિને વચ્ચે ગેપ પડ્યો ને શેઠનું સૂતેલું મગજ ચાલ્યું. રોજની પા તોલાની નિયત માત્રાનો જો તેને અમલ કર્યો હોત ! તો "ઘીના ઠામમાં ઘી" પડી રહ્યું હોત અને નબળી માનસિક હાલતમાં પોતે તેમનો એકમાત્ર ભત્રીજો હોવાના નાતે તેમનો વારસો મેળવવાનો હતો. ત્યારે આ વસિયતનામાનો ડખો પણ ઊભો થયો નહોત. વારસો મેળવી તેને આસાનીથી શેઠની નવી અને જૂનીને જીવાઈ પૂરતું પકડાવીને તગડી મેલી હોત. આશિયાના ઈન્ડસ્ટ્રીની ગાદી ઉપર તેની બિરાજી જવાની હાથમાં રહેલી બાજી ઊંધી ના વળત …!

        "ઓહ મારી સમરથ …!" લય આ ઉંમરે પણ તેની રખાત સમરથને યાદ કરતાં અનેરો રોમાંચ અનુભવી રહ્યો હતો.… સમરથ તેના સામ્રાજ્યની શેઠાણી બની બેઠી હોત. પોતે કાકાના આપ્યા ટાઢા ટુકડા ખાવાને બદલે જર-જમીન મહેલાતનો ધણી બનીને… પણ તેના નસીબમાં વિધાતાએ વૈતરું લખતા લખતાસુખ જ નથી લખ્યું.

        લય રોષભર્યો ઊભો ઊભો ફોન ઉપર રામદિનને ધમકાવતો હતો ત્યાં જ ધનજી આવી પહોંચ્યો અને ચીકુશેઠ અને સોલિસિટર સવિતા નાણાવટી વચ્ચે થયેલી વાતચીતનો સાર કહી સંભળાવ્યો.

        'એલાધનજી પણ શેઠને ક્યાંથી ખબર પડી કે તેમણે કોઈ અફીણ ઘોળી પાઇ રહ્યું છે ?' લયની આંખે હવે અંધારાં આવી ગયાં.

'હું એમાં શું જાણું આ તો વાત થાતી'તી એટલે મેં તમને કીધું.ધનજીએ ઉભડક જવાબ આપ્યો.

        લયનો જીવ તાળવે ચોંટ્યો. બધી જ બાજી ઊંધી વળી જતી લાગી ફરી એ રામદિન ઉપર રોષે ભરાયો. એણે પોતાની ફરજ બજાવવામાં ચૂક કરી એમાં જ આ ડખો ઊભો થયો ! ગેપ પાડ્યો ને શેઠનું મગજ ચાલ્યું ત્યારે જ વાત બહાર પડી ગઈ અને ચીકુશેઠ બધું નવીના નામ ઉપર ચડાવવા તૈયાર થયા ને ! પણ નાનાહજી કાંઈ મગ-ચોખા ભેગા નથી થઈ ગયા. વીલ થતાં પહેલાં જ આ ચીકુશેઠનો ઘડો લાડવો કરાવી નાખું તો સહુ હાથ ખંખેરતા રહી જશે અને તે નવી પણ ધોયેલ મૂળા જેવી પાછી જશે. એલા ઓ ધનજી પણ આ નવી કોણ તેનો તો ફોડ પાડ. અહીં પહેલીથી જ ચીકુશેઠને બે જોગણો તો વળગેલી છે અને તેમાં આ ત્રીજી.. ભાઈ માળું હાળું આ પૈસાનો ઇલમ જબરો.. આ સિતેરના શેઠનો મેળ આ ઉમ્મરે પણ પડે છે.!

        લય વિચારે છે કે હવે હુકમનું પત્તું ઉતરવાનો સમય છે. ત્યારે સ્ત્રી સંગના શોખીન આ ચીકુશેઠને નાથવા માટે તેની પ્રેમિકા સમરથથી બીજું ઉત્તમ અને ધારેલું નિશાન પાડનાર અસ્ત્ર કોણ 

        સમરથનું નામ યાદ આવતાં ફરી લય મનમાં મલકાઈ ઊઠ્યોપણ અત્યારે મલકાટને અનુકૂળ સમય નથી. એમ સમજી તરત એ સમરથને સમજાવા તેને કોઠે ઊપડ્યો.

        લય સમરથના કોઠે પહોચ્યો ત્યારે સમરથ એકલી બેઠી બેઠી તેની દીકરી સુલુના ભવિષ્ય અંગે વિચાર કરી રહી હતી. આખી જવાની આ કોઠે વીતાવી. હવે રોજ નિત નવા પડખા સેવવા મૂકીને લય જેવા ઊખડેલ ચીકુશેઠના ભત્રીજાની સંગતમાં રહી તેનો સુલુને ફાયદો મળશે કે કેમ એ અંગે સમરથ વિમાસણ અનુભવી રહી હતી. આજે તેનો ભાઈ રામદિન સરખો કમાતો હોત તો જરૂર આ અભાગીની દીકરીને યોગ્ય જગ્યાએ વળાવી- પરણાવી હોત અને આ કૂટણથી હંમેશા દૂર રાખી હોત.

        લય યાદ આવતાં સમરથ ધ્રૂજી ઊઠી. તેનો પાશવી સહવાસ જ્યારે જ્યારે યાદ આવતો ત્યારે ત્યારે સમરથના હૃદયમાં કોઈક ભૂતકાલીન ગુનાનો ડંખ ફરી જાગ્રત થતો. એવે સમયે એ એટલી તો ગભરાઈ ઊઠતી કે કોઈ કોઈવાર એ ડંખની વેદના ન જીરવાતા રડી પડતી. અત્યારે પણ એની છાતીમાં ડૂમો ભરાયો હતો. પણ ત્યાં તો સામેથી ખુદ લયને કસમયે આવતો જોતાં હૃદય ગભરાઈ ઊઠ્યું.

પણ એ ગભરાટને લયે આવતાવેંત ઉડાડી મૂક્યો.

        સમરથનેને નિરાશ જોઈને લયે એને હાથમાં ઉપાડી ને સોફા ઉપર બેસાડી. સમરથ,'અટાણે તો તારે ખુશીથી નાચવાનું છે એને બદલે તું આમ શોગિયું મો રાખી બેઠેલી છે ?

 'પણ વાત શી છે કાંઈ ખબર પડે ?' સમરથે પૂછ્યું.

        તારી સુલુ માટે બેંગલોરના વેપારીના દીકરાને પટાવ્યો છેબસ ચટ મંગની અને પટ વ્યાહ !

        'સુલુશું મારી એકલીની જ ?, ને તારે તેના સાથે કાંઈ લેવાદેવા નહિ એમ કે ?' સમરથે લયના વાક્યની ભૂલ સુધારી.

        બસ હવે ચૂપ રહીશ ?'હવે અટાણે ઘરણ ટાણે એની એ રેકડ ક્યાં વગાડે છે પગ આગળ જે સળગે છે એનું કરને પહેલાં !લય હવે રોષમાં આવી ગયો હતો.

        'પણ થયું શું ? સીધી વાત તો કર !'

        'હવે "સૂંથિયું ને સાવરણી"કાંઈ કામ નહિ આવે." સુમુબાઈ નાહી રહ્યાં. પકડો મંજીરાં અને વગાડો" ભેળો મનેય જોતરી દે એટલે વાત થાય પુરી !' કહીને લયે નિર્દય હાસ્ય વેર્યું.

        સમરથ એવી તો ડઘાઈ ગઈ કે હવે કશું વધારે પૂછવાના પણ એને હોશ ન રહ્યા. છેવટે લયે જ આગળ ચલાવ્યું :

        'હવે માદીકરી બેય જણાં એકેકું "રામપાતર " મારે સંગ હાથમાં લઈ લ્યો એટલે બટકું બટકું રોટલો માગવા થાય.'

        'ભગવાન કોઈને એવા દિ ન દેખાડે !સમરથે લયને મોઢે હાથ ધરી મનોમન પ્રભુને પ્રાર્થના કરી.

'ભગવાન તો નહીં દેખાડે એ પહેલાં તો તારો ભાઈ રામદિન જરૂર દેખાડી દેશે.!!!'

        'ભાઈ તો બીમાર છેએ બિચારાનો શું દોષ એ તો તારા હુકમનો એક્કો છે …'

        'તો સાંભાળ ખાઈપીને ખાટલે પડ્યા પડ્યા જ એનું મગજ ચાલતું બંધ થયેલું છેઆપણાં સારુ ખાડો ખોદી નાંખ્યો છે. માથેરાનથી ચીકુ શેઠને શું કામ અમદાવાદ આવી ચડ્યા છેએ જાણે છે ?'

        'એ તો એના ઇન્કમ ટેક્સના કામ માટે આવ્યો…'

        'અરે મૂરખી ! તુંભલે આ બંધ બારણાં પાછળના અજવાળે રહે છે તોયે દુનિયાના પ્રવાહથી તું હમણાં તો અમાસના અંધારે છે. ચીકુ શેઠ તેના વારસા હાટું વીલ કરી રિયા છેવીલ !. કુલઝપટ મિલકત આજકાલની નવી આવેલી માશૂકા મોનાને નામે…'

        'હેં ?' સમરથનો સાદ ફાટી ગયો. શું એ હવે વકીલ જોડે...?

        'હેં હેં શું કરે છે તારા કહેવાથી તારા ભાઈને સોંપ્યું ઈ કામ ટાણાસર ન કર્યું પછી આમ જ થાય ને બાઈડિયુને ભરોસે રે'વામાં સો ટકાની ખોટ.મારુ તો નામું લખી વાર્યું તમે ભાઈ બહેને !

        'પણ મેં તો તેને બરાબર સમજાવ્યું રાખ્યું હતું કે શેઠને નશાને રવાડે ચડાવાનો છે. પણ પેલી નવી મોનાડી શેઠને ખાટલે આવી બેઠી ને 'જમજેવી ચોકી કરતી હતી. એમાં મારો ભાઈ માર ખાઈ ગયો લાગે છે !'

        'ચોકી તો કરે જ ને તેની ગરાસ એમ થોડી લૂંટવા દેશે આપણાં અફીણીની દાવની એને ખબર પડી ગઈ છે.'

'હેં ?'

        'હા.' 'તો તો મારા તારે નામે રાતી પાઈ પણ વીલમાં નહીં ચડાવે.સમરથ ગળગળી થતી બોલી.

        'અરે ઓલી મોનાડી તો મને હાથમાં શકોરું આપીને તગડી મેલશે એના કારોબારમાંથી....'લયે લાગે જોઈ મમરો મુક્યો.

        'માના જણ્યા સગા ભાઈને આ બેનનું પેટમાં ન બળ્યું તો પછી એ પારકી જણી તો એમ કરે એમાં શી નવાઈ ? એનો ધોખો કરવો પણ શા કામનો ?…' સમરથનો અવાજ રડવા જેવો થતો ગયો.

        થોડીવાર મૂંગી રહીને એણે પૂછ્યું : 'હવે તારી શેતાની ખોપરીના કમાડ ખોલ અને આમાંથી તું હવે કોઈ ઉગારો બતાવલય ?'

        'હજીય અવસર ચૂક્યા મેહુલાજેવું કાંઈ નથી થ્યું ...લયે આશા આપી.

        'કાંઈક રસ્તો સુઝાડઆ વખતે બધો વહીવટ મારોચાલ કોઈ તરકીબ બતાવ... તો તારા જેવો ભલો ભગવાનેય નહિ....'

        'તારામાં આવડત છે, રૂપ છે અને ઘરડાને પટાવવાનો કસબબીજું શું જોઈએ. આ ત્રીજીને ટક્કર મારવા બસ તારા હથિયાર લઈ શેઠને લપેટમાં લઈ લેઅને નવી મોના અને જૂની બેય જોગણો પણ હાથ ખંખેરતાં ઊભી રિયે...'

        'કેવી રીતે પણ ?'

'હવે રહેવા દેવાતુરીત ને બીત. હજી વીલ થાતાં વાર લાગશે. એ પહેલાં તું ચાલુ થઈ જા. તારું ચરીતર લઈએક હાથમાં તારું જોબન રેઢું મૂક શેઠના હાથમાં અને બીજા હાથે અસલ પ્રોગામ પ્રમાણે નશો ચાલુ કરાવી લેતો ખેલ ખતમ.લયે બન્ને હાથની ચપટી વગાડીને 'ખતમ'નો અભિનય કરી બતાવ્યો.

'ઠીકહું હવે મેદાનમાં છુંમારી સુલુના ભલા હાટુહું હવે મેદાનમાં આવી છું એમ સમજી લેકામ હવે થઈ ગ્યું એમ સમજી લેજે.પણ જોજે સુલુનું બેંગલેર વાળું પાકું રાખજે.. સમરથે કહ્યું.

લયે વિચાર્યું કે હવે તીર નિશાને લાગેલ છે અને સમરથને બરોબર ચાનક ચડી છે. એણે પોતાનું કામ પાકું કરવા હજી વાત લંબાવી, બોલ્યો :

        'એ તો મોઢેથી બોલે એટલું જ, આવાં કામ કરવા સારુ તો લોઢાનાં કાળજાં જોઈએ લોઢાનાં'

        'લયમારું કાળજું લોઢાનું જ છે અને કલેજામાં સીસું ભરેલું છે, તું હજુ મને ઓળખતો નથી એમ લાગે છે'

        'આ કામ મારા હાથમાં છે અને આ વખતે કામ પતાવ્યા વિના તને ફરી મોઢું ન બતાવું સમરથે ખાતરી આપવાની કોશિશ કરી.

        આવા આકરા શપથ સાંભળીને લયને મજાક સૂઝી. બોલ્યો :

        'હં.. હં..  જોજે પાછી એવા ભારે નીમ લેતી નહીં. તારું મોઢું જોયા વિના તો હું જીવી કેમ શકીશ ?'

        'એલા હજુય ધરાયો નથી કે ? "ગલઢે ગઢપણહજી શરમાતો નથી ?' સમરથે મીઠો રોષ બતાવ્યો.

        'હું તો મારા મનની વાત કહેતો હતોલયે જતાં જતાં મર્મમાં કહ્યું"

સમરથ લયને ચોંટી પડી અને માદક હસી. તેને અંદરના રૂમમાં લઈ ગઈ....ટેબલે બેસાડયો. અંદરના રૂમમાં દાખલ થઈને એણે કબાટમાં ચારે બાજુએ આકર્ષક રીતે ગોઠવેલી વાઇનની બોટલો તરફ નજર નાંખી. આગળ રૂમમાં એક બાજુ પોતે પોતાના મોહપાશમાં જકડીને લયને ખેંચી લાવીતો બીજી બાજુ જિંદગીનું ઉત્તમ સુખ તેને શેમાં મળશે તે તેનું દિમાગ બેજાન ટકોરા પાડીને સૂચવી રહ્યું હતું. એ જોઈને મનમાં ને મનમાં બોલી ઊઠી : આ લોકોને મન જિંદગી એટલે શું અમુક રૂપિયાના ટુકડાથી ખરીદેલી ભાડાની પ્રીત કે તેનાથી બીજું વાઇન શોકેસમાંથી આવતી એક મિશ્ર ગન્ધ આ જિંદગીના પ્રતીકરૂપ એને લાગી.

        સમરથે શોકેસના અંદરના ભાગ તરફ નજર નાખી; એને અનેક પ્રકારની બોટલોને હારબંધ જોઈ  'નશેરીના જાણે કલ્પવૃક્ષ ઊભા ન હોય"!એ કલ્પવૃક્ષની છાયાની માયા એના પર ડોરો નાંખે તે પહેલાં એ દૂર સરી ગઈ. ડ્રેસિંગ ટેબલ ઉપર લિપસ્ટિક સરખી કરતા એણે બાજુના કબાટમાં એણે મોટા લાલ અક્ષરે લખાયેલો શબ્દ વાંચ્યો 'પોઇઝન' – ને એ કબાટની પાસે જઈને ઊભી રહી. એમાંથી એક શીશી એણે બહાર કાઢી ને કેવળ તેના ખોખા પરના ચિત્ર પર એની નજર ગઈ. એમાં સામાન્યથી ઉંદરને અનેક ગણા કદના ખંજરથી વીંધાતો દેખાતો હતો......એના લિપસ્ટિકવાળા હોઠમાંથી સીટી વાગી ગઈ.

        ....કેટલાય વર્ષ થયા હવે સીટી વગાડતા આવડ્યુંજે જોઈ સમરથ હસી પડી; એ મનમાં બબડીરે ફૂંક મારી મારીને કરડી ખાતા, 'લય', તારામાં અને 'ઉંદર'માં કોઈ ફરક નથી..! તને પટાવા હાટુ શેઠ પતાવું એના કરતાંતને પતાવી શેઠને જ... ના પટાવું.... ડ્રેસિંગ ટેબલના એનામાં જોઈ હોઠ કરડતા તે મન મૂકી હસી અને.... : જૂની વાઇનની બોટલ કાઢી ... પહેલા ઉંદર અને ખંજરવાળી બોટલમાંથી થોડું પ્રવાહી ગ્લાસમાં ટપકાવ્યું અને પછી તેમાં જૂનો વાઇન ભર્યોઅને ડ્રેસિંગ ટેબલે જઈ ફરી હોઠ ઉપર લાલ લિપસ્ટિકનો ઠઠારો સરખો કર્યો. અને ગ્લાસની કિનારીએ નાગણ બનેલી સમરથે તેના હોઠની છાપ પાડી આખરે.. લય પાસે મચલતી ગઈ ત્યારે..... લય તો હતો નહીં,...પણ... રૂમમાં સુલુને કોઈની સાથે રંગ રેલિયા કરતાં જોઈ ...દુનિયા વગર ઝેર પીધે ચક્કર ફરતી ભાળી.... હા પોતે 'લયને પટાવીસુલુને ચીકુ શેઠનો વારસો અપાવે તે પહેલા સુલુએ તેનો 'વારસોજાળવી લીધો હતો... સુલુએ દેહની હાટડી માંડેલી અને સુલુને જૂનો અને જાણીતો ઘરાક બોણી કરાવતો જોઈ..... હારેલી સમરથે આંખ બંધ કરીઅને એકી શ્વાસે ગ્લાસ ગટગટાવી ગઈ...!

        "દારૂનો નશો કરવો એ તબીયત માટે હાનિકારક છે"



Rate this content
Log in

Similar gujarati story from Drama