Mariyam Dhupli

Crime Inspirational Tragedy

4  

Mariyam Dhupli

Crime Inspirational Tragedy

વારસો

વારસો

7 mins
663


" શિવાંગી , તારી અને શેઠ પ્રતાપની આયુ વચ્ચે આભ અને ભોમ જેવડો તફાવત છે ..."

" અરે , શેઠ પ્રતાપ તો થોડા વર્ષમાં ૫૦નો આંકડો વટાવી જશે."

" ક્યાં તું ૨૮ ની, નાજુક , નમણી, સુંદર કાયા અને ક્યાં એ કદાવર , આધેડ શરીર ...."

" અરે શિવાંગી , એના માથાના વાળ પણ રહ્યા નથી હવે ...."

" ચાલો આયુ અને દેખાવને થોડા સમય માટે પડખે રાખી દઈએ , તો પણ શેઠનો રંગીલો સ્વભાવ આખું ગામ સારી પેઠે જાણે છે ..."

" એની રાસલીલાઓ કોઈથી છુપી ક્યાં છે ? ફૂલની પાછળ ભમરો ને રૂપની પાછળ પ્રતાપ શેઠ ."

" એની દારૂ અને રૂપની લત જ તો છે , જેને લીધે આજ સુધી કુંવારો રખડે છે. "

" આખા ગામમાં એના લગ્નની માંગણીઓ એક ઘરથી બીજે ઘર વર્ષોથી રખડી રહી છે, પણ કયા ભલા ઘરના લોકો પોતાની કુળ લક્ષ્મીને પ્રતાપ શેઠના નર્કમાં ધકેલે ?"

" જ્યાં સુધી એની મા જીવી ત્યાં સુધી એના કાળા ધંધાઓ સંતાકૂકડી સમા ચાલતા રહ્યા . પણ જેવી ડોસીએ દુનિયા છોડી કે હવેલીનો ખુલ્લો સાંઢ બની છૂટ્યો છે. "

" ના રે ના, એવા ચરિત્રવિહીન પુરુષ જોડે જીવન ન નિભાવાય . એના કરતા અમારી દીકરી આજીવન ઘરમાં કુંવારી બેસી રહે તો ભલે. "

" શિવાંગી તું જેના લગ્નપ્રસ્તાવને હા પાડવા વ્યાકુળ થઇ ઉઠી છે , શું એની જીવનશૈલીથી તું પરિચિત નથી ?"

" શિવાંગી, આંખો ઉઘાડી રાખી કુવા માં ન કુદાય. એ તો આત્મહત્યાજ કહેવાય વળી . "

બધાએ જ મને બહુ સમજાવી હતી. માતા ,પિતા , ભાઈ,સખીઓ ,આડોશપાડોશનાં શુભચિંતકો અને સાચું કહું તો ગામના દરેક સજ્જને.

પ્રતાપ શેઠ જોડે લગ્ન કરવાની હું સહમતી ન આપું એ માટે દરેકે, દરેક રીતે મને સમજાવવા પ્રયાસો કર્યા હતા. પરંતુ એ બધાના પ્રયાસો ઉપર હું ઠંડુ પાણી રેડી , લગ્નના સાત ફેરાઓ ફરી,પ્રતાપ શેઠની જીવન સંગીની બની ,જીદ્દ અને મક્કમ હૈય્યા જોડે આપની નજર સામેની આ અતિ વિશાળ હવેલીમાં ખુશી ખુશી પ્રવેશી આવી હતી.

૨૮ વર્ષની આયુ અને યુવાનીની તાજગી. સૌને થયું કે એ મારો અપરિપક્વ જીવન નિર્ણય હતો. મારી યુવાન દ્રષ્ટિ મારા અને પ્રતાપ શેઠ વચ્ચેના બમણા ઉંમર ભેદને નિહાળવામાં તેમજ પ્રતાપ શેઠના શોખીન વ્યક્તિત્વ અને રંગીલા ચરિત્રને ઓળખવામાં થાપ ખાઈ બેઠી હતી, પણ તેઓ ક્યાં જાણતા હતા કે મારી દ્રષ્ટિ તો અન્ય કશેજ હતી.

શેઠની આધેડ આયુ, શરાબ, દારૂની લત. મા અને બાપુનો સ્વર્ગવાસ. એકના એક ધનવાન, લાડકા નબીરાના નામ ઉપર લાખોની મિલ્કત. સ્વર્ગ જેવી હવેલી. નોકરચાકર અને ગાડીઓ. ઘરેણાઓની રેલમછેલ. શેઠ હજી જીવે તો પણ કેટલા વર્ષ ? થોડા વર્ષોની ધીરજ અને કાલે ઉઠી શેઠ દેહ ત્યાગે ત્યારે એમનો અઢળક ' વારસો ' કોનો? હા ,હા ,હા. સાચી વાત. એમની એકની એક ધર્મ પત્ની એટલે કે મારો. જ્યાં સૌની દ્રષ્ટિ શેઠની કુટેવો ઉપર મંડાઈ હતી ત્યાં મારી ચાલાક નજર મંડાઈ હતી શેઠના વારસા ઉપર, તદ્દન માછલીની આંખ ઉપર જડાયેલી અર્જુનની ધ્યેયબઘ્ધ નજર સમી.

મારા જીવનની નિયતિ મારા હાથે લખાઈ હતી. મારુ ભવિષ્ય મારા નિર્ણયોમાં સુરક્ષિત હતું. હું મારી ખુદની ભાગ્યવિધાતા હતી. મારા જીવનનો નકશો મેં જાતે ચીતર્યો હતો અને એના દરેક સ્થળો અને દરેક વાળાંકો સંપૂર્ણપણે મારા નિયંત્રણમાં હતા.

હવે ફક્ત રાહ જોવાની હતી. તદ્દન ધીરજ અને ધૈર્ય જોડે. પ્રતાપ શેઠના મૃત્યુની. હું એજ તો કરી રહી હતી. પરંતુ એ રાહ જોડે એક અપેક્ષા વિહીન વાયરો જીવનમાં તુફાન સમો ધસી આવ્યો અને મારા જીવનના નકશામાં પોતાનું સ્થાન મૌનપૂર્વક ખોજવા લાગ્યો. હું ક્યારે એ વાયરાના વહેણમાં વહી ગઈ,એ જાણી પણ ન શકી. પ્રેમનું વહેણ હોય છે જ એવું. સમયવિહીન, નિશ્ચિતતા વિહીન, યોજના વિહીન. અચાનકથી ફૂંકાય છે ને હય્યાને સાથે ઉડાવી લઇ જાય છે ...

પ્રતાપ શેઠનો યુવાન મિત્ર વરુણ. ઉંમર મારી સહ આયુ કહી શકાય એટલી. પ્રતાપ શેઠ જોડે એનું હવેલીમાં નિયમિત જવું- આવવું . ક્યારેક શિકાર કરવા ભેગા નીકળવું તો ક્યારેક હવેલીના પ્રાંગણમાંજ બન્ને મિત્રો વચ્ચે કલાકો સુધી ચાલતું ચેસનું યુદ્ધ. જયારે- જયારે મિત્રોની મદિરા સભા જામતી ત્યારે એ માટેની તમામ સગવડ મારે હીસ્સેજ તો આવતી. પ્રતાપ શેઠ એમના જામમાંથી નશો ગ્રહણ કરી લેતા જયારે અમારી યુવાન નજરો પ્રતાપ શેઠની સભાનતાની ગેરહાજરીનો લાભ ઉઠાવતી નશાની અદલાબદલી કરી લેતી.

ધીરે ધીરે એ નજરોના જામ એકલતામાં શબ્દોના સ્વરૂપમાં પરિવર્તિત થવા લાગ્યા. ઔપચારિક વાતોથી શરૂ થયેલી ભાવનાઓ અવનવી લાગણીઓના રંગે રંગાવા લાગી. એકમેક તરફનું આકર્ષણ વીતતા સમય જોડે ચરમશિખરને સ્પર્શી રહ્યું.

હવેલીના મુખ્ય દ્વાર તરફ તકાઇ રહેતી મારી આંખો વરુણની રાહ શા માટે નિહાળતી? જયારે એ નજરની સામે આવી ઉભો રહેતો ત્યારે શરમથી કશે છુપાઈ જવાનું મન કેમ થઇ ઉઠતું? એ થોડા દિવસ સુધી હવેલી ઉપર ન

આવે ત્યારે એની ચિંતામાં આખી આખી રાતના ઉજાગરાઓ કેવા? એની આંખ જોડેના સ્પર્શ માત્રથી આખા શરીરમાં કંપારીઓ શા માટે ફરી વળતી? એની આસપાસ કે પડખે રહેવા માત્રથી સંપૂર્ણ હોવાનો એ અનુભવ કેવો

વિચિત્ર ! એના શરીરની સુવાસ મારા તનમનમાં કઈ રીતે અનુભવાતી? શું આજ પ્રેમ કહેવાય?

પ્રશ્નો અગણિત હતા પણ ઉત્તર એક પણ નહીં. વરુણના જીવનમાં પ્રવેશ્યા પછી ખબર નહીં કેમ, મારુ જીવન લક્ષ્ય વિખરાવા લાગ્યું. માછલીની આંખ ઉપર જડાયેલી દ્રષ્ટિ જાણે કોઈ નવી દિશા તરફ વળવા લાગી. જ્યાં ધન, સંપત્તિ કશાનું મહત્વ ન હતું. દૂર દૂર સુધી ફક્ત લાગણીઓ અને ભાવનાઓનુંજ આધિપત્ય હતું. એ આધિપત્ય દ્વારા મારુ બાહ્ય જગત બદલાઈ રહ્યું હતું કે પછી હું જાતેજ? ખબર નહીં? જેવું હું વરુણ માટે અનુભવી રહી હતી,શું એ પણ મારા માટે એવોજ સમાન ભાવ અનુભવી રહ્યો હતો ?

સાચું કહું તો હું કશું જાણતી ન હતી . પણ હા , હવે પ્રતાપ શેઠનું અસ્તિત્વ મનને ઊંડું ખૂંચી રહ્યું હતું. મારા અને વરુણ વચ્ચેની એક અભેદ દીવાલ! એમના મૃત્યુ સુધી ધરવાની ધીરજ કે રાખવાનું ધૈર્ય હવે વધુ ને વધુ કઠિન બની રહ્યું હતું. જ્યાં સુધી એ આધેડ શરીર જીવતું રહેશે ત્યાં સુધી વરુણ અંગેનો કોઈ પણ વિચાર કે નિર્ણય એક ડગ પણ આગળ વધશે નહીં. એ વિચારથી જ મન ખિન્ન થઇ ઉઠતું. જે કુટેવોથી મારા વ્યવહારુ હૃદયને કશો ફેર પડતો ન હતો હવે પ્રતાપશેઠની એ દરેક કુટેવ પર ભારોભાર તિરસ્કાર છૂટવા લાગ્યો હતો. એમનું અસ્તિત્વ મારા ભવિષ્યની ખુશીઓ ઉપર સર્પ જેવું જડાઈ બેઠું હતું.

મારા ભવિષ્ય નિર્માણ અંગેનું નિયંત્રણ ડગમગી રહ્યું હતું. મારા જીવન નકશામાં કશો મોટો અપરાધિક ફેરફાર લેવાનો સમય આવી ચુક્યો હતો. નિયતિને ફરીથી વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવી પડશે, એ નિયતે મારુ મગજ જાતજાતની યુક્તિઓ અને યોજનાઓ ઘડવાનું શરૂ કરી ચૂક્યું હતું. એવું શું કરાય કે પ્રતાપ શેઠનું મૃત્યુ શીઘ્ર નજીક ખેંચી લવાય? જમણમાં વિષ ભેળવી, નશાની હાલતમાં ગળું ઘોંટી કે કોઈની પાસે પૈસા ચૂકવી.....

પણ એ બધી યોજનાઓ કે યુક્તિઓ અમલમાં મૂકી મારો હાથ ખરડાય એ પહેલાજ નિયતિ એ જાતે જ એક મોટો વળાંક લીધો. પ્રતાપ શેઠ જીવલેણ માંદગીમાં પટકાયા. દિવસે દિવસે એમની પરિસ્થતિ વધુ વણસતી ગઈ.

મારું અંતર વિશ્વ્ ખુશીથી ઝૂમી ઉઠ્યું. વરુણની દુલહન બનવાના, હવેલી અને પ્રતાપ શેઠનો સમગ્ર વારસો મેળવી લેવાના મારા બન્ને જીવન સવ્પ્નો એકીસાથે મારી નજર આગળ હકીકતમાં પરિવર્તિત થતા હું સ્પષ્ટ જોઈ રહી. મારી ખુશી સાતમે આકાશે હતી. હવે બહુ સમય ન હતો. ફક્ત થોડા દિવસો હજુ ધૈર્ય. પ્રતાપ શેઠની આંખ મીંચાય અને મારુ સ્વતંત્ર જીવન મારા ખોળામાં.

હા, થોડાજ દિવસો તો થયા અને પ્રતાપ શેઠે આંખો મીંચી દુનિયા છોડી. સાથે સાથે પોતાનો અઢળક વારસો પણ ફક્ત અને ફક્ત મારા નામે છોડી ગયા.

આજે અતિવિશાળ હવેલીના આ પલંગ ઉપર અછૂત બની પડેલું મારુ શરીર જયારે તમને આ આખી હકીકત સંભળાવી રહ્યું છે ત્યારે મારા જીવનમાં ન પ્રેમ છે, ન ખુશી, ન વરુણ, ન સુખ, ન સ્વાસ્થ્ય.

મારા જીવનનો નકશો હવે મારા હાથમાં નથી, ન કદી હતો. એ મારા મનનો વ્હેમ, મારું આંધળું અભિમાન કે મારા અંતરની માત્ર ભ્રમણા જ તો હતી. માનવી જે જાતેજ ભાગ્યના હાથની કઠપૂતળી છે, એ પોતાના જીવનના તારોનું નિયંત્રણ ક્યાંથી જાળવી શકે? જેને પોતાના જીવનના ભાગ્ય અંગે શૂન્ય જ્ઞાન હોય એ વળી ભાગ્યવિધાતા ક્યાંથી બની શકે? જેનું જીવન અને મૃત્યુ એના પહોંચની બહાર હોય એ પોતાની નિયતિ ઘડવાની હેસિયત કેમ ધરાવી શકે ?

આજે મારી પાસે બધુજ છે છતાં કશું નથી. મારુ શરીર ક્ષણ ક્ષણ વેદના અને પીડાથી વીંધાય રહ્યું છે. કર્મોનું હથિયાર અવિરત પડછાયા સમું મારા અશક્ત અસ્તિત્વ ઉપર મંડાઈ રહ્યું છે. સમયનું દરેક બિંદુ મને મૃત્યુ નજીક ઝડપથી લઇ જઈ રહ્યું છે. બધુજ સમાપ્ત થઇ ચૂક્યું છે.

કશું બાકી રહ્યું છે તો એ મારા માટે પ્રતાપ શેઠે છોડેલો પોતાનો 'વારસો '....આ કિંમતી હવેલી, મોંઘા ઘરેણાઓ, નોકરચાકર, ગાડીઓ, ઢગલો ધન અને 'એચ આઈ વી વાયરસ'.........


Rate this content
Log in

Similar gujarati story from Crime